Entries from October 2008
અંતીમ દર્શન
October 31, 2008 · 7 Comments
અંગ્રેજી પરથી ભાવાનુવાદ.
હેલોવીન સ્પેશીયલ
( આ વાર્તા સાચી છે કે કેમ તેની મને ખબર નથી. પણ તે અસરકારક જરુર છે. )
ઘણા વખત પહેલાં, એક દીવસ અમેરીકાના મીઝોરી રાજ્યના પાટનગર સેન્ટ લુઈની એક કમ્પનીમાં કામ કરતા માણસો બપોરના જમણ પછી પાછા આવ્યા; ત્યારે નોટીસબોર્ડ ઉપર એક નોટીસ મુકેલી તેમણે જોઈ.
એ નોટીસમાં લખ્યું હતું ,
” તમારા વીકાસની આડે અત્યાર સુધી કમ્પનીની જે વ્યક્તી આવતી હતી; તેનું ગઈકાલે અકાળ અવસાન થયું છે. કસરત માટેના હોલમાં તેની અંતીમ ક્રીયાની વ્યવસ્થા કરાઈ છે. તેના અંતીમ દર્શન કરી તેને છેલ્લું માન આપવા, સૌએ ત્યાં રીસેસ પતે તે બાદ ભેગા થવાનું છે.”
એક સાથી કામદારનું મૃત્યુ થયાના આ સમાચારે, પહેલાં તો બધાંને સ્વાભાવીક રીતે દુખ થયું. પણ પછી આ વ્યક્તી કોણ છે તે જાણવાની બધાંને ઈંતેજારી પણ થઈ. બધા કસરતના હોલમાં એ વ્યક્તીને માન આપવા ભેગા થવા માંડ્યા. જેમ જેમ હાજરી વધતી ગઈ; તેમ તેમ સૌની ઈંતેજારી પણ વધતી ગઈ.
‘ એવું કોણ હતું કે જે આપણા વીકાસની આડે આવતું હતું? ચાલો હવે તે વ્યક્તી અવલ ધામ પહોંચી ગઈ, તે તો સારું જ થહ્યું ! ’ બધાંના મનમાં આ જ વીચાર ચાલતો હતો.
બધા એકઠા થયા બાદ કમ્પનીના વડાએ કહ્યું. “કોફીન પાસે વારાફરતી એક એક જણ આવે અને ગુજરી જનારના દર્શન કરી, પોતપોતાની જગ્યાએ જાય.“
ટાંકણી પણ પડે તો સંભળાય તેવા સાર્વજનીક મૌનની વચ્ચે, એક એક વ્યક્તી, તે કોફીનના ખુલા રાખેલા ઢાંકણા પાસે જવા માંડી અને કોફીનમાં નજર નાંખી; અવાક બની પોતાના સ્થાને જવા રવાના થઈ. બધાં વીચાર કરતાં થઈ ગયાં હતાં.
કોફીનની અંદર એક આરસી રાખેલી હતી! સૌને એમાં પોતાનું ‘ ભુત ‘ દેખાયું !!
એની બાજુમાં એક બોર્ડ ઉપર લખેલું હતું,
“આ એક જ વ્યક્તી એવી છે; જે તમારા વીકાસની મર્યાદા આંકે છે અને તમારી સૌથી વધારે આડે આવે છે!
તે તમે જ છો!
આ જ એકમાત્ર વ્યક્તી છે; જે તમારા જીવનમાં આમુલ પરીવર્તન લાવી શકે છે. તમે જ તમારા સુખ કે દુખને સરજી શકો છો; અને તમારી સફળતા સીધ્ધ કરી શકો છો. તમે જ એકલા તમારી પોતાની મદદ કરી શકો તેમ છો. તમારા ઉપરી, તમારા મીત્રો, તમારા માબાપ, તમારા જીવનસાથી કે તમારી કમ્પની બદલાય તેના માત્રથી તમારી જીંદગી ખાસ બદલાઈ જતી નથી. જ્યારે તમે બદલાઓ છો; ત્યારે જ તમારી જીંદગી બદલાઈ જતી હોય છે.
જ્યારે તમે તમારી માન્યતાઓથી ઉપરવટ જઈને વીચારવા લાગો; ત્યારે જ તમને પ્રતીતી થશે કે, એક માત્ર તમે જ તમારા જીવન માટે જવાબદાર છો.
તમારા બધા સંબંધોમાં સૌથી વધારે અગત્યનો સંબંધ, તમારી જાત સાથેનો તમારો સંબંધ છે. “
———————–
આજે ભુત, પ્રેત, ડાકણ, હાડપીંજર, ખોપરી, ઘુવડ, ચામાચીડીયા, કરોળીયા, વીગેરેની સાથે આપણો વ્યવહાર તાજો કરી લેવાનો, અમેરીકન તહેવાર … ’હેલોવીન’ …. છે.
આપણે મનનાં ભુતોને પણ જાણી લઈએ તો? આપણી ખોખલી માન્યતાઓ સાચી છે કે ખોટી તે જરા ચકાસી લઈએ તો? આવા બધાં ભયજનક તત્વોની ઉપરવટ જઈ, તેમને અતીક્રમી, નવી શક્યતાઓ ઉભી કરવાનું સામર્થ્ય કેળવીએ તો?
Categories: સત્યકથા · સુરેશ જાની
Tagged: story
આજનો સુવીચાર
October 30, 2008 · 1 Comment
આપણે એ સમજી લઈએ કે,
મીત્રોના વીચારો બદલાતા હોય છે:
તો આપણે મીત્રો બદલવાની જરુર નથી.
આજનો સુવીચાર
October 29, 2008 · 1 Comment
બે માણસો ચર્ચા કરે
તેનો અર્થ એ નથી કે,
તેઓ એકબીજાને ચાહતા નથી.
અને તેઓ ચર્ચા કરતા ન હોય
તેનો અર્થ એ નથી કે,
તેઓ એકબીજાને ચાહે છે.
આજનો સુવીચાર
October 28, 2008 · 1 Comment
જન્મનું પ્રમાણપત્ર કહે છે કે,
તમે જન્મ્યા હતા.
મૃત્યુનું પ્રમાણપત્ર કહે છે કે,
તમે મરણ પામ્યા હતા.
તમારી તસ્વીર કહે છે કે,
તમે જીવતા હતા.
ગુજરાતની બહાર દીવાળી
October 28, 2008 · 16 Comments
એ ય બાપુ! રામરામ… સાલમુબારક ..
ગુજરાતની બહાર રહેતા કયા ગુજરાતીને ગુજરાતની દીવાળી અને બેસતા વરસની મજા યાદ ન આવે? એ જાતજાતની વાનગીઓ; નવાંનકોર કપડાં પહેરી એ એકબીજાને મળવા જવાનું; એ ફટાકડા; રસ્તા પરની એ વાહનો અને માનવ મહેરામણની, હૈયે હૈયું ભીંસાય એવી, હકડેઠઠ ભીડ.. અને એય સવારના પહોરમાં ચાર વાગતામાં જ ..
“ અમાસની રાતે, પડવેનું વહાણું , સબરસ .. સબરસ.. “
- ની અહાલેક ગજાવી, શુકનનું મીઠું પીરસતા, અને બોણી માંગતા, તરવરીયા તોખાર જેવા કીશોરો … .
પણ એ યાદો તાજી કરીને આ સપ્પરમા દીવસને ખારો અને ખાટો નથી બનાવવો!
આ વાત છે, મારી ગુજરાતની બહાર પહેલી દીવાળીની. મારી પહેલી ટ્રેન મુસાફરીની વાત તો અગાઉ કરેલી છે. ( એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો. ) એના પરીપાક રુપે મને રાજામન્દ્રી- આન્ધ્ર પ્રદેશમાં નોકરી મળી ગઈ હતી. હું ભાઈને ત્યાં રહેવા ગયો; ત્યારે ભાઈ ભાભી મીલની કોલોનીમાં રહેતાં હતાં. ઘણા વખતથી તેમનો વીચાર એ ક્વાર્ટર છોડીને દુરના શાંત વીસ્તારમાં રહેવા જવાનો હતો. આથી મારા ત્યાં ગયા પછી, એકાદ મહીના બાદ એમણે એક સારા અને શાંત વીસ્તારમાં મકાન ભાડે રાખ્યું. ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં ગુજરાતીઓની વસ્તી પણ હતી.
એકાદ મહીનો ઠરીઠામ થયા હોઈશું; ત્યાં દીવાળીના તહેવાર આવી ગયા. અમને બાતમી મળી કે, બેસતા વરસને દીવસે બધા ગુજરાતીઓ એકબીજાને ઘેર સાગમટે મળવા જવાનો રીવાજ છે. અમારા ઘરની નજીક જ મીલના ચીફ ઈલેક્ટ્રીકલ એન્જીનીયર શ્રી. દેસાઈ સાહેબ રહેતા હતા. એમને ઘેર દસ વાગે બધા આવવાના છે; એવા વાવડ પણ મળ્યા. મારા ભાઈ અને હું ત્યાં પહોંચી ગયા. બેસતા વરસના દીવસે માત્ર પુરુષો જ આ ઔપચારીકતામાં જોડાતા હોય છે; એવી ખબર પડી હતી. આથી ભાભી સાથે આવ્યાં ન હતાં.
અમે બે દેસાઈ સાહેબને ઘેર પહોંચ્યા; ત્યારે અમે પહેલા હતા. થોડી વારમાં એક જુવાન છોકરો ખબર લઈને આવ્યો કે, બધા આવે છે. અને થોડીક વારમાં તો બધું હાઉસન જાઉસન ત્યાં આવી પુગ્યું. અમે તો એ વગર લગનની જાન જોઈને ‘જાની’ હોવા છતાં હેબતાઈ જ ગયા. ચાલીસેક માણસોનો કાફલો હતો. આવતાંની સાથે કાફલાએ સર્વ સમ્મતીથી નક્કી કર્યું કે, દેસાઈ સાહેબ બાદ અમારે ઘેર પડાવ રાખવાનો છે !
ભાઈએ સંકેત કરી, મને બાજુએ બોલાવ્યો અમે કહ્યું ,” ઘેર જઈને તારી ભાભીને આ માહીતી આપી આવ. આપણા ઘરમાં આ બધાંની આગતા સ્વાગતા શી રીતે કરીશું? “
હું તો બાપુ! હાંફળો ફાંફળો ધોડ્યો. ઘેર જઈ ભાભીને આ શુભ આપત્તીના સમાચાર પહોંચાડ્યા. ભાભી પણ મુંઝાઈ ગયા. અમે બે જણાએ થઈ, તાબડતોબ ગાદલાં નીચે પાથરી દીધાં. બધાંને બેસાડાય એટલી ખુરશીઓ અમારે ત્યાં ક્યાં હતી? આ કામ પતાવી, બધાંને નાસ્તા માટે શું બનાવવું, તેનો ભાભી વીચાર કરતાં હતાં, ત્યાં તો એ ‘જાન’ આવવાના વાવડ ઓલ્યો છોકરો આપી ગયો. એને અમારી મુંઝવણનો પણ ખ્યાલ આવી ગયો. એણે કહ્યું, “ ભાભી! ગભરાશો નહીં. કશું ગરમ બનાવવાની જરુર નથી. ચા પણ નહીં. ઘરમાં જે હાજર હોય તે જ ધરજો. “
આટલી વાત ચાલતી હતી; એટલામાં તો બધા આવી ગયા. ફટાફટ જુવાનીયાઓ રસોડામાં પહોંચી ડબ્બાઓમાંથી દીવાળીની મીઠાઈ અને ફરસાણ થાળીઓમાં કાઢવા લાગી ગયા.
ભાભીએ ગલવાઈને કહ્યું, “: અરે! આ તો રોજના વપરાશની થાળીઓ છે. કાચની ડીશો કબાટમાંથી કાઢું છું.” પેલા તો સાંભળે જ શાના? એક જણ બોલ્યો, “ બહેન! બધા ઘરના જ તો છે. તમારે મુંઝાવાનું નહીં. તમ તમારે શાંતીથી બાજુમાં ઉભા રહો. ”
અને ઘરમાં તો બાપુ! ધમાચકડી મચી ગઈ. અમે તો આ વાવાઝોડાં માટે સહેજ પણ તૈયાર ન હતા. બધા ગુજરાતી ભાઈઓએ અમને ‘ સાલમુબારક ‘ કહ્યા ન કહ્યા; મગસ અને મઠીયાંના બે ટુકડા ગલોફામાં ઘાલ્યા ન ઘાલ્યા, અને તરત લશ્કરે તો વીદાયની આલબેલ પુકારી.
ભાઈ ભાભી તકલીફ પડવા બદલ બધાંની માફી માંગવા લાગ્યા. ત્યાં સૌથી વડીલ બુધ્ધીલાલભાઈ બોલ્યા, “જોની(!) ભાઈ, ઈ તો હંધું ઈમ જ હાલે. તમતમારે સેજે’ય મુંઝાવાનું નંઈ. ન્યાં કણે કુણ પારકું સે?”
અમે ત્રણે તો આ ગુજરાતી બીરાદરી જોઈ અવાચક જ બની ગયા. અને બધું લશ્કર અમને બેને સંગાથે લઈ આગલા મુકામ તરફ રવાના થયું.
અનેક દીવાળીઓ દેશ અને દેશની બહાર જોઈ છે. પણ એ દીવાળી અને એ બીરાદરી આજે પણ યાદ આવી જાય છે.
અહીં અમેરીકામાં તો એવું કાંઈ ખાસ એકબીજાને મળવા જવાનું હોતું નથી. પણ અહીંની દીવાળીની વાત તો ફરી કો’ક વાર.
આંબે આવ્યા મો’ર. વાત કેશું પોર…
Categories: સુરેશ જાની · સ્વાનુભવ
Tagged: Self Experience
આજનો સુવીચાર
October 27, 2008 · 1 Comment
તમારું આ જીવન યાતના સભર હોય કે,
તમે સમૃધ્ધી અને શક્તી વડે સ્મીત વેરતા હો;
પણ
તમારી ચેતના અવીચળ રહેવી જોઈએ.
જો તમે સમત્વ પ્રાપ્ત કરી લો
તો કોઈ પણ તમને દુખ પહોંચાડી શકશે નહીં.
– પરમ હંસ યોગાનંદ
તો કોઈ પણ તમને દુખ પહોંચાડી શકશે નહીં.
પ્રકરણ – 20 : નવા પ્રદેશમાં
October 25, 2008 · 1 Comment
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
——————————————-
કેટલા દીવસ ભુલો ઓતરાદા ચાલતો રહ્યો હશે; તેનું તેને કોઈ ભાન ન હતું. પણ જેમ જેમ એ આગળ ધપતો ગયો; તેમ તેમ વધુ ને વધુ વેરાન પ્રદેશ આવતો ગયો. પાણીના રણદ્વીપ વધુ ને વધુ ઘટતા ગયા. તેણે ઘોના ચામડામાંથી સાચવીને મશક બનાવી લીધી હતી; જેમાં તે પાણી ભરી શકતો હતો. એકલતા તેને હવે સદી ગઈ હતી. પણ વધતી જતી ઠંડી ખાળવા તેણે પહેરેલું ચામડું હવે પુરતું ન હતું. કોઈ મોટું પ્રાણી આ પ્રદેશમાં મળવું પણ શક્ય ન હતું.
અને એક મળસકે તે ઠંડીમાં ઠુંઠવાતો હતો; ત્યારે તેને કોઈ નવીજ જાતના વરસાદની અનુભુતી થઈ. ચાંદની રાતમાં તેણે સફેદ ફુલો વરસતાં અનુભવ્યાં – સાવ ગાભલા જેવાં, પણ ઠંડાગાર ફુલો. ઉઘડતા ઉજાસમાં તેણે એક અદભુત દ્રશ્ય નીહાળ્યું. સમસ્ત પ્રદેશ ધોળી બખ ચાદરથી ઢંકાઈ ગયો હતો. હવે તો પાછું ફરી શકાય તેમ પણ ક્યાં હતું? આ ઠંડી કબરમાં ઠુંઠવાતા ઠુંઠવાતા જ તેણે મોતને ભેટવાનું છે; એમ તે વીચારવા લાગ્યો. અને એવામાં દુરથી કોઈના નજીક આવવાનો સંચાર થતો લાગ્યો. બરફથી ઢંકાયેલા એક ઝાંખરાની ઓથે તેણે છુપાવા વ્યર્થ પ્રયાસ કર્યો.
પણ થોડીજ વારમાં ચાર વીશાળકાય, રાની કુતરાઓ ભસતા ભસતા તેની તરફ દોડી આવ્યા અને તેને ઘેરી વળ્યા. આજુબાજુમાં હતાં એ થોડાઘણા પથ્થરોથી તેણે એમના આક્રમણને ખાળવા પ્રયાસ કર્યો. આ કુતરાઓની તરત પાછળ બે પહાડ જેવી ઉંચી, લાલચોળ મોંઢાવાળી અને માથાથી પગ સુધી જાડા ચામડાના લીબાશમાં ઢંકાયેલી બે માનવ આકૃતીઓ દ્રષ્ટીગોચર થઈ.
‘કુતરાઓએ ફાડી ખાધો હોત તો વધારે સારું થાત.’ – એવા વીચારે ભયનું એક લખલખું તેને કંપાવી ગયું. કોઈ અજાણી ભાષામાં પેલી આકૃતીઓએ કુતરાઓને પાછા બોલાવ્યા. ભુલાને કશુંક પુછ્યું, જેમાંનો એક શબ્દ પણ ભુલો સમજી શક્યો નહીં. એણે કેવળ ઈશારાથી સમજાવ્યું કે, તે દક્ષીણ દીશામાંથી આવ્યો છે. દુર ક્ષીતીજમાં સાવ નાનકડી દેખાતી પર્વતની કોર તરફ તે ઈશારો કરે છે, એ પેલા સમજી શક્યા હોય તેમ ભુલાને લાગ્યું.
પેલા બે જણાઓએ પોતાની સાથે લાવેલા, ચામડાની વાધરીઓમાંથી બનાવેલા, દોરડા વડે તેને મુશ્કેટાટ બાંધ્યો અને બે બાજુએ તેને બાવડેથી પકડી આગળ ચાલવાનો ઈશારો કર્યો. ઠંડી અને ભયથી ભુલો ધ્રુજી રહ્યો હતો. એક જણાનું ધ્યાન તે તરફ ગયું. તેણે પોતાના શરીર ઉપરથી ઉતારીને એક જાડું ચામડું ભુલાને ઓઢાડ્યું. તેણે આવા બે ચામડાથી પોતાનો દેહ ઢાંક્યો હશે તેમ ભુલાને ખબર પડી. આભારની લાગણી ભુલાના મુખ ઉપર ઉભરી આવી. પેલાએ ભુલાનો આ ભાવ સમજ્યો હોય તેવું સ્મીત કર્યું.
આમ ચાલતાં ચાલતાં બપોર પડી ગઈ. રસ્તામાં એક કદાવર રીંછ સાથે આ ટુકડીની મુઠભેડ થઈ. બે કુતરા અને આ બે કદાવર શીકારીઓએ મળીને રીંછનો ખાતમો બોલાવી દીધો. હાથમાં રાખેલા એક મજબુત લાકડા સાથે તેમણે શીકારને બાંધી દીધો. એનો એક છેડો એમણે ભુલાના ખભા સાથે બાંધી દીધો અને બીજો છેડો એક જણે પોતાના ખભે લઈ લીધો. બીજો જણ એ બન્નેની આગળ આ હાઉસન જાઉસનને દોરતો ચાલ્યો. ઓલ્યા મહાકાય, જંગલી કુતરા તો આગળ ને આગળ દોડ્યે જતા હતા.
સાંજ પડતાંકને એક રણદ્વીપ આગળ આ લશ્કર આવી પહોંચ્યું. ભુલાએ જોયું કે, ત્યાં લાકડાંની વળીઓની આસપાસ વીંટાળેલા ચામડાં વાળા, વીસેક તંબુઓ ખોડેલા હતા. થોડીએક કદાવર બાંધાની સ્ત્રીઓ બહાર આવી અને આ ટોળીનું અભીવાદન કર્યું. સાથે પકડી લાવેલા, એક નવતર ઠીંગુજીને બધીઓ ટીકી ટીકીને જોઈ રહી. થોડી વારે જુદી જુદી દીશાઓમાંથી બીજી ટુકડીઓ પણ આવી પહોંચી. દરેક ટુકડીએ શીકાર કરીને લાવેલી મતા એ સ્ત્રીઓને હવાલે કરી. સ્ત્રીઓ હવે એ દીવસના શીકારને પકવવાના કામમાં પરોવાઈ. પથ્થરની એક શીલા ઉપર એક પ્રભાવશાળી પુરુષ બેઠો. તેણે ભુલાને પકડનાર એ બે જણાને ભુલાને છોડવા હુકમ આપ્યો; અને ભુલાને પોતાની પાસે આવવા જણાવ્યું. ઈશારાથી ભુલાએ લળી લળીને તે સરદારનું અભીવાદન કર્યું. જમીન ઉપર નીચા પડી તેની શરણાગતી સ્વીકારવાનો ભાવ વ્યક્ત કર્યો.
ભુલાનો આ વીવેક સરદાર સમજ્યો હોય તેમ લાગ્યું. ભુલાએ પોતાની છાતી ઉપર હાથ મુકી, ‘ભુલો’ એમ બોલી પોતાની ઓળખ આપી. સરદારે ‘જગ્ગો’ એમ બોલીને પોતાની ઓળખ આપી. ભુલાને હૈયાધારણ બેસી કે, હવે તેનું જોખમ ઓછું થયું છે.
ધીમે ધીમે ઈશારાઓથી ભુલાએ સમજાવ્યું કે, તે ક્ષીતીજમાં બહુ દુર દેખાતા પર્વતોની બીજી તરફથી આ પ્રદેશમાં ઉતરી આવ્યો છે. જગ્ગા સરદાર અને તેના સાથીઓની આંખો આશ્ચર્યમાં ચમકી ઉઠી. તેમને માટે દક્ષીણની પર્વતમાળા અભેદ્ય હતી. ત્યાં દુનીયાનો છેડો આવતો હતો! ભુલાએ કોઈ અજાયબ રીતે અકસ્માત જ આ અભેદ્ય પર્વતમાળામાંથી પસાર થતો એક માત્ર ઘાટ શોધી કાઢ્યો હતો. આ રતુમડી અને કદાવર બાંધાની પ્રજા એ પર્વતની કોર સુધી ઘુમી વળેલી હતી; પણ એ ઘાટ એમની નજરે પડ્યો ન હતો.
થોડી વારે તાપણાની ચારે બાજુ આ નાનકડી જમાત ભેગી મળી અને જમણ પતાવ્યું. એક તંબુ તાબડતોબ ઉભો કરી દેવામાં આવ્યો અને ભુલાને એમાં આશ્રય અપાયો.
રાતના અંધકારમાં ભુલો એની નીયતીએ એને કેવા પ્રદેશમાં અને કેવા અજાણ્યા લોકોના પનારે લાવી દીશો છે; તેના વીચાર કરતો રહ્યો. તેની દ્રઢ બનેલી સંકલ્પ શક્તી આ નવી શક્યતાથી બળવત્તર બનવા માંડી. તેણે મનોમન નક્કી કર્યું કે; ‘તે એમને માટે કામનો માણસ છે.‘ – તેની પ્રતીતી, જગ્ગા અને તેના સાથીઓને કોઈ પણ રીતે કરાવવી; અને તેમની સાથે મૈત્રી વધારવી.
ભવીષ્યની યોજનાઓ ઘડતાં ઘડતાં ભુલાની આંખો મીંચાઈ ગઈ.
- ક્ર્મશઃ
Categories: નવલકથા · સુરેશ જાની
Tagged: Novel
આજનો સુવીચાર
October 23, 2008 · 1 Comment
ઘડીયાળની ટીક-ટીક
એકધારી લાગવા માંડે
ત્યારે સમજવું કે,
તમારી પાસે
સમય જ સમય છે!
અગ્નીવર્ષા : ભાગ -2
October 23, 2008 · 12 Comments
[મુળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ]
ભાગ -1
શતાબ્દીના ડબ્બામાં દાખલ થતી વખતની, સતીશના ચીત્તની બધી કડવાશ હવે ઉભરાઈ આવી. તેણે જુસ્સાથી પ્રતીભાવ આપ્યો,
“ લો! શું વાત કરો છો? તમે જેમ સીડીની ઉપર ચઢતા જાઓ તેમ, થોડું જ જીવન સરળ બનતું જાય છે? ઉલટાની જવાબદારી અનેક ગણી વધી જતી હોય છે – કામના કલાકો સમેત. જુઓને… અત્યારે આ મુસાફરીમાંય ક્યાં કામ છોડે છે? ડીઝાઈન અને કોડીંગ ? એ તો આખી પ્રક્રીયાના સાવ સરળ હીસ્સા હોય છે. હું તો આખાય પ્રોજેક્ટ માટે જવાબદાર છું. તમે નહીં માનો; કે આ કેટલું જવાબદારી ભરેલું કામ હોય છે? અને એમાં તો ઘણી વધારે તાણ પડતી હોય છે. મારી જવાબદારી છે – આ કામ સૌથી ઉંચી ગુણવતા ભર્યું હોવું જોઈએ અને વળી સમયસર પતવું પણ જોઈએ.
લો! હવે અમારે કેટલા દબાણ નીચે કામ કરવું પડે છે; તેની વાત કરું. એક બાજુએ અમારો ઘરાક હોય. એની જરુરીયાતો અને માંગણીઓ છાશવારે બદલાતી જતી હોય. બીજી બાજુએ છેવટનો વપરાશ કરનાર હોય. એના મગજમાં તો કાંઈ બીજું જ હોય! અને તમારો બોસ? એને તો ‘આ બધું તૈયાર કરીને તમે ગઈકાલે કેમ આપી દેતા નથી?’ – તેનો ધખારો હોય!”
હવે સતીશ શ્વાસ ખાવા થંભ્યો. તેના ગુસ્સાની માત્રા થોડી હળવી બની હતી. એના હૈયાની વરાળ નીકળી જવાને કારણે તેને થોડી રાહત લાગી. તેણે જે કહ્યું હતું, તે એક બહુ જ મુશ્કેલ સંજોગોમાં કામ કરતા, અને સમયની સાથે હોડ બકતા, અને જેની વ્યથાઓને કોઈ સમજી જ શકતું નથી; એવા એક સાચા દીલના જણની રોજની મોંકાણ હતી. જો કે, આ સાવ સાચી હકીકત જણાવવામાં તેણે આટલા બધા ઉશ્કેરાઈ જવાની જરુર ન હતી.
તેણે પોતાની વાત સમાપ્ત કરતાં વીજયી મુદ્રાથી ઉમેર્યું,” ભાઈ! અગ્નીવર્ષાની જેમ ગોળા વરસતા હોય; તેની સામે ઉભા રહેવું; તેની તમને શી ખબર પડે? “
પેલાએ આંખો બંધ કરી દીધી અને પોતાની સીટ ઉપર બેસી રહ્યો. જાણે કે, એને સતીશની વ્યથાની પ્રતીતી થઈ રહી હતી. થોડીક વાર પછી તેણે આંખો ઉઘાડી. તેણે બોલવાની શરુઆત જે શાંતી ભરેલી ચોક્કસતાથી કરી; તે જોતાં સતીશને નવાઈ લાગવા માંડી.
“ મને ખબર છે, સાહેબ! મને ચોક્કસ ખબર છે. અગ્નીવર્ષાની સામે ઉભા રહેવું તે શું છે; તેની મને બરાબર જાણ છે.”
તે જાણે કે, અતીતમાં સરકી ગયો હતો. જાણે કે, આ ટ્રેન, સતીશ, આજુબાજુના કોઈ મુસાફરો, બારીમાંથી પસાર થતું દ્રશ્ય – કશું જ હવે તેની સામે ન હતું. તે કોઈક જુદી જ ભોમકામાં ગરકી ગયો હતો તેમ, સતીશને લાગ્યું. તે જાણે કે સમયના કોઈ જુદા જ પરીમાણમાં ભમી રહ્યો હતો.
“ તે ઘનઘોર રાતના અંધકારમાં અમને ‘પોઈન્ટ 4875’ સર કરી લેવા હુકમ મળ્યો; ત્યારે અમે ત્રીસ જણા હતા. ઉપર, એ પોઈન્ટની ઉંચી ટેકરી પરથી દુશ્મનોની ગોળીઓ અવીરત વરસી રહી હતી. હવે પછીની ગોળી કોની ઉપર અને ક્યારે વરસશે તેની અમને કશી જાણ થઈ શકે તેમ જ ન હતું. સવારે જ્યારે અમે એ પોઈન્ટ ઉપર તીરંગો લહેરાવ્યો ત્યારે અમે માત્ર ચાર જણા જ બચ્યા હતા. બીજા બધા કામ આવી ગયા હતા. “
સતીશે થોથરાતા અવાજે બોલવા પ્રયત્ન કર્યો,”ત.. ત.. ત.. તમે..?”
“ હું કારગીલના પોઈન્ટ – 4875 ઉપર ફરજ બજાવતી 13, જમ્મુ અને કાશ્મીર રાઈફલનો સુબેદાર સુશાન્ત છું. હવે મને કહેવામાં આવ્યું છે કે, મારી મુદત પુરી થઈ છે; અને હું કોઈ હળવું (સોફ્ટ) કામ કરી શકું છું. પણ સાહેબ. તમે મને કહો, કોઈ મને એવી નોકરી આપે કે, જેનાથી જીવન થોડું સરળ બની જાય?
તે વીજયની વહેલી સવારે, મારો એક સાથીદાર સ્નોમાં દુશ્મનની ગોળીથી ઘવાયેલો પડ્યો હતો. અમે એક બન્કરની આડશે સંતાયેલા હતા. એ સૈનીકની નજીક જઈ એને સુરક્ષાવાળી જગ્યાએ લઈ જવાની મારી જવાબદારી હતી. મારા કેપ્ટન સાહેબે મને તેમ કરવાની પરવાનગી ન આપી; અને તે જાતે એ કામ કરવા ગયા.
તેમણે મને કહ્યુ.” એક સારા સીપાહી તરીકે, દેશની સલામતી અને સુખાકારીને એક નંબરની ગણવાના મેં કસમ ખાધેલા છે. બીજા નંબરે મારા માણસોની સલામતી આવે છે. મારી પોતાની સલામતી હમ્મેશાં અને દરેક વખતે, સૌથી છેલ્લી આવે છે.”
સુશાન્તે શોકના ઓથારથી ભરેલા સ્વરે ઉમેર્યું, ”તેમણે એ ઘવાયેલા સૈનીકને પોતાની આડશમાં રાખીને સલામત બન્કર સુધી પહોંચાડ્યો ત્યારે પોતાના પ્રાણની તે આહુતી આપી ચુક્યા હતા. ત્યાર બાદ દરેક સવારે, અમે જ્યારે ચોકી કરવાની અમારી ફરજ બજાવતા હતા ત્યારે એ ગોળીઓ ઝીલતા કેપ્ટનની યાદ મને હમ્મેશ આવે છે. એ ગોળીઓ તો સાહેબ! ખરેખર મારે માટે હતી; અને કેપ્ટને પોતે તે ઝીલી લીધી હતી. એ તો શહીદ બની ગયા. અગ્નીવર્ષા કોને કહેવાય તે મને બરાબર ખબર છે.“
એના ગળામાંથી એક ડુસકું જ આવવાનું બાકી હતું.
