ગદ્યસુર

Entries from July 2009

જગન્નાથનો રથ

July 31, 2009 · 15 Comments

થ કહે છે ,” હું દેવ છું.”

પથ કહે છે ,” હું દેવ છું.”

મુર્તી કહે છે ,” હું દેવ છું.”

અને અંતર્યામી હસે છે.

- રવીન્દ્રનાથ ઠાકુર

Categories: રવીન્દ્રનાથ ઠાકુર્ · સુવીચાર
Tagged:

એક વીશીષ્ઠ અવસાન નોંધ, An unusual obituary

July 29, 2009 · 22 Comments

મુળ અંગ્રેજીમાં અવસાન નોંધનો ભાવાનુવાદ

મુળ લેખીકા – શ્રીમતી લોરી બોર્ગમેન – લન્ડન ટાઈમ્સ : 15, માર્ચ, 1998

તાજેતરમાં નેટ ઉપર મુકનાર - બીગ બી - શ્રી. અમિતાભ બચ્ચન , એ વાંચવા અહીં ક્લીક કરો

સાભાર : શ્રી. ચીરાગ પટેલ

—————————————————————–

આપણી એક બહુ જુની હીતચીંતક સન્નારી અવસાન પામી છે. તે આપણી સાથે ઠીક ઠીક સમય માટે હતી – ખાસ તો આપણા બાલ્યકાળમાં.

તે કેટલા સમયથી જીવીત હતી, તે તો કોઈને ખબર નથી;  કારણકે, તેના જન્મ સમયના દસ્તાવેજો વહીવટી માળખાની બેદરકારી અને રેડ ટેપીઝમના કારણે ઘણા સમયથી ખોવાઈ ગયેલા છે.

તેના જીવનમાં તેણે આત્મસાત કરેલા નીચેના અમુલ્ય ગુણોને કારણે તે હમ્મેશ યાદ રહેશે.-

  • વરસાદમાંથી શી રીતે કોરા  રહી સલામત જગ્યાએ પહોંચી જવું.
  • ‘વહેલો તે પહેલો’ એ કહેવતની એને બરાબર ખબર હતી.
  • જીંદગી હમ્મેશ સરળ હોતી નથી, એ વાત તે બરાબર જાણતી હતી.
  • કદાચ પોતાની પણ ભુલ હોઈ શકે , તે તેને  હમ્મેશ યાદ રહેતું.
  • તે હમ્મેશ  સાદાઈથી રહેતી અને નક્કર નાણાંકીય રીત રસમ ( કમાણીની મર્યાદામાં રહીને ખરચ કરવો) અચુક પાળતી.
  • બાલીશતા નહીં, પણ પુખ્તતાનો  વ્યવહારુ અભીગમ તે હમ્મેશ  જાળવતી.

સારા ઉદ્દેશવાળા, પણ વધારે પડતા ભારેખમ કાયદાઓ  લાદવામાં આવ્યા તે બાદ, તેની તબીયત ઝડપથી કથળવા માંડી હતી. દા.ત.

1) વર્ગની એક સહાધ્યાયીનીને ચુંબન કરવા માટે, છ વરસના એક બાળકને જાતીય સતામણી માટે શીક્ષા કરવામાં આવી.

2) બપોરના જમણ બાદ માઉથવોશ વાપરવા માટે  એક કીશોરને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યો.

3) એક તોફાની વીદ્યાર્થીને વઢવા માટે એક શીક્ષકને શાળમાંથી કાઢી મુકવામાં આવ્યા.

જ્યારે તોફાની બાળકોને શીસ્તબધ્ધ કરવાની પોતાની ફરજ અદા ન કરનાર વાલીઓએ આમ કરનાર શીક્ષકો પર આક્ષેપો કરવા માંડ્યા; ત્યારે તેની પડતીની  શરુઆત થઈ હતી. જ્યારે શાળાઓએ સુર્યના  તડકા સામે રક્ષણ આપતું ક્રીમ લગાડવા અને એસ્પીરીન આપવા માટે વાલીઓની પરવાનગી આપવા કહેવા માંડ્યું; પણ કોઈ વીદ્યાર્થીની સગર્ભા બને અને ગર્ભપાત કરવા ઈચ્છા રાખે ત્યારે વાલીઓને ખબર આપવાની તસ્દી લેવાનું બંધ કર્યું ત્યાર બાદ તો તેની તબીયત ઓર બગડી ગઈ હતી.

જ્યારથી દેવળો ધંધાદારી સ્થળો બની ગયાં; અને ગુનેગારોને સતાવાયેલી વ્યક્તીઓ કરતાં વધારે રક્ષણ અને સવલતો મળવા માંડી; ત્યારથી તો તેની જીવવાની ઈચ્છા સાવ મરી પરવારી હતી. જ્યારથી પોતાના ઘરમાં ઘરફાડુ ચોર સામે કોઈ સ્વરક્ષણ ન કરી શકે; અને હુમલો કરવા માટે એ કોઈની  સામે ઉલટો  આક્ષેપ કરી શકે તેવા કાયદા થયા; ત્યારથી તો તેણે બધી આશા ખોઈ દીધી હતી.

જ્યારે એક ઘરાક બાઈએ ગરમાગરમ કોફી તેને દઝાડી શકે છે; તે જાણવાની દરકાર કર્યા વીના, બેદરકારીથી  પોતાના ખોળામાં કોફી ઢોળી અને તે માટે, તરત મોટી રકમનું વળતર  મેળવી શકી ત્યારે તો ન્યાયની પધ્ધતીએ હદ જ  વટાવી દીધી હતી અને તેણી મરણ પથારીએ પહોંચી ચુકી હતી.

તે મરણ શરણ થઈ તે પહેલાં સત્યપ્રકાશ અને વીશ્વાસકૌર  નામનાં તેનાં માબાપ; વીવેક નામનો તેનો પતી, જવાબદાર નામનો તેનો દીકરો અને બુધ્ધી નામની તેની દીકરી મૃત્યુ પામી ચુક્યાં હતાં.

તેનાં ચાર સાવકાં ભાઈબહેનો હજુ જીવીત છે. તેમનાં નામ છે -

1) સભાનતા ( પોતાના હક્કો માટે)

2) તાત્કાલીકતા ( મારે અત્યારે જ એ જોઈએ.)

3) દોષારોપણ ( બીજાને)

4) શીકાર ( ગેર સમજુતીનો)

એની દફનવીધીમાં ખાસ કોઈ હાજર ન હતું; કારણકે, બહુ ઓછાને એના મૃત્યુની ખબર હતી.

આપણી એ બહુ જુની અને જાણીતી હીતચીંતક સન્નારીનું નામ હતું - ‘સાદી સમજ‘  - કોમન સેન્સ.

જો તમે હજુ તેને યાદ કરતા હો તો આ અવસાન નોંધ બીજા મીત્રોને વંચાવજો .  નહીં તો મોટા ભાગના કરે છે તેમ; તેને હમ્મેશ માટે ભુલી જજો.

—————————–

સ્થાનીક સામાજીક રીતરીવાજોને ધ્યાનમાં રાખી, જો થોડાક ફેરફાર આમાં કરવામાં આવે તો કોઈ પણ દેશને આ લાગુ પાડી શકાય તેમ છે !

Categories: અનુવાદ · અવનવું · સુરેશ જાની
Tagged:

શોર્ટકટ – એક અવલોકન

July 27, 2009 · 9 Comments

આ અગાઉ લોન્ગ કટની વાત કરી હતી. આજે શોર્ટ કટનો વારો છે !

એ તો તરવરીયા તોખાર જેવા મારા દોહીત્ર સાથેની સફરની વાત હતી. પણ આ તો બેળે બેળે ચાલતા, ઘોડાગાડીના ગલઢા અડીયલ ટટ્ટુ જેવા આ ડોહાની વાત છે!

શોર્ટ કટ

શોર્ટ કટ

હમણાંનો જમણો ઢીંચણ કદીક આડો થાય છે! સહેજ ચાલું એટલે રાડ્યું પાડવા માંડે. પણ ચાલ્યા વગર તો કેમ ચાલે? ન ચાલું તો સાવ બેઠાડુ જ થઈ જાઉં ને?એટલે દરરોજ થોડું થોડું ચાલવાનો મહાવરો રાખ્યો છે. તે દીવસે પાર્કમાં ચાલવા ગયો. ગાડી પાર્ક કરી આગળના રસ્તે જવા નીકળ્યો. પણ બાજુમાં જ સુકા વહેળાની પાર સરસ લીલું મઝાનું ઘાસ હતું. નીચે ઉતરી, થોડુંક કષ્ટ વેઠી ચાલું તો ખાસું અંતર ઓછું થઈ જાય તેમ હતું.

સાચવી સાચવીને કાચા ઢાળ પરથી વહેળામાં ઉતર્યો. અને બીજી પાર થોડુંક વધારે કષ્ટ   લઈ ચઢી પણ ગયો. ઘાસ વટાવી પાછો મુળ રસ્તે ચઢી ગયો. પગમાં જોડા નહીં પણ ચંપલ પહેરેલાં હતાં , એટલે લપસી જતાં પણ બચ્યો – ખાસ તો ઉપર ચઢતી વખતે.

સૌને શોર્ટ કટ શોધવા ગમે છે – અને લાંબા રસ્તા ટાળવાનું પણ.  મારા જેવી તકલીફવાળાને તો ખાસ. પણ એવા સરળ રસ્તાનાં પોતાનાં જોખમો હોય છે. ક્યાંક ગબડી પડવાની, લપસી જવાની, ઘવાવાની, કાયદાનું ઉલ્લંઘન થવાની, અનૈતીકતાની, હાસ્યાસ્પદ થવાની શક્યતા હોય છે.   બધા ચાલતા હોય તેવો, લાંબો રાજમાર્ગ સહી સલામત હોય છે. ક્યાંક તો શોર્ટ કટ ન જ લઈ શકાય. ક્યાંક એનાથી ઘણી તકલીફો બચી પણ જાય છે.

ક્યાંક સરળ રસ્તા લાભ કરી આપે છે અને ક્યાંક લાંબા ગાળાનું નુકશાન પણ!

શોર્ટ કટ લેવો કે લોન્ગ કટ, એ પોતપોતાની આવડત, ચીત્તવૃત્તી અને  જોખમો વહોરવાની કાબેલીયત પર આધાર રાખતું હોય છે!

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

પરીવર્તન – 10 : ખગ્રાસ સુર્યગ્રહણ

July 26, 2009 · 18 Comments

ખગ્રાસ સુર્યગ્રહણ- 22 જુલાઈ : સાભાર - નહેરુ પ્લેનેટરીયમના વૈજ્ઞાનીકો

ખગ્રાસ સુર્યગ્રહણ- 22 જુલાઈ : સાભાર - નહેરુ પ્લેનેટરીયમના વૈજ્ઞાનીકો

ખગ્રાસ સુર્યગ્રહણ … અને ગદ્યસુર પર?

હા! સુર્યને રાહુ અને કેતુ ગ્રસી ગયા! સુર્યને અને ચન્દ્રને તો સૌએ જોયા છે. પણ આ રાહુ અને કેતુ જોવા દુરબીનમાંથી આંખો ફાડી ફાડીને પ્રયત્નો કર્યા, પણ કાંઈ ભળાયું નહીં. કદાચ જુના જમાનામાં વરાહ મીહીરને ઈશ્વરે દીવ્યચક્ષુ આપ્યા હશે અને તેના થકી કોઈ સાધન વગર તેઓ આ ઉપદ્રવી આકાશી પદાર્થો જોઈ શક્યા હશે!

હળવી મજાક બાજુએ મુકી દઈએ તો એક વાત નીર્વીવાદ છે કે, જ્યારે બાકીનું વીશ્વ અજ્ઞાનના ગર્તામાં ગરકાવ હતું; ત્યારે ભારતના વીચારકો અને વૈજ્ઞાનીકોનો  સુવર્ણયુગ હતો.કશા કેલ્ક્યુલેટર, કોમ્યુટર કે ગણીતીય લોગેરીધમ ટેબલ પણ વાપર્યા વગર જે ચોકસાઈથી આકાશી પદાર્થોની ગતીની ચોક્કસ ગણતરી  કરવાની પધ્ધતી આપણા એ મહાન વ્યક્તીઓએ શોધી કાઢી હતી; તે જોઈ આપણે આશ્ચર્ય ચકીત થઈ જઈએ છીએ.

ગ્રહણ થાય ત્યારે આખા સમાજમાં શોક અને ભયનું વાતાવરણ વ્યાપી જતું; અને બધાં ગ્રહણ છુટે ત્યારે હાશકારો અનુભવતા’ અને સ્નાન કરતા. અમે ભાઈ બહેનો નાનાં હતાં ત્યારે આ અંધશ્રધ્ધાને ભારોભાર તીરસ્કારથી હસી કાઢતા.

પણ આ એકવીસમી સદીમાં અને તે પણ અતી આધુનીક ઉપકરણો અને જ્ઞાનનો ઉપયોગ કરનાર, અમેરીકાની નાસા સંસ્થાએ પણ ત્સુનામી, વાવાઝોડા, અભુતપુર્વ ભરતી વી. થવાની આશંકા વ્યક્ત કરી; આગોતરી ચીમકીઓ આપી હતી. સુર્ય અને ચન્દ્રના એક જ દીશામાં કાર્યરત થતા ગુરુત્વાકર્ષણના બળને પ્રતાપે આમ થવાની શક્યતા એમને પુર્ણ વેજ્ઞાનીક રીતે જણાઈ હતી.

આ બાબત મારું જ્ઞાન તો બહુ જ સીમીત છે. પણ નવસારીના શ્રી. ગોવીંદ મારુના બ્લોગ’ અભીવ્યક્તી’ પર આ વીષય પર બે અભ્યાસ પુર્ણ લેખ વાંચવાનું સૌ વાચકોને જરુર ગમશે.

-  1  - :  -  2   -

અને આ બાબત અંધશ્રધ્ધા અંગે એક લેખ પણ

વીશેષ અભ્યાસ માટે ‘ નાસા’ ની આ વેબ સાઈટ પણ જોવી ગમશે.

અને

એક સરસ, માહીતીપુર્ણ વીજ્ઞાન લેખ

હવે એક ગદ્યસુરી વાત!

ગ્રહણ થાય એ તો કુદરતી ઘટના છે. પણ વ્યક્તીગત અને સામાજીક જીવનમાં પણ ગ્રહણો થતાં હોય છે. ક્યાંક કશુંક બને છે અને કશુંક ગ્રસાઈ જાય છે. ઘોર અંધકાર વ્યાપી જાય છે. પૃથ્વી રસાતાળ જવાની હોય, સેંકડો જ્વાળામુખી ફાટી જતા હોય, ધરતીકંપોના આંચકાથી બધું ઉપરતળે થઈ ગયું હોય; તેવો નીર્વેદ અને ગમગીની જીવનને ક્ષુબ્ધ કરી નાંખે છે. અંધારા બોગદાનો કોઈ છેડો જ ન હોય તેવી, શોકમય અનુભુતીમાં આપણે અથવા સમાજ ગરકી જતાં હોઈએ છીએ.

પણ..

જેમ દરેક ગ્રહણ અલ્પ સમય માટે જ ટકતું હોય છે અને ફરીથી ચમકતો અને દમકતો સુર્ય  નીર્વીઘ્ને તેની ગતી ચાલુ રાખે છે ; તેમ બધી વ્યથાઓ અને બધા સંતાપો અલ્પકાલીન જ હોય છે.

કશું શાશ્વત નથી. સુખ પણ નહીં અને દુખ પણ નહીં.

‘ આનંદમયી મા ‘ એ કહ્યું હતું તેમ,

‘ वो भी चला जायगा ‘

અને આ ક્ષણે ન. ભો. દિવેટીયા યાદ આવી ગયા …

‘ કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બીંબ ઢંકાયું , તે ચિત્ર દીસે અગમ્ય.

પરંતુ તે છાંયની પેલી પારે, જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.’

પરીવર્તન…પરીવર્તન…પરીવર્તન…

સઘળું અનીત્ય છે.

કેવળ વર્તમાન જ સતત છે.

Categories: વીજ્ઞાન · સુરેશ જાની
Tagged:

ગદ્યસુર બે વર્ષ પુરાં કરે છે

July 24, 2009 · 42 Comments

24 – જુલાઈ, 2007

ગદ્યસુર શરુ કર્યે બે વર્ષ પુરાં થયાં. આ ગાળાનું સરવૈયું : -

  • 1225 લેખો
  • 3821 ટીપ્પણીઓ
  • 9 પાનાં
  • 76 ટેગ
  • 181 વીભાગો
  • 3 ઈ -પુસ્તકો
  • 97,813 મુલાકાતીઓ

સર્વે વાચકોનો ઃઆ માટે હૃદય પુર્વક આભાર.

આ પ્રસંગે માણો રંગનો મહીમા

Categories: સમાચાર · સુરેશ જાની

ઈશ્વર સંતાઈ ગયો!

July 19, 2009 · 4 Comments

મુળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

જ્યારે ઈશ્વરે દુનીયાનું સર્જન કર્યું ત્યારે શરુઆતમાં લોકો તેમના જીવન, જરુરીયાતો, સામાન્ય બાબતો વી. અંગે ઈશ્વરને ઘણા સવાલો પુછતા. શરુઆતમાં તો ઈશ્વર બધાને જવાબ આપતો. પણ થોડાં એક વર્ષો વીતતાં, તે આ બધા સવાલોના જવાબ આપતાં થાકી  જતો.

આ પરીસ્થીતીમાંથી તેને છટકી જવું હતું.  એ જ્યાં પણ જતો ત્યાં લોકો એને પકડી પાડતા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે તેને મજબુર કરતા.

એક દીવસ તેણે પોતાની આ સમસ્યાના ઉકેલ માટે એક મહાત્માની સલાહ લીધી.

મહાત્માએ કહ્યું, “ તારે ક્શે જતા રહેવાની જરુર નથી. તું લોકોના હૃદયમાં સંતાઈ જા; અને તારો પ્રશ્ન ઉકલી જશે.

તે ઘડીથી ઈશ્વરે તેમ જ કર્યું અને લોકોના હૃદયમાં સંતાઈ ગયો. અને આજની ઘડી સુધી લોકો તેને મંદીરોમાં, મસ્જીદોમાં, દેવળોમાં , સાયનેગોગમાં, અગીયારીઓમાં એમ વીવીધ જગ્યાઓએ તેમના પ્રશ્નો લઈને શોધતા રહે છે. પોતાની અંદર શોધ કરવાની તસ્દી જ તેઓ લેતા નથી.

————————–

સાભાર – શ્રી. દિગંત જાની

Categories: અનુવાદ · વાર્તા · સુરેશ જાની
Tagged:

સવિતાબેનને સલામ..

July 18, 2009 · 6 Comments

આઠ જ ચોપડી ભણેલાં સવિતાબેન;પણ એમનું દીલ .. સાગર જેવડું. કામ કરતી બેનોનાં ટાબરીયાંનેસાચવવા આંગણવાડી ચલાવે. એમને રમાડે,જમાડે, થોડું ઘણું શીક્ષણ પણ આપે. અનેકોઈ ધર્મ કે જાતીની આભડછેટ નહીં. રોજ એમની આંગણવાડીમાં નાનકડો અબ્દુલ પણ આવે.પણ એક દીવસ તે આવ્યો નહીં.બીજા દીવસે પણ ન આવ્યો. સવિતાબેનને ચીંતા પેઠી. શું થયું હશે?

લો ! શું થયું હશે તે અને એમના દરીયા જેવા દીલની શીતળતા માણો ...

લાખો સુફીયાણી વાતો, શાયરી કે ફીલસુફી  કરતાં આવું એક જ કામ કરોડ દરજ્જે વધારે મહાન છે.

જામનગરના ડો.મૌલિક  શાહનો સાદર આભાર - આવી માનવતાની મહેંક પ્રસારતી સત્યકથા વીશ્વગુર્જરીને ચરણે ભેટ ધરવા માટે…

Categories: મૌલેક શાહ · સત્યકથા

રસ્તો અને ઝરો – એક અવલોકન

July 17, 2009 · 7 Comments

પાર્કના ટ્રેલની બાજુમાંથી એક નાનકડો ઝરો(ક્રીક) પસાર થાય છે. બન્ને વાંકાચુકા થતાં થતાં આગળ વધે છે. ક્યાંક ક્યાંક એકબીજાને  ઓળંગે પણ છે. પણ એમની ગતીવીધી અને અવઢવમાં ફરક છે.

ઝરો કદી ઉંચે ચઢી શકતો નથી. એ લઘુત્તમ અવરોધના માર્ગ પર જ મુસાફરી કરી શકે છે. એ સતત નીચે જ સરકતો જાય છે. એને બંધ બાંધીને થોડોએક રોકી જરુર શકાય છે. અને તો એ એક નાનકડા તળાવમાં રુપાંતરીત થઈ શકે છે.  આગળ જમીનનું ધોવાણ  કરતાં એને અટકાવી શકાય છે. એના પાણીનો સીંચાઈ માટે ઉપયોગ કરી શકાય છે. ઝરામાં પ્રવાહની સાથે રહી વહેતા રહેવું એ બહુ સરળ કામ છે. ખાસ કોઈ પ્રયત્નની તેમાં જરુર નથી. જો કે, પ્રવાહની વીરુધ્ધ દીશામાં તરવું બહુ કઠણ હોય છે. પણ એમ તરીએ તો પાછા ઉંચા સ્થાને પહોંચી શકાય  છે.

રસ્તો ઉપર નીચે જઈ શકે છે. એને ધાર્યા મુજબ બનાવી શકાય છે. એને વાળવો હોય તેમ વાળી શકાય છે. એ છેક પર્વતની ટોચ ઉપર પણ લઈ જઈ શકે છે. ઉંચે ચઢવું હોય તો રસ્તો પકડવો પડે છે. પણ ઉપર ચઢવા અથાક પ્રયત્ન કરવો પડે છે. જો કે સારી ડીઝાઈનનો મજબુત અને પહોળો રસ્તો બનાવ્યો હોય તો તેના પરથી વાહન ચલાવી કોઈ મુશ્કેલી વગર અને ઝડપથી મુસાફરી કરી શકાય છે.

સામ્પ્રત પ્રવાહની સાથે તરવું;
એનાથી વીરુધ્ધ દીશામાં તરીને ઉપર ચઢવું;
એના પ્રવાહને નાથીને સરસ મજાનું ઉપયોગી સરોવર બનાવવું;
પોતાનો રસ્તો  બનાવી  ઉર્ધ્વ પ્રયાણ કરવું;
કોઈના બનાવેલા હાઈવે પર ધમધમાવીને (!) ગાડી ચલાવવી;
રસ્તો હોય તો પણ ઉંચે ટોચ ઉપર નહીં પણ નીચે ને નીચે જ ઉતરતા જવું
અથવા
રસ્તો હોય કે ઝરો – ચાલવું કે તરવું જ નહીં અને જ્યાં હોઈએ ત્યાં જ સ્થગીત બનીને ઉભા રહેવું

- એ આપણે જાતે જ નક્કી કરવાનું હોય છે !

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

ડાકોર પદયાત્રા : ભાગ – 2

July 15, 2009 · 15 Comments

ભાગ –  1

ચાર દીવસની યાત્રા, રોજના વીસ કીલોમીટર. દરરોજ દસ મીનીટ પણ ન ચાલનાર આ મેનેજર સાહેબ માટે કોલમ્બસના એટલાન્ટીક ખેડાણ જેવી એ સફર હતી.  બપોરે ઉતારે પહોંચીએ ત્યારે તો ટાંટીયા ટાઈટ થઈ ગયા હોય; ગોટલા ચઢી ગયા હોય અને પગની પાની પર ઠેર ઠેર આંટણ તો ખરા જ. બપોરે જમીને, નામકે વાસ્તે ચાદર પાથરી હોય કે ન હોય તો પણ; લીમડાના કોઈ ઝાડની નીચે; એવી મધ જેવી મેંઠી નીંદર આવી જાય કે, સો મણની તળાઈ પર અને એર કન્ડીશનમાં પણ નો’ આવે બાપુ, હોં!

આવા જ એક દીવસે દસેક વાગે અડધા ચઢેલા ગોટલે, અમે વાતો કરતા કરતા, મંદ ગતીએ આગળ ધપી રહ્યા હતા; ત્યાં અમારા સંઘની જ એક ટોળી અમને ઓવરટેક કરીને, ‘જય રણછોડ , માખણ ચોર’ના નારા જોરશોરથી લગાવતી, અમારાથી આગળ નીકળી ગઈ.  પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધું મળીને પંદરેક જણ હતાં. બધા ગુલાલથી પણ ખેલેલા  હતા; અને બરાબર મસ્તીમાં અને ભક્તીરસમાં તરબોળ હતા. મારા જેવા એક બે જણ સીવાય, લગભગ બધા ઉછળતા અને કુદતા હતા. એમની વચ્ચે બે હાથથી એમના જુથની ધજા પકડી, આધેડ વયની એક સ્ત્રી મસ્તીમાં ઉછળી રહી હતી. એનો ઉત્સાહ અને કૃષ્ણભક્તી દાદ માંગી લે તેવાં હતાં. અમે તો વીસ્ફારીત નેણે એની છટાઓ નીહાળી રહ્યા. સફરનો થાક એના કોઈ પણ અંગમાં વર્તાતો ન હતો.

મારા કાકા સ્વભાવ પ્રમાણે, એ જુથમાં સૌથી પાછળ ચાલતા, મારી ઉમ્મરના એક દાદાને  મારાથી પુછ્યા વીના ન રહેવાયું.

“ કાકા! આ બહેનનો ઉત્સાહ  તો ગજબનો છે.”

“મારા દીકરાની વહુ છે.”

“ આ ઉમ્મરે એમની તાકાત અદભુત છે.” – મેં અભીપ્રાય આપ્યો.

“ તમે એની શું ઉમ્મર ધારો છો?”

“ સ્ત્રીઓની ઉમ્મરની વાત ન કરાય.” – મેં મારું ડહાપણ દર્શાવ્યું.

“ અરે! આપણા જેવા કાકાઓને તો બધી છુટ. બોલો કેવડી હશે?“

મેં બીજા કોઈ સાંભળી ન જાય તેમ, ડરતાં ડરતાં પીસ્તાળીસ કહ્યા.

“ અરે પચાસ વરહની છે. એને ત્રણ દીકરા અને એક દીકરી પણ છે. અને દીકરીય પરણેલી અને બચરવાળ છે.”

“ શું વાત કરો છો? ના હોય.” – હું આશ્ચર્યમાં  બોલી ઉઠ્યો.

કાકાએ ઉમેર્યું ,” એટલું જ નહીં. એને તો તઈણ વાર હાર્ટ એટેક પણ આવી ગયેલા છે.”

મારી સાથેના બીજા ત્રણ મીત્રો પણ, આ વાત સાંભળી આશ્ચર્યચકીત થઈ ગયા.

એક ડોક્ટર ભાઈ તો બોલ્યા પણ ખરા. “ એમણે આટલું બધું જોખમ ન લેવું જોઈએ.” મેં પણ આ વાતમાં ટાપશી પુરાવી.

થોડી વારે એ બહેન પાસેથી ધજા એમના સંબંધી,  બીજા  કોઈ ભાઈએ ઉઠાવી લીધી, અને બહેન થોડાં ધીમાં પડ્યાં.

મેં તો અહોભાવથી તેમની સાથે ચાલવા માંડ્યું અને વાત માંડી. “ બહેન, મને ખબર પડી કે, તમને તો ત્રણ વખત હૃદયરોગનો  હુમલો થયેલો છે. આટલી બધી તકલીફ ન વહોરતાં હો તો? “

અને એમણે ઉચ્ચારેલું એ વાક્ય સ્મરણ પટ પર આટલા વર્ષે પણ કોતરાયેલું રહ્યું છે, ”રણછોડરાયની મે’રબાની! એની મરજી થાય અને ઉઠાવી લે, સંઘમાં ટીકીટ ફાટી જાય તો કેટલું બધું પુન મળે?”

આ મસ્તી અને આ શ્રધ્ધા જોઇ ભગવાનને કે કોઈને પગે ન લાગનાર આ જણ  એ બહેનને મનોમન વંદી રહ્યો.

,

http://gadyasoor.wordpress.com/2009/02/28/dakor_jorney/

Categories: સુરેશ જાની · સ્વાનુભવ
Tagged:

ગુફાઓ, ભાગ -2 : સોલ્યુશન ગુફાઓ : Solution caves

July 14, 2009 · 10 Comments

કાર્લ્સબાડ ગુફા, ન્યુ મેક્સીકો

કાર્લ્સબાડ ગુફા, ન્યુ મેક્સીકો

બધી જાતની ગુફાઓમાં સૌથી વધારે આકર્ષક આ જાતની ગુફાઓ હોય છે. જમીન કોતરીને માણસે ઘણાં બોગદાં બનાવેલાં છે. ઈન્ગ્લીશ ચેનલની નીચે ટ્રેન અને કાર જેવાં વાહનોને પસાર કરતું બોગદું (ટનલ) એ માનવીની કાબેલીયતનો ઉત્કૃષ્ઠ નમુનો છે. હેરત પમાડે તેવી આવી માનવીય રચનાઓ થોડાંએક મહીના કે બે ચાર વરસમાં જ બનાવી શકાતી હોય છે.

પણ કુદરતે બનાવેલી સોલ્યુશન  ગુફાઓ લાખો અથવા કરોડો વરસની પ્રક્રીયાના કારણે બનતી હોય છે. મહાસાગરના તળીયે પ્રવાળ, છીપલાં, શંખ, જેવાં દરીયાઈ જીવોનાં કંકાલ હર ક્ષણે ખડકાતાં  હોય છે. આ ઘટના માઈલોના માઈલો સુધી દરીયાના  પટમાં સતત ચાલતી જ  રહેતી હોય છે. કરોડો વર્ષ પહેલાં પણ આમ બનતું આવતું હતું. આ કંકાલ ઉચ્ચ કક્ષાના કેલ્શીયમથી ભરપુર હોય છે. વરસો વરસ આમ થતું રહેવાના કારણે અત્યંત જાડો, કેલ્સાઈટનો થર દરીયાના તળીયે જમા થતો રહે છે. ક્યાંક તો આ થર સેંકડો ફુટ જાડો બની જાય છે. પણ આ થર ખાલી કેલ્સાઈટનો જ હોય એમ તો ક્યાંથી બને? એમાં રેતી, માટી, કાદવ અને બીજા પદાર્થો પણ ભળેલા હોય છે.  અથવા એની ઉપર બીજા પદાર્થોના થર પણ જામતા રહે છે. દરીયાના પાણીના દબાનને કારણે  આ થર દબાઈ દબાઈને કઠણ ખડક બની જાય છે. આને લાઈમસ્ટોન અથવા ચુનાના પથ્થર કહે છે.

અને કોઈક ક્ષણે, ભીષણ ધરતીકંપના પ્રતાપે પૃથ્વીનો નકશો બદલાઈ જાય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ – એમ  બધું ઉપરતળે થઈ જાય છે. ક્યાંક દરીયો નીચે પણ બેસી જાય છે. આમ  લાઈમસ્ટોનનો આ જથ્થો જમીન ઉપર આવી જાય છે. જ્વાળામુખીમાંથી ફેલાતા લાવાના પ્રતાપે એની ઉપર ખડકોના થરના થર જામતા રહે છે.

સોલ્યુશન ગુફાઓ માટે આ પાયાની સામગ્રી હોય છે. વરસાદનું પાણી જમીનમાં અને ખડકો વચ્ચેની ફાટોમાથી નીચે ઉતરતાં આ લાઈમ સ્ટોનમાંનો ચુનો ઓગળવા માંડે છે. હવામાંનો કાર્બન ડાયોક્સાઈડ વાયુ પાણીમાં ભળવાના  કારણે પાણી થોડું એસીડીક પણ હોય છે. આને કારણે ચુનો ઓગળવાની પ્રક્રીયા વેગ પકડે છે.  ક્યાંક જમીનના તળીયેથી નીકળતા કુદરતી વાયુમાં હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા વાયુઓ પણ આ પાણી સાથે સંયોજાઈ તેનું વધારે જલદ એસીડમાં રુપાંતર કરે છે. જેમ જેમ આવું પાણી નીચે ઉતરતું જાય છે; તેમ તેમ તેનો જથ્થો સંઘરાતાં જતાં, જમીનની નીચે પાણીનાં   સરોવરો, ઝરા અને નદીઓ ઉદ્ભવવા માંડે છે. આને કારણે લાઈમસ્ટોન ઓગળી ઓગળીને ખડકોની વચ્ચે પોલાણ થવા માંડે છે. અને એસીડીક પાણીના ઝરા વધારે વેગથી ત્યાં વહેવા માંડે છે. ધોવાણની  પ્રક્રીયા વધારે વેગ પકડતી જાય છે. પહોળી, ઉંચી અને લાંબી ગુફા આકાર લેવા માંડે છે. લાઈમસ્ટોન, જીપ્સમ કે ડોલોમાઈટના ખડક જ આમ ધોવાઈ શકે છે. બીજી જાતના ખડકો એમના એમ રહી જાય છે. આથી ગુફાનો આકાર ચીત્ર વીચીત્ર  બને છે.

હજારો વર્ષ વીતી જાય છે. બીજા કોઈ ધરતીકંપના  કારણે આવો  પ્રદેશ ઉંચકાઈ જાય છે, અથવા જમીન તળેના પાણીનો પ્રવાહ બીજે ક્યાંક ફંટાઈ જાય છે. અને આના પ્રતાપે ગુફામાં ભરાયેલું પાણી હવે ખાલી થવા માંડે છે. આ પાણી બહાર નીકળીને જે નદીમાં ભેગું થતું હોય, તે પણ ખડકોને કોરી કોરીને નીચે ને નીચે ઉતરતી જાય છે. હવે ગુફા ખાલી થઈ જાય છે. કાળક્રમે ગુફાના તળીયે જ ચુવાતા પાણીનો પ્રવાહ બાકી રહે છે.

અને સૌથી વધારે રસીક તબક્કો હવે શરુ થાય છે. ગુફાની છતમાંથી ચુવાઈને આવતું પાણી હવાના સમ્પર્કમાં બાષ્પીભવન પામે છે. આથી પાણીમાં ઓગળેલો ક્ષાર છત પર જમા થવા માંડે છે. ગુફાના તળીયે ટપકતાં ટીપાંમાંથી પણ બાષ્પીભવનના કારણે ક્ષારનો થર જમા થવા માંડે છે. સાવ ઉલટી જ પ્રક્રીયા! ક્ષાર ધોવાવાની જગ્યાએ ક્ષારના થરના થર જમા થતા રહે છે. અને ગુફાની સર્જકતા હવે પુર બહારમાં ખીલી ઉઠે છે. ટપકતા પાણીના જથ્થાના પ્રમાણ, દીશા, તેમાં ઓગળેલા ક્ષારની જાત આવા વીવીધ કારણોને લઈને જાતજાતના અને ભાતભાતના આકારો ગુફાની છત પર, તળીયે અને બાજુની દીવાલો પર ઉભરવા માંડે છે. આ પ્રક્રીયા પણ હજારો વરસ ચાલતી રહે છે.

જુઓ આવી ગુફાઓના જાતજાતના શણગાર.

છતનો શણગાર

છતનો શણગાર

જીપ્સમ ફુલ

જીપ્સમ ફુલ

હેલેક્ટાઈટ

હેલેક્ટાઈટ

મોતી

મોતી

પડદા, ડ્રેપરી

પડદા, ડ્રેપરી

સ્ટેલેક્ટાઈડ

સ્ટેલેક્ટાઈડ

સ્ટેલેગ્માઈટ

સ્ટેલેગ્માઈટ

કોલમ, થાંભલો

કોલમ, થાંભલો

ક્યાંક પર્વતના એક કોરાણે આવી ગુફા ખુલતી હોય છે. ક્યાંક એ સાવ છુપાયેલી હોય છે; અને આકસ્મીક જ માણસના  ધ્યાન પર તે ચઢી શકે છે. ન્યુ મેક્સીકોની કાર્લ્સબાડ ગુફા, તેમાંથી બહાર ઉડીને આવતાં અસંખ્ય ચામાચીડીયાઓ   એક ભરવાડ(કાઉ બોય)ના છોકરાની નજરે   ચઢી જતાં શોધાઈ હતી. ટેક્સાસના જ્યોર્જ ટાઉન પાસેની ગુફા હાઈવે બનાવવાને આનુષંગીક, જમીન પરીક્ષણ માટેના બોર શારતાં મળી આવી હતી.

ભાગ -1

કાર્લ્સબાડ ગુફા, ન્યુ મેક્સીકો અંગે  વીશેષ માહીતી

જ્યોર્જ ટાઉન, ટેક્સાસ નજીક આવેલી, ઈનર સ્પેસ ગુફા અંગે વીશેષ માહીતી

Categories: વીજ્ઞાન · સુરેશ જાની
Tagged: