Entries from April 2009
ડાય દીકરી –શરીફા વીજળીવાળા
April 30, 2009 · Leave a Comment
એક હતો ભામણ. એને એક જ દીકરો. મા વગર્યનો દીકરો રખડતો રવડતો મોટો થ્યો’તો. ભામણ બસારો દી’ આખો જજમાનુંમાં ધોડ્યે રાખે ને ઠેઠ્ય રાત્ય પડ્યે ઠાક્યો પાક્યો ઘર્યે આવે. એમાં દીકરામાં અક્કલનો સાંટો જરાક ઓસો રય ગ્યો’તો. ભામણને થ્યું કે દીકરામાં તો કાંય રામ નથી; અટલે હવે વઉ અક્કલવાળી ને કોઠાડાય ગોતવી જોશે. ઈ તો ભાય, ખંભે ખડીયો નાખીને ગામેગામ મંડ્યો ભટકવા. પણ ક્યાંય આંખ ઠરે અને મન માને એવી સોકરી નો જડી.
એમાં એક ગામને પાદર્ય ભામણ પોરો ખાવા બેઠો. ન્યાં કણે બાર–તેર વરહની સોકરીયું ઘોલકાં કરીને ઘર–ઘર રમતી’તી. એમાંથી એક સોડીએ જોરથી બાકીની બધ્યુંને કીધું, ‘એ ભાય, હું કોઈનું ઘર નથી બગાડતી, કોયે મારું ઘર નો બગાડવું.’ ભામણ હાંભળીને મલકાણો. ઉભો થઈને પાંહે ગ્યો. ‘એ બેનુ, દીકરીયું, મને જરાક ભામણનું ખોયડું દેખાડશો? આઘેથી હાલ્યો આવું સું ને થાક્યો સું ઠીકાઠીકનો…’ ઓલી રુપકડી ને વટકબોલી સોકરી ઉભી થયને કયે, ‘હાલો બાપા, મારા ઘર્યે. અમે ભામણ જ સીયે.’ હવે ભાય, પેલાના જમાનામાં તો સોકરીયુંને નાનેથી પૈણાવી દેતા. અટલે સોકરીયું બાર–તેર વરહની થાય ન્યાં હંધી વાતે હુંશીયાર થય જાય.
સોકરી તો ભામણને ઘર્યે લય ગઈ ને ખાટલો ઢાળીને ફળીયામાં બેહાડ્યો. પશી ઘરમાં જઈને કળશ્યો ભરીને ટાઢું પાણી લય આવી. ભામણે, આમતેમ નજર કરતાં પુશી લીધું, ‘ગગી, તારાં માવતર ક્યાં, બટા ?’ સોકરી કયે, ‘ઈ તો હામેના ગામે ખળાં માંગવા ગ્યાંસે.’ ‘ઠીક, તંયે. કંઈ પાસાં આવશે ?’ સોકરી તો આભલાં હામે નજર નાખીને કયે, ‘આવશે તો નય આવે ને નય આવે તો આવશે.’
ભામણ વીસારમાં પડયો. માળી સોકરી સેને કાંય… મનેય ગોટે સડાવ્યો.. હવે મનમાં મુંઝાય મરવું, ઈ કરતાં પુશી લેવું હારું. ભામણે તો પુશી લીધું, ‘અટલે, બટા ?’ ‘ઈ તો બાપા, જો મેઘરાજો – મારો વા’લો, આવશેને તો નાળામાં પાણી આવશે, તો મારાં માવતર હામે કાંઠે રોકાય જાહે. ને નય આવે તો આવશે.’
ભામણ તો ભાય, રાજીના રેડ થય ગ્યો. એણ્યે તો પોટલીમાંથી મુઠી સોખા કાઢ્યા ને સોકરીને દીધા. ‘લે ગગી, આ સોખા સડવા મેલ્ય. ખાશું ન્યાં તારાં માતર આવી જાહે.’ સોકરીએ તો ભાય, સોખા લીધા. ઘર્યમાં જયને જ્યાં જોયું તો ચોખા તો હતા આરસપાણાના. સોકરી હમજી ગય. એણ્યે તો એની રમત્યના લોઢાના સણ્યામાંથી મુઠો ભર્યો. બારી નીહરીને ભામણના ખોળામાં દીધા. ‘લ્યો બાપા, આટલ્યા સણ્યા સાવો ને ન્યાં સોખા સડી જાહે…’ ભામણ લોઢાના સણ્યા ભાળીને હમજી ગ્યો કે ગગી સે માથાની. મારે જેવી વઉ જોતી’તી એવી જ સે આ. હવે તો રુપીયો ને નાળીયેર દઈને જ જાશ. ને એણ્યે તો ભાય, ખાટલા માથે ફાળીયું પાથરીને નીરાંતે મંડ્યું ઘોરવા.
(જુન–2006ના ‘નવનીત સમર્પણ’ના અંકના પાન 102 ઉપરથી સાભાર…)
————————————
આ વારતા ‘બાની વાતું’માં ગ્રંથસ્થ થઈ છે. ‘બાની વાતું’ - સંવર્ધીત ત્રીજી આવૃત્તી–૨૦૦૬; પાન – ૭૯; કીંમત – રુપીયા પચાસ,પ્રકાશક – ઈમેજ પબ્લીકેશનઃ info@imagepublications.com
સૌજન્ય - ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ચોથું – અંકઃ 162 –March 29, 2009 : અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જરuttamgajjar@hotmail.com
Categories: વાર્તા · શરીફા વીજળીવાળા
Tagged: story
આજનો સુવીચાર
April 29, 2009 · 1 Comment
મને વરસાદમાં
ચાલવું ગમે છે;
જેથી
કોઈ મારાં આંસુ
જોઈ ન શકે.
– ચાર્લી ચેપ્લીન
સાભાર– શ્રી. વિજય પ્રકાશ જાની
રમુજની પાછળ કેવી કરુણતા હોઈ શકે છે? આ લખતાં ‘ મેરા નામ જોકર ‘ યાદ આવી ગયું.
જ્યાં છો ત્યાં બરાબર છો – એક સત્યકથા
April 28, 2009 · 18 Comments
અમદાવાદની એક પોળની સાંકડી ગલીની વચ્ચે આવેલા નાનકડા મકાનની સાવ સાંકડી સીડી હું બેળે બેળે ચઢી રહ્યો છું. મારી પાછળ મારી પત્ની પણ એ સીડી ચઢી રહી છે. મારું માથું બીજા માળની ફર્શની લગોલગ આવે છે, અને દીનકર કાકા પલંગ ઉપર બેઠેલા દેખાય છે. એમની અને મારી નજર તરત જ મળે છે.
કાકા પુછે છે, “ કેમ ભાઈ ? મજામાં ને?”
હું જવાબ આપું છું, “હા! કાકા.”
અને કાકા પટાક રહીને બોલી ઉઠે છે,” તમે જ્યાં છો ત્યાં બરાબર છો.”
મને આંખે લગભગ અંધારા આવી જાય છે. હું માંડ માંડ મારી જાતને સીડી પરથી પડી જતી બચાવું છું. ‘અરે! હું જે સવાલ પુછવા આવ્યો હતો, તે તો હજી મેં પુછ્યો જ નથી; અને કાકાએ જવાબ પણ આપી દીધો!’
હવે જાણે વાત એમ છે કે, એ વખતે મને એક અર્ધ-સરકારી કમ્પનીમાં જનરલ મેનેજરની જગ્યા પર નીમણુંક મળે, તેવી શક્યતા ઉભી થઈ હતી. હું એ વખતે તેનાથી એક પગલું નીચે, સીનીયર મેનેજરના પદ ઉપર હતો. આથી મને બહુ સરસ અને ઘણી મોટી જવાબદારીનું કામ કરવાની તક મળવાની હતી. મારે એક જ દીવસમાં ‘હા’ કે ‘ના’ નો જવાબ આપવાનો હતો. અલબત્ત આર્થીક રીતે તો મને ઘણું જ નુકશાન થાય તેમ હતું. પણ આ તક જતી કરવા મારું મન માનતું ન હતું.
મારી પત્ની મારા કરતાં વધારે વ્યવહારકુશળ, એટલે એને તો આ તક નહીં પણ છળ લાગતું હતું! દીનકરકાકાના ભવીષ્ય કથન ઉપર મારા કુટુમ્બના બધાંને બહુ જ વીશ્વાસ, એટલે ઘણી ચર્ચા બાદ તેણે મને એક જ વાત કહી. “ જો દીનકરકાકા હા પાડે તો મારી પણ હા.” કાકામાં મને પણ બહુ જ વીશ્વાસ, એટલે મેં એની વાત મંજુર રાખી. ઉપર જણાવ્યું છે તેમ, અમે બન્ને કાકાને ઘેર પહોંચી ગયા.
કાકાની મેડી પર અમે ખુરશી પર બીરાજ્યા અને આખી પરીસ્થીતી કાકાને સમજાવી. સાથે મારા જન્માક્ષર પણ આપ્યા. હવે કાકાએ ગણીત શરુ કર્યુ. પંચાગ તો બાજુમાં જ પડ્યું હતું. લગભગ અડધો કલાક સાવ ચુપકીદી છવાઈ ગઈ.
છેવટે કાકાએ મોં ખોલ્યું, “ મેં તમને જે વાત કહી, તે બરાબર કહી છે. તમે આ નોકરી લેશો તો બહુ તકલીફમાં મુકાઈ જશો. જ્યાં છો ત્યાં જ પગારમાં ઘણો મોટો ફાયદો તમને બે જ મહીનામાં થવાનો છે. જો આ નવી નોકરીમાં જોડાશો તો બહુ મોટું આર્થીક નુકશાન તો તમને થશે જ; પણ એનાથી ઘણી વધારે ખરાબ બાબત એ છે કે, ત્યાં તમે બહુ મોટા રાજકારણમાં સંડોવાઈ જશો અને તમારી ઉંઘ હરામ થઈ જશે.”
\ અમે કાકાને નમસ્કાર કરી, ઘેર પાછા આવ્યા. બીજા દીવસે મેં ‘ના’ નો જવાબ આપી દીધો. અને મારા આશ્ચર્ય વચ્ચે બરાબર બે મહીના બાદ અમારા ઓફીસર યુનીયનની માંગણીનો કમ્પનીની મેનેજમેન્ટે આંશીક સ્વીકાર કરી લીધો અને મારા પગારમાં 40 % જેટલો વધારો મળી ગયો. પાછલી તારીખથી વધારો મળવાના કારણે મને 47,000 રુ. જેટલી રકમનો ચેક પણ મળી ગયો. ( એ જમાનામાં આ બહુ જ માતબર રકમ ગણાતી હતી.)
એટલું જ નહીં ; છ મહીના બાદ મને જે સ્થાન મળવાનું હતું, તેના પર જે સજ્જન નીમાયા હતા, તેમને કશાક કામ અંગે મારે મળવાનું થયું. થોડીક જ વાતચીત બાદ મને ખ્યાલ આવી ગયો કે, એમની પાસે કોઈ સત્તા તો ન જ હતી; પણ કામ કરવામાંય અસંખ્ય વીઘ્નોથી એ ઘેરાયેલા હતા. સરકારી ખાતામાંથી ડેપ્યુટેશન પર એમની નીમણુંક થઈ હતી. બીજા સ્રોતો મારફત માહીતી પણ મળી કે, ડેપ્યુટેશન ભથ્થું જતું કરીને પણ, પોતાના મુળ સ્થાન પર પાછા જતા રહેવા, એ આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.
