ગદ્યસુર

આજનો સુવીચાર

May 30, 2008 · Leave a Comment

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર – 8

માણસોમાં રહેલી સારપને જુઓ અને તેમને મદદ કરો.

હું માણસોના સારા ગુણો જ જોઉં છું.
હું પોતે દોશોથી પર નથી,
માટે બીજાના દોશો જોવાનું વીચારી ન શકું.

Categories: સુવીચાર

સુધાકરે શું કર્યું?

May 30, 2008 · 15 Comments

      પ્રોફેસર હેન્રીચે નીરાંતનો દમ લીધો.

     સ્વીટ્ઝરલેન્ડથી મુંબાઈની …… યુની.માં એકાદ મહીના પહેલાં એ વીઝીટીંગ પ્રોફેસર તરીકે આવ્યા હતા. એક જ વીષયના અભ્યાસી હોવાના નાતે અને સ્વભાવનો મેળ પડવાને કારણે આટલા ટુંકા ગાળામાંજ પ્રોફેસર સુધાકર સાથે તેમની ગાઢ મીત્રતા થઈ ગઈ હતી. બન્ને ઘણી વખત સાથે ફરવા જતા. પોતે એક સારા અને સાચા ખ્રીસ્તી હોવાનો હેન્રીચને ગર્વ હતો. મધર ટેરેસાએ દરીદ્રનારાયણની કરેલી સેવાથી તેઓ ઘણા પ્રભાવીત હતા. ભારતમાં ગરીબોની હાલત જોઈ તેમને ઘણું દુખ થતું. પોતે આ બાબતમાં શું કરી શકે તેનો હમ્મેશ તેમને વીચાર આવ્યા કરતો.

      અને એક દીવસ તેમને આ બાબતમાં આગળ ધપવાનો મોકો મળી ગયો. તે દીવસે સુધાકર સાથે તેઓ મુંબાઈના ….. વીસ્તારમાં ચાલવા નીકળ્યા હતા. શ્રીમંત અને ઝાકઝમાળ વીસ્તારોની પાછળ આવેલી એક ઝુંપડપટી તરફ બન્નેના પગ ઉપડ્યા. ગંદકીના ઢગલે ઢગલા ચારે બાજુ દેખાતા હતા. માથું ફાડી નાંખે તેવી બદબુથી બચવા બન્નેએ નાકે હાથ દઈ દીધા હતા.

      ત્યાં એક બાઈનો ઉંચા સાદે અવાજ સંભળાયો. મરાઠીમાં તે પોતાની દીકરીને વઢી રહી હતી. હેન્રીચને જાણવાનું મન થયું કે, શી બાબત હતી. તેણે સુધાકરને પુછ્યું. સુધાકરે તેને જણાવ્યું કે, છોકરીથી પાણીની બાલટી ઢોળાઈ ગઈ હતી; માટે તે ગુસ્સે થઈ હતી.

       હેન્રીચે કહ્યું :” એમાં શું? દીકરી હવે ઉમ્મર લાયક છે. નળ ઉપર જઈને ભરી આવે.”

     સુધાકર : “ અરે! હેન્રીચ. અહીં ક્યાં કોઈ નળ જ છે?”

      હેન્રીચ : “ અરે! આટલી બધી વસ્તી અને પાણીનો નળ જ નહીં?”

      સુધાકર : “ આ બધી વસ્તી ગેરકાયદેસર છે. જમીનના માલીકને જ પાણીનું કનેક્શન મળે. અને તે પણ મોટી રકમ આગોતરી ચુકવે તો. ”

        હેન્રીચ : “દોસ્ત, સુધાકર! ચાલ આ માટે હું રકમની વ્યવસ્થા કરીશ. થોડા હું આપીશ અને બાકીના સ્વીટ્ઝરલેન્ડના મારા જેવા વીચારો ધરાવતા મીત્રો પાસેથી એક્ઠા કરીને તને આપીશ. પણ આટલી બધી વસ્તીને પુરતું થાય એટલું પાણી અને એટલી સંખ્યામાં નળ નંખાવા જોઈએ. આ બાઈ અને તેની દીકરી જેવી બધી દુખીયારીઓ માટે આટલું નાનું કામ થશે તો મને ટાઢક થશે.”

        સુધાકર તો તેના આ ઉદાત્ત વીચાર ઉપર ફીદા થઈ ગયો.

        બીજા દીવસે સુધાકર એક પ્લમ્બરને ત્યાં લઈ ગયો; અને મ્યુનીસીપાલીટીની મેઈન લાઈનથી પાણીનો પાઈપ અને ત્રણ ચાર ઠેકાણે નળ નાંખવા માટેના ખર્ચનો અંદાજ આપવા કહ્યું. પ્લમ્બરભાઈ તો મચી પડ્યા. આટલું મોટું કામ મળવાની આશામાં તેમનું તો મોં પહોળું થઈ ગયું. બધે ફરીને સાંજે તેમણે સુધાકરને ઘેર જઈ, 50,000 રુપીયાનો અંદાજ પણ આપી દીધો. બીજા દીવસે સવારે કોલેજમાં હેન્રીચને આ માહીતી આપશે ત્યારે હેન્રીચ કેટલો ખુશ થઈ જશે; એ ખયાલથી સુધાકરનું મન પ્રફુલ્લીત બની ગયું. તેણે પોતાની પત્નીને આ વાત કરી. પણ એ બાઈને આ વાત કાંઈ જામી નહીં. સ્ત્રીની છઠ્ઠી ઈન્દ્રીય કોને કહેવાય?

       એ કહે, ” તમે બન્ને પ્રોફેસર છો – પ્રોફેસર. આમાં તમારું કામ નહીં. કોંગ્રેસ, શીવસેના કે ભાજપના કાર્યકરનું આ તો કામ. તમે એ કરી રહ્યા.”

      સુધાકરને પત્ની પર ગુસ્સો આવ્યો. અને ત્યાં જ ફોનની ઘંટડી રણકી.

      સુધાકરે ફોન ઉઠાવ્યો. સામેથી તોછડી ભાષામાં કોઈ બોલ્યું ,” અબે, પ્રોફેસર! અપુનને સુના હૈ કી તુમ ચાલીમેં પાનીકા પાઈપ લાવણેવાળા હૈ. ક્યા યે બાત સચ હૈ?”

       સુધાકર તો ખુશીમાં કુદી પડ્યો. વાહ! પબ્લીકને પણ આ મહાન કામની ખબર પડી ગઈ. તેને પત્નીની મુર્ખતા પર હસવું આવ્યું અને પોતાની મુસ્તાકી પર ગર્વ. તેણે તો ખુશીના માર્યા હા પાડી.

       અને ત્યાં સામેથી બોમ્બ ધડાકો થયો. “ તેરી સાન ઠીકાને હૈ કી, નહીં? યે સબ ફાલતુ બકવાસ બંદ કર, ઔર તેરી ચોપડી સમાલકે બેઠ.”

        સુધાકર ,” અરે , તમે કોણ છો? તમારે તો ખુશ થવું જોઈએ. “

        સામેથી ,” દેખ, પ્રોફેસર ! મૈ … દાદા હું. વો ચાલી મેરે ટેન્કરકા પાની પીતી હૈ. અગર તુ યે પાઈપ લાયા તો મેરા ટેન્કર બંદ કરાનેકા તેરા ઈરાદા હૈ? તેરા થોબડા તુડવાનેકી ઉમ્મીદ રખતા હૈ? યા ફીર તેરે શાહજાદેકી ટાંગ તુડવાની હૈ? ”

        સુધાકર શું બોલે? માત્ર તેને પોતાની પત્નીની સુઝ પર અનહદ માન ઉપજ્યું અને ચાલીવાળી પબ્લીક અને હેન્રીચ માટે દયા.

………………..

        ટમ્પા-ફ્લોરીડા પાસે આવેલા ગેઈન્સવીલેના ડો. દિનેશ શાહ આજે ડલાસ આવી રહ્યા છે; ત્યારે તેમણે  જણાવેલી; આપણા ચીત્તને હતપ્રભ કરી નાંખે તેવી આ સત્યકથા પ્રકાશીત કરું છું.

          ડો. દિનેશભાઈ શાહ  મોલેક્યુલર બાયોલોજી ના તજજ્ઞ તો છે જ. પણ માનવતાથી, કરુણાથી છલકાતા નખશીશ સજ્જન પણ છે. આ વાત તેમણે મને બહુ હ્રદયદ્રાવક સંદેશામાં જણાવી હતી. આવી અગણીત કથાઓ ભારતમાં દરરોજની ઘટના છે, તે આપણે જાણીએ છીએ? અને જો જાણતાં હોઈએ તો કેમ આપણા પેટનું પાણીય હાલતું નથી?

         હવે તમે જ કહો. સુધાકરે શું કર્યું હશે?  આવતા શુક્રવારે વીવીધ શક્યતાઓ રજુ કરવામાં આવશે; અને સુધાકરે ખરેખર શું કર્યું તે પણ…  

          તમારા વીચાર જણાવશો તો આનંદ થશે. 

Categories: સત્યકથા · સુરેશ જાની