ગદ્યસુર

Entries from August 2008

આજનો સુવીચાર

August 31, 2008 · 1 Comment

આપણે પહેલાં
ફલાણું ઢીંકણું વ્યસન
પાડીએ છીએ,
પછી
પેલું વ્યસન
આપણને પાડે છે.

- ઇશિતાનું ‘લવીંગ’

Categories: સુવીચાર
Tagged:

તપેલીઓ – એક અવલોકન

August 31, 2008 · Leave a Comment

     નાની મોટી ચાર તપેલીઓ એકમેકની અંદર થપ્પી કરીને મુકેલી છે.મત્સ્ય-ગલાગલ ન્યાયની જેમ, મોટી તપેલી એનાથી નાનીને ગ્રસીને પડેલી છે. એણે વળી નાનીને પોતાની અંદર સમાવી દીધી છે. 

    એ તપેલીઓને એકમેકની ઉપર તગેડો કરીને ગોઠવીએ તો? એક નાનો શો મીનારો બની જાય. આવું એક રમકડું પણ આવે છે. બાળકને રમત રમતમાં, નાના મોટાની શ્રેણી સમજાવવા એ વપરાય છે.

    અને આ બધી તપેલીઓ ભરેલી હોય તો? તો એ મત્સ્ય-ગલાગલ ન્યાય શક્ય ન બને; અને એ મીનારો પણ નહીં. અને કદાચ મીનારો બનાવીએ તો પણ, સૌથી વધારે ભરેલી તપેલી જ નીચે રાખવી પડે છે.

     પણ..

    માણસ એવું પ્રાણી છે કે, એ જેમ જેમ સમૃધ્ધીથી ભરાતું જાય તેમ તેમ, તેની વધારે માટેની ભુખ વધુ ને વધુ પ્રદીપ્ત થતી જાય છે. એ ઘણી વધારે તપેલીઓને (!) ગ્રસવા માંડે છે!

    મીનારો બનાવવા મોટી તપેલીએ પાયામાં રહેવું પડે. માણસની સંસ્કૃતીના પીરામીડના પાયામાં નાના, અનામી જણ ધરબાઈને પડેલા છે, જેની ઉપર મોટાંઓ ગુમાનમાં કશું કર્યા વીના ટોચે મહાલે છે.

    જાપાનીઝ પધ્ધતીમાં, એક આદર્શ તરીકે, યુરોપીયન પધ્ધતી પ્રમાણેના પીરામીડને, મોટી સંસ્થાઓ માટેનો ઢાંચો કે પ્રતીક તરીકે ગણવામાં નથી આવતો. ત્યાં વૃક્ષને પ્રતીક ગણવામાં આવે છે.

   એના પાયામાં મુળ હોય છે; જે સૌથી જુનાં, વીસ્તરેલાં અને જીવન સમૃધ્ધીના સ્રોત જેવાં પાણી અને ખાતરની સૌથી વધુ નજીક હોય છે. એ ઉમ્મરમાં સૌથી જુનાં હોય છે. એમનું કામ છેક ઉપર ફુટેલી નવી કુંપળોને પોષણ પુરું પાડવાનું હોય છે – સાવ અજ્ઞાત રહીને. 

   તેનાથી થોડું ઓછું જુનું, પણ મજબુત, થડ પોતાની મસ મોટી કાયાથી આખા તંત્રને આધાર આપે છે; ઝંઝાવાતો સામે રક્ષણ આપે છે. જીવનરસની નદી માટે વહેવાનો રસ્તો પુરો પાડે છે.

    યુવાન ડાળીઓ, આ જીવનરસથી નવજાત બાળ સમી નવી કુંપળોનું સંવર્ધન કરે છે.

    જે સૌથી તરોતાજા હોય છે; નવી હવા શ્વસવા અને નવા વીચારો અને સંશોધન કરવા સક્ષમ હોય છે; તે પાંદડાં અને કુંપળો, વીકાસના નવા રેસાઓ માટે જરુરી, નવો ખોરાક - કાર્બોહાઈડ્રેટ બનાવે છે.  

