ગદ્યસુર

શોર્ટકટ – એક અવલોકન

July 27, 2009 · 9 Comments

આ અગાઉ લોન્ગ કટની વાત કરી હતી. આજે શોર્ટ કટનો વારો છે !

એ તો તરવરીયા તોખાર જેવા મારા દોહીત્ર સાથેની સફરની વાત હતી. પણ આ તો બેળે બેળે ચાલતા, ઘોડાગાડીના ગલઢા અડીયલ ટટ્ટુ જેવા આ ડોહાની વાત છે!

શોર્ટ કટ

શોર્ટ કટ

હમણાંનો જમણો ઢીંચણ કદીક આડો થાય છે! સહેજ ચાલું એટલે રાડ્યું પાડવા માંડે. પણ ચાલ્યા વગર તો કેમ ચાલે? ન ચાલું તો સાવ બેઠાડુ જ થઈ જાઉં ને?એટલે દરરોજ થોડું થોડું ચાલવાનો મહાવરો રાખ્યો છે. તે દીવસે પાર્કમાં ચાલવા ગયો. ગાડી પાર્ક કરી આગળના રસ્તે જવા નીકળ્યો. પણ બાજુમાં જ સુકા વહેળાની પાર સરસ લીલું મઝાનું ઘાસ હતું. નીચે ઉતરી, થોડુંક કષ્ટ વેઠી ચાલું તો ખાસું અંતર ઓછું થઈ જાય તેમ હતું.

સાચવી સાચવીને કાચા ઢાળ પરથી વહેળામાં ઉતર્યો. અને બીજી પાર થોડુંક વધારે કષ્ટ   લઈ ચઢી પણ ગયો. ઘાસ વટાવી પાછો મુળ રસ્તે ચઢી ગયો. પગમાં જોડા નહીં પણ ચંપલ પહેરેલાં હતાં , એટલે લપસી જતાં પણ બચ્યો – ખાસ તો ઉપર ચઢતી વખતે.

સૌને શોર્ટ કટ શોધવા ગમે છે – અને લાંબા રસ્તા ટાળવાનું પણ.  મારા જેવી તકલીફવાળાને તો ખાસ. પણ એવા સરળ રસ્તાનાં પોતાનાં જોખમો હોય છે. ક્યાંક ગબડી પડવાની, લપસી જવાની, ઘવાવાની, કાયદાનું ઉલ્લંઘન થવાની, અનૈતીકતાની, હાસ્યાસ્પદ થવાની શક્યતા હોય છે.   બધા ચાલતા હોય તેવો, લાંબો રાજમાર્ગ સહી સલામત હોય છે. ક્યાંક તો શોર્ટ કટ ન જ લઈ શકાય. ક્યાંક એનાથી ઘણી તકલીફો બચી પણ જાય છે.

ક્યાંક સરળ રસ્તા લાભ કરી આપે છે અને ક્યાંક લાંબા ગાળાનું નુકશાન પણ!

શોર્ટ કટ લેવો કે લોન્ગ કટ, એ પોતપોતાની આવડત, ચીત્તવૃત્તી અને  જોખમો વહોરવાની કાબેલીયત પર આધાર રાખતું હોય છે!

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged: