સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્વીમીંગપુલની સપાટી – એક અવલોકન

       સ્વીમીંગપુલના કાંઠે હું ઉભો છું. નીર્મળ કાચ જેવી તેની સપાટીમાંથી છેક નીચેના તળીયાનો પટ ચોખ્ખો દેખાય છે. અંદરની પાઈપમાંથી આવી રહેલા પાણીના પ્રવાહને કારણે, અને થોડી ઘણી હવાની અસરને કારણે થતી, સાવ નાનકડી લહરીઓ સીવાય પાણીની સપાટી સાવ શાંત છે.

       અને હું પહેલું પગથીયું ઉતરી પાણીમાં પગ મુકું છું. અને વમળો શરુ. જેમ જેમ હું પાણીમાં વધારે ઉતરતો જાઉં છું તેમ તેમ આ વમળો વધતાં જાય છે. હવે હું તરવાનું શરુ કરું છું; અને વમળો મોજાં જેવાં તીવ્ર બની જાય છે. મારી નજર પુલના તળીયા પર પડે છે. જે સાવ સ્પષ્ટ દેખાતું હતું; તે તળીયામાં વમળો અને મોજાઓનાં પડછાયા દેખાવા માંડે છે. તેજસ્વી અને આમ તેમ ઘુમરીઓ ખાતાં પડછાયા ! એને બીજું નામ પણ શું આપવું? આ તો પાણીનાં વમળ અને મોજાંના પડછાયા !

       હું એક લંબાઈ પુરી કરી પાછો ફરું છું. ત્યાં એક છ ફુટ ઉંચો અને પહાડી કાયા ધરાવતો યુવાન પાણીમાં ડુબકી મારીને તરવા પડે છે. એક મોટું મોજું આકાર લે છે. પણ તે ભાઈ તો પાણીની અંદર તરનારા છે. એ તો પાણીની અંદર રહીને જ પેલે પાર પહોંચવાની ક્ષમતા ધરાવે છે. અને ઘડીકમાં એ મોટું મોજું શાંત પડી જાય છે. એમની વીશાળ કાયા અને તેમનો તરવાનો તીવ્ર વેગ પાણીની સપાટીને વીક્ષુબ્ધ નથી કરતાં.

       મારી નજર હવે મારી બાજુમાં, પુલની દીવાલની મ્હાલીપા આવેલા, પાણી અંદર લાવવાના, કાણાં પર પડે છે. પાણીનો જોરદાર પ્રવાહ અંદર આવી રહ્યો છે. પણ થોડેક દુર સુધી – માંડ એકાદ ફુટ સુધી જ તેની અસર હાથને વર્તાય છે. પછી તે તો જળરાશીમાં સમાઈ જાય છે – એકાકાર બની જાય છે. તેની હાજરી સહેજ પણ વર્તાતી નથી.

માંહી પડ્યા તે મહાસુખ માણે , દેખણહારા દાઝે જોને.

      આપણું મન પણ આ પુલની સપાટી જેવું જ છે ને? સહેજ અણસાર થયો, અરે! એક નાની અમથી કાંકરી જેવો વીચાર કે સંજોગ આવ્યો અને વમળો – મોજાં શરુ. બધું ખળભળી ઉઠે. પારદર્શક શાંતી ક્યાંય ન ભળાય. અરે અંતસ્તલમાં ય એ હંધાંય પડછાયા પાડ્યાં જ કરે. અંદર સર્જાતા પ્રવાહો, ચીંતનો પ્રમાણમાં ઘણા શાંત હોય છે – એ અંતસ્તલને ખલેલ નથી પાડતા.  જે અંદરના મનોરાજ્યમાં ભળી જાય, એની સાથે એકાકાર બની જાય; તેના મનની સમતા જળવાઈ રહે છે.

      પણ એમ કહે છે કે, સ્થીતપ્રજ્ઞની ચૈત્ય અવસ્થા તો આનાથી પણ વધુ સમતાવાળી હોય છે. તેનું મન તો બહારથી થતા કાંકરીચાળા જેવા વીકારો –  અરે ! ઝંઝાવાતો હોય તો પણ સ્થીર રહે છે. એની સમતા, તુટી જાય એવા કાચની સપાટી જેવી જડ નથી હોતી. તે પાણીની જેમ અત્યંત સંવેદનશીલ હોવા છતાં પણ તેમાં કોઈ પ્રતીક્રીયા થતી નથી. એ અવસ્થામાં વ્યક્તી સતત સમતામાં જ રમમાણ હોય છે. એને પેલા કુશળ તરનારાની જેમ અંદર ડુબીને, એકાકાર બનીને પેલે પાર જવાનું પણ નથી હોતું. એવી અવસ્થામાં બહાર, અંદર, ક્રીયા, પ્રતીક્રીયા, તરવું, ડુબવું એવા કોઈ ભેદ રહેતા નથી.

       આવું આ યાત્રાનો પ્રવાસ કરી ચુકેલા કહે છે.

3 responses to “સ્વીમીંગપુલની સપાટી – એક અવલોકન

  1. Chirag Patel મે 29, 2008 પર 10:30 એ એમ (am)

    स्थीतप्रज्ञना लक्षणो अने भाषा बन्ने अहीं देखाया!

  2. Pingback: સ્વીમીંગ પુલમાં | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?