    કદાચ આ જ કારણે યુધ્ધમાં ખુવાર અને તારાજ થઈ ગયેલો એ સાવ ટચુકડો દેશ, વીશ્વના સૌથી વીકસીત દેશોમાંનો એક છે.

   આપણે જીવનયાત્રામાં જેમ જેમ આગળ વધતા જઈએ, તેમ તેમ એકમેકને ગ્રસી જતી તપેલી બનવું; મીનારાના પાયા કે પીરામીડ બનવું; કે પછી વૃક્ષનાં મુળ, થડ કે ડાળીઓ બનવું –

    એમાંથી કયો વીકલ્પ આપણે પસંદ કરીશું?

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

ઇશ્વર – ખલિલ જિબ્રાન

August 30, 2008 · 3 Comments

તમારું નીત્ય જીવન એ જ તમારું મંદીર અને તમારો ધર્મ છે.
તમે જો ઇશ્વરને ઓળખવા ઇચ્છતા હો
તો તે માટે કુટ પ્રશ્નો ઉકેલવાની ખટપટમાં પડશો નહીં,
પણ તમારી ચોતરફ જુઓ.

ઇશ્વર તમને તમારાં બાળકો સાથે રમતો જણાશે.
આકાશમાં જુઓ, તમને એ વાદળાંમાં વીહરતો,
વીજળીમાં હાથ પસારતો
અને વરસાદની સાથે ઉતરતો જણાશે.

તમે એને ફુલોમાં હસતો અને પછી વૃક્ષો પર ચડતો
અને બધા પર હાથ ફેરવતો જોશો.

- ખલિલ જિબ્રાન

Categories: અંતરવાણી · ખલિલ જિબ્રાન.
Tagged:

આજનો સુવીચાર

August 30, 2008 · Leave a Comment

પુરતી તૈયારી અને
તકના સરવાળા
પછી જે સર્જાય,
એને આપણે કહીએ છીએ
નસીબ.

- ઇશિતાનું ‘લવીંગ’

Categories: સુવીચાર
Tagged:

ગુજરાતી સ્પેલચેકર

August 30, 2008 · 13 Comments

ગદ્યસુર ઉપર પહેલી વાર ‘સાર્થ’ જોડણીમાં

     હ્યુસ્ટનના શ્રી. વિશાલ મોણપરાએ એમના ગુજરાતી ફોન્ટની ફેરબદલીના કામને આગળ ધપાવી, ગુજરાતી સ્પેલ ચેકર બનાવ્યું છે; એ સમાચાર જ્યારે મળ્યા, ત્યારે એક ગુજરાતી બ્લોગર તરીકે આનંદના ઓઘ ઉમટી આવ્યા. મારી અંગત માન્યતાઓ અને ‘ઉંઝા જોડણી’ માટેના મારા લગાવને બાજુએ મુકીને મને આવડે એવી ‘ સાર્થ’ જોડણીમાં,   આ બ્લોગ ઉપર પહેલી વખત, અને લગભગ દોઢ વર્ષના ગાળા બાદ, એ આનંદની અભિવ્યક્તી કરી રહ્યો છું. આથી આ લખાણમાં ભૂલો હોવાની ઘણી શક્યતાઓ છે. સુજ્ઞ વાચક એને ધીરજપૂર્વક ખમી ખાશે એવી આશા રાખું છું.

    મારા વિચારો રજુ કરું એ પહેલાં આખી જીંદગી લક્ષ્મી સાથે સંકળાયેલા, પણ સાચા અર્થમાં સારસ્વત એવા, મુરબ્બી શ્રી. રતિલાલ ચંદરયાએ ગુજરાતી ભાષાને આપેલા યોગદાનને યાદ ન કરું; તો તે ઉચિત નહીં હોય. એમના દાયકાઓના સતત પરિશ્રમના પ્રતાપે ગુજરાતી શબ્દકોશ અને સ્પેલચેકર અસ્તિત્વમાં આવ્યાં છે. અલબત્ત આ સવલતો વાપરનારે એક એક શબ્દ માટે પોતાની મહેનતથી ( મેન્યુઅલી) વાપરવાની હોવાથી, લખાણ માટે અલ્પ સમય જ ફાળવી શકતા બ્લોગરને બહુ અનુકૂળ નથી. પણ જ્યારે આવી કોઈ સવલત ઉપલબ્ધ ન હતી, ત્યારે વિશ્વના ખૂણે ખૂણે, વિનામૂલ્યે અદનામાં અદની વ્યક્તિને એ હાથવગું કરી આપવું, તે અપૂર્વ ઘટના છે.