સતીશને અસમંજસમાં સમજણ ન પડી કે, આનો શો જવાબ આપવો. તેણે એક નૈસર્ગીક અને સ્વયંભુ આવેગમાં પોતાનું લેપટોપ બંધ કરીને બાજુએ મુકી દીધું. પોતાના કલ્પનાના મનોરાજ્યમાં, મહાકાવ્યો અને ભુતકાળની ગૌરવ ગાથાઓમાં, જેમને વીર અને સુભટ ગણ્યા હતા; તેવા એક આદમીની હાજરીમાં એને પોતાનો ‘વર્ડ’ ડોક્યુમેન્ટ, કે જેને તે એડીટ કરી (મઠારી) રહ્યો હતો; તે સાવ ફાલતુ લાગવા માંડ્યો. એને આગળ મઠારવાનુ પણ હવે તેને ક્ષુદ્ર લાગવા લાગ્યું. આ માણસની નીષ્ઠા આગળ તેની પોતાની સમગ્ર કામગીરી અને વ્યથાઓ સાવ વામણી લાગવા માંડી.
શુરવીરતા અને જવાબદારી માટેની સભાનતા જેના જીવનનો એક અંતરંગ ભાગ હતો; એવા એક આદમીની બાજુમાં સતીશ પોતાને બેઠેલો અનુભવી રહ્યો.
શતાબ્દી ધીમી પડી અને સ્ટેશનની હદમાં પ્રવેશી. સુબેદાર સુશાન્તે ઉતરવા માટે પોતાનો સામાન ભેગો કર્યો. સતીશે તેની સાથે હાથ મીલાવતાં કહ્યું,” તમને મળીને મને બહુ આનંદ થયો.” તેના હાથમાં જે હાથ હતો તે હાથે દેશની સરહદ ઉપર બંદુકની ગોળીઓ છોડી હતી. એ હાથે કારગીલની એ ટેકરી ઉપર તીરંગો લહેરાવ્યો હતો.
એકાએક કોઈ અનેરી આંતરીક અનુભુતીથી સતીશે પોતાનો જમણો હાથ એ હસ્તધુનનમાંથી છોડાવ્યો. સતીશે શરીર કડક કરી, ‘હોંશીયાર’ની સ્થીતી ( Attention) ધારણ કરી અને જમણા હાથ વડે તેણે સુબેદાર સુશાન્તને સલામી આપી. તેને લાગ્યું કે દેશની અદબમાં તેણે આટલું તો કરવું જ રહ્યું.
अय! मेरे वतनके लोगों,
जरा आंखमें भर लो पानी
जो शहीद हुए हं उनकी,
जरा याद करो कुरबानी }
————————————–
નોંધ –
આ સત્ય ઘટના છે.
9, સપ્ટેમ્બર – 1974ના દીવસે જન્મેલા, કેપ્ટન વિક્રમ બત્રાએ કારગીલના એ વ્યુહાત્મક મહત્વવાળા પોઈન્ટ- 4875 સર કરતી વખતે, વીજય હાથવેંતમાં હતો ત્યારે પોતાના જવાનોની રક્ષા કરવામાં પોતાના જાનનું બલીદાન આપ્યું હતું. આ અને આવા બીજા અનેક વીરોચીત કાર્યો માટે કેપ્ટન બત્રાને દેશનો સૌથી મોટો લશ્કરી એવોર્ડ ‘પરમ વીર ચક્ર’ એનાયત કરવામાં આવ્યો હતો.
[ વધુ વાંચન માટે અહીં ' ક્લીક ' કરો. ]
આપણે નમ્રતાથી જીવીએ. આપણી સાવ અજાણતામાં આજુબાજુમાં એવા મહાન, ઉદાત્ત ધ્યેયવાળા અને વીજેતા માણસો હોઈ શકે છે ..
- જેમની પાસે ગમગીન થવા માટે, નવરાશ હોતી નથી.
- જે શંકાશીલ થઈ જ ન શકાય, એટલી હદ સુધી હકારાત્મક હોય છે,
- જે ભયભીત બની જ ન શકાય, એટલા આશાવાદી હોય છે.
- જે કદી હાર ન માને એટલું, સંકલ્પબળ ધરાવતા હોય છે.
Categories: સત્યકથા · સુરેશ જાની
Tagged: True Story