ગદ્યસુર

Entries from June 2008

આજનો સુવીચાર

June 30, 2008 · Leave a Comment

બહારના સંજોગો અને પરીસ્થીતી
મુલ્યોને ઢાંકી રહ્યાં હોય;
તો પણ 
તેમાંથી તે શોધી કાઢવા પ્રયત્ન કરો.
 હમ્મેશ યાદ રાખો કે, 
મુલ્યો જરુર અસ્તીત્વ ધરાવે છે;
અને તમે તે શોધી કાઢવા શક્તીમાન છો જ.

- રાલ્ફ માર્સટન

Categories: સુવીચાર

બાયો મીમીક્રી

June 30, 2008 · 8 Comments

      મને આનો કોઈ ગુજરાતી પર્યાય ન સુઝ્યો એટલે એમને એમ જ આ શબ્દ વાપરું છું.

      યુરોપીયન હાઈ રેનેસાંની કલા અને વીજ્ઞાનના ક્ષેત્રે, જગતને અનેક દેણ છે. એની વાત ફરી કોક વાર. પણ એ પ્રક્રીયામાંથી નીપજેલ જ્ઞાન, વીજ્ઞાન અને ટેક્નોલોજીની ચીરંતન ભુખમાંથી જન્મેલ, એક નવા જ શાસ્ત્રની આ વાત છે. શુધ્ધ વીજ્ઞાન અને ટેક્નોલોજી વચ્ચેના સંવાદમાંથી નીપજેલ જ્ઞાનની આ એક નવી શાખા છે.

      વપરાશકારને જરુરી ચીજો બનાવનાર ઉદ્યોગ હમ્મેશ એવું કાંઈક નવું શોધવા પ્રયત્ન કરતો રહ્યો છે કે, જેથી વપરાશ કરનારને સુવીધા મળે. વધુ ઉપયોગી ચીજની સતત શોધ અને તે માટેની હરીફાઈમાં એક મહત્વનું પરીમાણ આ શાસ્ત્રે ઉમેર્યું છે. રીડર્સ ડાયજેસ્ટનો … નો અંક વાંચતાં મને આની ખબર પડી.

     જ્ઞાનની આ શાખાનો પાયાનો સીધ્ધાંત એ છે કે, કુદરતમાં જીવસ્રુશ્ટી અનેક વીપરીત સંયોગો વચ્ચે પોતાના અસ્તીત્વના સંઘર્શમાં ટકી રહેવા પ્રયત્ન કરે છે. આમ કરતાં એમની શરીર રચના એવા એવા રુપ ધારણ કરે છે કે, જેનાથી તેની વાતાવરણ અને પર્યાવરણ વચ્ચે ટકી રહેવાની ક્ષમતા વધે છે. વપરાશકારને જરુરી ચીજો બનાવતાં વીજ્ઞાનીઓ/ એન્જીનીયરો/ ડીઝાઈનરોનેદ સજીવ સ્રુશ્ટીનો અભ્યાસ હોતો નથી. જ્યારે આવા તજજ્ઞોને પોતાનું જ્ઞાન આ સંદર્ભમાં વાપરી શકાય તેનો ખ્યાલ આવતો નથી અને તે અંગેની તકનીકી જાણકારી તેમની પાસે હોતી નથી.

     બાયો મીમીક્રીમાં આવા તજજ્ઞોને ભેગા કરી; પ્રાણી/ વનસ્પતીનો અભ્યાસ કરી; એવી નવી બનાવટો વીકસાવવાનો ઉદ્દેશ્ય હોય છે કે, જે વાપરનારને આ નવી ક્ષમતા પુરી પાડે છે.  1997માં જેનીન બેન્યસે લખેલ પુસ્તક “Biomimicry: Innovation Inspired by Nature” (ISBN 0-06-053322-6) આ શાસ્ત્રનું પહેલું પુસ્તક છે. તેમાં તે લખે છે કે, ‘પ્રુથ્વીના આ ગ્રહ ઉપર અનેક સજીવો કરોડો વર્શથી કુદરત સાથે તાલ મીલાવી પોતાનું જીવન જીવવાની રીત વીકસાવી રહ્યાં છે. આપણે માટે આ બહુ જ ઉપયોગી ઉદાહરણ અને જ્ઞાન પુરું પાડે છે.’

     આનો ઉંડાણથી અને આ અભીગમથી અભ્યાસ કરવામાં આવે તો, ઘણી નવી બનાવટો વીકસાવી શકાય; જે માનવ સુવીધાઓને વધુ ઉપયોગી બનાવી શકે.

     ચાલો આવી બનાવટોના થોડાક દાખલા જોઈએ.

  • પ્રોજેક્ટ TERMES (Termite Emulation of Regulatory Mound Environments by Simulation)માં સહરાના રણમાં જીવતી ઉધાઈનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સહરાના રણમાં ઉશ્ણતામાન રાતના 3 અંશ સે, (35 અંશ ફે.) થી મધ્યબપોરના 45 અંશ સે. ( 104 અંશ ફે.) સુધી દરરોજ બદલાતું રહે છે. આવી જગ્યાએ લાખો વર્શોથી જીવતી ઉધાઈના રાફડાનું ઈન્ફ્રારેડ સ્કેનીંગ કરી, તેનું ત્રીપરીમાણીય(3-ડી) મોડલ બનાવવામાં આવ્યું હતું. આનો શાસ્ત્રીય અભ્યાસ કરી; ઝીમ્બાબ્વેના પાટનગર હરારે માં એક મકાન ‘ઈસ્ટ ગેટ સેન્ટર ‘ની ડીઝાઈન બનાવવામાં આવી હતી. ત્યાં પણ આવા જ ઉશ્ણતામાનના ફેરફારો થતા હોય છે. પણ આ મકાનમાં જરુરી ઉશ્ણતામાન જળવાઈ રહે છે; અને છતાં ચીલાચાલુ પધ્ધતીઓ કરતાં શક્તીનો વપરાશ માંડ 10% જ થાય છે.
  • રડાર જેવી શક્તી હોવાને કારણે ચામાચીડીયાં અંધારામાં પણ ક્યાંય અથડાયા વીના ઉડી શકે છે. આનો ઉપયોગ અંધજનો માટેનાં ઉપકરણો બનાવવામાં Sound Foresight Ltd. નામની કમ્પનીએ ‘અલ્ટ્રાકેઈન’ નામની સસ્તી બનાવટ માટે કર્યો હતો.
  • પાંદડાં સુર્યની શક્તી શી રીતે એકઠી કરે છે; તેનો અભ્યાસ કરી યુનીવર્સીટી ઓફ એરીઝોનાના વૈજ્ઞાનીકોએ એક નવી જાતનો સોલર સેલ બનાવ્યો છે.

        આવાં અનેક ઉપકરણો/ પધ્ધતીઓ વીકસાવવામાં આવ્યાં છે. વધુ અભ્યાસ માટે નીચેની વેબ સાઈટો પરથી વધારે માહીતી મળી શકશે.

http://en.wikipedia.org/wiki/Biomimicry
http://www.biomimicryinstitute.org/about-us/what-is-biomimicry.html

        આ માટે જીવશાસ્ત્રના વૈજ્ઞાનીકો અને ડીઝાઈનરો/ એન્જીનીયરો વચ્ચે સંવાદ યોજવામાં આવે છે; અને વીચાર પરામર્શના અંતે નક્કર પ્રોજેક્ટો હાથમાં લેવામાં આવે છે. આવી પ્રક્રીયાને ઉતીજન આપવા બાયોમીમીક્રી ઈન્સ્ટીટ્યુટ પણ સ્થાપવામાં આવી છે.

Categories: અવનવું · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

June 29, 2008 · 1 Comment

હકારાત્મક અભીગમ – 8

તમારા દીવસની શરુઆત હકારાત્મક કામથી કરો.

જો તમે તમારું જીવન બદલવાના હો તો,
તમારે તરત અને હીમ્મતભેર શરુઆત કરવી જોઈશે.

- સંત ફ્રાન્સીસ એસીસી

Categories: સુવીચાર
Tagged:

આજનો સુવીચાર

June 28, 2008 · Leave a Comment

હકારાત્મક અભીગમ – 7

જે ચીજો કરવાની તાતી જરુરીયાત હોય,
તેમને ગમાડવાનું શીખો.
જે કરવાનું એકદમ જરુરી અને શક્ય છે;
તે કરવાનું શરુ કરી દો.

અને તમે અચાનક અશક્ય ચીજો પણ કરવા માંડશો. 

- સંત ફ્રાન્સીસ એસીસી

Categories: સુવીચાર

પ્રકરણ – 6 : જોગમાયાની ગુફામાં

June 28, 2008 · 1 Comment

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

————————————————————-

     આમ તો જોગમાયાની ગુફા ગોવા કે રુપલીના કોતરોથી બહુ દુર ન હતી. એ ઉબડખાબડ પ્રદેશની થોડેક જ પાછળ જોગમાયાના પર્વત ઉપરનું ચઢાણ શરુ થતું હતું. ખરેખર તો એ એક લાંબી પર્વતમાળા હતી; જેમાંના સૌથી ઉંચા પર્વતના રસ્તે અધવચ્ચે એ ગુફા આવેલી હતી. પર્વત પરની બધી ગુફાઓમાં તે સૌથી મોટી હતી. આથી જ એ વીસ્તારના બધા ગુફાવાસીઓએ પોતાની આરાધ્યદેવી માટે એ ગુફા સર્વસંમત રીતે માન્ય રાખી હતી. એમ કહેવાતું કે બધાના મુળ વડવાઓ આ ગુફામાં જ રહેતા હતા; અને ત્યાંથી જ વસ્તી વધતાં એ સૌ નીચે, નદી કીનારે વીસ્તારવાળી જગ્યાઓએ સ્થળાંતરીત થયા હતા. હવે જોગમાયાની ગુફામાં કોઈ રહેતું ન હતું. માત્ર પોતપોતાની માનતા પુરી કરવા અને દર પુનમે બધા ત્યાં આવતા.

      રસ્તામાં ગોવાએ નદીપારના એ પ્રદેશની ઘણી બધી વાતો રુપલીને કરી. એ ઘાસના બીડમાં શીકારને શોધવાની, તેનો પીછો કરવાની કોઈ તરખડ ન હતી. જાનવરોનાં ટોળેટોળાં ત્યાં નીર્ભય ચરી રહ્યાં હતાં. અને સાવ સપાટ જમીનમાં દોડવાનું બહુ આસાન હતું. પર્વતાળ પ્રદેશની હાલાકીઓનો ત્યાં સદંતર અભાવ હતો. હા! માત્ર રહેવા માટેનાં કોતરો કે ગુકા ક્યાંય દેખાતાં ન હતાં.

     રુપલી વીસ્ફારીત નયને આ અવનવી ભોમકાનાં વર્ણનો સાંભળી રહી. ગોવો તેને કોઈ પરીકથાના રાજકુમાર જેવો લાગ્યો. એની ઘણી વાતો એને સાવ ભેજાંગેપ જેવી લાગી. પણ છેવટે એ ગોવા સાથે એ વાત પર સંમત થઈ કે, એ પ્રદેશમાં વસવાટ કરવા માટે બધાંને સમજાવવાં અને ત્યાંના ધખારા જેવા પડે તેવા ઉકેલવા કમર કસવી. તેણે ગોવાની પડખે હમ્મેશ રહેવાના કોલ દીધા.

     થાકેલો હોવા છતાં ગોવો રુપલીના સહવાસથી રાજાપાઠમાં હતો. રુપલીએ દર્શાવેલ ઉત્સાહથી એ બહુ ખુશ થયો હતો. તેને પોતાની માનતા યાદ આવી. અખરોટ જ નહીં; હરણનું તાજું માંસ પણ જોગમાયાને ધરવાનું હતું. તેણે રુપલીને આ વાત કહી. શીકારમાં રુપલી પાવરધી હતી. તેણે દુર ચરી રહેલું એક હરણ જોયું.  હરણને ખબર ન પડે તેમ સાવચેતીથી, પવનની દીશા પારખી તેણે હરણ તરફ પ્રયાણ શરુ કર્યું. તેના હાથમાં અણીદાર પથ્થર હતો. નજીક પહોંચીને તેણે તાકીને પથ્થર ફેંક્યો – હરણના માથા ઉપર. હરણ તરફડીને જમીન પર પટકાઈ પડ્યું. બન્નેએ દોડીને તેને મરણ-શરણ કર્યું.

     માનતાનો બધો સરંજામ હવે એમની પાસે ભેગો થઈ ગયો હતો. છેવટે બન્ને માતાજીના થાનકે પહોંચી ગયાં. હજુ તો સુરજ માથે પણ આવ્યો ન હતો. સવારની ગુલાબી ઠંડીમાં તેમણે માતાજીના ચરણે અખરોટો અને હરણનું કાળજું સમર્પીત કર્યાં અને ભાવવીભોર બની માતાને વંદી રહ્યાં. એમના હૈયાના ધબકારમાં એમણે માતાજીની હાજરી ધબકતી અનુભવી. એમની આરતનો માતાએ સ્વીકાર કર્યો હતો. હવે બન્ને જીવનભરનાં સાથી થયાં હતાં. ધરેલા પ્રસાદથી માતાજી પ્રસન્ન થયાં હતાં. પથ્થર પર ચીતરેલ માતાજીની લાલચોળ રંગની, અને સફેદ આંખોવાળી આક્રુતી તેમને સ્મીત કરતી જણાઈ. એની સાક્ષીએ બન્ને એકમેકના આલીંગનમાં જકડાઈ એક થયાના અવર્ણનીય આનંદમાં ઓતપ્રોત બની ગયાં.

      એમનો આ સાવ સાદો, લગ્નવીધી પુરો થયો. એ કોલ હૈયાઉકલતના કોલ હતા. એમાં કોઈ ક્રુત્રીમતા ન હતી. એમાં કોઈ સાક્ષી જરુરી ન હતા. જ્યાં સુધી એકબીજા સાથે ફાવે ત્યાં સુધી, સાથે રહેવાના વણબોલેલા સોગંદ હતા. અને ન ફાવે તો છુટા પડતાં કોઈને કોઈ રોકી ન શકતું. ફરી નવો સાથી અને ફરી આ માતાની સાક્ષીમાં નવો સંબંધ શરુ. જો એક પક્ષે જ અસંતોશ હોય; તો એમનો ઝગડો કબીલાના વડીલ ઉકેલી આપતા અને એ જે ચુકાદો આપે તે માન્ય ગણાતો. પણ આવા ઝગડા બહુ ન થતા. કારણકે, જીવન સંઘર્શમાં કામ એટલું બધું રહેતું અને જીવન એટલું તો અનીશ્ચીત હતું કે, આવા કજીયા લાંબા ન ચાલતા. એ બહુ લાંબા થાય એ પહેલાં જ છુટાછેડા થઈ જતા.

     પણ આ નવી જોડી તો એમના નવા નક્કોર આનંદસાગરમાં મશગુલ હતી. ગુફાની બાજુમાં વહેતા નીર્મળ પાણીના ઝરાના કીનારે બન્નેએ જમણ પતાવ્યું. અને એ પરીત્રુપ્તી પત્યે તેમની સુહાગ-બપોર શરુ થઈ. એ સમાગમના આનંદના અતીરેકમાં ઝુલતાં, મંદ સમીરના વીંઝણે ક્યારે બન્ને સમાધીસ્થ થયા તે ખબર જ ન પડી.

      અને એ સમાધીની મધ્યે રુપલીએ શમણું નીહાળ્યું કે તેનાં ફરજંદ ઝગમગતા, કદી ન જોયા હોય તેવા રંગબેરંગી વસ્ત્રો અને ચમકતાં રત્નો સજાવી આનંદ મંગલ કરી રહ્યાં હતાં. આનંદવીભોર બનીને એ સો નાચી રહ્યાં હતાં.

     અને ગોવો એના શમણાંમાં મશગુલ હતો. એના પરાક્રમી સંતાનો નદીની પેલે પારથીય ઘણે આગળ, કોઈ અવનવી ભોમકા ખુંદી રહ્યા હતાં. નવા સંઘર્શોનો સામનો કરતાં ગોવા અને એના વડવાઓના નામને ઉજાળી રહ્યાં હતાં.

      પણ બન્નેના શમણાંમાં એક વાત સામાન્ય હતી. અને તે હતી જોગમાયાની મુરત. તેમની ભાવી પેઢીનાં આનંદ અને પરાક્રમની પશ્ચાત ભુમીકામાં જોગમાયાનું હસતું મુખારવીંદ તેઓ સતત અનુભવી રહ્યાં હતાં. એમના સહવાસને, અને એ થકી પેદા થનાર પેઢીઓને જોગમાયાએ આશીશ આપ્યા હતા. એમની ઈકોતેર પેઢી પરાક્રમી અને સુખી થવા સર્જાવાની હતી. આ પવીત્રભુમીમાં મંગળાચરણ થયેલ એ દીવ્ય સહજીવન સફળ નીવડવાનું હતું. એમની એ આનંદ સમાધી, ઉત્ક્રાન્તીનાં અનેક પગથીયાંઓની હીંચ લેતી લેતી અવનવાં, અણદીઠાં, વણઅનુભવેલાં જીવતરની પાયાની મુડી બનવાની હતી. કોઈ દીવ્ય પ્રકાશ, કોઈ દીવ્ય અનુનાદ, કોઈ અગમ્ય ભાવ અને જ્ઞાનના સીમાડાઓ તેમનાં સમસ્ત ચીત્તને આવરી રહ્યાં હતાં.

      અને આ ન સમજાય એવી ભાવસમાધી ક્યાંય સુધી ચાલતી રહી હોત; પણ ન સમજાય એવા કોઈ વાસ્તવીક કોલાહલે બન્નેને એમાંથી જગાડી દીધાં. એ કોલાહલ ધીમે ધીમે વધી રહ્યો હતો. જ્યારે બન્ને જાગ્યાં ત્યારે તેમના ચીત્તમાં નૈસર્ગીક વ્રુત્તીથી ભયનો સંચાર થયો. કાંઈક નવું બખડજંતર, કાંઈક નવું જોખમ આકાર લઈ રહ્યું હતું. બન્ને સતેજ બની ગુફામાં પ્રવેશી તેના પ્રવેશ આગળના પથ્થરની આડશે, આ કયો નવો ભય તેમને ઘેરવા ઘેરાઈ રહ્યો હતો તેનું સતેજ નીરીક્ષણ કરી રહ્યાં.

- વધુ આવતા અંકે

Categories: નવલકથા · સુરેશ જાની

આજનો સુવીચાર

June 27, 2008 · Leave a Comment

હકારાત્મક અભીગમ - 6

 નકારાત્મક અસરોથી દુર રહો.

માણસનું ચારીત્ર્ય, તે કોની સોબત રાખે છે
તેના પર જ કેવળ અંકાતું નથી;
પણ એ કોની સોબત ટાળે છે;
એના પર પણ અંકાય છે.

- સંત ફ્રાન્સીસ એસીસી

Categories: સુવીચાર

ત્રણ ‘રી’ (Re) – અમેરીકા

June 27, 2008 · 4 Comments

      મને ગુજરાતી ભાશામાં ‘રી’નો કોઈ પર્યાય મળ્યો નહીં; એટલે આમ જ શીર્શક રાખવું ઠીક લાગ્યું, ટુંકું અને ટચ્ચ – તરત ગળે ઉતરી જાય તેવું. અને આમેય નામ કે રુપમાં શું? તત્વ જ સમજવા જેવું હોય છે ને?

       થોડાએક વર્શ પહેલાં આવા જ અંગ્રેજી શીર્શકવાળો લેખ વીશ્વમાં સૌથી વધુ વંચાતા માસીક ‘ રીડર્સ ડાયજેસ્ટ’ માં વાંચ્યો હતો. એ લેખમાં વીશ્વમાં વધતી જતી માનવવસ્તી અને બધા જ દેશોમાં અને પ્રજાઓમાં સુખાકારી અને આધુનીક સુખ-સગવડો માટે વધી રહેલી દોડના કારણે સર્જાઈ રહેલી એક અપરીવર્તનશીલ, સર્વનાશ તરફ દોરી જતી અને કઠોર, કડવી, વાસ્તવીકતા પર આધારીત અને કરુણ શક્યતા તરફ અંગુલીનીર્દેશ કરવામાં આવ્યો હતો.

      આ આંધળી દોટ આપણને ક્યાં લઈ જશે એનું એક નીરાશાજનક દર્શન વાંચવા અહીં ‘ક્લીક’ કરો.    

      આના એક ઉપાય તરીકે ત્રણ ‘રી’ ની ભલામણ કરવામાં આવી હતી.

Reduce : Reuse : Recycle

 વપરાશ ઓછો કરો :
વસ્તુઓ ફરીથી વાપરો :
કાચા માલની અવેજીમાં નકામી વસ્તુઓ અને કચરો ઉત્પાદન માટે વાપરો.

        હવે તમે જ કહો – આ વાત શીરાની જેમ ગળે ઉતરી જાય એવી છે કે નહીં; કે એનું વધારે વીવરણ જરુરી છે?

       અને છતાં હકીકત એ છે કે, અમેરીકા જેવા સૌથી વધુ વ્યય અને બગાડ કરતા દેશમાં આ શીરો વધારે ખવાવા માંડ્યો છે! જો કે, આ બાબતમાં અમેરીકા આખા વીશ્વનો સૌથી વધુ ‘પછાત’ દેશ છે! પણ્ ‘શીરા ખાતર શ્રાવક થનાર‘ – આપણે અને બધા વીકસતા દેશો અમેરીકન જીવન-પધ્ધતીના આંધળા અનુકરણમાં અને એ ખતરનાક દોડમાં વ્યસ્ત છીએ.

       વાચકોને ખાસ વીનંતી કે, નીજાનંદમાંથી થોડો સમય કાઢી આ વાત પર વીચાર કરે. જો આ વાતમાં વજુદ લાગે; તો પોતાના જીવનમાં અને જન-સમુદાયમાં આ વીચારનો વ્યાપ વધારવા પ્રયત્ન કરે. અંગ્રેજીમાં છે એવો ટુંકો અને ટચ્ચ સંદેશ આપણી ભાશામાં પણ શોધી કાઢવા સૌ ભાશાપ્રેમીઓને ઈજન છે.

Categories: અમેરીકા · સુરેશ જાની

આજનો સુવીચાર

June 26, 2008 · Leave a Comment

હકારાત્મક અભીગમ - 5 

હકારાત્મક સ્વ-ગરીમા કેળવો.

આ માટેનો સૌથી ઝડપી રસ્તો છે -
બીજાઓ માટે એવું કાંઈક કરો,
જેનો બદલો તેઓ નાણાં કે ચીજવસ્તુથી ન આપી શકે.

- સંત ફ્રાન્સીસ એસીસી

Categories: સુવીચાર

આજનો સુવીચાર

June 25, 2008 · Leave a Comment

હકારાત્મક અભીગમ - 4

સતત શીક્ષણના વર્ગ ભરતા રહો.

તમારી જાતને સુધારવામાં એટલો બધો સમય આપો,
જેથી બીજાની ટીકા કરવાનો તમને સમય જ ન રહે.

- સંત ફ્રાન્સીસ એસીસી

Categories: સુવીચાર

સીન્કમાંથી જતું પાણી – એક અવલોકન

June 25, 2008 · 7 Comments

      તે દીવસે સીન્ક સાફ કરવા માટે મારી પત્નીએ ચાર પાંચ કલાક પહેલાં તેને દાટો દઈ, બ્લીચવાળા પાણીથી ભરી દીધું હતું. મારો કામ કરવાનો વારો આવ્યો એટલે મેં એ દાટો કાઢી નાંખ્યો. ભરચક પાણી પુરા જોશથી વંટોળીયા કે વમળની જેમ ડ્રેનમાં જઈ રહ્યું હતું. અમુક સપાટીથી પાણી ઓછું થયું પછી; મેં ધ્યાનથી જોયું તો એકદમ મધ્યમાં નાનકડો, ગોળ ખાડો પડેલો હતો; અને તેનીય મધ્યમાં ઘણે ઉંડે સુધી, એક પાતળી લીટી દેખાતી હતી. કદાચ એ જગ્યાએ આજુબાજુની હવા ફસાયેલી હતી.

                                                    

     પુરજોશમાં, વમળ સાથે નીચે પાણી જઈ રહ્યું હતું અને તેના જોરમાં હવા પણ અંદર ખેંચાતી હતી. આ હતો અધોગતીનો પ્રભાવ. જો ગતી વધુ હોય તો આ ખાડો વધુ ઉંડો રહે, અને હવાની એ રેખા થોડી જાડી રહે. જેમ જેમ પાણી ખાલી થતું જાય અને સીન્કમાં તેની સપાટી ઉતરતી જાય, તેમ તેમ આ ખાડો નાનો થતો જાય અને હવાની એ રેખા પાતળી અને ટુંકી બનતી જાય.

