ગદ્યસુર

Entries from February 2009

આજનો સુવીચાર

February 28, 2009 · 1 Comment

હું એ શીખ્યો છું કે - 
 મારા બાળપણમાં
મારા પીતાની સાથે
ઉનાળાની શીતળ રાતે
ચાલવાની યાદોએ,
મારી પુખ્ત વયમાં
મારે માટે ચમત્કારો સર્જ્યા છે.  

– એન્ડી રુમી

Categories: સુવીચાર
Tagged:

હંસ – ટેન્ગ્રામ

February 28, 2009 · 1 Comment

 

હંસ

હંસ

Categories: ટેન્ગ્રામ
Tagged:

ડાકોર પદયાત્રા

February 28, 2009 · 23 Comments

       આ વાત 1992 કે 1993ની સાલની છે. જમણા પગના ઢીંચણ પર કશોક ઝટકો આવવાના કારણે , સખત દુખાવો શરુ થયો હતો. કામ પર નીત્યક્રમ મુજબ ચક્કર લગાવવા જાઉં, તેમાં પણ ચાર ઠેકાણે વીસામો લેવો પડતો હતો. અમુક ઉપચાર કર્યા અને તે તો ગાયબ થઈ ગયો. એની વાત વળી ફરી કોઈક વખત.

      પણ, એ વીજય હાંસલ કર્યા બાદ, વીજ સમારકામ ખાતામાં બેઠો હતો , ત્યારે એક મદદનીશ શ્રી. નાયકે વાત વાતમાં , તે ડાકોર પદયાત્રા કરવા જવાનો હતો; તેમ કહ્યું. વીગતે જાણવા મળ્યું કે, 2400 માણસના સંઘમાં, ચાર દીવસની યાત્રા અને રોજ 20 કી.મી. ચાલવાનું.

     હવે માળું મને પણ શુરાતન ચઢ્યું. ‘લાવને, આ ઢીંચણ બરાબર થઈ ગયો છે કે નહીં, તેની ચકાસણી કરી લઉં.‘

     પણ, મનમાં ડર તો ખરો જ કે, ન કરે નારાયણ ને, ન ચલાયું તો? નાયકે હૈયાધારણ આપી કે, આખે રસ્તે, પાકી સડક પર જ ચાલવાનું હોય છે. એટલે વચ્ચેથી ફસકી જવાની છુટ. એસ. ટી. બસ પકડીને સીધા, સરળ રસ્તે ડાકોર ભેગા થઈ જવાય. માત્ર 75 રુપીયા ભરવાના અને ત્રણ ટંક ચા, નાસ્તા, જમણની વ્યવસ્થા સંઘ તરફથી. આપણો બીસ્તરો સાથે લઈ જવાનો; પણ સંઘવાળા એને એક મુકામથી બીજા મુકામે, ખટારામાં પહોંચાડી દે.

     મારા અમદાવાદી ભેજામાં આ યોજના મીઠી મધ જેવી લાગી. એટલે મેં પણ જનક મહારાજના એ સંઘમાં જોડાવા રુપીયા ભરી દીધા. છેવટે એ સપ્પરમો  દીવસ આવી પહોંચ્યો. અમે કાંકરીયા તળાવ પાસે આવેલા પુનીત આશ્રમમાં સવારનું ભજન અને નાસ્તો પતાવી એ મહાન યાત્રાએ નીકળી પડ્યા.

      અમદાવાદના સીમાડે વીંઝોલ ગામ પહોંચતામાં તો પગે ગોટલા ચઢવા માંડ્યા. મારા સાથીદારો તો ક્યાંય આગળ નીકળી ગયેલા. મારું રગશીયું ગાડું માંડ માંડ ગબડે. બીજા સંઘયાત્રીઓ પણ આગળ જવા માંડ્યા. મોટા રસ્તાથી ફંટાતો નાનો રસ્તો પકડ્યો. થોડેક આગળ ગયો અને એક ડગલું પણ ચલાય એમ ન રહ્યું. રસ્તાની બાજુમાં કોન્ક્રીટની એક પાળી હતી, તેની ઉપર બેસી ગયો. એક એક કરતા બધા યાત્રીઓ આગળ નીકળી ગયા. એમાંના એક બે જણને ભલામણ કરી કે, નાયકને ખબર આપે કે સુરેશભાઈએ તો બસનું શરણું લીધું! ડાકોરની બસની રાહ જોતો, ગાર્ડના ડબા જેવો, હું તો એ પાળી પર ગુડાયો.

    આ અવળી મતી મને શેં સુઝી એના વીચાર જ મનમાં ચાલે. ફરી કદી આવું દુસ્સાહસ ન કરવાનું પણ નક્કી કર્યું. ત્યાં દુરથી એક જાડાં બહેનને આવતાં જોયાં. શહેરી જ હતાં અને સાથે એક નાનકડી થેલી. મને ખાતરી થઈ ગઈ કે, એ પણ સંઘના યાત્રી જ છે. સાથે બીજું કોઈ જ ન હતું. ભારે શરીરને કારણે સાવ ધીમા ડગલાં ભરતાં ચાલે. એ પણ થોડો આરામ કરવા પાળી ઉપર બેઠાં.

    સ્વાભાવીક રીતે અમે વાતે વળગ્યાં.

     મેં કહ્યું ,” હું તો બસની રાહ જોઉં છું. તમે પણ સાથે હશો તો સાથ રહેશે.”

     બહેન, “ ના રે! હું તો ચાલતી મુકામે જ જઈશ.”

     “ પણ આ ઝડપે ક્યારે પહોંચશો?”

     “ બે વાગશે.”

      બીજા બધા તો બાર વાગે પહોંચી જવાનો અંદાજ  હતો. 

     “ તમારી ધીરજને ધન્ય છે. મારી જેમ પહેલી જ વાર આવ્યા લાગો છો. ”

     “ ના રે ! આ આઠમી વખત છે.”

       હું તો અચંબો જ પામી ગયો. વધારે વાત કરતાં એ પણ ખબર પડી કે, એ તો જૈન ધર્મ પાળતાં હતાં ! મને નવાઈ લાગી.

     મેં પુછ્યું, “ તો આ રણછોડરાયના સંઘમાં કેમ?”

    “ ભગવાન તો બધા એક જ છે ને? અમારા પાડોશી વૈષ્ણવ છે. એમનો સંગાથ સારો લાગે છે. અને હું ચાલતાં નવકાર મંત્ર ભણું છું.”

    “ તમને આમ એકલાં ચાલતાં કંટાળો નથી આવતો? “

    ” ના! બહુ શાંતી લાગે છે. મન એક ધ્યાન થઈ જાય છે.”

    શ્રધ્ધાનાં આ અપ્રતીમ દર્શન કરી હું તો ધન્ય બની ગયો. મારી હીમ્મત જાગી ઉઠી. અમે બન્ને સાથે ઉભાં થયાં. પણ એમની ગોકળગાયની ચાલે મારાથી ચલાય એમ ન હતું.  

    મેં વીવેક ખાતર કહ્યું.” હું આગળ ચાલતો થાઉં કે, તમને સાથ આપું?”

    “તમ તમારે જાઓ. હું તો મારી ચાલે પહોંચી જઈશ. “

    એ બહેનની પ્રેરણાએ મારા પગમાં કોણ જાણે ક્યાંથી જોર આવી ગયું.

   ‘‘જય રણછોડ, માખણ ચોર ‘ નો મનોમન જાપ કરતાં મેં તો પગ ઉપાડ્યા. અને ધીમે ધીમે ચાલ વધતી ગઈ. મીલીટરીના જવાન જેવો જુસ્સો પ્રગટવા માંડ્યો. ઝડપી ચાલે મેં આગળ ગયેલા યાત્રીઓને આંતરી, આગળ ધપ્યે રાખ્યું. બધા આ ‘કાકા’ ના નવા જાગેલા ઉત્સાહને પરોસાવતા જાય.  મેં નાયક અને બીજા સાથીદારોને પણ પકડી પાડ્યા એટલું જ નહીં; એમની આગળ નીકળી ગયો.

    પછી તો ચાર દીવસની એ મુસાફરીનો આનંદ ભરપુર માણ્યો. રાતે મોડા સુધી થતાં ભાવ વીભોર થઈ જવાય એવાં ભજનો અને ભોજનો તેમજ વહેલી સવારની ગ્રામ પ્રદેશની રમણીયતા ભરપેટે માણ્યાં.

    પણ એ જૈન બહેનની શ્રધ્ધા અને અંતરનો વૈભવ ભુલ્યાં ભુલાય એમ નથી.

Categories: સુરેશ જાની · સ્વાનુભવ
Tagged:

અભીવ્યક્તી

February 28, 2009 · 10 Comments

      એક અંધ બાળક રસ્તાની બાજુમાં બેઠો હતો. એના પગ આગળ એક જુની હેટ રાખેલી હતી. અને તેની બાજુમાં એક પાટીયા પર લખેલું હતું,” હું આંધળો છું. મહેરબાની કરીને મને મદદ કરો.” તેની હેટમાં બે જ આંગળીના વેઢે ગણાય તેટલા સીક્કા ભેગા થયા હતા.

      એક માણસ તેની આગળથી પસાર થયો. તેણે પોતાના ખીસ્સામાંથી થોડાક સીક્કા કાઢી તેમાં ઉમેર્યા. બીજા વીચારે તેણે પેલું પુંઠું ઉપાડ્યું અને તેની બીજી બાજુએ કાંઈક લખ્યું. તેણે નવા લખાણવાળી, પુંઠાની એ બાજુ લોકોને વંચાય એ રીતે પુંઠું મુક્યું અને ચાલતો થયો.

      અને જાણે ચમત્કાર થયો હોય તેમ હેટ સીક્કાઓથી અને ચલણી નોટોથી ભરાવા લાગી.

       બપોર પડી અને તે માણસ ફરી પાછો એ બાળક પાસે આવ્યો. આંતરસુઝથી એ બાળક તેને ઓળખી ગયો. ગદગદીત સ્વરે તે બોલ્યો ,” અરે! સાહેબ, તમે શું ચમત્કાર કર્યો કે, મારી હેટ છલકાઈ ગઈ? “

      પેલા માણસે કહ્યું,” મેં કાંઈ જાદુઈ મંત્ર નહોતો લખ્યો. તારી જેમ જ મેં વાત લખી હતી – પણ જરા જુદી રીતે. મેં લખ્યું હતું, ‘ આજનો દીવસ કેટલો સરસ છે? અફસોસ કે, હું તે જોઈ નથી શકતો.”

    આ છે – ભાષાની તાકાત, અભીવ્યક્તીની તાકાત.

———————————-

ઈન્ટરનેટ પરથી મળેલી સામગ્રીનો ભાવાનુવાદ. 

Categories: અનુવાદ · વાર્તા · સુરેશ જાની
Tagged:

ગુજરાતી જોડણી વ્યવસ્થા – રામજીભાઈ પટેલ

February 27, 2009 · 11 Comments

ગુજરાત વિદ્યાપીઠ પ્રકાશિત 

‘ સાર્થ જોડણીકોશ’

મુજબની જોડણીમાં

————————————————————————————————– 

તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૯ને શુક્રવારના સંદેશમાં પ્રકાશીત થયેલ શ્રી. રામજીભાઈ પટેલનો લેખ..‘સંદેશ’ દૈનીકના સ્નેહથી સાભાર..

અક્ષરાંકન - ઉત્તમ ગજ્જર સુરત..
સમ્પર્ક – uttamgajjar@hotmail.com

      કવિ અચલ અમરેલિયા કહે છે કે, પત્રો લખવાનું ટાળું છું, કેમ કે જોડણીભૂલો-ભાષાભૂલો રહી જાય છે જેની ટીકા સાંભળવી પડે છે ને વિચાર બાજુ પર રહી જાય છે. આથી લઘુતાગ્રંથિ-અપરાધભાવ અનુભવાય છે.

     પરિણામે લેખનકાર્ય પ્રત્યે એક પ્રકારનો અણગમો થઈ ગયો છે. અમરેલિયા જેવા બીજાયે ઘણા મિત્રો પણ લખતી વેળા સતત મૂંઝવણ અનુભવે છે. ક્યાંક ભૂલ રહી જાય તો ! કંઈક કહેવાનું, અભિવ્યક્ત કરવાનું તો છે, પણ લખવા બેસવાનો ઉત્સાહ નથી થતો. ગુજરાતી લખવાની પ્રક્રિયા એમને સહુ આનંદપ્રદ પ્રવૃત્તિ બનતી નથી.માન્ય જોડણી વ્યવસ્થા એમનો ઉત્સાહ વધારતી નથી.

     વડનગરના સેવાભાવી દાક્તર વસંત પરીખ (૧૯૨૯-૨૦૦૭) લખે છે, “કબરમાં એક પગ લટકે છે મારો તોય જોડણી મારી લૂલી. હજી તો બે માસ પહેલાં મારા મિત્ર પૂછે છે : વસંતભાઈ ! ‘પ્રવિણ’માં હ્રસ્વ કેમ કરો છો ? મને થયું : ‘હોસ્પિટલ’માં દીર્ઘ કેમ નહીં ? ‘સારથી’ નહીં ને ‘સારથિ’ કેમ ? ‘બહેન’ જ જોઈએ ‘બેન’ ન ચાલે ! ભારે મૂંઝવણો, જાતને સૂંઠને ગાંગડે ગાંધીમાં ખપાવનારો હું લેખક તરીકે ‘ઓલવાઈ’ ‘હવાઈ’ ગયો.

      અમારા વિજ્ઞાનના ૩-૫ કિલો વજનનાં પુસ્તકો રસથી વાંચું. ક્યાંય જોડણીની ભૂલ નહીં. હજારો દવાઓનાં નામ અંગ્રેજીમાં સડસડાટ, આજે પણ ચૂક વિના લખું- ને ગુજરાતીમાં જાત થોથવાય કાં ? મારી જોડણી ચોખ્ખી કેમ નથી ? દૈનિક છાપાં તો રોજ નનામી કાઢે છે- જોડણીની. ગુજરાતી ભાષાનું શ્રાદ્ધ નિત ઊજવે છે. છે કોઈ ટોકનારું ? રોકનારું ?પડકારનારું ?

     અમરેલિયા ને પરીખની જેમ આપણે સૌએ ગુજરાતી લખાણ સારુ કાયમ મૂંઝવણો અનુભવ્યા કરવાની ? ગુજરાતી જોડાણી વ્યવસ્થા શું અફર છે ? આ પ્રશ્નોનો જવાબ ‘હા’હોય તો આપણે કંઈ કરવાનું રહેતું નથી. ગુજરાતી લેખનની જે કંઈ સ્થિતિ છે તે બરાબર છે એમ ગણી સહી લેવાનું રહે છે. ભાષાશુદ્ધિ કે ભાષા સ્વાસ્થ્ય સારુ કોઈ અપેક્ષા રાખવાની નથી. કહો કે, માયકાંગલું શરીર હોય તેમ માયકાંગલી ભાષા પણ હોય.

      પરંતુ પ્રશ્નોનો જવાબ જો ‘ના’ હોય તો ? માયકાંગલા શરીરવાળા પણ બેઠા થઈ શકે છે તેમ માયકાંગલી ભાષા પણ ભાષારોગો ઘટાડીને સ્વસ્થ ભાષા બની શકે છે.આ સારુ કેટલાક સભાન પ્રયત્નો કરવા પડે. સ્થિતિ પલટવા જાગૃત પ્રયત્નો કરાય તો સમય પાક્યે ફળ મળે જ. બધા ભાષારોગો નહીં,પરંતુ ભાષારોગનો ઇલાજ અખિલ ગુજરાત જોડણી પરિષદે શોધી બતાવ્યો છે.

      ૯-૧૦ જાન્યુઆરી, ૧૯૯૯ના ઊંઝામાં ભરાયેલી આ બેનમૂન પરિષદનો મુખ્ય ઠરાવ આ પ્રમાણે છે : ‘ગુજરાતીમાં ઈ-ઉની જોડણીના વિદ્યાપીઠના કોશના નીયમો અતાર્કીક અને ઘણી અસંગતીઓથી ભરેલા છે, તેમ જ ગુજજાતી ભાષામાં ઈ-ઉનું હ્રષ્વત્વ-દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવિક પણ છે. તેથી એ નીયમો હવે પછી છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને એક ‘ઉ’ યોજવા ‘ઈ માટે દીર્ઘ (ી)નું ચિહ્ન અને ‘ઉ’ માટે હ્રસ્વ ( ુ )નું ચિહ્ન રાખવું.”

      ઊંઝા ઠરાવની વાત તદ્દન નવી નથી. ગોવર્ધનરામ ત્રિપાઠી, પ્રબોધ પંડિતથી માંડીને ઘણા બધાએ એક ઈ-ઉની હિમાયત વખતોવખત કરેલી, પણ પછી એ વાત હાંસિયામાં ધકેલાઈ જતી. દયાશંદર શેલત, યોગેન્દ્ર વ્યાસ, ઊર્િમ દેસાઈ, પિંકી શાહ, કનુભાઈ જાની, અરવિંદ ભંડારી, સોમાભાઈ પટેલ, જયંત કોઠારી વગેરે ભાષાવિજ્ઞાનીઓની હાજરી ને માર્ગદર્શન હેઠળ ઊંઝા-ઠરાવનું ઘડતર થયું ને તા. ૧૦-૦૧-૧૯૯૯થી તેનો અમલ પણ શરૃ થયો.

  •  અત્યાર સુધીમાં ૮૦ જેટલા લેખકોનાં ૧૨૦ જેટલાં પુસ્તકો આ નવી જોડણી વ્યવસ્થામાં બહાર પડી ગયાં છે. 
  • (૪૨ પુસ્તકો આપનાર ડો. વસંત પરીખનાં ૨ આંશિક ને ૯ પૂરેપૂરાં પુસ્તકો ઊંઝા જોડણીમાં બહાર પડયાં છે. 
  • બે ગીત ગઝલ સંગ્રહ જૂની જોડણીમાં આપનાર કવિ અમરેલિયા ત્રીજો સંગ્રહ નવી જોડણીમાં આપનાર છે. 
  • ઊંઝા જોડણીમાં વીસેક સામયિકો પણ બહાર પડે છે. 
  • ‘નયા માર્ગ’ પાક્ષિકે દસ વર્ષથી યાને ઊંઝા પરિષદ પછી તરતથી તેનો અમલ શરૃ કર્યો છે.
  • એપ્રિલ, ૨૦૦૯થી શરૃ થનાર રાજકોટનું ‘વિજ્ઞાનજાથા’ પ્રથમ અંકથી જ ઊંઝા જોડણી અપનાવનાર છે. 
  • હરુભાઈ મહેતા ને જયંત કોઠારીએ પોતાના લેટરહેડમાં જ ઊંઝા ઠરાવ હાંસિયાની જગ્યાએ છપાવેલો.

      લગ્નની કંકોતરીઓ-નિમંત્રણપત્રો, જાહેરાતો વગેરેમાં પણ એક જ ઈ-ઉવાળી ઊંઝા જોડાણી પ્રચલિત બની રહી છે. વળી દાયકા અગાઉનો ઊંઝા ઠરાવ ધીમી ગતિએ પણ લોકમાન્યતા પામતો જાય છે. એક જ ઈ-ઉના વપરાશને કારણે કોઈ અર્થભ્રમ થતો નથી. સરળતા સધાય છે ને ૭૦% જોડણીભૂલો ઘટી જાય છે.

      ડો. વસંત પરીખે મને કહેલું કે, આ ઇલાજથી વિચારને અવરોધ થતો નથી. વિચાર સડસડાટ ચાલ્યા આવે છે ને લેખન નિવિઘ્ને આગળ ચાલે છે. અગાઉ વારંવાર જોડણીકોશ જોવો પડતો ને તેથી અભિવ્યક્તિને મુશ્કેલી આવતી. આવો અનુભવ અન્ય લેખકોનો પણ છે. ઙ, ઞ જેવા કેટલાક વર્ણો આપણા કક્કામાં છે છતાં તેનો વપરાશ ભાગ્યે જ થાય છે એ જ રીતે ઈ, ઊ કક્કામાં ભલે હોય, આપણે તેની જગ્યાએ ઇ અને ઉ વાપરવા લાગી, સિસ્ટમ સુધારીએ તો અનુભવ કહે છે કે, ભાષા સુધારથી પણ ભાષાશુદ્ધિ વધી શકે છે.

Categories: નીબંધ · ભાષા · રામજીભાઈ
Tagged: ,

આજનો સુવીચાર

February 27, 2009 · 2 Comments

હું એ શીખ્યો છું કે –
ઘણી વખત એમ બનતું હોય છે કે,
આપણને કોઈનો હાથ પકડવાની
અને હૃદયથી તેને સમજવાની જરુર પડે છે.

– એન્ડી રુમી

Categories: સુવીચાર
Tagged:

ખુરશી- ઓરીગામી

February 27, 2009 · 1 Comment

 

ખુરશી

ખુરશી

Categories: ઓરીગામી
Tagged:

આજનો સુવીચાર

February 26, 2009 · 2 Comments

હું એ શીખ્યો છું કે –
જીવનની પરીસ્થીતી
ગમે તેટલી ગંભીર હોય
તો પણ,
એક મીત્ર સાથે
હસી ખુશીથી વાત કરવું
જરુર શક્ય હોય છે.

– એન્ડી રુમી

Categories: સુવીચાર
Tagged:

સસલું – ટેન્ગ્રામ

February 26, 2009 · 1 Comment

 

સસલું

સસલું

Categories: ટેન્ગ્રામ
Tagged:

આજનો સુવીચાર

February 25, 2009 · 1 Comment

હું એ શીખ્યો છું કે -  
જ્યારે હું કોઈ વ્યક્તીને
કશી મદદ કરી શકું
તેમ ન હોઉં ;
ત્યારે પણ
તેને માટે પ્રભુને પ્રાર્થના
તો કરી શકું તેમ જ હોઉં છું.

– એન્ડી રુમી

Categories: સુવીચાર
Tagged: