ગદ્યસુર

આજનો સુવીચાર

June 11, 2009 · 1 Comment

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું ઓછું ઉંઘીશ
અને વધારે સ્વપ્નો જોઈશ
કારણકે,
મારી આંખો
એક મીનીટ બંધ રહે તો
સાઠ સેકન્ડ માટે
હું પ્રકાશ વીહીન બની જાઉં છું

-  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ


Categories: સુવીચાર

ખોવાયેલો કાગળ – એક અવલોકન

June 11, 2009 · 2 Comments

ઉનાળાનું વેકેશન ચાલુ થઈ ગયું છે. વાનરસેના બધી ઘેર છે. આખો દીવસ ધમાચકડી. કાંઈક નવું અને કામનું શીખે તે માટે, અલગ અલગ જગ્યાઓએ, વીવીધ પ્રકારના, ટુંકી મુદતના અભ્યાસક્રમોમાં તેમને દાખલ કરેલા છે. આવતીકાલથી એ કાર્યક્રમ ચાલુ થવાનો છે.

કોને, ક્યાં, ક્યારે લઈ જવાના છે અને પાછા લાવવાના છે, તેની વીગતવાર યાદી મારી દીકરી મને સમજાવી રહી છે. મારી અભુતપુર્વ(!) સ્મરણશક્તીના સબબે હું તેને એ બધી વરધીઓ એક કાગળ પર લખી આપવા કહું છું. અને એ કાગળ મને મળે છે. મારા કોમ્પ્યુટસ્ર્ના ટેબલ પર હું તે કાગળ મુકું છું અને બીજા કામમાં પરોવાઉં છું.

સાંજ પડે છે, અને મને તે કાગળ યાદ આવે છે. પણ ટેબલ પર તો તે નથી. હું મારા રુમમાં અગત્યના કાગળો મુકવાના પાઉચમાં તે શોધું છું, પાકીટ, ઘડીયાળ વી. મુકવાના ખાનામાં તેની શોધ આદરું છું. ક્લોઝેટમાં ફાઈલ કરવાના કાગળોની થેલીમાં તે શોધું છું. પણ મને સરીયામ નીષ્ફળતા મળે છે. હવે હું રઘવાયો બની, જ્યાં આવા કાગળો ન રાખતો હોઉં, ત્યાં પણ એ વરધી શોધવા કોશીશ કરું છું. પણ ક્યાંય ગજ વાગતો નથી.

હું ડરતાં ડરતાં, મારા જમાઈને પુછું છું, “કાલની મારી વરધીનો કાગળ જોયો”

અને પટ જવાબ મળે છે,” મેં તેને ફ્રીજ પર ટીંગાવી દીધો છે – તરત મળે તે માટે! “ મારી પત્નીએ મારા ભુલકણા સ્વભાવને યાદ રાખી, આમ કરવા તેમને સુચના આપી હતી!

મને એ ખોવાયેલો કાગળ મળી જાય છે. મને હાશ થાય છે.

……………

આમ જ થતું હોય છે ને? કોઈ ચીજ ખોવાય, તો તે અમુક જ જગ્યાએ હશે, એમ આપણે માની લેતા હોઈએ છીએ.પછી ત્યાં, અને ન હોય તેવી જગ્યાઓએ તે શોધવા મચી પડીએ છીએ. કેટકેટલી વાર આમ બનતું હોય છે?

જીવનમાં કોઈ ભુલ થાય, ખોટા માર્ગે ચઢી જઈએ, સમયની બરબાદી થાય, નીરાશા સાંપડે; અટકાવી શકાય તેવી, જાતજાતની અને ભાત ભાતની નીરર્થક પ્રવૃત્તીઓ ચાલુ થઈ જાય. કોઈ જાણકાર મળી જાય અને પાછી ગાડી પાટે ચઢે.

જો કાગળ પહેલેથી જ ઠેકાણે મુક્યો હોત તો?

જો ભુલ કરતાં પહેલાં સ્થીર બુધ્ધીથી વીચાર્યું હોત તો?

જો જાણકારને તરત પુછી લેતા હોઈએ તો?

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged: