ગદ્યસુર

Entries from March 2009

આજનો સુવીચાર

March 31, 2009 · 1 Comment

ખતમ ન થઈ જાય તેવી
મીણબત્તીની જેમ
પ્રજ્વલીત બનેલા રહો.

– રીચાર્ડ બીગ્સ

સૌજન્ય :  હેમાંગ નાણાવટી

Categories: સુવીચાર
Tagged:

સપ્પરમો દીવસ

March 31, 2009 · 1 Comment

       સુરેશ જાની ! તમે માણેલું, તમારા જીવનનું પહેલું કવી સમ્મેલન હમણાં જ સમાપ્ત થયું છે. આમ તો જેમનું નામ પણ તમે સાંભળ્યું ન હતું; એવા હુરતી હઝલકાર શ્રી રઈશ મનીઆરને સાંભળી બેવડા પડી પડીને હસવાથી દુખી આવેલા તમારા સ્નાયુઓને હવે આરામ મળવાનો છે. મુશાયરામાં હ્યુસ્ટન અને ટમ્પાથી ઢગલાબંધ કવીઓ પણ આવેલા છે. આ નવી નવાઈના વ્યક્તીઓ કોઈ જુદી જ ભોમકામાંથી આવેલા હોય તેમ તમને લાગી રહ્યું છે. બાપ જન્મારે કોઈ દી’ મુશાયરો તમે માણ્યો છે ખરો ?  

     અમેરીકાની ધરતી પર આ નવલો અને દીલોદીમાગને તરબતર કરી દેતો અનુભવ તમને પણ કવીતા લખતા કરી દેવાનો છે. પણ હજી એ ઘડી તો ભવીષ્યમાં જન્મ લેવાની છે. એનું બીજ જ માત્ર આજે રોપાણું છે.

     આ બધા બીજા કોઈ ગ્રહના વાસી હોય તેવી લાગણી તમારું ઈજનેરી મન અનુભવી રહ્યું છે. તમે ઈશ જેવા લાગતા રઈશ ભાઈની બે પુસ્તીકાઓ – એક હઝલની અને એક ગઝલની – ખરીદવાની પળોજણમાં પડો છો; ત્યાં તમારા ખભે કોઈનો હાથ મુકાય છે.

     સાહીત્ય અને સંગીતની દુનીયાના તમારા પ્રવાસના પહેલા સારથી, શ્રી. સુધીરભાઈ દવે તમને બાજુમાં ખેંચી જાય છે. એક કામ તમને સોંપાય છે. ટમ્પા, ફ્લોરીડાના કવી ડો. દિનેશ શાહને પ્લેનોથી આર્લીંગ્ટન પહોંચાડવાનું કામ તમારે કરવાનું છે. બધામાં સૌથી ભભકાદાર, કવી પહેરે તેવો, પહેરવેશ પહેરેલા એ કવીની એક કવીતા તમારા કાનમાં ફરીથી ગુંજવા લાગી જાય છે. 

“પર્વતના શિખરથી નીકળી વહેતી નદી અનેક,
ચાર દિશા ફરી ભેગી થાતી સાગરમાં સૌ એક.”

dr_dinesh_o_shah.JPG    

      તમે સહર્ષ આ જવાબદારી સ્વીકારી લો છો. આવા મુઠી ઉંચેરા માનવીની અંગત સંગત મળવાની આ તક માટે પરમ કૃપાળુ પરમાત્માનો તમે મનોમન આભાર માની લો છો.  આ શુભ કામ સોંપવા બદલ તમે સુધીરભાઈનો પણ આભાર માનો છો. પ્લેનોથી અરવીન સુધી, તમારો દીકરો ઉમંગ ગાડી ચલાવવાનો છે. બાકીનો અડધો રસ્તો તમે કાપવાના છો. આવા મહાનુભાવના સારથી બનવા બદલ તમે બન્ને કૃત કૃત્ય બની ગયા છો.

    અને એક અવીસ્મરણીય મુસાફરી શરુ થાય છે. દિનેશભાઈની કવીતાઓ સ્ટેજ પરથી તો સાંભળી હતી, પણ આટલી નજીકથી, બીજી બે તમને સાંભળવા મળે છે. કવી કેવા હોય, કેવા દેખાતા હોય, કેવી રીતે બોલતા હોય, કેવું જીવન જીવતા હોય, તે જાણવાનો તમારો આ પહેલો અનુભવ છે.

     પણ એનાથી અનેક ગણાં વીશેષ ગોપીત સત્યો તમારી સમક્ષ પ્રચ્છન્ન બની જાય છે. એક કવી, એક વૈજ્ઞાનીક તમારી બાજુમાં નથી બેઠો, પણ જેને માણસ કહી શકાય તેવા માણસની સંગત તમને સાંપડી છે; એવો અનુભવ તમને થઈ ગયો છે. તેમના શૈશવ કાળની તકલીફો, વીદ્યાર્થી કાળની વ્યથાઓ, અને અમેરીકામાં મહેનત અને બુધ્ધીથી શીખર પર પહોંચ્યાની મુસાફરીની વાતો, તમને એમના માટે અહોભાવથી છલકાવી દે છે. ફુલથીય કોમળ તેમના કવી હૃદયની ધડકન અને પમરાટ ભરેલા જીવનની સુગંધ તમારું ભાવ જગત અનુભવી રહ્યું છે.  

    તેમનો મુકામ, તેમના સાળા લેની ભાઈનું ઘર આવી ગયું છે. તેમને ઉતારીને તમે ઘર તરફ પાછા વળો છો, બીજે દીવસે એમનો કવીતા સંગ્રહ ‘પરબ તારાં પાણી’ તમે એકી બેઠકે વાંચી જાઓ છો. મુશાયરામાં અને કારમાં સાંભળેલી કવીતાઓ ફરીથી વાંચવાનો, વાગોળવાનો એ અદભુત અને સુખદ આનંદ તો તમે માણો જ છો , પણ તેમના જીવનના જુદા જુદા પ્રસંગોને આનુષંગીક, બીજી કવીતાઓ તમને એમના આત્મીય જન બનાવી દે છે. એમની જીવનકથા પણ તને રસપુર્વક વાંચો છો; અને પુસ્તક અલમારીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. એક યાદગાર અનુભવ, એ પુસ્તકની જેમ, તમારા મનોજગતની અલમારીમાં સચવાઈને, ઢબુરીને કેદ થઈ જાય છે.

     એ વખતે તમને ક્યાં ખબર હતી કે, એ યાદો ફરીથી. અનેક વાર, નવપલ્લવીત થવાની છે? એ અલમારી ફરી ફરી ખુલવાની છે?

   પાંચ વરસ પછી, એમનો પરીચય તમારા બ્લોગ પર કંડારવાનો અનુપમ લ્હાવો તમે પામવાના છો?

   જે ઘરમાં તેમને ઉતારી આવ્યા હતા ત્યાં જ, 2008ની સાલમાં તેમને ફરીથી સાંભળવાનો મોકો તમે પામવાના છો?

   અને એ યાદગાર દીવસે એમણે કહેલો, હૈયું વલોવી નાખે તેવો, તેમનો એક સ્વાનુભવ તમારા બીજા બ્લોગ પર મુકી, એક સામાજીક પ્રશ્નને વાચા આપવાનો લ્હાવો પણ તમે પામવાના છો?

લો! એ પરીચય વાંચો

અને એ સામાજીક પ્રશ્ન પણ …..

સુધાકરે શું કર્યું?

સુધાકરે આમ કર્યું    

     અને કેવો સુભગ સંજોગ કે, તેમના 71મા જન્મ દીવસે, આજે આ વાત રજુ કરવાનો લાભ પામવાનો આ નવતર લ્હાવો પણ તમને પ્રાપ્ત થયો છે? 

– આભાર પ્લેનો, ડલાસમાં રહેતા, પરમ મીત્ર શ્રી. હિમાંશુ ભાઈનો – આજના સપ્પરમા દીવસની યાદ અપાવવા બદલ.

———————————————-

આજના સપ્પરમા દીવસે તેમના મીત્રો શ્રી. હિમાંશુ ભટ્ટ અને રમેશ પટેલનાં ગીતો નો બ્લોગ ‘ ત્રીવેણી સંગમ’ પણ શરુ કરવામાં આવી રહ્યો છે. એ બ્લોગની મુલાકાત લેવા આપ સૌને ઈજન છે. અહીં ‘ ક્લીક’ કરો  

Categories: વાર્તા · સુરેશ જાની
Tagged:

ઓરીગામી – પતંગીયું-1

March 31, 2009 · 1 Comment

 

પતંગીયું-1

પતંગીયું-1

Categories: ઓરીગામી
Tagged:

આજનો સુવીચાર

March 30, 2009 · 2 Comments

જો તમે કોઈ વસ્તુ માટે
નક્કરતા નહીં અપનાવો;
તો ગમે તે વસ્તુ માટે
તમે ઝુકી જ જશો.

સૌજન્ય :  હેમાંગ નાણાવટી

Categories: સુવીચાર
Tagged:

ઓરીગામી – ખોખું

March 30, 2009 · 2 Comments

 

ખોખું-બંધ

ખોખું-બંધ

 

ખોખું-ખુલ્લું

ખોખું-ખુલ્લું

Categories: ઓરીગામી
Tagged:

આજનો સુવીચાર

March 29, 2009 · 2 Comments

તમારા વીચાર બદલો
અને તમારી દુનીયા બદલાઈ જશે.

– નોર્મન વીન્સન્ટ પીલ

સૌજન્ય :  હેમાંગ નાણાવટી

Categories: સુવીચાર
Tagged:

આજનો સુવીચાર

March 28, 2009 · 3 Comments

જે દીલથી આપે છે , તે મેળવે છે.
– મેરીઅન .મુર

  
સૌજન્ય : હેમાંગ નાણાવટી

Categories: સુવીચાર
Tagged:

ટેન્ગ્રામ

March 28, 2009 · 1 Comment

 

બેઠેલો માણસ

બેઠેલો માણસ

Categories: ટેન્ગ્રામ
Tagged:

સો વરસના થાઓ

March 28, 2009 · 23 Comments

2008 માં 71 વરસની ઉમ્મરે અવસાન પામેલા,
અમેરીકન કોમેડીયન જ્યોર્જ કાર્લીનના
અંગ્રેજી લખાણ પરથી ભાવાનુવાદ.
 

યાદ છે ને ? એ આશીર્વચન?

‘ शतं जीव शरदः’

કોણે અને શેં આવા આશીર્વાદ બનાવ્યા હશે? કોઈને પણ ઉમ્મર વધે, તે ગમે – એવું બને?

લે! કર વાત. કેવી નાંખી દીધા જેવી વાત ? ના જ ગમે ને? 

અલ્યા! ભાઈ એમ જ હતું. મને, તમને, સૌને – પુરુષો તો શું સ્ત્રીઓને પણ !

માનવામાં નથી આવતું ને?

કહતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના !

લ્યો! ત્યારે સાંભળો .

       જ્યારે તમે નાના હતા – દસ વરસની નીચે ત્યારે ? મોટા થવાની કેવી ઉત્કંઠા હતી તે યાદ છે? યાદ ન હોય તો એ ઉમ્મરની બાળાને એની ઉમ્મર પુછજો. ફટાક જવાબ મળશે, “ હું સાડા ચાર વરસની છું. “ અને ઉમંગથી ઉમેરશે , “ હવે આ … મહીનો આવે ને , ત્યારે પાંચ વરસની થઈશ! “ કેટલો ઉત્સાહ અને તરવરાટ મોટ્ટા થવાનો ?

    અને કીશોરાવસ્થામાં? હવે મહીના નહીં, વરસો કુદી જવાનો ઉમંગ હોય. તેર વરસનો છોકરો શું કહે? “બસ હવે તો હું સોળનો થવાનો.“ મોટર સાયકલ ચલાવતા થઈ જવું હોય છે ને?!

    અને લો ! હવે એકવીસના થઈ ગયા. કહેતાં તો છાતી ફુલીને ફાટી પડે. જવાન જોધ બની ગયા. હા! હવે નવ યૌવના ઉમ્મર કહેતાં શરમાવાની. સ્ત્રીઓ જલદી મોટી થઈ જતી હોય છે!

    અને ત્રીસી વટાવી, ના વટાવી; અને મોટા થયાનો એ ઉમંગ ઓસરી જાય. જીવનની અસલીયત, વાસ્તવીકતાઓ, સંઘર્ષો વાદળોમાં ઉડતા જીવને ધરતી પર પટકી દે.

     ‘ समाजको बदल डालो.’ ના ખયાલો ભોંય ભેગા. એક ગાડી પણ ખરીદી શકવાની ગુંજાઈશ નથી; એનું દુખ છે. ચમચાગીરી કરીને આગળ નીકળી ગયેલો પ્રતીસ્પર્ધી જ સપનામાં દૈત્યની જેમ આવી બીહામણું હાસ્ય કરતો દેખાય છે. અને ‘ वो कागझकी कश्ती , वो बारीशका पानी,” ગણગણતા થઈ ગયા. કોઈ ઉમ્મર પુછે તો બે ત્ર્રણ ઓછા કરીને બોલવાની મોસમ આવી પુગી! બધું દુધ ઢોળાઈ ગયું. જીંદગી ઉતરી ગયેલી, ખાટી કઢી જેવી બની ગઈ છે.

    તમે એકવીસના રમરમાટ બનો છો. ત્રીસી માંડ માંડ વટાવો છો; અને ચાળીસ તરફ તો ગળીયા બળદની જેમ ધકેલાઓ છો.

    બેક લગાવો ભાઈ બ્રેક! જીંદગી તો સરી ચાલી – પુર ઝડપે. એક્સપ્રેસ ગાડીની જેમ, બહુ જ ઝડપથી બીહામણું ઘડપણ ધસમસતું તમને ગ્રસવા દોડી રહ્યું છે. હવે કેમ કરીને નાના રહેવાય, એની જળોજથામાં પડો છો. ચહેરા પરની કરચલી છુપાવવા ક્રીમોનો સહારો શરુ થઈ જાય છે. વાળમાં ક્યાંક સફેદીની ચમક અથવા વીશાળ થઈ રહેલો ભાલ પ્રદેશ અકળાવી દે છે.

    અને લો! પચાસે પહોંચી જ ગયા – નહોતું પહોંચવું તો પણ. બધાં સપનાં ચકનાચુર! જુવાન જોધ છોકરો પહેલી વાર ‘કાકા’ કહે તે જનોઈ વઢ ઘા માંડ માંડ જીરવાયો છે.

    સાઠે પહોંચાશે કે કેમ? આ શ્વાસ તો હવે ભરાઈ જાય છે. તોય બેળે બેળે સાઠે પહોંચ્યા તો ખરા. અને બુધ્ધી? એ તો નાઠે જ ને? હવે કોઈ કાકા કહે છે તે ખરાબ નથી લાગતું. પણ ઓલ્યો તો માળો કાલે દાદા કહેતો ‘તો એ બહુ કઠ્યું ‘તું હોં!

     અને જોતજોતામાં સીત્તેરે પણ પહોંચી ગયા. હવે તો દહાડા પણ માંડ પસાર થાય છે. રોજે રોજની એ વ્યથાઓ. રાત પડે એની આશામાં દીવસ પસાર કરવાનો અને પથારીમાં જાગતાં પડખાં ઘસતાં સવાર ક્યારે પડે તેનો ઈંતજાર ! આ હમણાં જ રવીવાર ગયો. બીજો કેટલો દુર છે?

   અને એંસીએ પહોંચ્યા ત્યારે? દરેક દીવસ એક મોટા યુગ જેવો લાગે છે. અરે રે! હજુ તો સવારના દસ જ વાગ્યા છે. ક્યારે સાંજ પડશે?
પણ .. નેવુંએ પહોંચ્યા પછી? પાછી ઉંધી ગણતરી શરુ. પંચાણું થયા હોય તો પણ? ‘આ હમણાં તો હું બાણુંનો હતો.’

    અને જો સો પર પહોંચ્યા તો? ફરી એ બાળપણ શરુ. “ હવે મને 100 ઉપર છ મહીના થયા હોં! હવે હું 101 નો થઈશ. “ કોઈક જ વીરલા આટલે સુધી પહોંચ્યા છે; તેનો નવિ જાગેલો ઉમંગ ચુંચી આંખોમાંથી ડોકાઈ આવે છે!

    બસ! આજે જે વાત કરવાની છે તે 100 વરસે પહોંચ્યા પછીનો એ ઉમંગ સાઠે લાવવાનો છે !

    ‘ સો વરસના થાઓ’ નો આશીર્વાદ સાચો પુરવાર કરવાનો છે.

    જેટલે છો ત્યાં પણ, બાળક જેવા મોટા થવાના ઓરતા પાછા લાવવાના છે.

    ‘ શું વાત કરો છો? ‘ – મનમાં બોલી ઉઠ્યા ને?

     તો ચાલો જોઈએ ..

સદા જુવાન , સદા બાળક રહેવાના નુસખા

  1.  સાવ વાહીયાત નમ્બરો ગણવાની આ પ્રથાને, ટેવને તીલાંજલી આપો. ઉમ્મર, વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર. સુગર કાઉન્ટ.. એ બધી બાબતો ડોક્ટરો પર છોડી દો. તમારે એ યાદ રાખી રાખીને જીવ બાળવાની કશી જરુર નથી. એ બધુ ગણતા રહેવા તો તમે એમને મહામુલા ફદીયાં આપો છો ને?
  2. માત્ર આનંદી મીત્રો જ રાખો. સોગીયાં ડાચાં વાળાં અને હમ્મેશ રડતાં રહેતાં એ સૌ, તમને પણ એવા બનાવી દેશે.
  3. હમ્મેશ નવું શીખતા રહો – બાળકની જેમ. કોમ્યુટર શીખો, કળા કારીગીરી અને હોબી શીખો. બગાયતી કામ શીખો. જે મન થાય તે શીખો. મગજને નવરું જ ન પડવા દો. નવરું મગજ શેતાનનું કારખાનું છે .અને એ શેતાનનું નામ છે – ‘ અલઝાઈમર ‘
  4. સીધી સાદી ચીજોને ગમાડવા માંડો. નાના નાના આનંદો પેદા કરો. બારી નજીક બેસી હવાની સાથે ઝુલતી ઝાડની પાંદડીઓને જોતાં જોતાં , તમે પણ ઝુલી રહ્યા છો, તેવી કલ્પના કરી રોમાંચીત બની જાઓ.
  5. હસતા જ રહો. ખડખડાટ હસો. શ્વાસ ભરાઈ જાય એટલું હસો. નબળાં પડી રહેલાં ફેફસાં થોડા વધારે વરસ તાકાતવાળા રહી શકશે.
  6. આંસુ તો પડવાના. વ્યથાને ખમી ખાઓ, મોકળા મનથી થોડું રડી લો. અને તરત એ ડુમો ખંખેરી નાંખી આગળ હેંડતા થાઓ. એ ન ભુલો કે આખી જીંદગી એક જ જણ હમ્મેશ તમારી સાથે રહ્યું છે. તમારી જાત . બચાડા એ જીવને ખુશ રાખો!
  7. તમને ગમતી ચીજોથી તમારી જાતને ઘેરી લો. એ તમારાં કુટુમ્બી જનો હોય કે પાલતુ પ્રાણી પણ હોય. મીત્રો કે ગીતોની ટેપ ( સીડી કે આઈપોડ! ) હોય. ફુલ કે શાકભાજીના છોડ હોય કે હોબી. એ બધા તમારો રેન બસેરા છે. તમારી છત્રછાયા છે.
  8. તમારી તબીયત જાળવી રાખો. સારી હોય તો એને ટકાવો. બદલતી રહેતી હોય તો તેને સુધારો. સુધરી શકે તેમ જ ન હોય તો મદદની ચીજો વાપરવામાં નાનમ ન અનુભવો. હાથમાં લાકડી લેવી પડે તો તેને રાજદંડ માની, એને ઉત્સાહથી ગ્રહણ કરો.
  9. દુખ અને હતાશાની માળા ન જપતા રહો. બજાર કે મોલમાં ચાલવા જાઓ. બાજુના નાનકડા ગામની ભાગોળ કે બજારની મુલાકાત લો. ટોળ ટપ્પા માંડો. નાનકડી મુસાફરી કરી લો.
  10. તમને ગમતા લોકોને કહેતા રહો કે, તમે તેમને ચાહો છો. એમને એ જણાવવાની એક પણ તક જતી ન કરો. એ પ્રેમ વ્યાજ સાથે તમને પાછો મળવા માંડશે.

અને… હમ્મેશ એ યાદ રાખો કે,

    તમે કુલ કેટલા શ્વાસ ભર્યા તે આંકડાથી જીવન મપાતું નથી. પણ શ્વાસ અધ્ધર રહી જાય તેવી યાદગાર , ખુશબુદાર ઘડીઓની એ ગણતરી છે.

—————————————————-

જ્યોર્જ કાર્લીન વીશે જાણવા અહીં ‘ક્લીક’ કરો

Categories: અનુવાદ · નીબંધ · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

March 27, 2009 · Leave a Comment

હું પ્રયત્ન કરીશ એ જુઠું બોલવા બરાબર છે.
તમે કાં તો કામ કરો છો
અથવા
નથી કરતા.

જીવનમાં તમને કાં તો પરીણામ મળશે
અથવા
તમે કામ નહીં કરવાના બહાનાં કાઢશો.

જ્યારે કોઈ માણસ એમ કહે કે, તે પ્રયત્ન કરશે
ત્યારે તેનો અર્થ સામાન્ય રીતે એમ જ થાય છે કે,
તે હમણાં કામ કરવાનો નથી.

સૌજન્ય : હેમાંગ નાણાવટી

Categories: સુવીચાર
Tagged: