ગદ્યસુર

Entries from December 2008

આજનો સુવીચાર

December 31, 2008 · 4 Comments

   તમારા પ્રેમ અને સદભાવ માટે; તમારી જાત કરતાં વધારે લાયક હોય, તેવી કોઈક વ્યક્તી માટે, આખા વીશ્વમાં શોધ આદરી શકો;

    પણ તેવી વ્યક્તી તમને ક્યાંયથી નહીં જડે.

    બીજા કોઈને તમે આપી શકતા હો તેવા પ્રેમ અને સદભાવ માટે તમારી પોતાની અંદર આવી લાયકાત ધરાવતા હો છો.

- ગૌતમ બુધ્ધ

Categories: સુવીચાર
Tagged:

મોર – ઓરીગામી

December 31, 2008 · 4 Comments

ભારતનું રાષ્ટ્રીય પક્ષી 

peacock_1_1

પાંખ પસારેલો દેખાવ

peacock_1

પાંખ સમેટેલો દેખાવ 

   મુળ ભારતીય હોવાના સબબે આ મારું બહુ જ પ્રીય મોડલ છે.બનાવવામાં થોડું મુશ્કેલ આ મોડલ, બે ચોરસ જેટલા લાંબા લંબચોરસ કાગળમાંથી બનાવી શકાય છે.   

Categories: ઓરીગામી · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

December 30, 2008 · 2 Comments

      તમે કદી તમારે જે જોઈતું હોય તે બધું મેળવી ન શકો. એ તો સાવ અશક્ય છે.

     સદભાગ્યે બીજો એક વીકલ્પ છે. તમે તમારા મનને નીયંત્રણમાં રાખવાનું શીખી શકો.

     ઈચ્છાઓ અને અણગમાની અંત વીનાની આ વણઝારમાંથી તમે બહાર આવી શકો.

    તમારે જે જોઈતું હોય તેને ન જોઈતું કરવાનું શીખી શકો.

    ઈચ્છાઓથી દોરવાયા વગર તેમને સમજવાનું શીખી શકો.

- ગૌતમ બુધ્ધ

Categories: સુવીચાર
Tagged:

સુખ એટલે – મહમ્મદ માંકડ

December 29, 2008 · 3 Comments

સુખની વ્યાખ્યા કોઇએ આ રીતે આપી છે :

” સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય

તેમાંથી ગજરો બનાવવાની કળા.”

         સુખ વિશે આવી માતબર, આવી સુંદર, આવી યોગ્ય વ્યાખ્યા બીજી ભાગ્યે જ હશે. માનવીના જીવનમાં જો સુખ જેવી કોઇ વસ્તુ હોય તો તે આવી જ કોઇક વસ્તુ હોઇ શકે. સુખ એક ધૂંધળી વસ્તુ છે. એ કોઇ નક્કર ચીજ નથી, કે જેને આપણે પકડી શકીએ, ખરીદી શકીએ કે બીજા કોઇને સ્પષ્ટ રીતે બતાવી શકીએ. એ તો માત્ર એક ભાવવાચક નામ છે. એને પામવા માટે માણસ જિંદગીભર વલખાં મારે છે, છતાં મોટે ભાગે તે સુવર્ણમૃગ જેમ આગળ ને આગળ જતું દેખાયા કરે છે. છતાં જીવનની કેટલીક પળોમાં માણસને સુખનો ઊંડો અનુભવ પણ થાય છે, અને એ અનુભવ એટલો બધો નક્કર હોય છે કે, એના માટે એ ફરી ફરીને ઝંખે છે.
           

    પરંતુ જેના માટે એ આટલું ઝંખે છે એ સુખ ખરેખર એને કોઇ રીતે પ્રાપ્ત થઇ શકે તેમ છે ખરું?

……………..
            

    ઉપરનું નાનકડું વાક્ય સુખ વિશે ઘણી મહત્વની વાતો કહે છે. પહેલું તો, સુખ એ પ્રાપ્ત થઇ શકે એવી વસ્તુ છે. પરંતુ, એ કોઇ તૈયાર વસ્તુ નથી. તમારે એનું સર્જન કરવું પડે છે. એનો કાચો માલ – રૉ મટિરિયલ – તમારી પાસે છે, પરંતુ એ ફૂલોમાંથી ગજરાનું સર્જન તમે કરો ત્યારે જ તમને સુખનો અનુભવ થાય છે, અને એ સર્જન તમારે કલાત્મક રીતે કરવાનું છે. જેટલી કલા તમે એમાં રેડી શકો એટલું વધુ સુખ, વધુ આનંદ તમે પામી શકો.
    

     જાપાનમાં છોકરીઓને ફૂલોની ગોઠવણી શીખવવામાં આવે છે. વિવિધ ગોઠવણી દ્વારા વિવિધ પ્રકારનું સૌંદર્ય ઉત્પન્ન કરવામાં આવે છે.  એ જ રીતે માણસ પણ પોતાની પાસે જે કાંઇ હોય તેને વિવિધ પ્રકારે ગોઠવીને તેમાંથી વિવિધ પ્રકારનો આનંદ માણી શકે છે.

- મહમ્મદ માંકડ

Categories: અંતરવાણી · મહમ્મદ માંકડ
Tagged:

આજનો સુવીચાર

December 28, 2008 · Leave a Comment

રુપ અને રુપીયો
સાચવી રાખ્યાં સારાં.
જુવાનીમાં
અને
પાછલી ઉમ્મરે
કામ લાગે.

Categories: સુવીચાર
Tagged:

આજનો સુવીચાર

December 27, 2008 · Leave a Comment

કામ પોતે કરો ત્યારે
દીમાગને કામે લગાડજો.
બીજા પાસે કરાવો
ત્યારે હૃદયને.

Categories: સુવીચાર
Tagged:

પ્રકરણ – 26 ખાનનો નવો મીત્ર

December 27, 2008 · 1 Comment

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————     

       ખાનનો મીત્ર બન્યા બાદ, ભુલાનાં માન એકદમ વધી ગયાં. આ પરદેશી બટકો બધાનો માનીતો બની ગયો. ખાસ કરીને સ્ત્રીઓ તો તેનો સહવાસ પામવા અને આવા ચાલાક જણનું બીજ ધારણ કરવા પડાપડી કરવા લાગી. સ્ત્રીસંગનાં ભુલાના બધા ઓરતા રંગે ચંગે સંતોષાવા માંડયા.

    દરરોજ ખાન એકાદ કલાક બધા સલાહકારોની સાથે વાતચીત કરતો. ભુલાને આ પ્રદેશની બધી યુધ્ધકળા પણ શીખવવામાં આવી. ખાસ તો ઘોડેસ્વારી. બે વરસ આમ નીકળી ગયાં  અનેક વાર એ ખાનની મંડળીની સાથે જુદા જુદા પ્રદેશોની મુલાકાતે જતો. જાતજાતના અને ભાતભાતના અનુભવો તેને થવા લાગ્યા. ભુલાની અંદર કોઈક અજાયબ અને આમુલ પરીવર્તન આકાર લેવા માંડ્યું. ખાનના સહવાસે અને બદલાયેલા જીવનને કારણે, તેના પ્રચ્છન્ન ગુણો ઉભરવા માંડ્યા. નવા અને વીશાળ પ્રદેશોમાં પરીભ્રમણના કારણે તેનું ક્ષીતીજ હવે વીશાળ બન્યું હતું. કોતરોમાંથી ભાગ્યા બાદ, ભુતાવળોના અનુભવ બાદ તેના વ્યક્તીત્વમાં આ સાવ નવો જ વળાંક હતો.

    એક દીવસ ખાન અને ભુલો ઘોડા ઉપર ફરવા નીકળ્યા. ક્ષીતીજમાં ઘણે દુર લાંબી પર્વતમાળા દેખાતી હતી. ભુલો તે જોઈ ગંભીર બની ગયો.

    ખાને પુછ્યું, “ કેમ? વતનની યાદ આવી ગઈ શું?”

    ભુલો , “ વતન યાદ તો આવે જ ને?”

    ખાન ,” કેમ અમારી સુંદરીઓ તને પસંદ ન આવી? કે પછી તારી કોઈ પ્રીયતમા યાદ આવે છે? ”

    ભુલો, “ ના, ના, એવું તો કાંઈ નથી.”

    ખાન “ તમારે ત્યાં પણ આવી જ ઠંડી હોય છે?”

   ભુલો ,” ના, અમારે ત્યાં તો કદી આટલી ઠંડી પડતી નથી. ઉલટાનું ઉનાળામાં તો ઘણી ગરમી પડે. ”

    ખાન ,” મને એ પ્રદેશ જોવાની ઘણી ઈચ્છા થાય છે.“

    ભુલો ,” આપની ઈચ્છા એટલે,,, એ પ્રદેશ પણ તમારી હકુમતમાં આવ્યો જ સમજો.”

    ખાન ,”તું મારા મનની વાત બરાબર સમજી ગયો. તું મારા લશ્કરને રસ્તો બતાવ અને હું તને ત્યાંનો સુબો બનાવીશ.”

    ભુલો એકદમ ગંભીર બની ગયો. હવે તેને કોઈ પ્રત્યે વેર રહ્યું ન હતું, ગોવા માટે પણ નહીં. અહીં ભોગવેલી, રુપ રુપના અંબાર જેવી અનેક લલનાઓ આગળ તો રુપલી પણ ઝાંખી પડી જાય તેવી હતી. તેણીની માયા પણ ગાયબ થઈ ગઈ હતી.

   વતન માટેનો પ્રેમ તેના હૃદયમાં ઉભરાઈ આવ્યો.

   ભુલાએ કહ્યું,” એક શરતે. “

   ખાન ,” તું કહે તે શરત મને મંજુર છે.”

   ભુલો ,” મારો દેશ મને બહુ વ્હાલો છે. બને તેટલી ઓછી જાનહાની થાય તે રીતે તમારી મનોકામના સીધ્ધ થાય તો મને આનંદ થશે.”

   ખાન રત્નપારખુ હતો. તેણે ભુલાને ઘોડા પરથી ઉતરવા કહ્યું, અને નીચે ઉતરી ભુલાને ભેટી પડ્યો. તેણે કહ્યું,” ભુલા! તું મારી આ છેલ્લી પરીક્ષામાંથી પણ પાર ઉતર્યો છે. રાજા વીર તો હોવો જ જોઈએ; પણ ઉદાર પણ હોવો જોઈએ. બધા સુબાઓ પાસેથી મારી આ પાયાની જરુરીયાત છે. હું રાજા છું. બધા મારું શાસન સ્વીકારે છે. પણ પ્રજા સૌથી વધારે મહાન છે. દેશની સમૃધ્ધીનો આધાર પ્રજા ઉપર છે. રાજાનું કામ એમનું રક્ષણ કરવાનું અને એમને સાચી દોરવણી આપવાનું છે.“

   ભુલાને જગ્ગાના શબ્દો યાદ આવી ગયા. ‘ખાન જેવો રાજા આખી દુનીયામાં બીજો કોઈ ન મળે.” તેણે ખાનને સાષ્ટાંગ વંદન કર્યા.

     બન્ને મીત્રો પાછા ફર્યા. ખાને બધા સલાહકારોની સભા બોલાવી, અને પોતાનો ઈરાદો જાહેર કર્યો. બધા શુરવીરો આ નવા સાહસ માટે તલપાપડ થઈ ગયા. ઘણા વખતથી કોઈ યુધ્ધ થયું ન હતું. આ સાવ નવા પ્રદેશમાં જવાની વાત સૌને આકર્ષક લાગી.

    હવે ખાને કુચની યોજના બનાવવા માંડી. એ સમયે તો એ પ્રદેશમાં ઉનાળો ચાલતો હતો.અત્યારે નીકળે તો ભુલાના પ્રદેશમાં પહોંચતાં પહોંચતાં શીયાળો બેસી જાય. પર્વતમાળા ઓળંગવા માટે ખાનને એ સમય ઠીક ન લાગ્યો. આથી શીયાળો ઉતરતાં તરત પ્રસ્થાન કરવાનું તેને યોગ્ય લાગ્યું. ખાનના મુખ્ય મંત્રીએ સુચન કર્યું કે દરેક સુબો પોતાના શ્રેષ્ઠ દસ સૈનીકો મોકલે. આમ ખાનના સામ્રાજ્યના સો સુબાઓના એક હજાર સૈનીકો ભેગા થાય . એમની સાથે ખાનના પોતાના પાંચસો રક્ષકો ઉમેરતાં પંદરસોની સેના તૈયાર થાય. આ પ્રચંડ યોજના જાણી ભુલાની તો ચાર આંખો થઈ ગઈ. આ તો કીડી ઉપર કટક લઈ જવા જેવી વાત હતી. તેણે કહ્યું, કે આ યોજના જરુર સફળ નીવડશે.

    બીજા દીવસે ખાસ કાસદો નીકળી પડ્યા અને શીયાળો ઉતરતાં બધાને જગ્ગાના ગામ આગળ ભેળા થવાનો આદેશ અપાઈ ગયો.

   આખા પ્રદેશમાં આ નવા અભીયાનની શક્યતાથી ગરમી આવી ગઈ.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

December 26, 2008 · Leave a Comment

દુષ્ટ તત્વોને
વીજયી બનવા દેવા માટે
સજ્જનોની અકર્મણ્યતાથી
વધારે શક્તીશાળી
બીજું  કોઈ તત્વ નથી.
  

Categories: સુવીચાર
Tagged:

ખીસકોલી – એક અવલોકન

December 26, 2008 · 4 Comments

    પાર્કમાં ખીસકોલી.

    ઘણી વખત એને જોઈ છે. બાળકોને તો એ બહુ જ પ્રીય. એને પકડવાનો પ્રયત્ન; એ એમની પ્રીય રમત. ખીસકોલી જોઈ નથી અને બાળકો એને પકડવા દોડ્યા નથી. પણ આજ દી’ સુધી એ કોઈથી પણ પકડાઈ હોય; તેવું જોયું કે સાંભળ્યું નથી.

    એ બહુ ચકોર હોય છે. એમ લાગે કે, એને પાછળ પણ આંખો હશે! ગમે તેટલા ચોરીછુપીથી એની પાછળ જાઓ; પણ એને ખબર પડી જ જાય અને એ આગળ નાઠી જ સમજો. બહુ વીતાડો તો મોટી ફલાંગ ભરીને ઝાડ ઉપર ચઢી જાય.

      એ જોઈ બે દીવસ પર વાંચેલી વર્તમાનની શક્તી (Power of Now) ચોપડી યાદ આવી ગઈ. ખાસ તો એમાં એક ઉદાહરણ આપ્યું હતું; તે યાદ આવી ગયું. શીષ્યને સતર્કતાની તાલીમ અને તેની કસોટી માટે, તેને સ્થીર ઉભો રાખી; બહુ ચોરી છુપીથી, હાથમાં લાકડી લઈને, પાછળથી ઝેન ગુરુ આવતા હોય છે. શીષ્યે એમની હીલચાલ પારખી, ખસી જવાનું હોય છે. જો ન ખસે તો ગુરુ પ્રેમપુર્વક, હળવેકથી, બરડામાં લાકડી મારી દે. જો શીષ્ય એ લાકડીદાવ ચુકાવી દે; તો એ બરાબર સજાગ અને સતર્ક છે; એમ સાબીત થાય. આ માટે શીષ્યનું મન શાંત અને કેવળ વર્તમાનમાં જીવતું હોવું જોઈએ.

     ખીસકોલી અને મોટા ભાગના પ્રાણીઓ કેવળ વર્તમાનમાં જીવતાં હોય છે. કદાચ એમની સ્પર્શ શક્તી પણ એટલી બધી વીકસેલી હોય છે કે, હવાનો અણસાર અને જમીન પરથી આવતી થરથરાટી ( વાઈબ્રેશન ) પણ એ પારખી શકતાં હોય છે.

     પણ આપણું મન મોટે ભાગે ભુત અને ભવીષ્ય કાળમાં જ જીવતું હોય છે. એ વીચાર-વમળો અને પ્રતીક્રીયામાં સતત ગુંચવાયેલું; લગભગ બેભાન અવસ્થામાં જ રહેતું હોય છે. આથી આપણે ઘણી વાર સામેની વ્યક્તી શું બોલે છે, તે પણ સાંભળતા નથી હોતા. એના ભાવને તો પારખવાની વાત જ ક્યાં હોય છે? અને પછી નવી બેભાન ક્રીયાઓ અને ભુલો. એક જાળમાંથી છુટ્યા ન છુટ્યા ત્યાં બીજી કોઈ જાળમાં ફ્સાયા જ સમજો.

    અને આપણા ખ્વાબ હોય છે – મોક્ષના, મુક્ત થઈને પરમ તત્વને પામવાના, બધી જંજાળથી મુક્ત થવાના.

   એ માટે ખીસકોલી થવું પડે કે શું?!

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

December 25, 2008 · Leave a Comment

શાણા સજ્જનો કશું ન કરે
એટલું માત્ર જ
દુષ્ટતાને સફળ થવા માટે
પર્યાપ્ત હોય છે. 

- એડમન્ડ બર્ક

Categories: સુવીચાર
Tagged: