તે દીવસે સીન્ક સાફ કરવા માટે મારી પત્નીએ ચાર પાંચ કલાક પહેલાં તેને દાટો દઈ, બ્લીચવાળા પાણીથી ભરી દીધું હતું. મારો કામ કરવાનો વારો આવ્યો એટલે મેં એ દાટો કાઢી નાંખ્યો. ભરચક પાણી પુરા જોશથી વંટોળીયા કે વમળની જેમ ડ્રેનમાં જઈ રહ્યું હતું. અમુક સપાટીથી પાણી ઓછું થયું પછી; મેં ધ્યાનથી જોયું તો એકદમ મધ્યમાં નાનકડો, ગોળ ખાડો પડેલો હતો; અને તેનીય મધ્યમાં ઘણે ઉંડે સુધી, એક પાતળી લીટી દેખાતી હતી. કદાચ એ જગ્યાએ આજુબાજુની હવા ફસાયેલી હતી.
પુરજોશમાં, વમળ સાથે નીચે પાણી જઈ રહ્યું હતું અને તેના જોરમાં હવા પણ અંદર ખેંચાતી હતી. આ હતો અધોગતીનો પ્રભાવ. જો ગતી વધુ હોય તો આ ખાડો વધુ ઉંડો રહે, અને હવાની એ રેખા થોડી જાડી રહે. જેમ જેમ પાણી ખાલી થતું જાય અને સીન્કમાં તેની સપાટી ઉતરતી જાય, તેમ તેમ આ ખાડો નાનો થતો જાય અને હવાની એ રેખા પાતળી અને ટુંકી બનતી જાય.
આ એક વીશીશ્ઠ દર્શન હતું. ડ્રેનના અંધકાર તરફ અધોગતીના વમળમાં – ધસમસતા પુરમાં – એક જ સપાટી જાળવવા ટેવાયેલું પાણી પણ તેની સપાટી જાળવી શકતું ન હતું. અરે! જોડે પાણીથી સાવ વીપરીત સ્વભાવની હવા પણ ખેંચાઈ જતી હતી.જ્યાં સુધી પાણીનો જથ્થો પુરતો હતો; ત્યાં સુધી પાણીની સપાટી ઉપર આ જાવકની કોઈ અસર થતી ન હતી.
કોણ જાણે કેમ પણ, વીનાશાત્મક પ્રક્રીયાના શીરમોર સમો બર્મ્યુડા ત્રીકોણ યાદ આવી ગયો. એટલેન્ટીક મહાસાગરના, કેરીબીયન વીસ્તારમાં, આ વીશાળ જળરાશીના અત્યંત તીવ્ર ગતીવાળા ચકરાવામાં મોટા મોટા જહાજો અને એરોપ્લેન પણ આવી જતા હોય છે; અને તેમને વીનાશમાંથી ઉગરવા માટે કોઈ વીકલ્પ હોતો નથી.
બર્મ્યુડા ત્રીકોણ વીશે વધુ જાણો.
અને …
અધઃપતનની પ્રક્રીયા વર્ણવતો ગીતાના બીજા અધ્યાયનો એ અદ્ ભુત શ્લોક પણ યાદ આવી ગયો -
ध्यायतो विषयान् पुंसः, संगस्तेषूपजायते,
संगात् संजायते कामः, कामात् क्रोधोsभि जायते ।
क्रोधात् भवति सम्मोहः , सम्मोहात् स्मृतिविभ्रमः
स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति।
[ વીશયોના ધ્યાનમાં મગ્ન મનુશ્ય તેના સંગમાં ફસાય છે. એ સંગના કારણે કામનાઓ જાગે છે; જે ન સંતોશાતાં ક્રોધ પેદા થાય છે. ક્રોધના કારણે બેભાન અવસ્થા નીપજે છે. એ ભાનરહીતતાથી સ્મૃતી નાશ પામે છે. સ્મૃતીનાશના પ્રતાપે બુદ્ધીનો નાશ થાય છે, અને બુધ્ધીનાશના કારણે સર્વનાશ થાય છે. ]
વીનીપાતની, અધઃપતનની પ્રક્રીયાનું કેવું તાર્કીક, સચોટ, અને અભ્યાસના નીચોડ જેવું આ વર્ણન ગીતાકારે કર્યું છે?
પાણીનું એ વમળ જીવનની નકારાત્મક, વીનાશાત્મક પ્રક્રીયાની શાખ પુરતું હતું. જ્યાં સુધી આપણો પુણ્યસંચય પર્યાપ્ત હોય; અથવા નવાં સત્કર્મોની સર્જાવાની પ્રક્રીયા ચાલુ હોય ત્યાં સુધી; પતન તરફ દોરી જતાં પરીબળો આપણા ચીત્તની સપાટીને અસર કરી શકતાં નથી. છીછરાં જીવન-પોતમાં જ આવાં વમળો સર્જાતાં હોય છે.
અને આખી પ્રક્રીયાની શરુઆત સંયમનો ડાટો ખોલવાથી – વીશયના ધ્યાનમાંથી થાય છે. અને વીશયનું ધ્યાન એટલે કાંઈક મેળવવાની આકાંક્ષા – અપેક્ષા. અને પછી એ વીશચક્ર શરુ….
આપણાં જીવનનું પોત કેવું રાખવું ઘટે, એ આ સીન્કના પાણીએ સમજાવી દીધું.
આ વીશચક્ર અને તેમાં ન ફસાવાની સમજણ મેળવવી છે? તો આ વાંચો -

7 responses so far ↓
jayeshupadhyaya // June 25, 2008 at 3:08 am |
ખુબજ સરસ આવલોકન અને આલેખન
jugalkishor // June 25, 2008 at 8:07 am |
સરસ અવલોકન છે. અહીં સરસ્વતીચન્દ્રની પંક્તીઓ ય યાદ આવી જાય છે…‘તેનો શતશત વીનીપાત જ સર્યાયો !’આખી પંક્તી યાદ નથી. ગંગા સ્વર્ગમાં હતી ત્યાં સુધી એના વીનીપાતની કોઈ શક્યતા નહોતી પણ એક વાર પડી પછી એનો વીનીપાત શતશત થયો…એ મતલબની એ વાત છે.
તમારું નીરીક્ષણ અને ચીંતન સાવ મૌલીક છે. ખાસ અભીનંદન.
–જુ.
સુરેશ જાની // June 25, 2008 at 8:11 am |
અવનિ પરથી નભ ચડ્યું વારિ, પડે જ પાછું ત્યાંને ત્યાં
ભષ્ટ થયું જરી તેનો શત શત વિનિપાત જ નિર્મેલો.
- કુમુદ સુંદરી
સર્જિત // June 25, 2008 at 9:56 am |
ખરેખર અમારા જેવા જુવાનિયાઓ એ પળ પળ યાદ રાખવા જેવો શ્લોક લખ્યો છે દાદા.
સુરેશ જાની // June 25, 2008 at 10:35 am |
માફ કરજો… કુમુદસુંદરીએ ગાયેલું એ ગીત નીચેનું છે ..
————————
શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હર-શિરે,
પડવા માંડેલી પડી પાછી! ટકી ન હર! હર્! શિરે.
પડી ગિરિ પર; ઉચ્ચ ગિરિવર મૂકી પડી એ પાછી
અવની પર આળોટતી ચાલી ધૂળવાળી ઘણી થાતી.
મલિન ગંગા! ક્ષારસમુદ્રે પેઠી અંતે એ તો
ભ્રષ્ટ થયું, જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો.
ભ્રષ્ટ થઈ મતિ, તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો.
કુમુદસુંદરીને જ્યારે ખબર પડે છે કે, મહેમાન તરીકે આવેલ નવિનચંદ્ર એ જ સરસવતીચન્દ્ર છે; ત્યારે તેના મનમાં પ્રથમ વિકાર અને પછી પશ્ચ્યાતાપ જાગે છે, તેનું આ વર્ણન અને ગંગાની ઉપમા કેટલાં ભાવવાહી છે?
આપણા સાહીત્યની આ અમરક્રુતી આપણે કદી ન વીસ્મરીએ એ જ ભાવના…
neetakotecha // June 25, 2008 at 10:52 am |
khub saras dadaji…kya nu kya gotiu…gamilu…..sikhva maliu
nilam doshi // June 26, 2008 at 11:23 am |
excellent.dada