      આ એક વીશીશ્ઠ દર્શન હતું. ડ્રેનના અંધકાર તરફ અધોગતીના વમળમાં – ધસમસતા પુરમાં – એક જ સપાટી જાળવવા ટેવાયેલું પાણી પણ તેની સપાટી જાળવી શકતું ન હતું. અરે! જોડે પાણીથી સાવ વીપરીત સ્વભાવની હવા પણ ખેંચાઈ જતી હતી.જ્યાં સુધી પાણીનો જથ્થો પુરતો હતો; ત્યાં સુધી પાણીની સપાટી ઉપર આ જાવકની કોઈ અસર થતી ન હતી.  

      કોણ જાણે કેમ પણ, વીનાશાત્મક પ્રક્રીયાના શીરમોર સમો બર્મ્યુડા ત્રીકોણ યાદ આવી ગયો. એટલેન્ટીક મહાસાગરના, કેરીબીયન વીસ્તારમાં, આ વીશાળ જળરાશીના અત્યંત તીવ્ર ગતીવાળા ચકરાવામાં મોટા મોટા જહાજો અને એરોપ્લેન પણ આવી જતા હોય છે; અને તેમને વીનાશમાંથી ઉગરવા માટે કોઈ વીકલ્પ હોતો નથી.

બર્મ્યુડા ત્રીકોણ વીશે વધુ જાણો.

અને …

    અધઃપતનની પ્રક્રીયા વર્ણવતો  ગીતાના બીજા અધ્યાયનો એ અદ્  ભુત શ્લોક પણ યાદ આવી ગયો -

ध्यायतो विषयान् पुंसः, संगस्तेषूपजायते,
संगात् संजायते कामः, कामात् क्रोधोsभि जायते ।
क्रोधात् भवति सम्मोहः , सम्मोहात् स्मृतिविभ्रमः
स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति।

[ વીશયોના ધ્યાનમાં મગ્ન  મનુશ્ય તેના સંગમાં ફસાય છે. એ સંગના કારણે કામનાઓ જાગે છે; જે ન સંતોશાતાં ક્રોધ પેદા થાય છે. ક્રોધના કારણે બેભાન અવસ્થા નીપજે છે. એ ભાનરહીતતાથી સ્મૃતી નાશ પામે છે. સ્મૃતીનાશના પ્રતાપે બુદ્ધીનો નાશ થાય છે, અને બુધ્ધીનાશના કારણે સર્વનાશ થાય છે. ]

      વીનીપાતની, અધઃપતનની પ્રક્રીયાનું કેવું તાર્કીક, સચોટ, અને અભ્યાસના નીચોડ જેવું આ વર્ણન ગીતાકારે કર્યું છે?

      પાણીનું એ વમળ જીવનની નકારાત્મક, વીનાશાત્મક પ્રક્રીયાની શાખ પુરતું હતું. જ્યાં સુધી આપણો પુણ્યસંચય પર્યાપ્ત હોય; અથવા નવાં સત્કર્મોની સર્જાવાની પ્રક્રીયા ચાલુ હોય ત્યાં સુધી; પતન તરફ દોરી જતાં પરીબળો આપણા ચીત્તની સપાટીને અસર કરી શકતાં નથી. છીછરાં જીવન-પોતમાં જ આવાં વમળો સર્જાતાં હોય છે.

     અને આખી પ્રક્રીયાની શરુઆત સંયમનો ડાટો ખોલવાથી – વીશયના ધ્યાનમાંથી થાય છે. અને વીશયનું ધ્યાન એટલે કાંઈક મેળવવાની આકાંક્ષા – અપેક્ષા. અને પછી એ વીશચક્ર શરુ….

    આપણાં જીવનનું પોત કેવું રાખવું ઘટે, એ આ સીન્કના પાણીએ સમજાવી દીધું.  

આ વીશચક્ર અને તેમાં ન ફસાવાની સમજણ મેળવવી છે? તો આ વાંચો -

 http://antarnivani.wordpress.com/?s=%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80+%E0%AA%86%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A6&searchbutton=Go%21

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged: ,