Entries from November 2008
તરવાની ઝડપ – એક અવલોકન
November 28, 2008 · 1 Comment
સ્વીમીંગ પુલમાં તરવાની ઝડપ વીશે તો અગાઉ એક અવલોકન લખ્યું હતું.
પણ આજે એ વાત બીજા જ સંદર્ભમાં દોહરાવવાની છે.
—————————–
મુળ 87- 90 સ્ટ્રોકની મારી ઝડપ હવે 64-65 સુધી તો પહોંચી જ ગઈ છે. પણ તે દીવસે થોડો વધારે જુસ્સાથી પ્રયત્ન કર્યો. પાછા વળતા સ્ટ્રોકમાં હાથ પાણીની બહાર નીકળે, તે રીતે ફ્રી સ્ટાઈલમાં તરવા પ્રયત્ન કર્યો. અને લો… 58 સ્ટ્રોકમાં અંતર કપાઈ ગયું. વળતા બીજા તરણમાં પુલના છેડેથી પાણીની અંદર જ પગથી ઠેકો મારી તર્યો અને થોડેક આગળ સપાટીની બહાર આવ્યા બાદ ફ્રી સ્ટાઈલમાં તર્યો. અને એજ અંતર 52 સ્ટ્રોકમાં કપાઈ શક્યું.
કદાચ, મારા કરતાં ઘણી વધારે તાકાતવાળો, અને તરવરીયા તોખાર જેવો, જુવાન તરવૈયો આ જ અંતર ઘણા ઓછા સ્ટ્રોકમાં કાપી શકે.
કદાચ, સારા પ્રમાણમાં શ્વાસ રોકી શકે તેવો તરવૈયો આખી લંબાઈ પાણીની અંદર જ રહીને એક જ શ્વાસમાં પણ કાપી શકે.
આ છે સ્નાયુની તાકાત. ફેફસાંની તાકાત. શારીરીક બળની તાકાત.
પણ એ ગમે તેટલી ન હોય? એની એક અંતીમ સીમા તો હોવાની જ ને? થોડી જ એ લંબાઈ એક જ સેકંડમાં કપાઈ શકે? ઓલીમ્પીક સ્પર્ધાનો વીજેતા તરવૈયો પણ એમ ન કરી શકે.
……..
અને હું પુલની બહાર નીકળું છું. રોજના ક્રમ પ્રમાણે ગરમ પાણીના જેકુઝીમાં નીરાંતે બેસું છું. મન શાંત છે. આંખો બંધ છે. અને મનની પાંખે સાબરમતીના મ્યુનીસીપલ પુલમાં મારા તરવાના દીવસો યાદ આવી જાય છે. ક્ષણાર્ધમાં એ દસ વરસ પહેલાનું દ્રશ્ય તાદ્રષ્ય ખડું થઈ જાય છે.
દસ વરસ પહેલાંની, હજારો માઈલ દુરની જગ્યાએ ક્ષણાર્ધમાં પહોંચી ગયો.
“વરસો જવાને જોઈએ, ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો .
આશ્ચર્ય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.”
આ છે – મનની તાકાત..
સતત કેળવણી અને પ્રયત્નથી તરવાની ઝડપ વધારી શકાય. એવા જ પ્રયત્ન મનને માટે કરીએ તો? એવી જ કેળવણી મનને આપીએ તો? ક્યાં અને કેટલી ઝડપે પહોંચી શકાય?
વીચારી જો જો !
Categories: અવલોકન · સુરેશ જાની
Tagged: Observations
આજનો સુવીચાર
November 27, 2008 · 1 Comment
ત્યાં સુધી
મને દર્દનો ભય રહ્યા કર્યો,
જ્યાં સુધી
મને એ ન સમજાયું કે
વીકાસ માટે એ જરુરી હોય છે.
આજનો સુવીચાર
November 26, 2008 · 1 Comment
ત્યાં સુધી
મને ફેંકાઈ જવાનો ભય રહ્યા કર્યો
જ્યાં સુધી
મારી જાતમાં મને વીશ્વાસ ન હતો.
અરીસામાંનો જણ – એક અવલોકન
November 26, 2008 · 16 Comments
અરીસામાં દેખાતો જણ.
દરરોજ એની સામે આપણે જોઈએ છીએ. બહુ વહાલો ચહેરો છે. કુરુપમાં કુરુપ વ્યક્તીને પણ એ સૌથી વહાલો લાગે છે. અને છતાં કદી, પાંચ મીનીટ પણ, ટીકી ટીકીને, આંખમાં આંખ મીલાવીને, એને આપણે નીહાળ્યો છે ખરો? આપણો પોતાનો ચહેરો છે છતાં? કહે છે કે, બીજાને દેખાઈએ છીએ, તેવા આપણને પોતાને કદી આપણે જોઈ શકતા નથી. આયનો સાવ ઉંધું પ્રતીબીંબ જ આપણને બતાવતો હોય છે!
અરે! સીધું પ્રતીબીંબ બતાવતું હોય એવો અરીસો કદાચ હોય; તો પણ આપણે એ જણને ખરેખર ઓળખીએ છીએ ખરા?
કોણ છે એ જણ? – જેને આપણે ‘હું’ કહીએ છીએ?
એનું એક નામ છે. કોઈ જાતી છે. એના કોઈ મા ને બાપ છે. એનો કોઈ રંગ, ઉંચાઈ, વજન, અને ભાષા છે. કદાચ કોઈ તખલ્લુસ છે. પણ એ અરીસામાં દેખાય છે તેવો બધાંને દેખાતો નથી. કુટમ્બીજનોને દેખાતો ચહેરો અને મહોરું અલગ. મીત્રોને બીજો ચહેરો. નોકરી ધંધામાં વળી ત્રીજો. ટોળામાં ભળ્યા હોઈએ તો વળી કો’ક ચોથો જ જણ ઉભરી આવે. એકાંતમાં જે જણ હોય છે; એને તો કોઈ ઓળખી પણ ન શકે – પતી કે પત્ની પણ નહીં.
બધાં મહોરાં અને મહોરાં જ.
મ્હાંલીપા બીરાજતો એ અસલી જણ કોણ છે? અરીસો તો શું? આપણે પોતે પણ એને ઓળખીએ છીએ ખરા? એ આપણું અસલી હોવાપણું છે. એ કંઈક. કશુંક બનતું હોય છે; બદલાતું હોય છે. પણ જે બદલાતું હોય છે; તે જ આપણે જોઈ શકતા હોઈએ છીએ. અરીસામાં દેખાતા એ આભાસી પ્રતીબીંબની સામે, આપણી આંખોની પાછળથી ડોકીયું કરતો, એ જણ કોણ છે?
હરક્ષણે એના બહારના શરીરમાં કંઈક અસંખ્ય કોષ નાશ પામતા હોય છે અને નવા બનતા હોય છે. કાલે હતો એ જણ આજે નખશીશ એવો ને એવો નથી રહેતો. અને એનું સુક્ષ્મ શરીર ? એ તો હર ક્ષણ બદલાતું જ રહે છે – કાચંડાની જેમ. એનો માનસીક ઘોંઘાટ કદી બંધ નથી થતો. અરે! ઉંઘમાંય સહેજ જંપ્યો, ન જંપ્યો અને સપનાં શરુ. અરેરે! એ તો જાગતાંય સપનાં જોયાં કરે છે! સતત જાગતો હોવાનો ડોળ કરતો એ ખરેખર તો ઉંઘતો જ રહે છે. એ ક્યાંથી અરીસાની અંદર દેખાતા ચહેરાની પાછળના જણને ઓળખી શકે?
“આપણી અંદર ઘણા જણ હોય છે.“
કોઈ દી’ તો આ અરીસાને બાજુએ મુકી દઈ, એ અસલી ચહેરો જોઈ શકતા હોઈએ તો ? કોક દી તો મનનો બધો ઘોંઘાટ બંધ કરી- એકલા એને જ મહાલવા દઈએ તો? કહે છે કે, એ તો એમનો એમ જ રહે છે- જન્મથી મરણ સુધી – ધોયેલા મુળા જેવો, સાવ અણીશુધ્ધ સફેદ. એને કાદવમાં રગદોળો કે કોલસાની ખાણમાં – અથવા અત્તરમાં ઝબોળો કે ગંગાજળમાં – એ તો અણીશુધ્ધ હીરો જ રહે છે.
એ જ તો - આપણને સૌથી વધુ વહાલું, આપણું પોતાનું હોવાપણું.
કેવી વીડંબના અને કેવી કરુણતા? એને તો કદી પીછાણ્યો જ નહીં. અને જગતભરમાં ઓલ્યા કાલ્પનીક, સર્વકાલીન, ઈશ્વરને, ખુદાને, યહોવાને ખોળતા જ રહ્યા - ખોળતા જ રહ્યા.. બધી શીશમહેલની માયાજાળ.
Categories: અવલોકન · સુરેશ જાની
Tagged: Observations
ડાબું મગજ – જમણું મગજ
November 25, 2008 · 9 Comments
1959માં અમેરીકાના ઈન્ડીયાના રાજ્યમાં જન્મેલી જીલ બોલ્ટ ટેલર 10, ફેબ્રુઆરી- 1996 ના રોજ તેના ઘરમાં સુતી હતી. જ્યારે તે સવારમાં ઉઠી ત્યારે તેને જણાયું કે તેના મગજમાં કાંઈક થઈ રહ્યું છે.
મગજના શરીરશાસ્ત્રની તે નીષ્ણાત હતી. યુનીવર્સીટીમાં તે આ અંગે શીક્ષણ આપતી પ્રોફેસર હતી. આથી તેને ખબર પડી ગઈ કે. આ બ્રેન હેમરેજનો, ખતરનાક હુમલો હતો. ‘એમાંથી સાજા સમા ઉગરવાનો એક માત્ર ઈલાજ સમ્પુર્ણ આરામ અને કોઈ જાતની હીલચાલ ન કરવી તે જ છે.’ – એમ તે જાણતી હતી. તે પથારીમાં પડેલી જ રહી. તેણે અનુભવ્યું કે, તે ધીમે ધીમે તેની ક્ષમતાઓ ખોઈ રહી હતી. એક એક કરીને તેની હાલવા ચાલવાની શક્તી, વાંચવાની શક્તી, યાદદાસ્ત અને પોતાની જાત માટેની સભાનતા વીગેરે તે ખોતી ગઈ.
ત્રણ અઠવાડીયાં પછી એના મગજની શસ્ત્રક્રીયા કરવામાં આવી; અને ડાબા મગજના ભાષાઓના જ્ઞાન અંગેના વીભાગમાંથી, ગોલ્ફના દડા જેટલા કદની લોહીની ગાંઠ કાઢવામાં આવી. આ પછી આઠ વરસ એની આ શક્તીઓ પાછી લાવવા માટે સારવાર કરવામાં આવી. તે સદભાગ્યે સાવ સાજી પણ થઈ ગઈ.
પણ આ કાળ દરમ્યાન તેનું જમણું મગજ જ કામ કરતું હતું અને ડાબું કોઈ જાતની પ્રતીક્રીયા કરતું ન હતું. તેણે અનુભવ્યું કે, આના કારણે તે પુર્ણ રીતે વર્તમાનમાં જીવતી થઈ ગઈ હતી, અને અદભુત શાંતી અને આનંદનો સતત અનુભવ કરતી હતી. તેની આજુબાજુ ઘટતી ઘટનાઓ સાથે પ્રતીક્રીયા કરવાની શક્તી તેણે ગુમાવી હતી. પણ આને કારણે એનું જીવન સાવ બદલાઈ ગયું હતું.
સારવાર લીધા બાદ તેનું ડાબું મગજ કે જે ભુતકાળની યાદો અને ભવીષ્ય માટેનાં સ્વપ્નાં જોવા અને યોજનાઓ ઘડવાનું કામ કરતું હોય છે- તે યથાવત કામ કરતું તો થઈ ગયું; પણ હવે તેનામાં એક અદભુત શક્તી આવી ગઈ હતી. તે ધારે ત્યારે એ મગજને વાપરવાનું બંધ કરી; માત્ર વર્તમાનમાં જ જીવી શકતી હતી : અને તે પણ સાવ સરળતાથી. તે જરુર હોય ત્યારે જ ભુતકાળની સ્મૃતીઓ અને જ્ઞાન વાપરવા માટે; તેમજ ભવીષ્ય અંગે વીચારવા કે યોજનાઓ ઘડવા શક્તીમાન બની હતી.
તે જાતે મગજની રચનાની નીષ્ણાત અને પ્રોફેસર હોવાના કારણે, આ અંગે શ્રેષ્ઠ રીતે સભાન બની ગઈ છે. કેવળ તર્ક અને ફીલસુફીના અભીગમ અને ધ્યાન કે ભક્તીના માર્ગે નહીં; પણ એક અકસ્માતના પ્રતાપે અને મગજની વૈજ્ઞાનીક હોવાની હેસીયતથી; વર્તમાનમાં જીવવાના ફાયદા સમજતી અને સમજાવતી થઈ ગઈ છે.
એને આ અનુભવ વર્ણવતી સાંભળવી એ એક લ્હાવો છે. અને આંખો ખોલી નાંખે તેવી આધીભૌતીક વાસ્તવીકતાથી આપણને પણ આ માટે સભાન બનાવી દે છે. મગજની રચના અને કાર્યના તજજ્ઞો માટે તો જીલે સંશોધનની એક નવી જ દીશા ખોલી આપી છે.
જીલ ટેલરને પોતાનો અનુભવ વર્ણવતી જુઓ અને સાંભળો
જ્યારે આપણે આ વાત વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને પ્રતીતી થઈ જાય છે કે, અધ્યાત્મ અને વીજ્ઞાન ઉત્તર અને દક્ષીણ ધ્રુવ નહીં; એક જ સીક્કાની બે જુદી જુદી બાજુ નથી પણ એક જ સત્યની અભીવ્યક્તી છે.
આ અંગે માનવ જ્ઞાન પુર્ણ રીતે વીકસે; તે દીવસો હવે બહુ દુર નથી. આની ફળશ્રુતી રુપે, માનવજાતનો બહુમતી હીસ્સો વર્તમાનમાં જીવતો થાય; માનવજાત ઉત્ક્રાન્તીના એક નવા પરીવેશમાં હરણફાળ ભરે; માનવતા ફુલબહાર વસંતમાં મહોરે અને પાંગરે એ જ અભ્યર્થના.
વીશેષ વાંચન માટે : - 1 - : - 2 -
[ આ માહીતી આપવા માટે શ્રી. રશ્મીકાન્ત દેસાઈનો અંતઃકરણ પુર્વક આભાર.]
————————————–
12 જુલાઈ – 2008ના દીવસે આ અંગે મારા વીચાર મેં આ જ બ્લોગ ઉપર મુક્યા હતા. તે પણ વાંચો.
Categories: સત્યકથા · સુરેશ જાની
Tagged: True Story
આજનો સુવીચાર
November 25, 2008 · 1 Comment
ત્યાં સુધી
મને લોકોના અભીપ્રાયોનો
ભય રહ્યા કર્યો,
જ્યાં સુધી
મને એ ભાન ન થયું કે
મારા વીશે આમેય લોકોને
જાતજાતના અભીપ્રાયો હોય છે જ.
આજનો સુવીચાર
November 24, 2008 · 2 Comments
ત્યાં સુધી
મને સફળતાનો ભય રહ્યો,
જ્યાં સુધી
મને સમજાયું નહીં કે,
મારી જાત સાથે સુખમાં રહેવા
મારે પ્રયત્નો કરવા પડશે.
સ્ટીમ સોના- 3 – એક અવલોકન
November 24, 2008 · 1 Comment
સ્ટીમ સોનાનો તો ઘણીવાર લાભ લીધો. એની વાત તો અગાઉ કરેલી જ છે. પણ આજે વાત કરવાની છે. તેના વાતાવરણની. સોનામાં ગરમી માંડ ખમાય એટલી હોય, પસીને રેબઝેબ થઈ જવાય.
પણ બે વીશીષ્ઠ અનુભવો થયા.
માંડ ગરમી સહન થતી હોય; પરંતુ સહેજ પણ હાથ કે પગ હાલી જાય તો? ચામડી ચચરી જાયૢ એટલી બધી ગરમી લાગે. વરાળ તો એની એ જ હોય પણ હાથ પગ હાલતાં એની દાહકતા ઘણી વધી જાય.
છત ઉપર એકઠા થયેલા પાણીનું એકાદ ટીપું થોડી થોડી વારે શરીર ઉપર પડે અને આ ગરમીની આપદામાં વધારો થઈ જાય. જો ટીપું માથા ઉપર પડે તો તો વાળને કારણે બહુ અસર ન થાય. પણ ખભા પર, પીઠ પર, કે હાથ ઉપર પડી જાય તો? એક ક્ષણ માટે નાનકડો ડામ દીધો હોય તેવી અનુભુતી થઈ જાય.
શરીર પર પડતો સુર્યનો સીધો તાપ ન દઝાડે એટલું એનાથી ગરમ થયેલી લુ દઝાડે. એવું જ સુરજથી ગરમ થયેલી રેતીનું. એ તો બુટ ચંપલ ન પહેર્યા હોય એને ખબર પડે!
न तादृक् दहति मरीचितापः,
यादृक् दहति तदुष्मिता बालूकानिकरः
( સુર્યનો તાપ એટલું નથી દઝાડતો -
જેટલું તેનાથી ગરમ થયેલી રેતી દઝાડે છે.)
…..
એવું જ પરમ તત્વને પામેલી વ્યક્તીઓના અનુયાયીઓનું નથી હોતું? માનવજાતનું હીત કરવા સર્જાયેલા મોટા ભાગના ધર્મો, સંપ્રદાયો અને પેટા સંપ્રદાયોએ ઉભી કરેલી પીડાઓનું પણ આમ જ હોય છે ને? કુદરતનો કાયદો તો માણસને જીવનના અંતે મારે; બહુ બહુ તો રોગચાળા, અક્સ્માતમાં કે કુદરતી આપત્તીમાં મારે. પણ આ બધા તો?
સ્ટીમ સોના જેવું નૈતીક અને ધાર્મીક અનુશાસન પાળીએ તો તો શરીરની જેમ મનની સુખાકારી વધે. પણ આ બધી બબાલો તો સતત માનસીક અને શારીરીક હીંસા જ કર્યા કરે; વેરઝેર વધાર્યા જ કરે. અસંખ્ય નરસંહારોનું મુળ – ધાર્મીક અને માન્યતાઓના જડ વીવાદો.
Categories: અવલોકન · સુરેશ જાની
Tagged: Observations

