ગદ્યસુર

Entries from May 2009

સુખની શોધ, Pursuit of happiness

May 30, 2009 · 10 Comments

   ઝાંઝવાનાં જળ, મુષક દોડ, આપણી પાસે જે કાંઈ હોય, તેનાથી કાંઈક વીશેષ પ્રાપ્ત કરવાની આશા.  તે વાંચીત ફળ પ્રાપ્ત થાય તો પણ, કદી ન ખુટે તેવી તરસ. સુખની સતત શોધ. અપેક્ષાથી હમ્મેશ ઉણી ઉતરતી ઉપલબ્ધી. ઢગલાબંધ લેખો, વાર્તાઓ, કવીતાઓ, નાટકો…

  એમાં આ એક કથાનો વધારો કરી રહ્યો છું?

  ના, છેક એમ તો નથી. આ એવી એક જીવનકથાની ટુંકી રજુઆત છે, જે આનાથી સાવ વીપરીત છે. જ્યારે તમારી પાસે કશું જ  ન હોય; તમે સાવ ખાલીખમ કડકાબાલુસ હો; જ્યારે તમારી જીવનસંગીની તમારા મુફલીસ જીવનથી વાજ આવી જઈ, તમને છોડી ગઈ હોય; જ્યારે તમારા એકના એક વ્હાલસોયા પુત્રની સુખાકારી કાજે તમારે દોડતા રહ્યા સીવાય કોઈ આરો જ ન હોય; જ્યારે થાકવું પણ પાલવે તેમ ન હોય: ત્યારે જે અવસ્થા પેદા થાય એને આપણે શું કહીશું?

   કરમની બલીહારી? જેવાં જેનાં નસીબ? પુર્વજન્મનાં પાપનું ફળ?

   પણ આ કથા એક એવા જણની છે – જેણે પોતાના જીવનની આવી મુષક્દોડ પાર કરી હતી; અને વીજયી બન્યો હતો. આ કોઈ કપોલકલ્પીત કથા નથી – એ તો એક સત્ય અને પ્રેરક કથા છે.

    લો ત્યારે, અત્યંત ટુંકાણમાં.. 

 

ક્રીસ ગાર્ડનર

ક્રીસ ગાર્ડનર

      ક્રીસ ગાર્ડનર આર્થીક રીતે સાવ નીચલા વર્ગનો, પણ ભાવનાશીલ અને ઉચ્ચ નૈતીક મુલ્યો ધરાવતો કાળો અમેરીકન છે. તેની પત્નીની આવકથી ઘર ચાલે છે. એનો ચાર વર્ષનો પુત્ર એને બહુ જ વ્હાલો છે. કુટુમ્બને વધારે સારી આર્થીક સ્થીતી પર લઈ જવાની તેની કોઈ કારગત બર આવતી નથી. બધેથી સરીયામ નીષ્ફળતા જ નીષ્ફળતા તેની પત્ની તેની આ કરમ કઠણાઈથી વાજ આવી, બન્નેને છોડી જતી રહે છે. એની રહી સહી બચત પણ દેવામાં ખતમ થઈ જાય છે. ભાડાના ઘરમાંથી મોટલના રુમમાં અને ત્યાંથી છેવટે રેન બસેરામાં તેને આશરો લેવો પડે છે. આ બધી વ્યથાઓની લગોલગ, છ મહીના, વીના પગારે, તાલીમાર્થી તરીકે તે એક ફાઈનાન્સ ક્મ્પનીમાં તનતોડ મહેનત કરતો રહે છે. આપણને એમ જ લાગે કે, તે છેવટે તુટી જ જવાનો છે.

 

    પણ છેવટે નસીબ તેને યારી આપે છે અથવા તેના અથાક પરીશ્રઁમનું તેને ફળ મળે છે. તાલીમના અંતે લેવાયેલ પરીક્ષામાં તે પ્રથમ નમ્બરે ઉત્તીર્ણ થાય છે, તેની જીવનયાત્રા ઉજળી કોર તરફ ગતી કરતી થાય છે. અમુક વર્ષો બાદ તે કરોડપતી બને છે; અને પોતાની સફળ જીવનકથનીનો સંદેશ અનેકોને આપી પ્રેરતો રહે છે.     

   આ જીવનકથા વર્ણવતી ફીલ્મ – ‘ Pursuit of Happiness’ -   જોયા બાદ જે મનોભાવો પ્રગટ્યા; તે અવર્ણનીય છે.  

આ ફીલ્મની વીડીયો ક્લીપ જોવા અહીં ક્લીક કરો.

‘ક્રીસ ગાર્ડનર’ ની જીવનગાથા વાંચવા અહીં ક્લીક કરો.    

     ગમે તે કહો, બધે જ, મોટા ભાગની પ્રજાની આ જ નીયતી હોય છે ને? એનાથી હારેલા, કચડાયેલા, દઝાયેલા, દુણાયેલા, ઉપેક્ષીત લોકોથી જ તો નીચલો સમાજ બને છે ને? એમાંથી જ તો સમાજનાં ઘણાં બધાં દુષણો ઉદભવે છે ને?

    એને સુફીયાણી ભાષામાં ઝાંઝવાનાં જળ અથવા મુષકદોડ કહીને બાજુએ મુકી દઈશું? ચોપડીનું પાનું ફેરવતા હોઈએ તેમ આપણા ક્ષુલ્લક પ્રશ્નો, આનંદો, વંચનાઓ, નીર્બળતાઓ તરફ પારોઠનાં પગલાં ભરીશું?

Categories: સત્યકથા · સુરેશ જાની
Tagged:

ફાર્મ હાઉસ, ભાગ -1 : એક સ્વાનુભવ

May 27, 2009 · 6 Comments

    એક બાજુ સાવ નાનકડી લેમ્પ્રી નદી છે. બીજી બાજુએ નકામા થઈ ગયેલા, જુના રેલરોડને હટાવી બનાવેલો કાચો રસ્તો છે. અને ત્રીજી બાજુએ રેમન્ડ ગામનો એક સ્થાનીક રસ્તો છે. આ ત્રણ સીમાઓની વચ્ચે રાજેન્દ્રનું અગીયાર એકરનું વીશાળ ફાર્મ હાઉસ આવેલું છે. અમે અહીં દીવસનો એક ટુકડો ગાળવા આવ્યા છીએ.

  

રાજેન્દ્ર ત્રીવેદીનું ફાર્મ હાઉસ, રેમન્ડ, ન્યુ હેમશાયર

રાજેન્દ્ર ત્રીવેદીનું ફાર્મ હાઉસ, રેમન્ડ, ન્યુ હેમશાયર

ગામના રસ્તામાંથી  અંદર પ્રવેશતાં બે માળનું,  બધી સગવડોથી સુસજ્જ, ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ તો નામનું જ. શહેરમાં હોય તેવી બધી સગવડો અહીં હાજર છે. જાણે કોઈ હમ્મેશ અહીં  રહેતું ન હોય? નીચલા માળે બે દીવાનખંડ, રસોડું અને એક વધારાનો ઓરડો છે. ઉપરના માળે બે બેડરુમ અને એક મોટો હોલ છે. રસોડાનું એક બારણું બહાર એક ખુલ્લી અગાશીમાં ખુલે છે, જેમાંથી બે નાનકડી સીડી વડે ઉતરી ગેરેજ તરફ જઈ શકાય છે.

 

     ગેરેજ આ ઘરથી થોડેક દુર છે. ગેરેજ તો કહેવાનું જ. જાતજાતની સામગ્રીઓ અને સાધનો એમાં ભરેલા છે. પણ ચાર કનો ( બે જણ બેસી શકે તેવી હોડી) પર તરત જ  કોઈનું પણ ધ્યાન ખેંચાય છે.  ગેરેજના પ્રવેશદ્વારની એક બાજુએ એક મોટું ટ્રેલર અને એક નાનું ટ્રેલર પડેલાં છે. ઘર અને ગેરેજની વચ્ચે બે ક્વાર્ટ પડેલાં છે – ચાર પૈડાં વાળી, મોટર સાઈકલ. રાજેન્દ્રના  દીકરા ધવલ અને તેની વાગ્દત્તા ‘જોડી’ એમની ટ્રકમાં ચઢાવી એ ક્વાર્ટ લાવીને, અમારી પહેલાં, ક્યારનાંય આવી ગયેલાં છે. નમણી અને નાજુક જોડી કોલસાની સગડીના આધુનીક અવતાર જેવી, ગોળમટોળ ગ્રીલમાં મકાઈ શેકવાની તજવીજમાં મશગુલ છે. ધવલ આઉટડોર જેકુઝીને કાર્યરત કરવાની લમણાંઝીક કરી રહ્યો છે.

    આ ઉપરાંત બીજા બે નાનકડા, એક ઓરડાના મકાનો કાટમાળથી ભરેલા છે. કદાચ એક જમાનામાં એ આઉટહાઉસ તરીકે અથવા ખેતરનો સામાન ભરવા વપરાતા હશે.          

    પણ ક્યાં કોઈ ખેતર કશેય દેખાય છે? અહીં કાંઈ ઉગાડવામાં આવતું હોય; તેવાં કોઈ ચીહ્ન દૃષ્ટીગોચર થતાં   નથી. બે પ્લોટમાંથી જંગલી ઝાડ કાપી નાંખી ખુલ્લાશ કરવામાં આવેલી છે. અને એ ખુલ્લાશ પણ કેવી? સાવ ઉબડખાબડ. એક પ્લોટમા ઢોળાવોવાળી હરીયાળી છવાયેલી છે; જ્યારે બીજામાં માટી વાપરી બનાવટી ઢોળાવ બનાવેલો છે – તરવરતા તોખારની જેમ હણહણતા રાજેન્દ્રના ત્રણ જવાંમર્દ,  સુપુત્રો અને તેમના મીત્રોને મોટરસાઈકલની દીલધડક સફર કરવા માટે. અલ્યા ભાઈ! એ તોખાર એટલે રાજેન્દ્ર સમજી ન લેતા. એ તો ભાષાના અધુરા જ્ઞાનને કારણે ખોટી રીતે મુકાયેલ વીશેષણનો પ્રતાપ છે!