     છાપેલા સાહિત્યથી બ્લોગ-સાહિત્ય એ રીતે જુદું પડી જાય છે કે, અહીં એકાદ વ્યક્તિ કે બે ચાર જણની ટોળી જાતે જ કામ કરતી હોય છે. આ કામમાં કોઈ અલગ પ્રુફ રીડર હોતો નથી. સમયનો અભાવ, વ્યાવસાયિક અને સામાજિક જવાબદારીઓ અને આકર્ષણોને બાજુએ મુકીને બ્લોગરો પોતાના નિજાનંદ અને ‘ગમતાંનો ગુલાલ’ કરી ગુજરાતી સાહિત્ય અને જનતાની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. એમના ગુજરાતી લખાણને સ્વયંસંચાલીત રીતે ચકાસવાનુ આ સાધન, જરુર બહુ જ ઉપયોગી નિવડશે; તે માટે બે મત નથી.

     ‘વિશ્યુઅલ બેઝીક’ માં હોબી પ્રોગ્રામીંગના ક્ષેત્રમાં બહુ જ સીમિત આવડત અને અલ્પ અનુભવના આધારે હું કહું છું કે, આ બહુ જ નીરસ અને અત્યંત પરિશ્રમ અને ધીરજ માગી લેતું કામ છે. વિશાલભાઈએ અનન્ય પ્રતિબધ્ધતાથી આ કામને હાથમાં લઈ, વાપરવાની શરુઆત કરી શકાય એવા સ્તરે પહોંચાડ્યું છે. મુરબ્બી રતિકાકાએ શરુ કરેલ પ્રક્રિયાને એમણે એક નવી ઉંચાઈ પર પહોંચાડવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે; એ માટે તે સૌના અભિનંદનના પાત્ર છે. હું એમને મારી અંગત મુબારકબાદી આપું છું અને આ સવલતને વિશ્વકક્ષાની બનાવવા માટે એમને ઝળહળતી સફળતા મળે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું.

Categories: સમાચાર · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

August 29, 2008 · 4 Comments

આ પણ કેવી કરુણતા!
સ્ત્રી પાસેથી કેવી રીતે કામ લેવું
તે કુંવારા પુરુષ સીવાય
બીજું કોઈ જાણતું નથી હોતું.

- ઇશિતાનું ‘લવીંગ’

Categories: સુવીચાર
Tagged:

થર્મોમીટર – એક અવલોકન

August 29, 2008 · 2 Comments

     અમારા દીવાનખંડમાં એક ડીજીટલ થર્મોમીટર છે. એમાં રુમનું ઉષ્ણતામાન તો મપાય જ છે, પણ બારી બહારનું ઉષ્ણતામાન પણ મપાય છે. આ માટે એક વાયરની સાથે જોડેલું સેન્સર બારીની બહાર મુકવું પડે છે. થોડા મોંઘા, રીમોટ સેન્સરવાળાં થર્મોમીટર પણ આવે છે. એમાં રેડીયો જેવી વ્યવસ્થા હોય છે. એમાં તો વળી એકદમ સાચો, એટોમીક ક્લોકનો સમય અને હવામાનની આગાહી પણ રેડીયો દ્વારા મળે છે.

    અરે! રેડીયો અને ટેલીવીઝનની જ વાત કરીએ તો? આપણી આજુબાજુ હવામાં કેટકેટલાં રેડીયો તરંગો પસાર થઈ રહ્યાં હોય છે. જાતજાતના અને ભાતભાતના તરંગો – કેટલા ય ટીવી પ્રોગ્રામો અને સેલફોનના સંદેશા અને ઘણું બધું. આપણે હાલીએ અને ચાલીએ, પણ આપણને કશીય ખબર પડે છે? એ માટે એન્ટેના અને રીસીવર જોઈએ અને જે સંદેશો ઝીલવો હોય તેની સાથે ટ્યુનીંગ કરવું પડે.

     તમે કહેશો કે, આમાં શું? અમેરીકા તો શું; ભારતમાં પણ આવાં સાધનોની હવે કાંઈ નવાઈ નથી.

     પણ અહીં તો અવલોકન કરવા બેઠાં છંઈ ને?!….

     આપણાથી અજ્ઞાત કોઈ ચીજ સાથે તાલમેલ સાધવો હોય તો એનું સેન્સર જોઈએ; વચ્ચેની લીન્ક જોઈએ અને ટ્યુનીંગ જોઈએ. ત્રણમાંથી એક પણ જો ન હોય તો, કામ ન થાય. એ સંવાદ થાય જ નહીં. બધું ધબોનારાયણ !

     ઈશ્વર વીશે ઘણી બધી કલ્પનાઓ, સીધ્ધાંતો, માન્યતાઓ પ્રવર્તમાન છે. પણ આ ત્રણ ચીજ આપણી પાસે ન હોય તો ? કોઈ કહેશે, ગુરુ અથવા સમ્પ્રદાયને શરણે જાઓ અને એની સાથે તમારી તાલમેલ સધાઈ જશે. અરે! ભાઈ, ટ્યુનીંગ વીના આમાંનું કશું કામ ન આપે.

     એ તત્વ તો આપણા કોશે કોશમાં હાજરાહજુર બેઠેલું જ છે. પણ આપણે એની સાથેનો સમ્પર્ક ગુમાવી દીધો છે. અને પછી એને શોધવા મંદીર. મસ્જીદ, દેવળ, દેરાસર, ગુરુદ્વારા,અગીયારી, સાયનેગોગ, આશ્રમો વી. ના ફોગટ આંટાફેરા મારીએ છીએ.

     જરુર છે, એ તત્વનું ઉષ્ણતામાન જાણવાની; એની સાથે સીધા સમ્પર્કની…… ‘અંતરની વાણી’ની

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

August 28, 2008 · 3 Comments

જીવનની સૌથી વીશેષ કરુણતા-
આપણા કારણે કોઈની આંખમાં આંસુ.

જીવનની સૌથી શ્રેષ્ઠ સફળતા-
આપણા માટે કોઈની આંખમાં આંસુ.

———————-

સાભાર – શ્રી. પિયુષ પંચાલ

Categories: સુવીચાર
Tagged:

ટોમ થમ્બ – અમેરીકા

August 28, 2008 · 8 Comments

28 ઓગસ્ટ – 1830

   આજથી  બરોબર 178 વર્ષ પહેલાં, આ દીવસે બાલ્ટીમોર, મેરીલેન્ડ, યુ.એસ.એ. ખાતે, ગામના ગોંદરે, હકડેઠઠ્ઠ ભીડ ભરાયેલી છે. આજુબાજુના ગામડાંઓમાંથી ખેડુતો પણ ભેગા થયા છે. નવી નવાઈનો ન્યુયોર્કનો આ વેપારી, પીટર કુપર ઈન્ગ્લેન્ડ જઈ આવ્યો છે; અને કોલસા ખાતો, આગ ઓકતો અને ભખ-ભખ વરાળ કાઢતો લોખંડનો ઘોડો બનાવી લાવ્યો છે. એને ચાલવા માટે કદી ન દીઠા હોય એવા, લોખંડના પાટા પણ બે માઈલ સુધી પાથર્યા છે. અને કહે છે કે, એનો આ નવી નવાઈનો ઘોડો અરબી ઘોડા જેવા આપણા મસ્તાંગની ( અમેરીકી ઘોડાની એક જાત) સાથે હોડ બકવાનો છે !

     આ લોખંડના ઘોડાની બાજુમાં મદમસ્ત અને ધીંગા મસ્તાંગથી ચાલતી બગી હાંકવા ગામનો શ્રેષ્ઠ કોચવાન તૈયાર ખડો છે. ગામનો શેરીફ થોડી જ વારમાં સીસોટી વગાડીને, કોલસા/ વરાળથી ચાલતા લોકોમોટીવ  એન્જીન અને મસ્તાંગ વચ્ચેની  આ અભુતપુર્વ રેસ  ચાલુ કરવાનો છે. 

    અને છેવટે શેરીફ સીસોટી વગાડે છે. પેલો કાળો ઘોડો પણ તીણી, ભયંકર અવાજવાળી અને કદી ન સાંભળી હોય તેવી સીસોટી વગાડે છે. આ ઘોંઘાટથી બેબાકળી થયેલી,  બે નાજુક મહીલાઓ બેભાન બની જાય છે. છોકરાંવ ચીસાચીસ કરી મુકે છે. અને બધાની આતુર આંખોની સામે આ રેસ શરુ થાય છે. ઓલ્યું ભખ-ભખ તો હડી કાઢીને દોટ મેલે છે. આપડો બચારો મસ્તાંગ તો એની આગળ સાવ ટાયડા જેવો લાગે છે. ઓલ્યું  તો જે જાય ભાગ્યું. મસ્તાંગના પ્રેમીઓ વધુમતીમાં છે. બધા નીરાશ વદને આ નવી નવાઈનો તાયફો જોઈ અકળાય છે.

   અને ત્યાં જ એ ભખ ભખ ઠપ્પાક દઈને બંધ પડી જાય છે. એનો એક બેલ્ટ ગરગડી પરથી ઉતરી ગયો છે અને ધીંગો મસ્તાંગ મેદાન મારી જાય છે. બધાં તાળીઓના ગડગડાટથી એને અને  એના કોચવાનને વધાવી લે છે. પીટર માથે હાથ દઈને બેસી જાય છે.

   આમ અમેરીકાની ધરતી પર ચાલેલું પહેલું એન્જીન ‘ ટોમ થમ્બ ‘  હાર્યું હતું અને જાતવાન મસ્તાંગ ઘોડો રેસ જીતી ગયો હતો !

    બાલ્ટીમોરની સીમમાં, લોખંડના પાટા પર ચાલેલું આ સૌથી પહેલું  એન્જીન હતું. ‘બાલ્ટીમોર અંને ઓહાયો રેલ્વે કમ્પની’નો આ પહેલો પ્રયોગ હતો. આ હારથી પ્રયત્ન બાજુએ મુકી દેવો, એ તો અમેરીકન કમ્પનીના માલીકોના સ્વભાવમાં જ ન હતું. એમણે હીમ્મત હાર્યા વીના, પીટરને છુટ્ટો દોર આપ્યો.  બીજા વરસે સુધારા વધારા સાથેના  એન્જીન વડે ચાલતી પહેલી  ટ્રેન શરુ થઈ ગઈ.  ધીમે ધીમે લોકો એનાથી ટેવાવા માંડ્યા. એના ફાયદા તરત સહુને સમજાયા. અને થોડાંક જ વર્ષોમાં અમેરીકામાં ઠેર ઠેર રેલરોડ બનવા માંડ્યા.

     એની સાથે અમેરીકાની અઢળક વન્ય-સમ્પત્તી,  ખેતીવીષયક પેદાશો અને કાચા માલના સસ્તા અને ઝડપી પરીવહનનો એક નવો  યુગ શરુ થયો હતો. ઔદ્યોગીક ક્રાન્તીના આ શરુઆતના વર્ષો હતા. આના કારણે અમેરીકાએ એક પછાત, જંગાલીયત અને ક્રુરતાથી ભરેલા અને કાયદાવીહીન દેશમાંથી સુસંસ્કૃત દેશ બનવાની ધીમી શરુઆત થઈ હતી. 

વધુ વીગત જાણવા અહીં ‘ ક્લીક ‘  કરો.

Categories: અમેરીકા · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

August 27, 2008 · 1 Comment

સફળ થવાના બે રસ્તા છે:
ગમતું કામ કરો
અથવા તો
કામને ગમતું કરો.

- ઇશિતાનું ‘લવીંગ’

Categories: સુવીચાર
Tagged: