ગદ્યસુર

Entries from June 2009

બુંદસે ગઇ વો હોજસે નહી આતી – ભરત પંડ્યા

June 29, 2009 · 5 Comments

કહેવાય છે, તક એકજ વાર દરવાજો ખટખટાવે છે. તમે ચુક્યા તો મોકો હાથમાથી સરી જાય છે. ફરી  પાછો તે મોકો તો આવતો જ નથી.

એક્વાર ઓફીસના કામે  આણંદથી  અમદાવાદ જઇ રહ્યો હતો. ખેડાનો માથુ ફાડી નાખે તેવો તડકો, આભમાથી આગ વરસી રહી હતી હું તો જે ઘરાક્નુ કામ હતું, તેની એરકંડીશન મોટરમા બેઠો હતો . રસ્તામા  ડ્રાઇવરને કાંઈક જોઈતુ હતુ તે ગાડી ઉભી રાખી. હું પણ સીગરેટ  પીવા  નીચે ઉતર્યો.

એક મોટા ઝાડ નીચે કેબીન  હતી. પાસે એક બુટ ચંપલ રીપેર કરવાવાળો બેઠો હતો. એની પાસે ચાર પાંચ જોડી, ટાયરના સોલવાળા, સસ્તા ચંપલ હતા. હું ઉભો ઉભો સીગરેટ પીતો હતો. ત્યાં એક મજુર જેવો  માણસ આવી ચંપલ જોવા માંડયો. તેણે આ ધોમ ધખતા તડકામા પણ ચંપલ પહેર્યા ન હતા, ઉઘાડે પગે હતો.

બહુ  જ બીતાં બીતાં એણે પુછ્યું ” કેમ આપ્યા ભાઇ ?”

વેચવાવાળાએ કહ્યું, ” આઠ રુપીયા.”

પેલાએ  કહ્યું ” મારી  પાંહે ચાર રુપીયા છે. ”

“તો એક ચંપલ લઇ જા”

મજુર આ ઉપાલંભ સમજે તેમ  ન હતું.

” એક પગે થોડુ હલાય છે ભાઇ ?” એ બોલ્યો.

ચંપલવાળો કહે,  ” ઓછામા ઓછા  પાંચ રુપીયા લઇશ. ”

પેલાને એ કાંઇ પોસાતુ  ન્હોતુ. એ તો ચાલવા માંડ્યો. ડ્રાઇવરનુ કામ અને મારી સીગરેટ પતી ગયાં હતાં. હું ગાડીમા ગોઠવાણો અને ગાડી આગળ ચાલી. કામ પતાવી હું ઘેર  પાછો આવ્યો.

રાત્રે જમતાં જમતાં ઘરની વાતો ચાલી.

પત્ની કહે “મોંઘવારીએ તો માઝા મુકી છે, બોલો! બેબીના સેન્ડલના અઢીસો રુપીયા. ”.

રેડીયો પર કોઇ સંત પ્રવચન આપી રહ્યા હતા -”ક્યાં અને ક્યારે પ્રભુ તમને સેવાનો મોકો આપે છે તે ખબર નથી પડતી.” વી.વી.

તે રાત્રે મને ઉંઘ ન આવી , સવાલ માત્ર પાંચ રુપીયાનો હતો અને આમ જુવો તો માત્ર એક રુપીયાનો જ.  ચારતો તે મજુર પાસે હતા .

મને સમજાણુ કે, મેં મોકો ગુમાવ્યો હતો. અને હવે આ મોકો કદી નહી આવે. ક્યાં હું ને ક્યાં એ મજુર! એની જરુરીયાત કેટલી નાનકડી હતી? ત્યારબાદ દરેક વરસે લગભગ પાંચ્-દસ હજારનુ દાન કરું છું; પણ પેલા મજુરનો  ઉતરી  ગયેલો  ચહેરો નજર સમક્ષ તરે છે; અને થાય છે : -

“બુંન્દસે  ગઇ વો હોજસે નહી આતી. “

- ભરત પંડ્યા – ભાવનગર

( સ્વાનુભવની  વાત – સત્ય કથા)

——————–

ભરતભાઈને તો આટલો પણ વસવસો  રહી ગયો; તે તેમની માનવતા. ઘણાને તો આવો વીચાર પણ નહીં આવતો હોય !

Categories: ભરત પંડ્યા · સત્યકથા · સ્વાનુભવ
Tagged:

પ્રકરણ – 30 પર્વતની તળેટીમાં

June 27, 2009 · 2 Comments

વીતેલી વાર્તા વાંચવા
પહેલી હરોળમાં છેલ્લી ટેબ ‘નવલકથા‘ પર ક્લીક કરો.

—————————————– —————————

જેમ જેમ લશ્કર આગળ વધતું ગયું; તેમ તેમ, દુરથી દેખાતી ગીરીમાળા નજીક આવતી ગઈ અને મોટી અને મોટી  થવા માંડી. આખાયે ક્ષીતીજને તેણે ઘેરી લીધું; અને આકાશને પણ તે પડકારવા લાગી. વળી આજુબાજુનો પ્રદેશ  પણ સાવ વેરાન થવા માંડ્યો. શીકાર મળવો હવે બહુ જ મુશ્કેલ હતો. ઘોડેસવારો સાથે હોવાને કારણે ઘાસવાળા પ્રદેશમાંથી એ લોકો શીકાર મેળવી લાવતા. પણ આને કારણે લશ્કરની આગેકુચ બહુ જ ધીમી થઈ હતી. પાણી મળવું પણ મુશ્કેલ હતું. પર્વત ઉપર જમા થયેલા બરફના પીગળવાથી થોડા ઘણા નાના ઝરા અને સાવ નાની અને સુકાવાની તૈયારીમાં હોય તેવી નદીઓ જ પાણીનો સ્રોત હતાં. હજાર માણસો માટે એ પાણી અને એ શીકાર માંડ પુરા પડતાં. ગરોળી અને સાપ જેવા સરીસૃપ પ્રાણીઓથી ધીમે ધીમે સૈનીકો અને સરદારો ટેવાવા માંડ્યા. હવે છાવણીની સાંજની રંગતોનું સ્થાન પ્રાર્થના અને પરમ તત્વને દયાની યાચનાએ લેવા માંડ્યું. કેમ કરીને આ મુસીબત દુર થાય અને પર્વતની નજીક પહોંચી જવાય; તે જ ચીંતા ખાનને કોરી ખાવા લાગી.

આ એ જ પ્રદેશ હતો; જ્યાં ભુલાએ ગરોળીઓ આરોગીને પોતાનો માર્ગ પસાર કર્યો હતો.  મહીનાઓના રઝળપાટથી ભરેલી પોતાની એ દુર્ગતી  ભુલાને બરાબર યાદ આવવા માંડી. ભુતાવળના ભયાનક નૃત્યનું એ દુઃસ્વપ્ન  પણ તેના માનસને આક્રોશતું રહ્યું. ફરીથી પ્રતીશોધની દબાઈ ગયેલી લાગણી બળવત્તર બનવા માંડી. પણ ખાનના રાજ્યમાં અને ખાનની દોસ્તીએ એમાં પરીવર્તન આવ્યું હતું.

“ખાનના દેશની ઘણી રીત રસમો મારા સાથીઓએ અપનાવવા જેવી છે. તીરકામઠાં અને ઘોડેસવારીના પ્રતાપે આ સેના દુર્જેય છે. કોઈ પ્રજા આ સાધનોનો મુકાબલો ન કરી શકે. ગોવાનો પરાજય નીશ્ચીત જ છે. પણ એ બધું પતી ગયા પછી, આ બે જાતીઓનો મનમેળ થાય અને મારા વતનીઓ વીકાસના નવા પંથે વળે તો કેવું સારું?”

આવા વીચારોમાં બદલાયેલા ભુલાનું મન પરોવાયેલું રહેતું.

ખાન વારંવાર ભુલાને પુછતો ,” હજુ પર્વતો કેટલા દુર છે? કેટલા દીવસ ત્યાં પહોંચતા લાગશે?”

પણ ભુલા પાસે તેનો કોઈ ઉત્તર ક્યાં હતો? તેણે જે માનસીક સ્થીતીમાં રસ્તો પસાર કર્યો હતો; તેમાં તેને સમયનું ભાન જ ક્યાં હતું?

ભુલાએ કહ્યું,” મને તો આ દલ દલ પસાર કરતાં ખાસ્સો સમય લાગ્યો હતો. આખો શીયાળો મેં અહીં વીતાવ્યો હતો. જગ્ગાના થાનકે પહોંચ્યા બાદ તરત જ સુરજની ગરમી વધવા માંડી હતી અને ઘાસ અને ફુલો ઉગવા માંડ્યા હતા. પણ એ વખતે તો હું એકલો હતો , અને મારી ચાલવાની ઝડપ ઘણી ધીમી હતી. આપણે તો એનાથી ઘણા વધારે ઝડપથી આગળ વધીએ છીએ. ”

પણ ખાનના માથે બહુ મોટી જવાબદારી હતી. આખી સેનાની સુખાકારી માટે તે જવાબદાર હતો. તેણે ઘોડેસવારોની એક ટુકડીને છેક પર્વતની લગોલગ જઈ અંદાજ લગાવવા મોકલ્યા. દસ જ દીવસમાં એ ટુકડી સારા સમાચાર લઈ પાછી આવી ગઈ. એમના અંદાજ પ્રમાણે – ‘;બીજા વીસ દીવસ બાદ સેના ત્યાં પહોંચી શકશે. ત્યાં પર્વત પર બકરીઓ અને બીજાં જનાવરો પણ છે અને પાણી પણ સારા પ્રમાણમાં છે.’

આ શુભ સમાચાર જાણી સેનામાં હરખની લાગણી પુનઃ સ્થાપીત થઈ. બધાને હવે એ નવા પ્રદેશમાં પહોંચી જવાની તાલાવેલી થવા માંડી.

