પાર્કના ટ્રેલની બાજુમાંથી એક નાનકડો ઝરો(ક્રીક) પસાર થાય છે. બન્ને વાંકાચુકા થતાં થતાં આગળ વધે છે. ક્યાંક ક્યાંક એકબીજાને ઓળંગે પણ છે. પણ એમની ગતીવીધી અને અવઢવમાં ફરક છે.
ઝરો કદી ઉંચે ચઢી શકતો નથી. એ લઘુત્તમ અવરોધના માર્ગ પર જ મુસાફરી કરી શકે છે. એ સતત નીચે જ સરકતો જાય છે. એને બંધ બાંધીને થોડોએક રોકી જરુર શકાય છે. અને તો એ એક નાનકડા તળાવમાં રુપાંતરીત થઈ શકે છે. આગળ જમીનનું ધોવાણ કરતાં એને અટકાવી શકાય છે. એના પાણીનો સીંચાઈ માટે ઉપયોગ કરી શકાય છે. ઝરામાં પ્રવાહની સાથે રહી વહેતા રહેવું એ બહુ સરળ કામ છે. ખાસ કોઈ પ્રયત્નની તેમાં જરુર નથી. જો કે, પ્રવાહની વીરુધ્ધ દીશામાં તરવું બહુ કઠણ હોય છે. પણ એમ તરીએ તો પાછા ઉંચા સ્થાને પહોંચી શકાય છે.
રસ્તો ઉપર નીચે જઈ શકે છે. એને ધાર્યા મુજબ બનાવી શકાય છે. એને વાળવો હોય તેમ વાળી શકાય છે. એ છેક પર્વતની ટોચ ઉપર પણ લઈ જઈ શકે છે. ઉંચે ચઢવું હોય તો રસ્તો પકડવો પડે છે. પણ ઉપર ચઢવા અથાક પ્રયત્ન કરવો પડે છે. જો કે સારી ડીઝાઈનનો મજબુત અને પહોળો રસ્તો બનાવ્યો હોય તો તેના પરથી વાહન ચલાવી કોઈ મુશ્કેલી વગર અને ઝડપથી મુસાફરી કરી શકાય છે.
સામ્પ્રત પ્રવાહની સાથે તરવું;
એનાથી વીરુધ્ધ દીશામાં તરીને ઉપર ચઢવું;
એના પ્રવાહને નાથીને સરસ મજાનું ઉપયોગી સરોવર બનાવવું;
પોતાનો રસ્તો બનાવી ઉર્ધ્વ પ્રયાણ કરવું;
કોઈના બનાવેલા હાઈવે પર ધમધમાવીને (!) ગાડી ચલાવવી;
રસ્તો હોય તો પણ ઉંચે ટોચ ઉપર નહીં પણ નીચે ને નીચે જ ઉતરતા જવું
અથવા
રસ્તો હોય કે ઝરો – ચાલવું કે તરવું જ નહીં અને જ્યાં હોઈએ ત્યાં જ સ્થગીત બનીને ઉભા રહેવું
- એ આપણે જાતે જ નક્કી કરવાનું હોય છે !