Entries from July 2008
આજનો સુવીચાર
July 30, 2008 · 1 Comment
આપણે કોઈ બાબતમાં અજ્ઞાની છીએ
એવી સભાનતા ખુદ જ
જ્ઞાનનું એક પગથીયું છે.
- ડીઝરાયેલી
જીવન – સરીતા : ભાગ – 3
July 29, 2008 · 12 Comments
ભાગ -1 : ભાગ -2
અને મારા મુળમાં જવાના એ લક્ષ્યની પ્રાપ્તી માટે હું પ્રયાણ આદરું છું. પણ હવે ક્યાં હું પાછી વળી શકું તેમ જ છું? મારી નીયતી મને વધુ ને વધુ નીચે લઈ જઈ રહી છે. મારો જીવનપથ એટલે – સતત વીનીપાત, સતત અધોગમન.
અને મારા જેવા જ અનુભવવાળી બીજી લોકમાતાઓ, આ જીવનપથમાં મને સાથ આપવા દોડતી આવીને મળે છે. અમે સુખ દુખની વાતો કરીને એકબીજામાં મળી જઈએ છીએ; એકરુપ બની જઈએ છીએ.
પણ પાછા ફરવાનું મારા નસીબમાં ક્યાં છે? હું ફરી ઝરણાં નથી થઈ શકતી. પ્રસવકાળની નજીક આવી પહોંચેલી નારીની જેમ મારો પટ હવે વીશાળ બની ગયો છે. મારી ગતી હવે સાવ મંથર બની ગઈ છે. મારામાં ભળેલાં બધાં તત્વો હવે છુટાં પડતાં જાય છે. પ્રસવતાં જાય છે. બધો કાદવ, બધી મલીનતા, નીચે ને નીચે બેસતાં જાય છે. અને એ નીચે કેલાયેલો પંક મારા પટને છીન્ન-વીચ્છીન્ન કરી નાંખે છે. હું અનેક ફાંટાંઓમાં વહેંચાઈ જાઉં છું. સદ્યપ્રસુતાના ચીમળાયેલા પેટની જેમ.
અને મારા એ ત્રીકોણીય પ્રદેશમાં સૌથી વધુ હરીયાળી મહાલે છે. એ ફળદ્રુપ પ્રદેશ મારી સૌથી મોટી દેણ બની રહે છે. મારો ફરીથી નીર્મળ બનેલો દેહ ગજગતીએ આ નવા ભવીતવ્યને અનુભવવા આગળ વધે છે – આગળ ને આગળ – જ્યાં ચરણ અટકે ત્યાં સુધી.
અને એક નવો જ રવ, એક નુતન નીનાદ, હળુ હળુ, જાગતો જાય છે. કદી ન નીહાળ્યો હોય તેવો, એક પ્રચંડ જળરાશી દુરથી પોતાનો નજારો ખડો કરે છે. અને એ અગાધ અને ઘુઘવાટ કરતા દરીયાને જોઈ હું ડરી જાઉં છું. આટલી બધી સરીતાઓ? આટલું બધું પાણી? આ જ મારો સ્રોત? આની જ હું દીકરી? કે પછી ઓલ્યા આભને અડતા ગીરીવરની? કે પછી આ મારો કંથ, મારો સ્વામી? મારી મતી મુંઝાઈ જાય છે. આ અસમંજસમાં હું સાવ તર્કહીન, વીચારવીહીન બની જાઉં છું.
અને એ વીચારશુન્યતામાં આંધળુકીયાં કરીને, મારા આ નવા ભવીતવ્યને, શરણાગતીની ભાવનાથી હું સ્વીકારી લઉં છું. મારા સમગ્ર હોવાપણાને સમેટી લઈને હું એ મહોદધીમાં સમાઈ જાઉં છું; એની સાથે એકાકાર બની જાઉં છું. એના તરંગે તરંગમાં, એનાં ઉછળતાં મોજાંઓમાં, ઐક્યના એ પરમ આનંદની ત્રુપ્તીની ભાવસમાધીમાં હું લીન બની જાઉં છું.
એના ઉછાળે ઉછાળે મારું સમગ્ર હોવાપણું ઓગળી જાય છે. એ હું છું કે, હું એ છે? કશો દ્વૈત હવે સંભવીત જ નથી. બધું એકાકાર. અગણીત કણોમાંનો પ્રત્યેક કણ, અનંત નાદબ્રહ્મ અને અવીરત રાસમાં રમમાણ બની જાય છે – અનંતનો રાસ – યુગથી ચાલી આવતો રાસ. પ્રચંડ ઘુઘવાટ. હીલ્લોળે હીલ્લોળા.
કેવળ આનંદ,
કેવળ ચૈતન્ય,
કેવળ સત્ય.
કેવળ પરબ્રહ્મ.
અને ત્યાં જ એક પુરાતન સ્મૃતી જાગ્રુત થાય છે. મારા જન્મની વેળાની સ્મૃતી. હું તો આ ઉદધીમાંથી ઉભરી આવેલું એક બીંદુ માત્ર તો હતી. એક સાવ નાનકડું બીંદુ. ક્યાં એ અકળ-જળ- રાશી અને ક્યાં હું?
રેલાઈ આવતી છો ને, બધી ખારાશ પૃથ્વીની,
ઉદધિને ઉરથી ઊઠશે,મીઠી કો’ એક વાદળી.
મહાકાળનો તોફાની વાયરો મને ક્યાંનો ક્યાં ખેંચી ગયો? મેઘમલ્હારનો એક પ્રચંડ કડાકો; તડીતની તોળાયેલી તાતી તલવાર, અને મારો પ્રસવ એ ગીરીવરની એ ટોચ ઉપર.
ફરી જન્મ, ફરી મૃત્યુ. ફરી એ જ બધી ઘટમાળ. સતત ચાલતો આ જીવનનો ચરખો; અને તેમાં ઘડાતાં, વીકસતાં, પીસાતાં, આથડતાં, પ્રસવતાં અનેક જીવન.
હું કોણ? બીંદુ? વાદળ? સરીતા? સમુદ્ર?
ના ના. હું જ તો એ સમગ્ર જીવન.
કે પછી હું કશું જ નહીં? બધો એક ખેલ? એક ચીરંતન ચાલતું સ્વપ્ન? એક ભ્રમ? એકમાત્ર વાસ્તવીકતા ઓલ્યો અકળ, અમાપ, જીવનજળરાશી? કે એ પણ કશું નહીં? બધું કેવળ શુન્ય? બધો આભાસ?
…………….
અને……..
જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથીક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મુળ શું છે?
એ પરીણામ શું છે?
————
ૐ તત સત્
Categories: વાર્તા · સુરેશ જાની
Tagged: story
આજનો સુવીચાર
July 28, 2008 · Leave a Comment
તમારી વીચારશક્તીનું
સંવાદીતામય ‘અંતરની વાણી’માં
રુપાંતર કરો.
તમારું સમગ્ર હોવાપણું
પ્રકાશમય હો.
આ જ તમારું જીવનધ્યેય હો.
- શ્રી. અરવિંદ ઘોષ
———————————–
Transform reasoning
into an ordered intuition.
Let all thyself be light.
This is thy goal
- Shri Arvind Ghosh
Transform reasoning
into an ordered intuition.
Let all thyself be light.
This is thy goal
- Shri Arvind Ghosh
Categories: સુવીચાર
Tagged: Add new tag, Thought
જીવન – સરીતા : ભાગ -2
July 28, 2008 · 1 Comment
સરીતા ……. ભાગ-1
ખાલી થવામાં જ ખરી મજા છે ને? અને આ ખાલી થવાની પ્રક્રીયા મારા ચીત્તને અતીતમાં ખેંચી, ઢસડી જાય છે.
અહીં જ મેં મારા અંકમાં જીવનની ઉત્પત્તી અને ઉત્ક્રાન્તી થતી નીહાળી છે. અહીં જ મેં મહાકાય ડીનોસોરને ધરતીને ધમરોળતાં જોયાં છે. અહીં જ મેં પ્રચંડ ઉલ્કાપાત, વાવાઝોડાં અને ધરતીકંપો થતાં જોયાં છે. આ પરીબળોએ મારા પ્રવાહને ઘણીય વાર કુતરાની માફક આમથી તેમ ફંગોળ્યો છે. મેં એમના આ પ્રકોપ એક હરફ પણ ઉચ્ચાર્યા વગર વેઠ્યા છે.
અહીં જ મેં વાનરને બુધ્ધીશાળી થતો, અને ખોરાક માટે પથ્થર અને ઝાડની ડાળીઓ વાપરતો જોયો છે. અહીં જ મેં એનું આદીમાનવમાં રુપાંતર થતું જોયું છે. ગુફામાંથી મારા તટે, ઘાસના મેદાનોમાં બહાર આવી, મેં તેને અહીં જ ગોવાળીયો અને ખેડુ થતો જોયો છે. અહીં જ, મારા ખોળામાં તેનાં ગામ, શહેર અને સંસ્કૃતીને મેં પોષ્યાં છે. અહીં જ, મારી શીતળ પનાહમાં એનાં કળા અને સાહીત્ય, વીજ્ઞાન અને ફીલસુફી પાંગર્યાં છે. અહીં ઋષીઓ પર્ણકુટી બનાવીને રહ્યા છે; અને વેદોની ઋચાઓ અને મંત્રોના દ્રષ્ટાઓ બન્યા છે. મારા પાણીમાં જ મેં ભાવવીભોર બનેલા જનોને પોતાના દીવંગત વડવાઓનું ઋણસ્વીકાર કરી, અર્ઘ્ય આપતા જોયા છે.
અને અહીં જ મારા તટે સમ્પતીનું નગ્ન પ્રદર્શન કરતા ધનીકો અને રાજાઓના પ્રાસાદોને માનવ મુલ્યોની હાંસી કરતા જોયા છે. અહીં જ મેં સત્તાની સાઠમારી થતી નીહાળી છે. અહીં જ મેં નરને નરાધમ થતો નીહાળ્યો છે. અહીં જ મેં માનવની મહત્વાકાંક્ષા, વાસના, અને સત્તાલાલસાને અમર્યાદ જલ્લાદ બની ક્રુરતમ અત્યાચારો આચરતી; વ્યથીત હ્રદયે જોઈ છે. અહીં જ, આ જ કીનારે, અને ઠેર ઠેર, બીભીષણ યુધ્ધોમાં મારા જળને, મારાં સંતાનો જેવાં વહાલાં નીર્દોષ માનવીઓનાં શોણીતથી લાલચોળ થતાં અનુભવ્યાં છે. અહીં જ, મેં આકાશનાં વાદળોની જેમ સામ્રાજ્યો અને સલ્તનતોને ઉગતાં, પાંગરતાં અને તહસ નહસ થતાં જોયાં છે.
અને મારી પાસે અશ્રુ સારવાની ગુંજાઈશ પણ ક્યાં છે? મારું સમગ્ર પોત જ એ આંસુનો સાગર તો છે.
અને હું સફાળી આ દીવાસ્વપ્નમાંથી જાગી જઉં છું. આ શું? મારા પ્રવાહને આ શું થયું? કેમ તે સાવ ક્ષીણ બની ગયો? ઉપરવાસમાં વરસાદ તો સારો એવો પડ્યો હતો.
અને હું જરા મારા એ પ્રપાત ભણી પાર્શ્વદ્રષ્ટી કરી લઉં છું. અને એ ગર્જના કરતો, આજાનુબાહુ, ભડવીર – બાપડો, મીયાંની મીંદડી જેવો, દદુડી કેમ બની ગયો? હું હજુ પાછળ નજર કરું છું. તોતીંગ પાષાણોને પણ મચક ન આપનાર મારા મદમસ્ત પ્રવાહને આ કાળા માથાના, માનવીએ નાથી દીધો છે. એ જ પથ્થરો વાપરીને તેણે તોતીંગ આડબંધ બનાવી દીધો છે, અને મારાં પાતળી પરમાર જેવા કુંવારકા રુપને જોજનો ફેલાયેલા સરોવરમાં રુપાંતરીત કરી દીધું છે.
પણ માળું આ માનવસર્જીત સરોવર લાગે છે તો રુડું હોં! મારા પાણીના કેટકેટલા ફાયદા તેણે ઉઠાવ્યા છે? તેણે કરેલા ઘણાં સત્કાર્યોમાંનું આ પણ એક છે.
અને પરીતોષનો એક ઉંડો શ્વાસ ભરી હું મેદાનોમાં પાછી ફરું છું- આગળ અને આગળ, જ્યાં સુધી મારો પ્રવાહ વીસ્તરતો જાય ત્યાં સુધી. અને બધે આ માનવજાતની આ જ કહાણી સર્જાતી હું જોઈ રહું છું. હવે મને માનવજાતનો આ વ્યવહાર, તેની આ પધ્ધતી ઉબકાવી નાંખે છે. તેની બધી મલીનતા હું મારામાં સમાવી લઉં છું. મને મળેલું સંસ્કૃતીની જનેતાનું બીરુદ મને હવે અકારું લાગતું જાય છે.
હવે તો મારું એક જ લક્ષ્ય છે. મારા અંતીમ મુળમાં મારું સમર્પણ..
———————–
ત્રીજો અને છેલ્લો ભાગ આવતા અંકે ..
Categories: વાર્તા · સુરેશ જાની
Tagged: story
આજનો સુવીચાર
July 27, 2008 · Leave a Comment
તમારા આનંદનું
પદાર્થરહીત અને સમથળ શાંતીમાં
રુપાંતર કરો.
તમારું સમગ્ર હોવાપણું
પ્રગલ્ભ શાંતીમય હો.
આ જ તમારું જીવનધ્યેય છે.
- શ્રી. અરવિંદ ઘોષ
—————————-
Transform enjoying
into an even and objectless
ecstacy.
Let all thyself be bliss.
This is thy goal.
- Shri Arvind Ghosh
Transform enjoying
into an even and objectless
ecstacy.
Let all thyself be bliss.
This is thy goal.
- Shri Arvind Ghosh
આજનો સુવીચાર
July 26, 2008 · Leave a Comment
આપણે પ્રાર્થના કરતાં હોઈએ
એ રીતે કામ કરીએ.
કારણકે,
કામ એ શરીરની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે.
- મધર ( પોંડીચેરી)
Categories: સુવીચાર
પ્રકરણ – 10 : તરણસ્પર્ધા
July 26, 2008 · 1 Comment
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
————————————————————-
બીજા દીવસે બધા નીયત કરેલી જગ્યાએ ભેગા થયા. ગોવાએ પોતાને થયેલી અનુભવો વર્ણવ્યા, અને પોતે જેટલું શીખ્યો હતો તે સૌને બતાવ્યું. પાણી છીછરું હતું તેથી ડુબવાનો ભય ત્યજી દઈને બધા નદીમાં ખાબક્યા. ઠંડા પાણીની સીકરોથી બધા પ્રફુલ્લીત બની ગયા. ગોવાએ એને આવડેલી બધી રીતો બતાવી. પણ કોઈને ખાસ ફાવ્યું જ નહીં.
પાંચો દુરથી આ બધી હીલચાલ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું,“ આપણે એમ કરીએ. નદીના કીનારે પેલો પથ્થર છે તેને પકડીને પહેલાં પગ હલાવવાનો પ્રયત્ન કરીએ. તેણે પોતે ચીવટથી અવલોકન અને વીચાર કરીને આ રીત શોધી કાઢી હતી. પહેલાં તો તેણે પોતેજ આમ કરી જોયું. થોડીક જ વારમાં તેના પગ બરાબર હાલવા માંડ્યા. હવે બધાએ એનું અનુકરણ કર્યું.
પછી પાંચાએ સુચવ્યું કે, આપણે છીછરા પટમાં સુઈ જઈ, માત્ર હાથ હલાવીએ તો? તેણે ;પોતે આમ કરી જોયું, અને સૌના આશ્ચર્ય વચ્ચે તે ડુબતો ન હતો. હવે બધાં આમ કરવા મચી પડ્યા. થોડીક જ વારમાં બધાના બળીયા હાથને કારણે તરાશે એવી આશા બંધાણી.
અને પછી છેલ્લો તાસ – પાંચો હાથ હલાવતો પગ પણ હલાવવા માંડ્યો અને તે નદીના પટમાં આગળ વધી શક્યો. બધાએ તાળીઓથી આ તરણશીક્ષકને વધાવી લીધો. પાંચાએ આમ ચાર પાંચ વખત કર્યું. હવે એને ફાવટ આવી ગઈ. તેણે હીમ્મત કરીને નદીની વધારે અંદર જવાની કોશીશ કરી, અને તે ખાસું અંદર જઈ શક્યો. જેમ જેમ તેણે આ મહાવરો ચાલુ રાખ્યો, તેમ તેમ તે વધારે માહેર થતો ગયો.
અને આમ બધા સહપાઠીઓ સાથે ભણતા ગયા. બે એક કલાક આમ શીક્ષણ ચાલ્યું.
આ જ પ્રક્રીયા ચાર દીવસ ચાલુ રહી, હવે બધા ઉંડા પાણી સુધી નીર્ભય રીતે જઈ શકતા હતા. પાંચાએ જાહેર કર્યું કે, બીજા દીવસે તરણ સ્પર્ધા રાખવામાં આવશે અને જે સામા કાંઠે પહેલો પહોંચી જાય; તેને તરણવીર જાહેર કરવામાં આવશે. આખા કોતરમાં આ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી દીધી.
અને બીજા દીવસે ગોવા અને રુપલી બન્નેના કોતરોની બધી પ્રજા નદી કાંઠે ભેગી થઈ ગઈ. નદીનું પુર જોતી વખતે જે કુતુહલ હતું તેનાથી અનેકગણી ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. બધું હાઉસન જાઉસન નદીકાંઠે આ ચાર જવાંમર્દોને દાદ આપવા હકડેઠઠ ભરાયું હતું.
ચારે જણા ચામડાનો બરાબર કચ્છ વાળીને નદીના કીનારે તૈયાર થઈ બેઠા. સૌથી ઉમ્મરલાયક વડીલ સ્પર્ધા શરુ કરવાનો સંકેત આપવા બાજુમાં ઉભા રહ્યા. અને તેમણે બધાની જાણીતી શીકાર ઉપર ત્રાટકવાની તીણી સીસોટી વગાડી. અને ચારેય જવાંમર્દો નદીમાં ખાબક્યા. સૌ સૌનાં ઘરવાળાં રાડ્યું પાડી પાડી, એમને પ્રોત્સાહીત કરવા માંડ્યા. નદીમાં તો પાણીની છોળે છોળ ઉડવા લાગી. ચારેમાંથી કોઈ પાછી પાની કરે તેમ ન હતું. બરાબરની હરીફાઈ જામી. ઘડીમાં એક આગળ નીકળે તો ઘડીમાં બીજો.
અને બધાના આશ્ચર્ય વચ્ચે કાળુ સૌથી પહેલો ઓલે પાર પુગી ગયો. પછે લાખો, પછી ગોવો અને માસ્તરજી છેક છેલ્લા! બધાએ તાળીઓ અને સીસોટીઓથી આ નવા સાહસ અને નવી સીધ્ધીને વધાવી લીધાં. અડધો એક કલાક આરામ લઈ ચારેય પાછા આવી ગયા. આ વખતે પણ એ જ ક્રમ રહ્યો. બધાએ કાળુને વધાવ્યો, અને પાંચાને આ શીક્ષણ કાર્ય સરસ રીતે પાર પાડવા માટે અભીનંદન આપ્યા.
અને સાથે જ આગલા શીક્ષણ વર્ગમાં જોડાવા માટે યુવાનો યુવતીઓની વચ્ચે પડાપડી થવા લાગી.
પણ ગોવાએ જાહેર કર્યુ,” હમણાં તરણ શીક્ષણ બંધ. હવેનો કાર્યક્રમ છે. સામે કાંઠેથી શીકાર સંપદા આ કાંઠે લાવવાનો.“ બધાંએ કીલકારીઓથી આ જાહેરાતને વધાવી લીધી.
આ જ તો વસ્તીનો રોજનો પ્રશ્ન હતો. જંગલમાંથી શીકાર શોધી, કોતર ભેગો કરવો એ બહુ જ મુશ્કેલ કાર્ય હતું. જંગલમાં બીજા ભયોથી પણ સાવધ રહેવાનું રહેતું. શીકારની સંખ્યા પણ મર્યાદીત હતી અને એ ઝાડીઓમાં એવાં તો સંતાઈ જતાં કે, તેમને શોધી કાઢવામાં જ ઘણો સમય જતો રહેતો. પથ્થર ફેંકીને તેમને પાડી નાંખવામાં પણ ઘણી વાર ઝાડ અને ઝાડી વચ્ચે નડતાં. વળી સતત કપરા ઢાળ પર ચઢઉતર કરવામાં ઘણી શક્તી વપરાઈ જતી. મારણને કોતર ભેગું કરવાનું કામ પણ જંગલ અને ઢોળાવોમાં બહુ અઘરું હતું. વરસાદની ઋતુમાં પથરાળ જમીન લપસણી બની જતી. નદીપારની અઢળક સંપદા, એ જ હવે સૌનું લક્ષ્ય બની ગયું હતું.
અને ચારેય ભેરુ બીજા દીવસના મહાભીનીશ્ક્રમણ માટે તૈયારી કરવામાં પ્રવૃત્ત બની ગયા.
Categories: નવલકથા · સુરેશ જાની
Tagged: Novel
આજનો સુવીચાર
July 25, 2008 · 1 Comment
કલાને કોઈ ધર્મ નથી હોતો;
ખરેખર તો કલા જ એક ધર્મ છે.
- મુશિદ નૂર
(અમદાવાદના એક કલાકાર)
Categories: સુવીચાર
Tagged: Add new tag, Thought