અને છેવટે લશ્કર પર્વતની સાવ લગોલગ આવી પહોંચ્યું. હવે થોડેક જ આગળ ચઢાણ શરુ થતું હતું. લશ્કરના તંબુઓ ખોડાઈ ગયા. દલદલમાંનો આ છેલ્લો પડાવ હતો. જે રસ્તો પસાર કરતાં ભુલાને પાંચ મહીના લાગ્યા હતા તે માત્ર દોઢેક મહીનામાં જ સેનાએ કાપી નાંખ્યો હતો. ઘોડા અને  તીરકામઠાં આ સીધ્ધી માટે  ખરા કામમાં આવ્યાં હતાં.

ભુલા અને બીજા સાથીઓ સાથે ખાન જાતે આગળની યાત્રાની જાતતપાસ કરવા નીકળી પડ્યો. પણ બે જ કલાકમાં પર્વત પરનો ઢોળાવ અત્યંત કપરો બની ગયો. સીધું ચઢાણ અને સાવ નાની ચઢવાની જગ્યા. ઘોડા આગળ ચઢી શકે તેમ ન હતું. એકલદોકલ જણને માટે પણ આ કામ દુશ્કર હતું. ભુલો આવ્યો ત્યારે તો તે માંડ માંડ નીચે ઉતર્યો હતો. પણ હવે તો ભયાનક ઉંચાઈ વાળા પર્વતની ટોચ પાર કરી તેનીયે પાર જવાનું હતું. અને તે પણ ઘોડાઓ અને બધા સરંજામ સાથે. જે રસ્તે ભુલો નીચે તળેટીમાં આવી પહોંચ્યો હતો તે રસ્તે તો આ કામ અશક્ય જ હતું.

ખાન વીચારમાં   પડી ગયો. ‘શું આખું અભીયાન મોકુફ રાખવું પડશે? પર્વતની લગોલગ પહોંચીને છેવટે કુદરત આગળ હાર સ્વીકારવી પડશે?’

ખાને બધા સરદારોને મસલત માટે ભેગા કર્યા અને પોતાની મનોવ્યથા તેમની આગળ ઠાલવી. સૌ આ નવી અને મુશ્કેલ પરીસ્થીતીમાં શું કરવું તેના મનોમંથનમાં ગરકાવ થઈ ગયા. ત્યાં જ જગ્ગાના મગજમાં ઝબકારો થયો

જગ્ગો ,” ખાન બહાદુર! મને એક રસ્તો સુઝે છે. આપણે છાવણીનો પડાવ અહીં રાખીએ તો કશો વાંધો નથી. કોઈ તકલીફ વગર ખાવા પીવાની સગવડ થઈ જશે. પણ ત્રણ ચાર ઘોડેસવારની બે ટુકડીઓ પર્વતની સમાંતરે, બે વીરુધ્ધ દીશામાં  તપાસ કરવા જાય. આપણે ક્યાંક આ પર્વતોની અભેદ્ય દીવાલ તુટતી હોય તો તેની તપાસ  કરીએ. આપણું નસીબ હશે તો ક્યાંક ઘોડાઓ પસાર થઈ શકે તેવો રસ્તો મળી પણ આવે.”

ખાનને આ વાતમાં તથ્ય જણાયું . બધા સરદારો પણ આ નવી આશાથી ઉત્સાહમાં આવી ગયા. અને બીજા દીવસે એક ટુકડી જગ્ગાની અને બીજી ટુકડી ભુલાની સરદારી નીચે રવાના થાય એમ નક્કી થયું. લાંબા સમયના આ નીષ્ક્રીય પડાવ માટે મને કમને સૌ તૈયાર થઈ ગયા.

બીજા દીવસની સવાર પડી અને ચાર ચાર ઘોડેસવારોની બે ટુકડીઓ સામસામી દીશામાં જવા રવાના થઈ. ખાન અને બીજા સરદારોએ તેમને સફળ થવા માટે શુભેચ્છા આપી. આખી સેનાએ જયજયકારના નાદથી આ નવા અભીયાનને વધાવી લીધું. ઢોલીઓએ જોર જોરથી સૌના ઉત્સાહને દ્વીગુણીત કર્યો.

અને આ જ ક્ષણે, દુર દુર, પર્વતની ટોચ ઉપરથી છ આંખો આ બધો તાયફો નીહાળી રહી હતી.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

બાર ગાઉએ બોલી બદલાય

June 26, 2009 · 8 Comments

કયા ગુજરાતીએ આ કહેવત નહીં સાંભળી હોય?

લ્યો તાણીં ઈની પ્રતીતી કરી લો !!

—————————————————-

પ્રશ્ન : ખરચું એટલે શું ?

રુપીયા ખરચું?

  • ના!

સમય ખરચું?

  • ના!

પ્રયત્ન ખરચું?

  • ના!

તમે કહેશો , “ ત્યારે બોલોને મારા બાપલીયા, શું ખરચું? “

અલ્યા ભાઈ! સવાલ તો સમજો … પુછ્યું છે  - ‘ ખરચું એટલે શું? ‘

જવાબ જાણવા ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો

આ હાસ્યલેખ વાંચ્યા પછી, આ અદકપાંસળી જીવને થ્યું કે. હાલ્ય! આ કાઠીયાવાડી શબદ જોડણીકોશમાં છે કે નહીં, તેની ચકાસણી કરું. રતીકાકાના લેક્સીકોનમાં તો ન મળ્યો પણ સાર્થ જોડણીકોશમાં એ મળી ગયો. અને અર્થ પણ ડો. મુકુલ પરીખે સમજીને સમજાવ્યો એ જ તો !!

( અહીં નહીં કહું , નહીં તો ડોકટરના કોપીરાઈટનો ભંગ થાય તો?! )

પણ તેની વ્યુત્પત્તી ડોક્ટર સાહ્યેબને હું સમજાવું !!

એનું મુળ છે ફારસી શબ્દ - આપણને   … સોરી! મારા જેવા અમદાવાદીને ન ગમે તેવો  ….  ખર્ચ…

અને ભારતમાં કુલ કેટલી ભાષાઓ બોલાય છે તે ખબર છે?

325 !!

( અને સ્થાનીક બોલીઓ તો અલગ!)

આ લીસ્ટ પણ જોઈ લો .

Categories: ભાષા · સુરેશ જાની
Tagged:

ટોળાંશાહી

June 23, 2009 · 14 Comments

નયન સહગલ, તમે તમારા ઘરથી ત્રીસેક માઈલ દુર આવેલી એક જગ્યાએ જવા બસમાં બેઠા છો. તમારે જવાની જગ્યા હાઈવેથી થોડેક દુર છે. ત્યાં જવા માટેના આડા રસ્તા પાસે બસ ધીમી પડે છે અને એ રસ્તા પાસે અટકે છે. તમે બસમાંથી ઉતરી પડો છો અને તમારા એ નાનકડા રસ્તા પર માંડ કદમ માંડો છો; ત્યાં જ એક ભયાનક ધડાકો હાઈવે પરથી સંભળાય છે.

તમે પાછા વળીને હાઈવે પર નજર માંડો છો. તમારા એ રસ્તા પરથી સ્કુટર પર એક  યુવતી પુર ઝડપે હાઈવે પર પ્રવેશ કરતી હતી; ત્યાં જ . હાઈવે પરથી વેગમાં આવી રહેલી વાન સાથે તે અથડાઈ પડી હતી. તેનું માથું લોહીલુહાણ થઈ ગયું હતું. કારવાળા મહાશય ઉદ્વીગ્ન ચહેરે નીચે ઉતરીને તેણીને મદદ કરવા જઈ રહ્યા છે. તમે પણ આ આઘાતમાં અટકી પડો છો. થોડીક જ મીનીટોમાં હાઈવે પર એક ટોળું ભેગું થઈ જાય છે; અને કશું સમજ્યા કર્યા વીના કારચાલકને પીટવા માંડે છે. એનું ખમીસ ફાટી જાય છે અને તે પણ લોહી લુહાણ થવાની તૈયારીમાં છે.

તમારા વાસ્તવદર્શી સ્વભાવના કારણે તમે આ ટોળાંશાહી સહન નથી કરી શકતા. તમે પણ ઝડપભેર ઘટના સ્થળે પહોંચી જાઓ છો. આંખે દેખેલા આ અકસ્માતની પુરી જવાબદારી એ યુવતીની જ હતી ; તે તમે સામાન્ય સમજથી સમજી ગયા છો. એ તો ઠીક પણ વધારે અગત્યની વાત એ છે કે, એ યુવતીને તત્ક્ષણ સારવારની  જરુર છે. એ પણ તમારા દીમાગમાં ઝબકી જાય છે.

તમારી નજર બાજુમાં પડેલા પાઈપના એક ટુકડા પર પડે છે. અને ટોળાંશાહીનો .ઉન્માદ તમને પણ ઘેરી વળે છે. તમે એ પાઈપ ઉઠાવી એ ટોળાંની વચ્ચે પહોંચી જાઓ છો અને પાઈપ ઉગામી મોટેથી બરાડી ઉઠો છો ,” અરે અક્કલના ઓથમીરો ! આ છોકરીની તરફ તો નજર કરો. એને સીધી હોસ્પીટલ ભેગી કરવાને બદલે આ બધું શું માંડી બેઠા છો? “

તમારા બોલવાથી નહીં પણ, તમારા હાથમાં રહેલા અમોઘ શસ્ત્રના પ્રતાપે મારઝુડ બંધ પડે છે! ત્રણ હરોળ વાળી એ મોટી કારમાં વચ્ચેની સીટ પર એ યુવતીને સુવાડી, બીજા ત્રણ વટેમાર્ગુ અને તમને સાથે બેસાડી પેલા મહાશય નજીકની હોસ્પીટલ તરફ તેમની કાર હંકારી મુકે છે. રસ્તામાં પણ તેમની ઉપર આક્ષેપોની વર્ષા તો ચાલુ જ છે. તે તો ચુપચાપ બેઠેલા છે. એમના માથે કોઈ મોટી અંગત ચીંતા સવાર છે, એમ તમને ચોક્કસપણે લાગે છે. તમે એટલી જ ખબર પડે છે કે. તેમનું નામ મહેશ ગુપ્તા છે.

હોસ્પીટલમાં સ્ટાફ સદભાગ્યે સારો છે. એ પોલીસ તપાસની તરખડમાં પડ્યા વીના, યુવતીને ઈમર્જન્સી રુમમાં લઈ જાય છે. .ડોક્ટર કહે છે,” આ બહુ જ  મુશ્કેલ કેસ છે. તેનું બહુ જ લોહી વહી ગયું છે. મને સહેજ પણ આશા નથી કે, તેને હું બચાવી શકીશ. પણ  મારાથી બનતા બધા પ્રયત્ન હું કરીશ. પણ કોઈકે તત્કાળ લોહી આપવું પડશે.”

આ વાત  સાંભળી મહેશ અને તમારા સીવાયના બીજા સજ્જનો રફુ ચક્કર થઈ જાય છે. તમારું લોહી , એ યુવતીને માટે યોગ્ય નથી એમ ખબર પડે છે. મહેશ ગુપ્તાના લોહીનો બાટલો ભરી એ યુવતીને ચઢાવવામાં આવે છે. તેની પર્સમાંથી મળેલી માહીતી મુજબ ફોન કરતાં તેનાં સગાંવહાલાં પણ એટલામાં ત્યાં આવી પહોંચે છે. મહેશ એમને પોતાનો સમ્પર્ક કરવાની  પુરી માહીતી અને પ્રારંભીક જોગવાઈ માટે  10,000/-  રુપીયા એક વડીલને પકડાવી દે છે. તમે અને મહેશ હોસ્પીટલની બહાર નીકળો છો.

મહેશ તમને તમારા સ્થાને પહોંચાડવાની તૈયારી બતાવે છે. પણ તેની પત્નીને બીજી હોસ્પીટલમાં પહેલું જ બાળક આવવાની તૈયારી હોવાના કારણે પહેલાં ત્યાં થઈ તમને ઉતારી દેશે, એમ ક્હે છે. તમારું કામ એટલું અગત્યનું ન હોવાથી અને મહેશની સજ્જનતાથી પ્રભાવીત થઈ, તમે એની સાથે જવા કબુલ થાઓ છો.

બીજી હોસ્પીટલે પહોંચતાં  સારા સમાચાર મળે છે કે, ઈશ્વર કૃપાએ પ્રસુતી સારી રીતે પતી ગઈ હતી, અને મા અને બાળક બન્નેની તબીયત સારી છે.

     મહેશ ગુપ્તા તમને તમારી જગ્યાએ ઉતારી તો જાય જ છે;  પણ આ સમગ્ર ઘટનાના કારણે દસ લાખની કાર વાપરનાર કરોડપતી મહેશ ગુપ્તા, અને એસ.ટી બસમાં મુસાફરી કરનાર તમે જીગરી દોસ્ત બની ગયા છો તમારી આ મીત્રતા ઘણી લાંબી ટકવાની છે.

    પરંતુ, કોઈ પણ જાતની અને ઉંડી માહીતી વગર, કાયદો હાથમાં લઈ લેવાની ટોળાંની વૃત્તી,  લઘુમતી પ્રત્યે કૃર આચરણ; વીચારવીહીંનતા અને પાગલપન વીશે તમે વીચારતા થઈ જાઓ છો.

……………………

દીલ્હીસ્થીત શ્રી. નીતિન નરેશના સ્વાનુભવ પર આધારીત સત્યકથા

મુળ ઘટના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. .

.

Categories: નીતિન નરેશ · સત્યકથા
Tagged:

પ્રકરણ – 29 ડ્રેગન

June 20, 2009 · 6 Comments

વીતેલી વાર્તા વાંચવા
પહેલી હરોળમાં છેલ્લી ટેબ ‘નવલકથા‘ પર ક્લીક કરો.

—————————————– —————————

…….. આવી જ કોઈક રાતે આખી છાવણી નીદ્રામાં ગરકાવ હતી. ચાર દીશામાં આઠ  રખોપાઓ ખડે પગે ચોકી કરતા બેઠા હતા. દરેક દીશામાં બબ્બે જણ આ અગત્યના કામ માટે નીયુક્ત હતા. દરેક દીશામાં બેમાંથી એક જણ આરામ કરતો અને બીજો ચોકી. દરેક ઠેકાણે બે મોટી મશાલો ભડકતી હતી. એના ઉજાસમાં દીવસે રમ્ય લાગતી, આસપાસની ઝાડી ભુતાવળ જેવી ભાસતી હતી. પણ એમાં ધબકતા જીવનનો  કોઈ અણસાર જણાતો ન હતો. આમ આખી રાત દેખીતા નીર્વીઘ્ને પસાર થઈ રહી હતી.

…….. અમાસની એ ઘનઘોર મધરાતે, ઘોર અંધકાર છવાયેલો હતો. તમરાં જેવાં જીવજંતુઓનો અવાજ પણ શમી ગયો હતો. કશા અણસાર વગરની એ નીસ્તબ્ધતામાં રખોપા પણ થોડાક બેધ્યાન બને એ સ્વાભાવીક હતું. અને ત્યાંજ એક દીશામાંથી કાળજું કંપાવી નાંખે તેવો, સુસકારા જેવો કોઈ અજાણ્યો અવાજ સંભળાયો. એ દીશામાંનો ચોકીયાત ઉંઘરાટી  આંખે અવાજની દીશામાં નજર કરે ન કરે; ત્યાં તો એક મહાકાય, વીકરાળ  ડ્રેગન સામેની ઝાડીમાંથી ધસી આવ્યો. એની કાયા કોઈ મગર મચ્છને પણ શરમાવે તેવી લાંબી હતી; અને તેનાથીય લાંબી તેની પુંછડી હતી. એના ખુલ્લા મોંમાંથી લપકતી જીભમાં જાણે કે, આગની લાલ જ્વાળાઓ ઓકાતી હતી. એની મોટી આંખો લીલા અને ક્રુર પ્રકાશથી ચકળવકળ થતી હતી. એના ટુંકા, પણ જાડા પગના આધાર પર, તેનું શરીર ઢસડાતું હતું. એ વારે ઘડીએ જમીન પર પુંછડી અફાળતો હતો; અને એ અફડાટે ઝાડીઓનો કચ્ચરઘાણ વળી જતો હતો. જાણે કે, વીનાશનું એક ઘોડાપુર કાળા ભમ્મર અંધકારમાંથી ધસી આવી રહ્યું હતું. એની દોટમાં જ આખી છાવણીનો કચ્ચરઘાણ કરી શકે; તેવી તેની તાકાત જણાતી હતી.

Giant Iguana

Giant Iguana

…….. આ ભયાનક દૃશ્ય જોઈ, એ ચોકીયાતના મોતીયા જ મરી ગયા. એની નીંદર તો ક્યાંય વેરણ થઈ ગઈ હતી. એણે પોતાના સાથીને ઢંઢોળીને જગાડ્યો. બન્નેએ થઈ શકે તેટલા પ્રયત્નો કરી; પોતાની પાસે પડેલા પથ્થરો ડ્રેગન પર નાંખવા માંડ્યા. પણ ડ્રેગનની પથ્થર જેવી, જાડી ચામડી પર આની કોઈ જ અસર ન થઈ. એ તો વધારે ગુસ્સામાં ફુંફવાડા નાંખવા માંડ્યો. એ જોઈ ભયના માર્યા ચોકીદારોએ મોટી રાડ નાંખી. બીજી દીશામાંના ચોકીદારોએ પણ આ  પોકમાં સાથ પુરાવ્યો. આ બધા અવાજોથી આખી છાવણી જાગી ગઈ. બેબાકળા બનેલા સૈનીકો આંખો ચોળતાં ડ્રેગનનું આ ભયાનક સ્વરુપ જોઈ થરથર કાંપી ઉઠ્યા. આવું નવતર પ્રાણી તેમણે કદી જોયું ન હતું. હાથમાં જે પથ્થર આવ્યો તેનો વરસાદ ડ્રેગન પર થવા લાગ્યો. અમુક શુરવીરો તો અણીદાર પથ્થરના ભાલા લઈ ડ્રેગનની નજીક પહોંચી, તેના પગ અને શરીર પર ઘા કરવા માંડ્યા.

…….. પણ ડ્રેગન પર આની કોઈ જ અસર થતી ન હતી. તેણે એક ચોકીયાતને મોંમાં ઘાલીને ચાલવા માંડ્યું. જોકે, તેની મહાન કાયાને કારણે તેની ચાલ સાવ ધીમી હતી. તેની અવીરત ચાલને કોઈ રોકી શકવા સમર્થ ન હતું. બધે કાગારોળ મચી ગઈ. આ બધી ધમાલ, હોંકારા,  પડકારા અને ચીસો સાંભળી, છાવણીની છેક વચ્ચે આવેલા સરદારો પણ જાગી ગયા. ખાન, ભુલો અને જગ્ગો પણ. બધા આંખો ચોળતા ચોળતા, પોતપોતાના તંબુઓની બહાર આવી; મશાલોના આછા ઉજાસમાં આ અભુતપુર્વ દૃષ્ય નીહાળી હેબતાઈ ગયા. ભુલાએ પોતાના હાથ ઉપર ચીમટો ખણી ચકાસી જોયું કે, ‘પેલા હાડપીંજરોના ખોફનાક નાચ જેવું આ ભયાનક સ્વપ્ન તો નથી ને?’ પણ આ તો જીવતે જીવ આવી પડેલી, સાવ નવતર આપત્તી  હતી.

……..  ડ્રેગનની દોટ હવે છાવણીના મધ્ય ભાગ તરફ ફંટાઈ. તેના મોંમાં સપડાયેલો ચોકીયાત મરણ ચીસો નાંખી રહ્યો હતો. છાવણીના સૈનીકોના ઉહાપોહથી ડ્રેગન ચીડાયો હતો;  અને ઉશ્કેરાટમાં, વધારે સુસકારા બોલાવતો હતો. તેની મહાકાય પુંછડી વધારે જોરથી તંબુઓ સાથે અફળાતી હતી અને તેમને પળમાં ધરાશાયી કરી દઈ રહી હતી.

…….. પરીસ્થીતીનું નીરીક્ષણ કરવા તે છાવણીની વચોવચ આવીને ઉભો. તેનાથી થોડેક જ દુર ખાનનો તંબુ હતો. તંબુની બહાર ખાન તેના ચાર અંગરક્ષકોની સાથે ઉભેલો હતો. બે અંગરક્ષકોના હાથમાં  મોટી મશાલો હતી. એ મશાલોના અજવાળામાં ખાનનું ક્રોધાયમાન મુખારવીંદ ઝગમગી રહ્યું હતું.

…….. ખાન બોલ્યો,” મશાલનું અજવાળું બરાબર ડ્રેગનના મોં પર જાય એ રીતે મશાલ ફેરવતા રહો.”

…….. જેમ જેમ ડ્રેગન નજીક આવતો ગયો, તેમ તેમ ખાનના મોં પર શાંતી છવાવા માંડી. તેના બત્રીસ લક્ષણા સ્વભાવના પ્રતાપે, આ નવી આપત્તીનો શી રીતે પ્રતીકાર કરવો, તે અંગે તે વીચારવા માંડ્યો. ક્ષણનાય વીલંબ વગર તેણે આ ભીષણ પરીસ્થીતીનો અંદાજો કાઢી લીધો. તેનો નીર્ધાર અને વ્યુહ હવે નક્કી હતાં. તેણે તંબુની બાજુમાં પડેલા પથ્થરોના ઢગલામાંથી વીણીને ડ્રેગન સાથે મુકાબલાના પોતાના નીર્ણયને અનુરુપ થાય તેવા બે ચાર પથ્થર વીણી લીધા. તેની ધારદાર અને દેદીપ્યમાન આંખો, તેના તેજસ્વી નીર્ણયનું પ્રતીબીંબ પાડતી, ચમકી ઉઠી. તેની આખી કાયા આ નીર્ણયનો અમલ કરવા પ્રતીબધ્ધ બની રહી.

…….. તેનો પથ્થર ધાર્યું નીશાન પાડી શકે એટલા અંતરે ડ્રેગન આવતાં; ખાને એક સાવ નાનકડો, પણ અણીયાળો પથ્થર સીધો ડ્રેગનની એક આંખ તરફ ફેંક્યો. અને ધાર્યું નીશાન ચુકે તો તે ખાન શાનો? ડ્રેગનની જમણી આંખ બરાબર વીંધાઈ  ગઈ. બીજો એવો જ પથ્થર; બીજું લક્ષ્યવેધી નીશાન; અને ડ્રેગનની ડાબી આંખ પણ વીંધાણી.

…….. આંધળો બની ગયેલો  ડ્રેગન, ભયાનક દર્દની ચીંઘાડ સાથે, ભોંય પર પટકાઈ, ઉંધો વળી ગયો. તેની બન્ને આંખોમાંથી મશાલોના આછા ઉજાસમાં પણ, લોહીના ફુવારા નીકળતા દેખાયા. તેના ખુલ્લા થયેલા મોંમાંથી સખત ઘવાઈ ગયેલો ચોકીદાર બહાર ઢળી પડ્યો. તેનું મોત હવે હાથ વેંતમાં હતું. પણ ડ્રેગનનું નાજુક પેટ હવે ખુલ્લું થઈ ગયું હતું. આ કુમળા મર્મસ્થાન પર સેંકડો પથ્થરોની વર્ષા થવા માંડી. દસ બાર અણીદાર, પથ્થરના ફણાવાળા ભાલાઓના ઉપરાઉપરી ઘા પણ થવા લાગ્યા. લોહીના ફુવારાઓથી ધરતી તરબોળ થઈ ગઈ. થોડીક વારમાં જ  તરફડીયાં મારતો અને મરણ ચીસો પાડતો તે ભયાનક ડ્રેગન માણસજાતની સામુહીક સંહાર શક્તી આગળ હારી ગયો. એના છેલ્લા શ્વાસ ગણાવા લાગ્યા. બધાએ પ્રચંડ જયઘોષ સાથે એમના લાડીલા નેતા ખાનના આ વીજયને વધાવી લીધો.

……..  હવે ખાને તેનું હમ્મેશ યાદ રહી જાય તેવું બ્રહ્મવાક્ય સુણાવ્યું. “તમે જોયું હશે કે, આ રાક્ષસના શરીર પર પથ્થર નાંખવાનો કે ભાલા ઉગામવાનો  કશો જ અર્થ ન હતો. દુશ્મનની નબળી કડી પર વાર કરતાં આપણે સૌ શીખીએ. ગમે તેવા સંજોગો હોય; આપણે ધૈર્ય અને એકાગ્રતા ગુમાવવા ન જોઈએ.

…….. બધાએ તાળીઓના ગડગડાટથી ખાનને ફરીથી વધાવી લીધો. નસીબ સંજોગે ડ્રેગન ફરીથી ઉઠવા ન પામે; તે માટે વધારાના ચાર સૈનીકો તેની પાસે ચોકી કરતા રહ્યા. મરણ પામેલા સૈનીકની અંત્યેષ્ટી વીધી બીજા દીવસે સવારે કરવી;  તેવો નીર્ણય લેવાયો.  આખું સૈન્ય ફરીથી નીંદરદેવીને શરણે થયું. પણ એ બીજી નીદરમાં પણ સૌને  ડ્રેગન અને ખાનનો એ અજોડ મુકાબલો નજીકના ભવીષ્યમાં આવી પડનાર, નવા યુધ્ધ માટે પ્રેરતો રહ્યો

———————————–

નોંધ :

……  ખાનના મુકાબલાની પ્રેરણા બાઈબલની ‘ડેવીડ અને ગોલીઆથ’ ની પ્રખ્યાત વાર્તા પરથી મળી છે – તેનો સાભાર સ્વીકાર

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

મજલી આપા – રઝીયા મીર્ઝા

June 19, 2009 · 4 Comments

ઘર માં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘર ના વડીલ ‘શૌકત આપા’ આજે ખુદા ની  રહેમતે પહોંચી ગયા હતા.પાંચ પુત્રો,એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓ ને,નાતી- નવાસીઓ ને વહુઓ તથા સગા સબંધીઓ ને રડતા મૂકી ને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા.ઘર નું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલ માં એક અવાજ દબાઇ જતો હતો

….

અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે ક્રુપા દ્રષ્ટિ કરી,અને ‘મજલી આપા’ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર ની માતા બન્યા.પતિ ‘અલીરઝા’ એક સરકારી કર્મચારી હતા.નાનકડા પગાર માં ત્રણ દીકરીઓ તથા એક દીકરા ની ભણતર ની જવાબદારી કંઇ સહેલી નહોતી.જ્યારે મોટા ભાઇ ’અલીહૈદર’ ની નોકરી પણ છૂટી ગઈ હતી.અલીરઝા મોટા ભાઇ ને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતન માં રહેતા.ખૂબજ ગરીબાઇ માં ‘શૌકત આપા-અલીહૈદરે’તેમના પાંચેય પુત્રો ને સારુ શિક્ષણ આપ્યું

….

જીવન ના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઇ ને ‘મજલી આપા’ એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ ‘મજલી આપા’ ની ‘મજલી દીકરી’ વિચારતી  રહી.અને આજે‘મજલી આપા’ ના પેટે જન્મ લઇ પોતાને ધન્ય માનતી રહી.

—————————————————

આ સત્યકથા આપને સ્પર્શી ગઈ ને?

મધ્યમ વર્ગના મુસ્લીમ સમાજની આખી સત્યકથા વાંચવા રઝીયા બેનના બ્લોગ ‘ શ્વાસ ‘ ની મુલાકાત  લેવા અહીં ‘ક્લીક’ કરો.

Categories: રઝીયા મીર્ઝા · સત્યકથા
Tagged:

મધ્યમ વર્ગની માનવતા – એક સત્યકથા

June 18, 2009 · 19 Comments

એમને માટે એ પહેલું જ બાળક હતું. હરખની હેલીઓ ઉભરાતી હતી. પેટે પાટા બાંધીને એને ઉછેરતાં હતાં. પણ છ જ મહીનાના એ બાળકને ખેંચ આવતી હતી. જામનગરની સીવીલ હોસ્પીટલમાં એનાં માબાપ એને સારવાર માટે લઈ આવ્યા હતા. નીદાન કરતાં ખબર પડી કે મગજમાં લોહી જમા થઈ જવાના કારણે એમ થઈ શકે.

સી.ટી. સ્કેન અને મગજનું ઓપરેશન કરવામાં આવે તો બાળક બચી જાય. પણ માબાપ  પાસે આ ખર્ચાળ  સારવારની રકમ ક્યાંથી હોય? એ તો રોજની મજુરી પર ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પીટલમાંથી મફત ખાવાનું ન મળે તો પાણી પી સંતોષ માનવો પડે એવી એમની હાલત હતી.

અને બાળક બચી ગયું. કોઈ પૈસાપાત્ર દાનવીરની સખાવતથી નહીં , પણ મધ્યમ વર્ગની માનવતાના જોરે.

આખી વાત વાંચવી છે ને ?

લો! ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો

પાડ જામનગરની એ સંજીવની સંસ્થાનો… આવાં તો કેટલાંય માનવતા સભર કામો તેમણે કર્યાં છે.

આ એકવીસમી સદીમાં, જ્યારે આખી દુનીયા સમૃધ્ધીની દોડમાં સ્વલક્ષી થઈ ગઈ છે; ત્યારે ‘ પુણ્ય પરવાર્યું  નથી’ એની પ્રતીતી થઈ ગઈ ને?

Categories: સત્યકથા · સુરેશ જાની
Tagged:

આજનો સુવીચાર

June 17, 2009 · 2 Comments

હું એ શીખ્યો છું કે

બધાને પર્વતની ટોચ પર
જીવવું હોય છે
પણ બધા એ ભુલી જાય છે કે,
ચઢવામાં જ ખરી મજા હોય છે

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ


Categories: સુવીચાર
Tagged:

આજનો સુવીચાર

June 16, 2009 · 2 Comments

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું વૃધ્ધોને બતાવીશ કે
ઉમ્મર વધવાના કારણે નહીં પણ
જીવનને ભુલી  જવાના કારણે
મૃત્યુ નજીક આવતું હોય છે

-  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ

suveechar    thought

Categories: સુવીચાર

આજનો સુવીચાર

June 15, 2009 · 1 Comment

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું બાળકોને પાંખો આપીશ
અને તેમને એકલા રહેવા દઈશ;
જેથી
તેઓ તેમની જાતે જ ઉડતાં શીખે

-  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ


Categories: સુવીચાર