ગદ્યસુર

Entries from September 2008

આજનો સુવીચાર

September 30, 2008 · 2 Comments

નાના શત્રુને નાથવા
નાના ઉપાય જ પુરતા હોય છે.

ઉંદરને બીલાડી જ મારે છે
– સીંહ નહીં.

Categories: સુવીચાર
Tagged:

પગલાં …

September 30, 2008 · 1 Comment

                 

        એક રાત્રે સ્વપ્નમાં મને ભગવાન દેખાયા.તેમણે મને કહ્યું;”મારા પ્રીય બાળક,હું હંમેશા તારી સાથે જ રહું છું.”

        હું કાયમ દરીયાકીનારે ફરવા જાઉં, અને જોઉં તો મારા પગલાની સાથે એક જોડ પગલા હોય જ.

       મને તરત યાદ આવી જાય કે, એ પગલા તો ભગવાનના છે; કારણકે તે હંમેશા મારી  સાથે જ રહે છે.પરંતુ હું જોઉં છું કે,  તે મારી સાથે હોય છે,  તે સમય મારા જીવનનો સુખમય સમય હોય છે.

        જ્યારે હું તકલીફમાં હોઉં અથવા દુઃખથી ઘેરાયેલો હોઉં ત્યારે માત્ર હું એક જ જોડ પગલા જોઈ શકું છું.આ તે કેવી રીત?

      મેં ભગવાનને પુછ્યું: “તમે કહેતા હતા ને કે,  તમે હંમેશા મારી સાથે જ રહો છો. તો પછી મારા ખરાબ સમયમાં હું કેમ તમારા પગલા નથી જોતો? તે સમયે તમે મારાથી કેમ દુર જતા રહો છો?”

        ભગવાન મધુર સ્મીત કરતા બોલ્યા;”વહાલા બાળક, જે સમયે તું એક જ જોડ પગલાં જુએ છે, તે મારા પગલા હોય છે. કેમકે તે સમયે મેં તને ઉચકી લીધો હોય છે.”

        મારી આંખો ભીંજાઈ ગઈ, હું ગળગળો થઈ ગયો. મારું મસ્તક તેમના ચરણોમાં ઝુકી ગયું.

Categories: અંતરવાણી
Tagged:

આજનો સુવીચાર

September 29, 2008 · 3 Comments

વાદ-વીવાદ કરવાથી
કોઈને કાંઈ મળતું નથી.

વીવાદમાં એ જ જીતે છે;
જે વીવાદમાં પડતા નથી.

Categories: સુવીચાર
Tagged:

પથ્થર ઉપર લીલ – એક અવલોકન

September 29, 2008 · 3 Comments

     તે દીવસે પાર્કમાં ચાલી રહ્યો હતો. આજુબાજુમાં મોટા પથ્થર પડેલા હતા. દુરથી તેની ઉપર ક્યાંક ક્યાંક કાળાશ દેખાતી હતી. મેં નજીક જઈને તેની ઉપર હાથ ફેરવી જોયો. સરસ મખમલ જેવી કુમાશવાળી, પણ સુકાયેલી, લીલ ( મોસ) પથ્થર ઉપર જામેલી હતી. માંડ બે કે ત્રણ મીલીમીટર જાડી હશે. શીયાળો પત્યા બાદ વસંત ઋતુમાં એ જ જગ્યાએ આવ્યો હતો; તે મને યાદ આવી ગયું. આજ પથ્થરો ઉપર કાળઝાળ ઠંડી બાદ, ભેજ અને આછી આછી ગરમીના પ્રતાપે, લીલીછમ્મ લીલ જામેલી હતી. ઉનાળાની બળબળતી ગરમીમાં એ સુકાઈ ગઈ હતી; કાળી પડી ગઈ હતી; મૃતઃપ્રાય જણાતી હતી. પણ ફરી વસંત આવશે અને આ જ લીલ પાછી મહોરી ઉઠશે. એની અંદર સુષુપ્ત પડેલું જીવન જાગી જશે.

     એ નાનકડી લીલનું સમસ્ત હોવાપણું એ બે ત્રણ મીલીમીટર પુરતું જ મર્યાદીત હતું. એ જ એનો વ્યાપ. કોઈ મુળ, થડ, ડાળી, પાન, ફુલ – કશું જ નહીં. પણ એ પુરબહારમાં હોય ત્યારે? રુક્ષતાના પ્રતીક જેવા એ કાળમીંઢ પથ્થરને પણ લીલોછમ્મ બનાવી દેવાની એનામાં ગુંજાઈશ છે. કેવો રુપાળો લાગતો હતો – આ જ પથ્થર એ લીલી ઝાંયમાં?

     અને મને મારા અભ્યાસકાળની એક અંગ્રેજી કવીતા યાદ આવી ગઈ -

”In small measures too,
we can just beauties see.
In short measures too,
life can perfect be.”

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

September 28, 2008 · 1 Comment

પાપ કરતી વખતે
જેટલી મીઠાશ માણી હોય
તેટલી જ કડવાશ
પરીણામરુપે
ગમે ત્યારે
આપણે ભોગવવી જ પડે.

–વીષ્ણુપુરાણ

Categories: સુવીચાર
Tagged:

નીત્ય જીવન – ખલીલ જીબ્રાન

September 28, 2008 · 1 Comment

તમારું નીત્ય જીવન એ જ તમારું મંદીર અને તમારો ધર્મ છે.

તમે જો ઈશ્વરને ઓળખવા ઇચ્છતા હો
તો તે માટે કુટપ્રશ્નો ઉકેલવાની ખટપટમાં પડશો નહીં,

પણ તમારી ચોતરફ જુઓ.
ઈશ્વર તમને તમારાં બાળકો સાથે રમતો જણાશે.

આકાશમાં જુઓ, તમને એ વાદળાંમાં વીહરતો,
વીજળીમાં હાથ પસારતો અને વરસાદની સાથે ઉતરતો જણાશે.

તમે એને ફુલોમાં હસતો અને પછી વૃક્ષો પર ચડતો
અને બધા પર હાથ ફેરવતો જોશો.

- ખલીલ જીબ્રાન

Categories: અંતરવાણી · ખલિલ જિબ્રાન.
Tagged:

આજનો સુવીચાર

September 27, 2008 · 2 Comments

નાસ્તીક અને આસ્તીક

વચ્ચે ફરક કેટલો? 

નાસ્તીકને મન ઈશ્વર શુન્ય છે.
આસ્તીકને મન ઈશ્વર પુર્ણવીરામ છે.

Categories: સુવીચાર
Tagged:

તરવાનું – એક અવલોકન

September 27, 2008 · 9 Comments

    ઘણા વખત પછી ફરી એકવાર સ્વીમીંગપુલમાં – પણ આજે વાત તરવા વીશે.

    હું તરતી વખતે, ડાબા અને જમણા હાથથી કરાતા સ્ટ્રોક (?) ગણતો હોઉં છું. પુલની લંબાઈ પાર કરતાં મારે 85 થી 90 સ્ટ્રોક લગાવવા પડતા હોય છે. કદીક થાકેલો હોઉં તો 90 કે 92 સ્ટ્રોક પણ થઈ જાય.

    તે દીવસે મને મનમાં થયું કે તરવાની આ ઝડપ વધારી ન શકાય? આથી સ્ટ્રોક મારતી વખતે હાથ પાછળની તરફ વીંઝતાં બરાબર તાકાત અજમાવીને શક્તીશાળી સ્ટ્રોક લગાવ્યો. શ્વાસ પણ ઓટોમેટીક વધારે ભરાયો. શ્વાસ અને સ્ટ્રોકની આ જુગલબંધી બરાબર જામી. સાથે એની સંખ્યા ગણવાનું તો ચાલુ જ હતું.

    અને છેવટે પુલનો બીજો છેડો આવી ગયો. મારા આશ્ચર્ય વચ્ચે માત્ર 65 સ્ટ્રોકમાં જ હું આખો પુલ પાર કરી ગયો હતો. ઝડપ લગભગ 30% વધી હતી.

     મારે કાંઈ રેકોર્ડ સ્થાપવાનો કે તોડવાનો નહોતો; પણ….

     મને મારું પ્રીય પાત્ર જોનાથન સીગલ યાદ આવી ગયું. સતત પ્રયત્ન અન સતત વીકાસ; સતત મહાવરો અને સતત ઝડપમાં વધારો…. 

‘Practice makes the man perfect. ‘

    આપણે આપણી શક્તીઓની એક સીમા બાંધી દીધેલી હોય છે. આપણે આટલું જ કરી શકીએ. આપણાથી આનાથી વીશેષ મહેનત ન કરી શકાય. મારા જેવા વળી કહે,” હવે આપણે ઘરડા થઈ ગયા. જવાનીના જુસ્સાના એ દીવસો તો ગયા.”

    પણ પ્રયત્નથી એ સીમા ઓળંગી શકાતી હોય છે. શ્રેષ્ઠ જેવું કાંઈ હોતું નથી. શ્રેષ્ઠ તો હજુ આવવાનું છે. એક સ્ટોરમાં લગાવેલું પાટીયું યાદ આવી ગયું

‘We do our part.’

     ‘We do our best.’ કરતાં સેવાની આ ભાવના કેટલી ઉમદા હતી? આપણે આપણો ભાગ ભજવવાનો - 

પુરી તાકાત અને પુરી નીષ્ઠાથી.

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

September 26, 2008 · 1 Comment

પ્રભુને કરેલી પ્રાર્થનામાં
શબ્દો નહીં હોય તો ચાલશે;
પણ પ્રાર્થનામાં મન નહીં હોય
તો જરા પણ નહીં ચાલે.

Categories: સુવીચાર
Tagged:

જ. ઉ.

September 26, 2008 · 6 Comments

      જયેશ!  તમે આઠ વરસના બાળક છો. પણ બધા બાળકો કરતાં તમે થોડા જુદા છો. તોફાન, મસ્તી, મારામારી, ભાંગફોડ એ તમારો ચાનો પ્યાલો નથી! તમે થોડા ધીર ગંભીર પ્રકૃતીના છો. તમે થોડા ફીલસુફ, થોડા અંતર્મુખી છો ; અને છતાં સાવ બાળક પણ છો જ. એ જ તો તમારા જીવનનું પ્રધાન તત્વ રહ્યું છે ને? તમને હમ્મેશ ચોપડીઓ સાથે સારો નાતો રહ્યો છે – સીવાયકે, ચોપડાં ફાડવાનો!

     અને તે દીવસે મુંબાઈના તમારા એક રુમ અને રસોડાના મહેલમાં, તમારા ભાઈ ( પપ્પા કે ડેડી જ તો! ) હીસાબ બરાબર રાખવાના અતી ઉત્સાહમાં, લાલ રંગના ચોપડા લઈ આવે છે. આઠ વરસની તમારી કાયા અને તમારું મન, બહુ જ કુતુહલથી આ નવી સામગ્રી તરફ આકર્ષાય છે. તમે એ મહાન ગ્રંથો ધ્યાનપુર્વક નીહાળી રહો છો. બાળસુલભ લાલ રંગનું આકર્ષણ અને તેની જાડાઈ તમને એમની તરફ ખેંચી રાખે છે. પણ ભાઈની આમન્યા અને ડર તમને એને અડવામાંથી પણ ખાળે છે. તમે રમતમાં જીવ પરોવો છો, પણ ધ્યાન તો એ મહામુલી, નવી સંપદામાં જ છે. કુટુમ્બની મહામુલી સંપદાનો હીસાબ રાખવાનું ભાઈનું એ પહેલું પગથીયું છે, એનો તો તમને ક્યાંથી ખ્યાલ જ હોય? પણ એ લાલચોળ, પાકા પુંઠાના ચોપડાની કોઈ છુપા ખજાનાનો કેવોક નકશો આપેલો છે; એ જાણવા તમે આતુર છો.

     અને તમે જેની બહુ આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા, એ ક્ષણ આવી પહોંચે છે. ભાઈ તો આખા દીવસના થાક્યા પાક્યા એમના એકના એક બેડરુમમાં સુઈ ગયા છે. બા તો બીચારી એના ઘરકામના ઢસરડામાંથી ક્યાં તમારું ધ્યાન રાખવા નવરી છે. અને આમેય એને ચોપડા સાથે બારમો ચન્દ્રમા! તમારી પોતાની નીરાંતની આ ક્ષણોમાં તમે એ ચોપડાના લાલ ચોળ પુંઠા પર મમતાથી હાથ ફેરવો છો.

     હવે તો બા પણ સુવા જતી રહે છે; અને એ મુલ્યવાન ચોપડો તમારા પુરા ભોગવટામાં આવી જાય છે. નવા બાઈન્ડીન્ગ, અને નવા નક્કોર કાગળની મનલોભક સુવાસ તમારી કલ્પનાના ઘોડાઓને બહેલાવે છે. કોલમ્બસને કેરીયીબન ટાપુની ધરતી દેખાઈ અને તેની ઉપર પહેલી વાર તેણે પગ મુક્યો હશે; ત્યારે જે આનંદ એને થયો હશે; એવો જ કોઈ અપ્રતીમ આનંદ તમને એ ચોપડાનું પહેલું પાનું ખોલતાં થાય છે.

      અને એક સંશોધકની આગવી અદામાં તમે આગળ વધો છો. અજાણ્યા ભયો અથવા આશ્ચર્યોથી સતેજ રહેવા, એકે એક ડગલું ગણી ગણીને ભરતા સાહસીકની જેમ તમે એક પછી એક પાનાં ફેરવો છો. પણ સાવ રેતાળ, રેગીસ્તાન જેવા અને નકરી માહીતીથી ભરેલા એ પાનાંઓમાં તમારો માનીતો કોઈ અડુકીયો, દડુકીયો કે મીયાં ફુસકી નજરે ચઢતો નથી! નવી ઉપજેલ એ નીર્ભ્રાન્તીની ક્ષણોમાં, સાવ કોરી સ્લેટ જેવા નવા પ્રદેશ – અરે! ભુલ્યો – નવા પાનામાં, તમે પદાર્પણ – અરે! અંગુલી પ્રસ્થાન – કરો છો! 

     અને લો! આ મહાન શોધ તમને હાથવગી બની જાય છે. નવા નવા સાંપડેલા અક્ષરજ્ઞાનના પ્રતાપે તમારું ધ્યાન બે અત્યંત લોભામણા અને ચીત્તાકર્ષક અક્ષરો ઉપર કેન્દ્રીત બને છે.

જ અને ઉ

    તમારા કોરી સ્લેટ જેવા બાળમાનસને હીસાબના કે જીવનના જમા ઉધાર શું એની કશી જ ગતાગમ નથી. પણ તમને આ અક્ષરોનો એક જ અર્થ ખબર છે –

    જયેશ અને ઉમાકાન્ત …  તમે અને તમારા ભાઈ !

   અને આ મહાન શોધ તમારા સમગ્ર હોવાપણાને ઉત્તેજીત કરી દે છે. તમારું સમગ્ર અસ્તીત્વ આ બે મહામુલા અક્ષરો દ્વારા ઘોષ પ્રતીઘોષ કરતું રહે છે. અને એ મહાનાદથી અભીભુત થયેલા તમે પાને પાને, બાજુમાં પડેલી પેનના સહારે, તમારા ગરબડીયા હસ્તાક્ષરોમાં એ અમર અક્ષરોનો વીસ્તાર કરી પહેલું કોરું પાનું ચીતરી નાંખો છો.

જમણા પાને –  જયેશ ઉમાકાન્ત
અને ડાબા પાને –   જયેશ ઉપાધ્યાય.

     સંશોધકને પણ શરમાવે એવી તમન્ના, ખંત અને ધીરજથી; અને એક વીજેતાની અદાથી, સુવર્ણાક્ષરે નહીં તો વાદળી અક્ષરો વડે, તમે પહેલેથી શરુ કરીને છેલ્લા પાના સુધીના એ વણખેડાયેલા દરેકે દરેક પ્રદેશને તમારા આ મહાન નામો વડે સર કરી લો છો. ભાઈની આ બધુ કરવાની જવાબદારીમાં તમે તમારા શ્રમનો ફાળો આપ્યો છે તેવો છુપો અને કાલ્પનીક આનંદ પણ ઉપજી ચુક્યો છે. મોડી રાતે આ પરીશ્રમથી સાંપડેલ પરીતોષના ભાવમાં પરીઓ અને રાજકુમારના દેશમાં છેવટે તમે સરી પડો છો.

     અને દુઃસ્વપ્નની જેમ, સવારમાં તમારી જે ધોલાઈ થાય છે તે તો તમે ક્યાંથી વીસરી શકો તેમ જ છો? એ વણખેડાયેલા પ્રદેશો, એ પરીઓ, એ રાજકુમારો, એ અવનવા સાહસો, સઘળાં ધુમ્મસની જેમ વીખેરાઈ જાય છે. તમે ઠોસ ધરતી પર આવીને અડબડીયાં ખાતાં ‘તીસરી કસમ’ ખાઓ છો કે, લાલ ચોપડાના એ પ્રદેશોમાં કદી ફરી પગ ન મુકવો – તમારા મહાન નામને કદી એ છેતરામણા પ્રદેશોમાં મહાલીને અભડાવવું નહીં.

      અને ત્યારથી તમારા હોવાપણામાં હીસાબ માટેની અપ્રતીમ અસુયા અને પોતીકો અને પનોતો પુર્વગ્રહ જન્મ લઈ લે છે.

 

જયેશભાઈનો બ્લોગ 

Categories: સુરેશ જાની · સ્વાનુભવ
Tagged: