ગદ્યસુર

વૃક્ષ અને વેલી – એક અવલોકન

July 9, 2009 · 14 Comments

વસંત ઋતુની શરુઆત હતી. હું પાર્કમાં ચાલવા ગયો હતો. ચોમેર શીયાળાની ભુખ્ખડતાનું સ્થાન લીલીછમ  હરીયાળીએ લઈ લીધું હતું. એક વૃક્ષ પર નજર ઠરી. એના થડને વીંટળાયેલી વેલીના લીલાં છમ પાન પણ દેખીતા રુક્ષ થડને લીલું છમ બનાવી રહ્યાં હતાં.

હું નજીક ગયો અને જોયું તો વેલ થડને બાથ ભરીને વીંટળાયેલી હતી. મેં આ આલીંગનને તોડવા પ્રયત્ન કર્યો. પણ એ બહુ ગાઢ આશ્લેષ હતો! સખત પ્રયત્ન કરીને હું આમ કરવા સફળ થયો. પણ આ શું? ઠેકઠકાણે વેલીએ ઝાડના થડને વીંધીને, છેક અંદર સુધી મુળ ઘાલ્યાં હતાં –  અને તે પણ અનેક ઠેકાણે. વેલને વૃક્ષના રસમાંથી પોષણ મળતું હતું. એ તો સાવ પરોપજીવી હતી. મહામહેનતે પેદા કરેલા ઝાડના જીવનરસનો એ મફતીયા ઉપભોગ કરતી હતી.

મેં એ વેલને કાપી નાંખી.

ગઈકાલે  એક અઠવાડીયા બાદ ફરીથી હું એ જ વૃક્ષ પાસેથી પસાર થયો. સવારના દસ વાગે ગરમી લાગી રહી હતી. બરાબર મારી અમદાવાદી સવાર જેવી એ સવાર હતી! મને વેલ તોડી નાંખ્યાની વાત યાદ આવી ગઈ. મને એમ કે, ‘મુળથી ઉચ્છેદન પામેલી એ વેલ મૃતપ્રાય જ થઈ ગઈ હશે ને?’

અને મારા આશ્ચર્ય વચ્ચે, એ વેલ તો મઝાથી વીલસી રહી હતી. ઉલટાની વૃક્ષ ઉપર એ વધારે ઉંચે સુધી પહોંચી  ગઈ હતી. મેં જ્યાંથી એને કાપી હતી, તેની નજીકથી બે એક ઈંચ જેટલો છેડો ફરીથી કાપ્યો. એ મુળ સાવ સુક્કાં લાગ્યાં. વૃક્ષની સંસ્થીતીએ (સીસ્ટમ) પોતાની બધી તાકાત લગાવી , મારી જેમ જ વેલને મફતનું પોષણ મેળવતાં અટકાવવા, નીષ્ફળ પ્રયત્ન કર્યો હતો.  પણ દેખીતી રીતે, વેલનું પરોપજીવીપણું  એના ફેલાવાને રોકવાના વૃક્ષના કે મારા પ્રયત્નોથી વધારે તાકાતવાન હતું.

અને મન વીચારે ચઢી ગયું ..

માનવસમાજને ભરડો નાંખી, એનાં રસકસ ચુસી લેતી આવી તો કેટકેટલી વેલીઓ હાજરા હજુર હોય છે? પુર્વગ્રહો, ધીક્કાર, ક્રુરતા, સ્વલક્ષીતા, દુર્જનતા, વર્ગ વીગ્રહ, જાતી અને જ્ઞાતી ભેદ, ધાર્મીક અને વૈચારીક મત મતાંતરો, શારીરીક/ વૈચારીક/ આર્થીક હીંસા, અત્યાચાર, આતંકવાદ… ગણી ન ગણાય એટલી સામાજીક વીષવેલો… એને ગમે તેટલી ઉખાડો એમનું આક્રમણ તો જેમનું તેમ જ. એમાં મીનમેખ ફરક ન પડે. ભલે ને મહાન વીચારકો અને સંતો મથી મથીને મરી જાય. અનેક ઈસુઓ વધસ્થંભ  પર ખીલે ઠોકાતા રહે. આ વીષવેલનો તો  કોઈ અંત જ નહીં. ગમે  એટલા અવતાર ઉપરવાળો  ધારણ ન કરે, ‘શેઠની શીખામણ .. ઝાંપા સુધી’ જ રહેવાની?

એટલીજ આશાયેશ કે, જ્યાં સુધી મહેનત કરીને  જમીનમાંથી  છેક ટોચ સુધી પોષણ આપતું વૃક્ષનું જીવન તત્વ બળવાન છે; અરે ! નાનકડા ઘાસનાં તણખલાનું તત્વ પણ પૃથ્વી પરના જીવનને પોષણ આપવાનો શ્રમ કરી રહ્યું છે; જ્યાં સુધી પાયાનો છેવાડાનો માણસ  જીજીવીષા અને જીવન સંઘર્ષની લગોલગ પાયાનું પ્રદાન કરતો રહેશે; જ્યાં સુધી સમાજના મોભી જેવા ધીંગા સજ્જનો અને સન્નારી રત્નો અથાક પ્રયત્નોથી સમાજના પોતને સુરેખ રાખવા પ્રયત્નશીલ છે……

ત્યાં સુધી જીવનની સતતતા અક્ષુણ્ણ રહેવાની છે.

સલામ એ મુળને!  સલામ એ ઘાસના તણખલાને! સલામ એ પાયાના છેવાડાના અદના આદમીને! સલામ એ સમાજના મોભીઓને! સલામ એ માતૃત્વને! સલામ એ જીવનના પાયાના તત્વને !

Categories: અવલોકન · સુરેશ જાની