     પણ એ કહેવાતા ફાર્મ હાઉસનો અત્યંત મોટો ભાગ તો ઉંચા, જંગલી વૃક્ષોથી ભરચક ભરેલો છે. મકાન અને ખુલ્લા પ્લોટોને સાંકળતો, એક ક્વાર્ટ જ હંકારી શકાય તેવો, વાંકો ચુકો, કાચો રસ્તો આ જંગલને ચીરી, લપાતો છુપાતો, રમતીયાળ બાળકની જેમ ઘુમરીઓ ખાતો ખાતો, આ એસ્ટેટના એક છેડેથી બીજે છેડે સફર કરે છે – કરાવે છે. એ રસ્તાને ઢબુરીને, મે મહીનાની હુંફાળી ગરમીથી શેકાયેલાં, તોતીંગ વૃક્ષો લીલીછમ્મ હરીયાળીથી છવાયેલાં છે.

   થોડોઘણો નાસ્તો કરી, ગપસપ કરતાં, અમે અગાશીમાં હુંફાળા અને ગુલાબી ઠંડીની મજા માણતા બેઠા છીએ. રાજેન્દ્રનો એક મીત્ર છેક હોનોલુલુ હવાઈથી આવેલો છે. એની હરેકૃષ્ણ ભક્તી છાની નથી રહેતી. એની સાથે વાત કરતાં એની નમ્રતા, ભારતીય પ્રણાલીઓ અને વીચાધારાનું જ્ઞાન કોઈ જાતના ભાર વીના ઉઘડતું જાય છે. બોસ્ટનની એક ગ્રીક રેસ્ટોરન્ટના માલીકની પોલીશ ( મુળ પોલેન્ડની)  પત્ની રાજેન્દ્રની પત્ની ગીતાને ઈડલી બનાવવામાં મદદ  કરી રહી છે. બીજું એક અમેરીકન કુટુમ્બ પણ તરત મારું ધ્યાન ખેંચે છે. એમનું દોઢેક વરસનું ભટુરીયું દીવાનખંડમાં નીદર માણી રહ્યું છે. એમનાં બીજાં બે બાળકો વીણી લાવેલાં ઝાડની છાલને પ્લેનની ઉપમા આપી કીલ્લોલ કરી રહ્યા છે. ત્યાં જ જોડી અને તેની બહેનપણી શેકેલા અને માખણ ચોપડેલા, ગરમાગરમ મકાઈ લઈને આવી પહોંચે છે. એની અદભુત મીઠાશ વાગોળવામાં બધા પરોવાય છે. અમે ત્રણ અમદાવાદીઓ લીંબુનો રસ, મીઠું, મરી અને મરચાંનો ભુકો લગાવી આ મીઠાશને ચટપટીલા સ્વાદનો લેપ લગાવીએ છીએ.    

 

ક્વાર્ટ પર ધવલ

ક્વાર્ટ પર ધવલ

    અને ત્યાં ધવલના બે મીત્રો આવી પહોંચે છે. એ પોતપોતાના ક્વાર્ટ લઈને આવેલા છે. આ સૌને નાસ્તા કે ગપસપમાં રસ નથી. ચાર ચાર ક્વાર્ટોનો ધમધમાટ શરુ થઈ જાય છે. બધા હડીઓ કાઢતા જંગલમાં ખોવાઈ જાય છે અને પુરઝડપે, ઓલ્યા માટીના ઢોળાવોને ધમરોળવા માંડે છે. કદીક ઘાસના હરીયાળા ઢોળાવો પર પુર ઝડપે આવીને ક્વાર્ટને છલાંગ મરાવી, સરકસમાં જોયેલા મોતના કુદકાની યાદ તાજી કરાવી જાય છે.

      આ જવાનીયાઓને જોઈ મારી ગધાપચીસીના સંસ્મરણોમાં હું ખોવાઈ જાઉં છું. એ દીવાસ્વપ્નમાંથી જાગૃત થતાં ચપટીક પોરો ખાવા આવેલા ધવલને મારી બડાશો સંભળાવું છું. સાડા ત્રણ હોર્સપાવરની ‘રોયલ એન્ફીલ્ડ બુલેટ’  મોટર સાયકલ પર અમદાવાદના માનવમેદનીથી છલકાતા રસ્તાઓ પરની એ સફરનાં વર્ણનો સંભળાવી, બેળે બેળે હું એના ક્વાર્ટ ઉપર હાથ અજમાવી જોવાની પરવાનગી આપવા, હું એને પટાવી લઉં છું.  એ મને બે જ મીનીટમાં ક્વાર્ટ ચાલન કળા શીખવી દે છે.

   અને મારી છાસઠ વરહની કાયાને હું એ નવતર અને કદરુપા વાહન પર માંડ માંડ ચઢાવું છું. બે ત્રણ પ્રયત્ને એની ધમધમાટી ચાલુ થઈ જાય છે. ક્લચ છોડતાં ધમાકા સાથે ક્વાર્ટ ઉછળે છે. થોડેક આગળ જઈ એક ઢોળાવ પર એ ચઢી જાય છે; પણ હું એને વાળી શકતો નથી (સ્ટીયર). બાપજન્મારે કદી ત્રણ પૈડાંની રીક્ષા ચલાવી હોય તો ને? ગભરાટમાં હું મશીન બંધ કરી દઉં છું; અને એક અકસ્માત થતો રોકાઈ જાય છે!

  પણ ખરી મુસીબત તો સીટ પરથી ઉતરવામાં થાય છે.  બુલેટ પરથી ટપાક લઈને ઉતરી શકવાની પચીસીની એ આવડત હવે ક્યાં? ક્યાંક ઢીંચણ ચીસ પાડે છે; તો ક્યાંક થાપા દુખમાં બરાડી ઉઠે છે. વળી ‘પેન્ટ વચ્ચેથી ચીરાઈ તો નહીં જાયને? ‘ એની ચીંતા મનને કોરી ખાય છે! જાતે વહોરેલી આ કેદમાંથી હું માંડ માંડ મુક્ત થાઉં છું; અને કદી ક્વાર્ટ ન ચલાવવાની ‘તીસરી કસમ’ જાહેર કરું છું. રાજેન્દ્ર મારી હરકત અને વ્યથા જોઈ મુછમાં મલકાય છે. 

     હવે જમવાનો સમય થઈ ગયો છે. ગ્રીક, અમેરીકન અને  ભારતીય વાનગીઓના શંભુમેળાને   પેટમાં પધરાવી, હું તો બધાંની નજર ચુકાવી, વામકુક્ષી માટે બીજા માળના બેડરુમ તરફ પ્રયાણ કરું છું.

…..  સફરનો દીલ ધડકાવી દે તેવો બીજો ભાગ આવતા અંકે  … 

Categories: સુરેશ જાની · સ્વાનુભવ
Tagged:

બીન ગુજરાતીને ગુજરાતી – એક સત્યકથા

May 22, 2009 · 25 Comments

    અમેરીકાની બ્રેટલબરો યુનીવર્સીટીના એ ક્લાસરુમમાં તંગદીલીભરી ચુપકીદી છવાયેલી હતી. એકત્રીસ વીદ્યાર્થીઓ આતુરતાથી નવા પ્રોફેસરની રાહ જોઈ રહ્યા હતા. દસ અમેરીકન, બે ઈટાલીયન, પાંચ ફ્રેન્ચ, બે રશીયન, ત્રણ જર્મન, ચાર મેક્સીકન, બે ચાઈનીઝ, બે જાપાનીઝ અને એક વીયેટનામી એમ કુલ એકત્રીસ જણ પાટલીઓ પર બેઠેલા હતા.

      અને ત્યાં પીટરે બારણામાંથી ઓરડામાં પ્રવેશ કર્યો. એની સાથે ખાદીનો જભ્ભો અને પાયજામો પહેરેલા કનુભાઈ પણ પ્રવેશ્યા. બધા વીદ્યાર્થીઓએ ઉભા થઈને બન્નેનું અભીવાદન કર્યું. પીટરે એ સ્વાગતનો સ્મીત ભરેલા ચહેરે  સ્વીકાર કર્યો; અને બધાંને બેસી જવા સુચના આપી.

   હવે પીટરે બોલવાનું શરુ કર્યું. “વ્હાલા વીદ્યાર્થીઓ! તમે બધા શીક્ષણશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છો. શીક્ષણના પાયાના સીધ્ધાન્તો તેમ જ આધુનીક વીચાર ધારાઓ અને સંશોધનો તમને સમજાવવા, એ તમારા અભ્યાસનું પ્રધાન લક્ષ્ય છે. આજથી બે મહીના માટે આ બાબત તમે બધા એક અભુતપુર્વ પ્રયોગમાં સહભાગી થવાના છો. આ પ્રયોગ માટે આપણી યુનીવર્સીટીનું આમંત્રણ સ્વીકારી અમદાવાદ, ભારતથી શ્રી. કનુભાઈ જાની ખાસ પધારેલા છે. મને બહુ જ આનંદ છે કે, તમે સૌએ સ્વેચ્છાએ આ પ્રયોગમાં સ્વયંસેવક થવા તૈયારી બતાવી છે. આપણી યુનીવર્સીટી આ માટે તઁમારા સૌની ઋણી છે. હવે હું તમારી અને કનુભાઈની વચ્ચેથી રજા લઉં છું. મને આશા છે કે, આ પ્રયોગ સફળ નીવડે. હું તમને અને કનુભાઈને આ માટે યુનીવર્સીટી વતી શુભેચ્છા પાઠવું છું. “

   આટલું કહી, પીટરે ક્લાસરુમમાંથી વીદાય લીધી.

 kanubhai_jani.jpg

     હવે કનુભાઈએ પોતાનું સંભાષણ શરુ કર્યું. “ મીત્રો, મારું કામ તમને મારી માતૃભાષા ગુજરાતીનું પ્રારંભીક જ્ઞાન આપવાનું છે. મને અને ત્તમને બરાબર ખબર છે કે, આ ભાષા જાણીને તમને કશો ફાયદો થવાનો નથી. એ તમે કદી વાપરવાના નથી; સીવાય કે, તમારામાંના કોઈ ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવે. પણ મને જરુર વીશ્વાસ છે કે, ભાષા શીક્ષણનો એક બહુ જ મહત્વનો સીધ્ધાન્ત, કદી ન ભુલાય એ રીતે તમે જાણી લેશો. ભાષાશીક્ષણની તમારી ભવીષ્યની કારકીર્દી માટે આ સીધ્ધાન્ત તમને અવશ્ય કામ લાગશે, એની પણ મને શ્રધ્ધા છે. અંગ્રેજીમાં બોલાયેલું આ મારું છેલ્લું સંભાષણ છે. હવે પછી હું માત્ર ગુજરાતી ભાષા જ બોલીશ અને તમે પણ અંગ્રેજી કે બીજી કોઈ ભાષા નહીં બોલો. હું જે શબ્દ બોલું, તેનું તમે પુનરાવર્તન કરશો. આપણે દરરોજ એક કલાક માટે બે મહીના સુધી મળવાના છીએ. હું તમને ખાતરી સાથે જણાવું છું કે, એ સમય બાદ તમે સૌ વીશ્વાસ સાથે, સામાન્ય વ્યવહાર માટે જરુરી ગુજરાતી બોલતા થઈ જશો અને તમારામાંના મોટાભાગના ગુજરાતી લખાણ પણ વાંચી શકશે. કદાચ લખી પણ શકશે.  ”  

     એકત્રીસે એકત્રીસ જણ અંગ્રેજીમાં બોલાયેલ આ સંભાષણ હેરતપુર્વક સાંભળી રહ્યા.

     હવે કનુભાઈએ  પોતાના ડાબા હાથની આંગળી જમણા હાથ પર મુકી અને બોલ્યા. “ હાથ “

   એકત્રીસ જણાએ ‘હાથ’ નો પ્રતીઘોષ કર્યો. આમ જ કનુભાઈ શરીરના વીવીધ ભાગ પર આંગળી મુકતા ગયા અને તેમના ગુજરાતી નામ બોલતા ગયા.  આખી પ્રક્રીયાનું પાંચ વખત પુનરાવર્તન કરવામાં આવ્યું.

     અલબત્ત ઘણા વીદ્યાર્થીઓ આ હરકતથી કંટાળવા માંડ્યા હતા. એના પ્રતીબીંબ સ્વરુપે એક વીદ્યાર્થીનીએ બગાસું ખાધું!  કનુભાઈની ચકોર આંખોએ આ સ્વાભાવીકતા પારખી લીધી; અને તરત જ  બોલી ઉઠ્યા, “ બગાસું!” તેમણે પોતે પણ બગાસું ખાવાનો ડોળ કર્યો અને બોલ્યા, “ બગાસું.”

   આખા ક્લાસે પુનર્જીવીત થયેલા ઉત્સાહથી બગાસાં ખાવાનો આનંદ માણ્યો અને ‘ બગાસું’ શબ્દને આત્મસાત કર્યો. 

   આ શીક્ષણયાત્રા આમ જ ચાલતી રહી, એક પછી એક દીવસ બાદ, સતત અને સતત બગાસા જેવા મનોરંજનોની સાથે ! પહેલા અઠવાડીયા બાદ , રોજના વીસ –  પચીસ શબ્દોના દરે, 150 શબ્દો બધા શીખી ગયા હતા. ક્રીયાપદો, વીશેષણો વી. પણ પછી તો ઉમેરાતા ગયા અને લીપીનું જ્ઞાન પણ.

  બે મહીનાના અંતે બધા વીદ્યાર્થીઓ ગુજરાતી બોલતા થઈ ગયા હતા. અમુક તો ગુજરાતી લખી પણ શકતા હતા. કનુભાઈ જાનીએ યુનીવર્સીટીને એ સાબીત કરી આપ્યું હતું કે,

    ” કોઈ પણ ભાષા શીખવાનો સૌથી સારો અને સરળ રસ્તો છે -  એક નાનકડું બાળક પોતાની માતૃભાષા જે રીતે શીખે છે તે – બીજી કોઈ પણ ભાષાના માધ્યમ અને અંતરાય વગર. “

———————-

   આ સત્યકથા આ લેખના લેખકે શ્રી. કનુભાઈ જાની પાસેથી સ્વમુખે સાંભળેલી છે.

   એમની જીવનઝાંખી વાંચો

Categories: ભાશા · સત્યકથા · સુરેશ જાની
Tagged:

મારું મરણ

May 19, 2009 · 19 Comments

મુળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

સ્રોત – અજ્ઞાત

સાભાર : પીયુષ પંચાલ

     રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

     હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બોસ મારી ઉપર ખીજાશે. અરે! બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’

   ‘ અરે ! આટલા બધા લોકો? ચોક્કસ  કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’

    ‘ અરે ! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં  છું, એ શરીરમાં નથી.’

    ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે?  અલ્યાઓ! હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’

     મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

     મેં મારી જાતને પુછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું? અરે ! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’

     હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

     ‘ અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું? અરે! મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે,  હું તેને અત્યંત ચાહું છું. અરે! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના, હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;  એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે. અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’

     હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત!  મને માફ કરી દે.’ : એમ કહેવું હતું.