મને મારી પત્નીની કોઠાસુઝ અને કાકાની આર્ષદૃષ્ટી માટે માન થઈ આવ્યું.
આમ તો મને જ્યોતીષ શાસ્ત્રમાં શ્રધ્ધા નથી. પણ કાકા પાસેથી મળેલા સચોટ માર્ગદર્શનનો આ ત્રીજો અનુભવ હતો. એમાંના બીજા એક કીસ્સા વખતે કે, જ્યારે હું અનેક આપત્તીઓમાં ઘેરાયેલો હતો; મારે રહેવાના સ્થળના પણ ફાંફાં હતા; ત્યારે તેમણે ભવીષ્ય કથન કર્યું હતું કે , “તમે કદી પોતાના મકાનમાં નહીં રહો; હમ્મેશ આલીશાન મકાનમાં જ રહેશો; અનેક વાર પરદેશ ગમન કરશો; અને લાંબા કાળ માટે પરદેશ પણ રહેશો.” આ બધી બાબતો સાવ સાચી નીવડી ચુકી છે.
બીજી ઘણી વખતે, અમે ગરજ અને સંજોગના કારણે, વ્યવસાયીક રીતે મોટા નામ ગણાય તેવા મહાન શાસ્ત્રીઓ પાસે, મોટી રકમ ગુમાવીને સાવ ખોટાં અને ભ્રામક ગપગોળામાં ફસાઈ ચુક્યા છીએ.
પણ કાકાની આ શક્તીની પાછળ કેવળ જ્યોતીષશાસ્ત્રનું જ્ઞાન જ ન હતું . તેમની આંતરીક પ્રજ્ઞા બહુ ઉચ્ચ કક્ષાએ વીકાસ પામેલી હતી.
સીડી ચઢતાંની સાથે જ ‘તમે જ્યાં છો, ત્યાં બરાબર છો.’ એ વાક્ય હજુ પણ ઘણી વખત યાદ આવી જાય છે.
Categories: સત્યકથા · સુરેશ જાની
Tagged: True Story
આજનો સુવીચાર
April 27, 2009 · 1 Comment
તમે જ્યાં સુધી
કોઈના પ્રેમમાં ન પડો,
ત્યાં સુધી
તે વ્યક્તી પુર્ણ નથી હોતી.
આજનો સુવીચાર
April 26, 2009 · 1 Comment
તમે જેને પણ મળો
તેનું તમે નીર્મળ સ્મીતથી
અભીવાદન જરુર કરી શકો.
ટાઈમ મેનેજમેન્ટ – ચીરાગ પટેલ
April 26, 2009 · 1 Comment
વ્હાલા સુરેશદાદાએ મને લગભગ મહીના પહેલાં ટાઈમ મેનેજમેન્ટ પર મારી ટીપ્પણી લખવાનું આમન્ત્રણ આપ્યું હતું. અને લો, આ લખવા માટે જ મારે ટાઈમ મેનેજ કરવાનો ટાઈમ આવી ગયો!
આપણને નાનપણથી જ શાળામાં કે ઘરે સમયનું વ્યવસ્થીત આયોજન કરવાની શીખ મળતી હોય છે. આપણે ના શીખીએ એ જુદી વાત છે! મમ્મીઓનું કામ ઘડીયાળના કાંટે ચાલતું હોય છે, ખાસ કરીને સવારમાં ઘડીયાળની ટીક-ટીક સાથે મમ્મીનું ટક-ટક પણ સામ્ભળવા મળે. જો મમ્મીના આયોજન મુજબ ના ચાલીએ તો! દરેક મમ્મીઓને સાચે જ ”બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ” નું સન્માનપત્ર મળવું જોઈએ. શાળામાં દરેક વર્ગ તાસ પ્રમાણે ચાલે, ઘરકામ-પરીક્ષાઓ વગેરેમાં પણ સમયનું ચુસ્ત પાલન થતું હોય, એટલે સમયની શીસ્ત જાળવતાં આપણે શીખી જ જઈએ છીએ. તકલીફ શરુ થાય છે – કૉલેજમાં ગુલ્લીઓ મારવાથી, અને થોડા સ્વચ્છન્દી બનવાથી. બન્ક મારવાની એ મજા ચુકવા જેવી નથી! જો જો પાછા, પ્રેમીકાને આપેલો સમય ચુકતા નહીં હોં! વ્યવસાયમાં પડ્યા બાદ અને ગૃહસ્થાશ્રમ શરુ થયા બાદ કામની યાદી મોટી બનતી જાય છે; અને શરુ થાય છે સમયની મગજમારી.
હું જો કે એવો કાંઈ નીષ્ણાત નથી, પરન્તુ મારા કામમાંથી જ મને સમયપાલનના અમુક સીધ્ધાન્તો મળી આવ્યાં છે. એનુ પાલન કરવાથી કોઈ ગરબડ ઉભી થાય તો મને જુતાં નહીં પણ ઈ-મેઈલ મારજો [ chipmap@hotmail.com પર ] જુતાં દાદા જેવા મહાનુભાવોને મારવા માટે બચાવી રાખજો!
1) તમારા કામની યાદી બનાવો અને એ દરેકને અમુક સન્જ્ઞા આપી દો. જેમ કે, રોજીન્દુ, અઠવાડીક, ક્યારેક, કર્યા વગર ના ચાલે, ઈચ્છનીય, બરફી પરના વરખ જેવું, વગેરે. દરેક કામને એક કરતાં વધુ સન્જ્ઞા પણ આપી શકાય.
2) દરેક કામ માટેનો અન્દાજીત સમય નક્કી કરીને લખો. તમારા પરીવાર અને પોતાના માટે પણ સમયની ફાળવણી કરજો પાછા. નહીંતર આ યાદી પત્નીની રોટલી ભેગી શેકાઈ જશે.
3) હવે ગણતરી કરીને જે તે કામ ક્યારે કરી શકાય એ માટેની અઠવાડીક ફાળવણી કરો. દર અઠવાડીયે આ યાદીને મઠારતા રહો. આ બધાં માટે સ્પ્રેડશીટ જેવી ઍપ્લીકેશન સારી પડે એવો મારો અનુભવ છે.
4) તમારી યાદીને લગભગ વળગી રહો અને એ પ્રમાણે કામ કરતા રહો.
5) ક્યારેક જો કોઈ વધુ અગત્યનું કામ આવી જાય તો એ પહેલું કરો અને યાદી મુજબના કામને બીજા કોઈ સમયે ગોઠવી દો. (સોફા પર અડધો કલાક આડા પડવાની પ્રવૃત્તીને અગત્યનું કામ ના ગણતા. હા! 60થી વધારે ઉમ્મરે એને અગ્રીમતા મળે એ જુદી વાત છે!)
6) રાત્રે પથારીમાં પડતાં પહેલાં જાતને પુછો ”તબક?” (તમે બનતુ કર્યું?). જો જવાબ “અબક” (અમે બનતુ કર્યું) હોય તો ગોદડી ઓઢીને ઉન્ઘી જાઓ. આ સીધ્ધાન્ત વર્ષો પહેલાં બહેરામજી બાવા દસ્તુરના એક લેખમાં (સન્દેશ અખબારમાં) વાંચ્યો હતો.
આ તો છે મારા સીધ્ધાન્તો. મારી સાથે આ બાબતે ચર્ચા કરશો તો મને પણ નવું શીખવા મળશે.
————————————————
મારો બેટો ચીરાગ ! મનેય બે વાત શીખવી ગયો હોં !!
- તંત્રી દાદા
Categories: ચીરાગ પટેલ · મેનેજમેન્ટ
Tagged: management

