આઝાદ બનવું એટલે ક્ષણમાં જીવવું.
પણ આ ક્ષણમાં જીવવું એટલે શું?
આપણે જન્મથી મૃત્યુ સુધી જીવીએ તો છીએ જ ને! કેટલી બધી ક્ષણો! પણ આમાંની કેટલી આનંદ અને ચૈતન્યથી ભરેલી હોય છે? મોટા ભાગના લોકો પાસેથી જવાબ મળશે – ‘ બહુ જ થોડી ‘ . કંઇક મનવાંછીત મળી ગયું અને આનંદ થયો. પણ બીજી જ ક્ષણે તે રહેશે કે તેમ તેની ચીંતામાં તે આનંદ ગાયબ. વળી આપણા પાડોશી કે મીત્રને આપણાથી વધારે સારી ચીજ મળી તેની વ્યથા. એટલે આપણા મોટા ભાગના આનંદો બહુ જ ક્ષણીક હોય છે. આ જ જીવનની સામાન્ય રીત છે. આ જ આપણી નીયતી છે.
કે પછી બીજી કોઈ રીત હોઈ શકે?
હા ! હોઈ શકે.
જીવનમાં શું મળ્યું કે શું ગુમાવ્યું; શું સુખ કે દુઃખ પ્રાપ્ત થયું તે બધું ઘણી બાબતો પર આધાર રાખે છે, અને કદાચ આપણું તેની ઉપર કોઈ નીયમન નથી. પણ તેને આપણે કયા અભીગમથી જોઇએ છીએ; તેના પર આ ક્ષણના સુખનો આધાર છે.
કબુલ….. આપણે સંકલ્પ કરીએ કે આપણે આ ક્ષણથી જ પ્રત્યેક ક્ષણને માણવાનું શરુ કરી દઈશું!
પણ આ શક્ય છે?
ના નથી ! મારે માટે પણ નહીં અને કોઈને માટે પણ નહીં ! એ તો ખાલી વાતોનાં વડાં જ થયા.
ભલે, પ્રત્યેક ક્ષણ આપણે આ રીતે જીવવા સમર્થ નથી, પણ આપણા ફાળે આવેલી આટલી બધી ક્ષણોમાંથી દરરોજ થોડીક આપણા પોતાના માટે ફાળવીએ તો? થોડીક જ ક્ષણો. પણ દરરોજ, સાતત્યથી; અને માત્ર આપણા પોતાના માટે જ. એ ક્ષણમાં કોઇ આર્થીક, સામાજીક, રાજકીય, કૌટુમ્બીક – કોઇ પણ જાતનો - લાભ આપણને થવાનો ન હોય તેવી નાની પ્રવૃત્તી કરવાની - બાળક સાથે રમીએ; વાસણ માંજવામાં થોડી મદદ કરીએ; કોઇ ચીત્ર દોરીએ; કવીતા લખીએ; ભજન, સ્તુતી, જાપ કે ધ્યાન કરવાં હોય તો તેમ પણ કરીએ - આપણી ચીત્તવૃત્તીને જે અનુકુળ આવે તેમ કરીએ.
યાદ એ રહે કે, આમાં ક્યાંય, થોડોક પણ જશ ખાટવાની, લાભ મેળવવાની, પરલોક સુધારવાની કે મોક્ષની ચાહના ન હોવી જોઈએ. કેવળ જીવવાનો નીર્બેળ આનંદ જ હોવો જોઈએ.
અને લખી રાખો સામેની દીવાલ પર - કે એક નવા જ આહ્ લાદની લહેરખી ક્યાંકથી ફરી વળશે. અંતરમાં બેઠેલી આપણી જાતને, આપણા હોવાપણાના મુળ તત્વને – આપણા પરમ સખાને – આ ગમવા માંડશે.
અને બીજા દીવસે એમ થશે કે, ‘આજે એ ક્ષણ વધારું.’ કદાચ ત્યારે કાંઇક બીજું જ કરવાનું મન થશે. તો તેમ કરીએ. પ્રાર્થના કરવાનો મુડ નથી તો તે ન કરીએ. ભમરડો ફેરવવાનું મન થયું છે તો ભમરડો ફેરવીએ! પણ તે ક્ષણમાં આપણને જે ઉમળકો આવે તે કરીએ. આપણું મન તો ચંચળ છે ને? બસ શરત માત્ર એટલી જ કે, તેમાં કોઇ જ અર્થ ન સરતો હોય, કોઇ લાભ ન હોય તેવી પ્રવૃત્તી જ કરવાની. અને હા ! કોઈને નુકશાન કે મનદુખ ન થાય તેવી પણ ખરી જ તો! જો સચ્ચાઈથી આ મહાવરો પાડીશું તો આવી ક્ષણો – આપણા પોતાની આ ક્ષણો – દીન-બ-દીન વધતી જશે. પછી તો તે ક્ષણો બહુ વ્હાલી લાગવા માંડશે.
કારણકે, એ ક્ષણોમાં આપણે આપણી રીતે જીવનનો આનંદ માણવાની શરુઆત કરી દીધી છે. આપણા હોવાપણાની પોતાની આ ક્ષણો છે. આ જ તો સાચું જીવન છે.
આના તીવ્રતમ પડઘા આપણા જીવનના બીજા ભાગોમાં નાટ્યાત્મક રીતે પડવા માંડશે. જેમ જેમ આપણા પોતાના માટેની આ શાળાના પીરીયડ વધતા જશે તેમ તેમ આપણે નવા અને આગળના ધોરણોમાં પ્રમોશન મેળવતા જઈશું. આપણો અભીગમ ધીમે ધીમે બદલાવા માંડશે. આપણા રોજીંદા જીવનના સંઘર્ષો તરફના આપણા પ્રત્યાઘાતોમાં, પ્રતીભાવોમાં એક પરીવર્તન આવતું જશે.
કો’ક અજીબોગરીબ શક્તી આપણા માનસમાં પરીવર્તનની એક નવી હવા; ચેતનાની, આનંદની એક નવી લ્હેરખી ફેલાવવા માંડશે.
આવા સતત અભ્યાસથી એક એવો તબક્કો આવશે કે, આપણને પહેલાં જે તકલીફો મોટા ડુંગરા જેવી લાગતી હતી તે નાની ટેકરીઓ, અને પછી તો સાવ નાની કાંકરીઓ જેવી લાગવા માંડશે. કોઇનું વર્તન આપણી તરફ સારું ન હોય; તો તેનું બહુ માઠું આપણને કદાચ નહીં લાગે. કદાચ આપણી સાથેના સહકાર્યકરને પ્રમોશન મળે કે વધારે ઇન્ક્રીમેન્ટ મળે તો આપણી ઉંઘ હરામ નહીં થઈ જાય!
આપણને પેલા ‘જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલ’ પક્ષી ની જેમ, વધારે ઉંચે અને વધારે ઝડપથી અને ઉંચે ઉડવાની તાલાવેલી લાગશે. માત્ર ઉડવા ખાતર ઉડવાનું. ઉડવાના અપ્રતીમ આનંદ ખાતર ઉડવાનું. પાગલ બનીને ઉડવાનું. એ પાગલપન આપણા સમગ્ર અસ્તીત્વને ઘેરી વળશે. શાણા, સુફીયાણા, ગણતરીબાજ, વ્યવહારકુશળ સદગૃહસ્થ કે સન્નારીનું સ્થાન દરીયાકીનારે છીપલાં વીણતું એક બાળક લઈ લેશે. અને બધાંય ઉડ્ડયનો સાવ સરળ, આનંદમય બની રહેશે. ધ્યેયપ્રાપ્તીનું કોઈ તાણ જ નહીં; કેવળ રમવાનો આનંદ – કેવળ જીવવાનો આનંદ.
ધીરે ધીરે એ અકારી, દુખથી ભરેલી , બોજરુપ લાગતી ક્ષણોમાં પણ આપણે આનંદથી જીવવા માંડીશું. એક નવા ‘હું’ નો જન્મ થઈ ચુક્યો હશે. કે પછી ખરો ‘હું’ – આપણો પ્રીય સખા, આપણો સાજન એક જેલમાંથી છુટી નીખરવા માંડશે. આ કોઇ નવું મહોરું નહીં હોય . આ તો આપણી જાત જ, આપણે જેવા છીએ તેવા જ, સાવ સ્વાભાવીક,
એક માણસ કહેવાય તેવા માણસ
બની રહીશું.
આ સુફીયાણી સલાહ નથી. જીવનના અનુભવમાંથી જાતે ડુબકી મારીને ચુંટી લીધેલું મોતી છે. એ સૌની સાથે વહેંચીને ’ ગમતાંનો ગુલાલ’ કર્યાનો હરખ છે. અનુભવોના બણગાં ફૂંકીને કોઇ આપવડાઈ કરવાનો આ પ્રયત્ન નથી. પાંસઠ વર્ષનો આ બાળક તેને મળેલી સોગાત તમારી સાથે વહેંચીને તમારી સાથે રમવા માંગે છે.
ચાલો, મારી સાથે આ રમત રમવા તૈયાર છો ને? બહુ જ મજા આવશે…બસ મજા જ મજા … પ્રત્યેક ક્ષણ જીવવાની મજા … આઝાદ બનવાની મજા…
અને આ મજા માણવા ગાઈએ અને સાંભળીએ - આ ગીત …
2 responses so far ↓
pradip // June 25, 2007 at 1:48 am |
Dear Sir,
keep on sharing what you come acroos,It is always inspiring to read you.When i was working with u,I enjoyed ur speecues.Now time has changed.Let me enjoy ur writings.It is powerfull.
Pradip.S.Dave-Ahmedabad
25/06/07
hemantpunekar // January 1, 2008 at 4:47 am |
સરસ વાત લખી સુરેશકાકા! આપણે અર્થસભર વાતો કરવામાં એટલા અટવાઈ જઈએ છીએ કે પોતાના માટે થોડો સમય પણ કાઢી શકતા નથી. તમે જે કહો છો એ એક જાતનું relaxation આપી શકે.