     ‘ અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે? હું આટલી સરળતાથી  મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભીમાની છે? ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય? ભુલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને?ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું. ‘

     હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

     ‘અરે! મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે? ‘

    એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’

    હું બરાડી ઉઠું છું ,’અલી એ! તું ખરેખર સુંદર છે.”

    પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?

    ’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા? ‘

    હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘

    હું રડી પડું છું.

    ‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા!  હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા  મીત્રોને  મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

     અને મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી. ‘અરે! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે,મારા વહાલા!’

……………..

     અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”

   ‘ અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘

    મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.   

————————————

    કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો?

————————————————————————————-

       મુળ કૃતી વાંચતાની સાથે જ અત્યંત ગમી જાય તેવી છે. એના લેખકનું નામ કોઈ વાચક  શોધી આપશે તો અહીં  પ્રગટ કરવાનું ગમશે,  

Categories: અનુવાદ · વાર્તા · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

May 19, 2009 · 1 Comment

ક્યારે, ક્યાં, કેવી રીતે
એન્ટર થવું
અને
ક્યારે, ક્યાંથી, કેવી રીતે
એસ્કેપ થવું
એ નક્કી કરે છે  કે
તમે બહાદુર છો કે ડરપોક.

 

સાભાર - શ્રી. અખિલ સુતરીયા

Categories: સુવીચાર
Tagged:

ઓરીગામી – યુધ્ધ જહાજ

May 17, 2009 · 1 Comment

 

યુધ્ધ જહાજ

યુધ્ધ જહાજ

Categories: ઓરીગામી
Tagged:

હોટલ ગુલશન – એક સ્વાનુભવ

May 16, 2009 · 19 Comments

     વાતાવરણ એકદમ તંગ છે. સુરેશ! તમે … વીસ્તારમાં આવેલી હોટલ ગુલશનના રીસેપ્શન કાઉન્ટરની સામે અસહાય બનીને ઉભા છો. તમારા બધા સાથીદારો, મદદનીશો, સશસ્ત્ર સહાયક સુરક્ષા કર્મચારીઓમાંનું કોઈ તમારી સાથે નથી. તમારી સામે હોટલનો માલીક અહમદ લાલઘુમ આંખો કરી ઝેર ઓકી રહ્યો છે. તેની એક બાજુમાં મજબુત બાંધાના, મવાલી જેવા લાગતા,  તેના ચાર મદદનીશો આંખના એક જ ઈશારે તમારી પર ત્રાટકી પડવા તૈયાર ઉભેલા છે. નીચે મખમલી ફર્શ ઉપર તેનો એક નોકર બે ચાર જગ્યાએ નજીવા ઘા થયેલી હાલતમાં,દેખીતી રીતે તરફડીયાં મારવાનો  ડોળ કરીને પડ્યો છે. બીજી બાજુએ લુચ્ચી આંખો વાળો, સ્પષ્ટ રીતે બેઈમાનદાર, પોલીસ ખાતાનો સબ ઈન્સ્પેક્ટર પરમાર તમને સમાજના દુશ્મન માનીને, તમારી તરફ કરડાકીથી જોઈ રહ્યો છે.

      અહમદ– “ સાહેબ! જુઓ આ મારા નોકરને જાની સાહેબના માણસોએ કશી ઉશ્કેરણી વગર કેટલો માર્યો છે?હું અને મારા આ મદદનીશો વચ્ચે ન પડ્યા હોત તો એ ખુદાનો પ્યારો થઈ ગયો હોત.“ પેલાએ બરાબર સમયસર દર્દનો ઉંહકારો ભરવાનો ડોળ કર્યો.

     પરમાર – “ મીસ્ટર જાની ! તમે વીજળી કમ્પનીમાં આવી ગુંડાગીરી કરો છો? અહમદ  જેવા પ્રતીષ્ઠીત સજજનને આમ હેરાન કરો છો? અહમદ ભાઈ, હું તમારી જગ્યાએ હોત તો અત્યારે આ નોકરની જગ્યાએ આ કમબખ્ત સુરેશ જાની નીચે પડેલા હોત.”

     સાચું કહો ને, તમારી જાતને હીન્દી ફીલ્મના કોઈ દૃષ્યના એક અસહાય પાત્ર તરીકે તમે નીહાળી રહ્યા ન હતા? કઈ કવેળાએ તમને આ હોટલ પર વીજ ચોરી માટે દરોડો પાડવાની કમત સુઝી હતી.

      વાત જાણે એમ છે કે, બીજા ઝોનલ મેનેજરો સાથે તમે કમ્પનીના અત્યાર સુધીના ઈતીહાસમાં ન થયા હોય તેવા, વીજ ચોરી પકડવાના અભીયાનમાં સવારથી આખો દીવસ વ્યસ્ત હતા. ચારેય ઝોનના આ કામ કરતા બધા કર્મચારીઓ અને કમ્પનીના સુરક્ષા અધીકારીની મોટી સશસ્ત્ર સેના સાથે, વીજ ઉપયોગના રેકર્ડની સઘન ચકાસણી અને અન્વેષણ કર્યા બાદ, સો જગ્યાઓએ વીજચોરી પકડવા મરણીયાની જેમ, યુધ્ધના ધોરણે આખો દીવસ કામગીરી ચાલી હતી. પણ ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર’ એ ન્યાયે ખાસ કાંઈ ચોરી પકડાણી ન હતી. છ સાત સાવ નાના કીસ્સા પકડાયા હતા; જેની વીજચોરીની આકારણીની રકમ આ ઓપરેશનના ખર્ચ જેટલી પણ ન હતી. વાઈસ પ્રેસીડેન્ટ સાહેબને શું રીપોર્ટ આપીશું તેની ચીંતા ચારે મેનેજરોને કોરી ખાતી હતી.

      ત્યાં જ એક ઓફીસરે બાતમી આપી હતી કે, શહેરના …… વીસ્તારમાં આવેલી ગુલશન હોટલમાં ઘણા વખતથી ચોરી થાય છે. એનો માલીક કોઈને મીટર ચકાસવા દેતો નથી અને સામાન્ય રીતે આ કક્ષાની ત્રણ તારક હોટલને વીજળીનું જેટલું બીલ આવે, તેના દસમા ભાગનું બીલ પણ બનતું ન હતું. તે ઓફીસરે પોતાની અંગત ડાયરીમાંથી બધી માહીતી સૌ મેનેજરોને બતાવી હતી.

    આથી તમારી બાકીની સેનાને વીખેરી, માત્ર જરુરી સ્ટાફ સાથે ગુલશન હોટલમાં તમે ચારે મેનેજરો ગયા હતા. એક ઓફીસર ચકાસણી કરવાની વીનંતી સાથે હોટલની અંદર ગયો હતો. તમે બધા પરવાનગી મળે તેની રાહ જોઈને બહાર ઉભા હતા. થોડી જ વારમાં એ ઓફીસર ભયભીત ચહેરે દોડતા બહાર આવ્યો હતો. કોઈએ તેના ગાલ પર કચકચાવીને લાફો માર્યો હતો.

    લાલઘુમ ચહેરે અને લગભગ રડમસ અવાજમાં એ બોલી ઉઠ્યો હતો,” જલદી ભાગો . નહીં તો એ લોકો હથીયારો લઈને આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે.” હજુ એ બોલવાનું પુરું કરે એ પહેલાં જ મવાલી જેવા દેખાતા આઠ માણસો લાકડીઓ, પાઈપો અને સાઈકલની ચેનો લઈને તમારા સ્ટાફ તરફ ધસી ગયા હતા. લાકડીઓનો માર પડતાંની સાથે જ તમારો નીશસ્ત્ર સ્ટાફ ભાગમ દોડ કરવા માંડ્યો હતો. સુરક્ષા અધીકારી અધીકારી શ્રી. શેઠ અને તેમના સ્ટાફે વીરતાપુર્વક, મુકાબલો કરવા કોશીશ કરી હતી. પણ આ અચાનક થયેલા હુમલાના કારણે એ બરાબર સભાન ન હતા. આથી માર ખાઈ એ પાછા પડ્યા હતા. શ્રી શેઠ બહાદુરીથી લાકડી લઈ અને એક હાથમાં રીવોલ્વર રાખી, તેનો ઉપયોગ કરવાની ધમકી સાથે ઝઝુમ્યા હતા. પણ એકાએક એક મવાલીએ તેમના માથામાં સાઈકલની ચેન ફટકારી હતી. લોહી નીગળતા, તમ્મર ખાઈને તે રસ્તા પર પડી ગયા હતા. આ ભયંકર દૃષ્ય જોઈ બધો  સ્ટાફ દુર રાખેલી જીપોમાં બેસી પલાયમાન થઈ ગયો હતો.

     તમે અને તમારા એક સાથી મેનેજર થોડીક બાજુમાં અને ગભરાઈ ગયેલા રાહદારીઓની વચ્ચે ઉભેલા હોવાને કારણે, આ તોફાનીઓની નજરે ચઢ્યા ન હતા. હોટલનો સ્ટાફ પાછો ગયો કે તરત જ તમે લોકોએ શેઠને બેઠા કરી એક કારમાં બેસાડ્યા હતા. તમારા મેનેજર સાથી સાથે મસલત કરી એમ નક્કી કર્યું હતું કે, તેઓ શેઠને સીવીલ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જશે અને બીજી કારમાં તમે નજીક આવેલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા જશો.

    આમ … વીસ્તારના થાણામાંથી પોલીસ જીપમાં બેસી, સબ ઈન્સ્પેક્ટર પરમાર સાથે, ગુલશન હોટલમાં તમે એકલા પ્રવેશ્યા હતા. તમારી વીનંતીથી એ ભ્રષ્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે ચકાસણી કરવા તમારા સ્ટાફને બોલાવવા તમને બહાર જવા દીધા હતા.પણ આવી ગંભીર પરીસ્થીતીનો આગોતરો કોઈ અનુભવ ન હોવાને કારણે, ભાગી જવાને બદલે વાઈસ પ્રેસીડેન્ટ સાહેબને આ કટોકટીની ખબર આપી, હોટલના રીસેપ્શન આગળ તમે પાછા ફર્યા હતા. ત્યાર બાદ હોટલમાં ભજવાયેલા, જુઠ્ઠા અને બેહુદા નાટકની ચરમસીમા જેવા ભાગમાં તમે સાવ અસહાય બનીને ઉપર વર્ણવ્યા પ્રમાણે, તમારી જીંદગીની, કદી ન ભુલાય તેવી, ઘટનામાં ગળાડુબ સંડોવાઈ ગયા હતા. પેલા નોકરને દેખીતી રીતે, હોટલના જ સ્ટાફે, પરમાર સાહેબની સહાનુભુતી મેળવવા, નજીવો માર મારી તરફડીયાં મારવાનો અભીનય કરતો રજુ કર્યો હતો.

     અહમદના એક સાથીએ તો હાથમાંની લાકડી પણ તમારી તરફ ધરી હતી, અને બીજાઓ આક્રમક સળવળાટ કરી રહ્યા હતા. અહમદ તમને મરણતોલ ઘાયલ કરી દેવાનો સ્પષ્ટ ઈરાદો સેવી રહ્યો હતો. એના બધાં જ ચીહ્નો તેના લાલઘુમ ચહેરા પર તરવરતા હતા. પરમાર સાહેબ તમને ફસાવ્યાના આનંદના અતીરેકમાં મુછમાં મલકાતા હતા. તેમના ચહેરા પર ફરકી રહેલુ, લુચ્ચું સ્મીત આ બદઈરાદાની ચાડી ખાતું હતું.

    કઈ ઘડીએ જમીન દોસ્ત થઈ, ખરેખર તરફડીયાં મારતા થઈ જશો તેવી ધાસ્તીથી, પસીને રેબઝેબ તમે અત્યંત મુશ્કેલીથી તમારો ભય છુપાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

     તમારા સદનસીબે, આ કટોકટીની ક્ષણે, ઈન્સ્પેક્ટર પરીખ હોટલમાં પ્રવેશ્યા. તેમને જોતાં જ પરમાર શીયાંવીયાં થઈ ગયો. પ્રભાવશાળી મુખવાળા અને દેખીતી રીતે પ્રામાણીક જણાતા, પરીખ સાહેબે જરુરી સવાલો પુછી, તમારું ઓળખપત્ર ચકાસી, તમને ધાસ્તી ન રાખવાની બાંહેધરી આપી દીધી. બની ગયેલ ઘટનાની આગળ પુછપરછ ચાલી રહી હતી ત્યાં જ; તમારા વાઈસ પ્રેસીડેન્ટ રામનાથન પણ ત્યાં આવી પહોંચ્યા.

     પછી તો તમારો જરુરી સ્ટાફ પણ પાછો આવી ગયો; મોડી સાંજ સુધી ચકાસણી ચાલી. પકડાયેલી ચોરીના સબબે હોટલનું વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું. પણ અહમદે હોટલમાં રહેતા પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે કાકલુદી ભરી વીનંતી કરી. હોટલનો સપ્લાય ચાલુ કરવાની અવેજી રુપે દસ હજાર રુપીયાનો રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો. ગુનાની કબુલાત સાથે, બાકીની એક લાખ રુપીયાની રકમનો ચેક બીજા દીવસે ભરવાનું લેખીત વચન અહમદે આપી દીધું. પાવર સપ્લાય ફરી ચાલુ કરવામાં આવ્યો, અને તમે સૌ રવાના થયા.

    હોસ્પીટલમાં માથે પાટો બાંધેલા શેઠની હાલતની જાત તપાસ કરી, એમની વીરતા માટે એમને નવાજી, તબીયતની કાળજી લેવાની સુચના આપી તમે ઘરભેગા થયા .

    પણ જીવનની આ અવીસ્મરણીય ઘટના તમારા માનસમાં અવનવી સંવેદના અને સમાજની વાસ્તવીક તાસીરની એક છબી કંડારતી ગઈ. સાથે સાથે આવી પરીસ્થીતીનો મુકાબલો કરવાની એક અનોખી સુઝને પણ પ્રગટાવતી ગઈ. 
……………………….

[ સુરેશ જાની સીવાય, બધા પાત્રોના નામ બદલી નાંખવામાં આવ્યા છે. ]  

Categories: સુરેશ જાની · સ્વાનુભવ
Tagged:

ઓરીગામી – યોધ્ધો

May 15, 2009 · 3 Comments

 

યોધ્ધો

યોધ્ધો

Categories: ઓરીગામી
Tagged:

આજનો સુવીચાર

May 13, 2009 · 1 Comment

ખરાબ પરીસ્થીતી”
એ શબ્દ
પરીણામની જવાબદારીમાથી
છટકવા માટે ઉપયોગી છે.
બાકી
બધી જ પરીસ્થીતી
હંમેશા કાબુમાં જ હોય છે.

Categories: સુવીચાર
Tagged:

ઓરીગામી – કાબર

May 13, 2009 · 1 Comment

કાબર

કાબર

Categories: ઓરીગામી
Tagged: