વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
ચાર દીવસ પછી સવારના પહોરમાં …..
કાળુનો સાથી સફાળો દોડતો ગોવાના વાડામાં પ્રવેશ્યો. “ભાગી ગયા … ભાગી ગયા..” ચઢેલા શ્વાસે તે માંડ માંડ બોલી શક્યો.
બીજા હુમલામાં ખાનના આક્રમણને બુરી રીતે પરાસ્ત કરવા છતાં, ગોવાને નદીકીનારો સાવ રેઢો મુકવાનું યોગ્ય લાગ્યું ન હતું. આથી દુરંદેશી વાપરી, બે માણસોને તેણે દીવસ રાત, સામે કીનારે ચાલી રહેલી હીલચાલની ઉપર સતત નજર રાખવા રોક્યા હતા. દીવસની ચોકી પતે ત્યારે નવા બે જણ નદીકીનારે આવી જતા. પણ આ ચાર દીવસ સામે કાંઠે ભેદી નીષ્ક્રીયતા વર્તાતી હતી. નવા કોઈ તરાપા બનાવવામાં આવ્યા હોય, તો પણ તે નદીકીનારે લવાયા ન હતા. દેખીતી રીતે મોરચો ઠંડો પડી ગયો જણાતો હતો.
તે દીવસે સવારે કાળુ અને બીજો જણ આ રીતે ચોકી કરતા હતા; ત્યારે કાળુએ તેના સાથીને આ ખબર આપવા દોડાવ્યો હતો. આ ખબર જાણી બધા નદીકીનારે દોડી ગયા.
અને સાચે સાચ સામેનું માનવ કીડીયારું જે રસ્તે આવ્યું હતું, તે રસ્તે નદીના કીનારે કીનારે પાછું જઈ રહેલું દેખાયું. દેખીતી રીતે ખાને પીછેહઠ કરવાનો નીર્ણય લીધો હોય તેમ જણાતું હતું. ગોવા અને તેના સાથીઓ, સ્ત્રીઓ અને બાળકો આ નવતર ઘટના જાણીને હર્ષોલ્લાસમાં આવી ગયા. ભય હવે દુર થયેલો જણાતો હતો. લાખો તો ઢોલ વગાડી નાચવા લાગ્યો.
પણ ગોવાના મનમાં હજી ચેન ન હતું. તેણે કહ્યું ,” આપણે બે બંદીઓ પાસેથી મળેલી માહીતીને ભુલવી ન જોઈએ. ખાન પાસે હજુ તો ઝડપથી દોડતા નવતર પ્રાણીઓ પર સવાર થયેલી સેના અકબંધ છે; જે હજુ સુધી આપણે જોઈ જ નથી. આટલી બધી તાકાત હોવા છતાં ખાન ખાલી હાથે પાછો જાય , તે મારા મનમાં બેસતું નથી. જરુર આમાં તેની કોઈ ચાલ હોવી જોઈએ.”
વીહા અને પાંચાએ આમાં સાદ પુરાવ્યો.
પાંચો કહે ,” ગોવા , આપણે એમ કરીએ. બે જણ આપણી બાજુએ નદીના કીનારે કીનારે આ સેના શું કરે છે; તે જાણવા તેમની ઉપર નજર રાખતા રહે; અને કાંઈ ભયજનક લાગે તો એક જણ આવીને આપણને ખબર આપી જાય. “
બધાએ સમ્મતીમાં ડોકાં ધુણાવ્યાં. લાખો અને બીજો એક જણ આ કામ માટે તૈયાર થઈ ગયા; અને નદીકીનારે ખાનની સેનાની સાથે સાથે ચાલવા માંડ્યા.
કલાકેક પસાર થયો અને મોટા ભાગની સેના સામેથી અદ્રશ્ય થઈ ગઈ. માંડ પચાસેક માણસો જ હવે સામે કીનારે રહ્યા હતા. ખાને નવા તરાપા બનાવ્યા હોય તેમ જણાતું ન હતું. દેખીતી રીતે ત્રીજો હુમલો થવાના કોઈ ચીહ્ન જણાતાં ન હતાં. જોગમાયાના સતે મેદાનવાસીઓને મદદ કરી હતી. હવે શાંતીથી જીવન પુર્વવત બની જશે તેવી આશા બંધાઈ હતી.
વળી આ ચાર દીવસમાં ધીમે ધીમે, સરવરીયા ગામ અને બીજા ત્રણ ચાર નેસમાંથી વધારાની મદદ પણ આવી પહોંચી હતી. ઘુમતા ફરતા ડફેર લોકોમાંથી પણ થોડાક, ગોવાને મદદ કરવા આવી પહોંચ્યા હતા. ગોવાના સાથીઓની બે અદભુત જીતના સમાચાર બધે પહોંચી ગયા હતા. આ સમાચાર જાણી, ગોવાના મનમાં ઉપજેલો અવીશ્વાસ દુર કરવાનું એમને મુનાસીબ લાગ્યું હતું. ગોવાની પ્રતીષ્ઠામાં વધારો થયો હતો. હવે ગોવા પાસે પચાસેક માણસો ભેગા થયા હતા.
તાબડતોબ આ નવી કુમકને ધનુષ બાણ ચલાવવાની તાલીમ આપવાનું કામ પાંચાએ હાથમાં લીધું હતું. રુપલી અને બીજી સ્ત્રીઓએ એમને જરુરી નવાં હથીયારો બનાવવાનું કામ ઝડપથી આટોપવા માંડ્યું. બધાંને માટે વાંસની સોટીઓનાં બખ્તર અને શીરસ્ત્રાણ પણ બની રહ્યાં હતાં. વીજયના કેફે ગોવાના નેસને પ્રમાદી બનાવ્યો ન હતો. કોઈ પણ નવા આક્રમણને પહોંચી વળવા બધા એકસુરે, એકતાલે કામગરા બન્યા હતા. નવા આવનારાઓ મોડા પડ્યાની ભોંઠપ દુર કરવા બમણો ઉત્સાહ પ્રદર્શીત કરી રહ્યા હતા.
પણ ટોળાંથી સ્વભાવવશ દુર રહેતો વીહો કોઈક જુદા જ અણસાર અનુભવી રહ્યો હતો. પહેલા હુમલા પછીની રાતમાં એને મળેલ ભવીષ્ય દર્શનને એ વીસરી શકે તેમ ન હતું. બે બંદીઓ ઉપર હવે સતત ચોકી રાખવામાં આવતી હતી; અને આ ચાર દીવસમાં એમની પાસેથી તેણે બેળે બેળે ઘણી માહીતી મેળવી હતી. ખાનના પ્રદેશની લાક્ષણીકતા, એમના રીવાજો, એમની રહેણી કરણી, આદતો, ધાર્મીક માન્યતાઓ, એ બધાં વીશે એને આછો આછો ખ્યાલ આવવા માંડ્યો હતો. એ લોકોનાં શીથીલ ચારીત્ર્ય સ્ત્રીઓ માટે બહુ મોટો ભય નીવડે તેમ વીહાને ખબર પડી ગઈ. એના જાતભાઈ બહેનો માટે આ નવતર વીદેશીઓ બહુ ભયંકર ખતરા રુપ નીવડી શકે તેમ જણાતું હતું. ઘોડા નામના અત્યંત ઝડપથી દોડી શકતા જાનવર પર એ લોકો સવાર થઈ શકતા હશે; અને પગપાળા ચાલનાર કરતાં ઘણી ઝડપે અંતર કાપી શકતા હશે; એ વાત નીશ્ચીત જણાતી હતી. જો એ ઝડપી સેના નદી પાર કરી આ બાજુ આવી જાય તો કોઈ સંજોગોમાં ગોવાના આ પચાસ જણ તો શું; પણ બધી વસ્તી ભેગી થઈ જાય તો પણ ખાનની જીત નક્કી હતી.
ફરી વીહાએ ઉંડો નીસાસો મુક્યો અને જોગમાયાને અંતરથી અરજ કરી કે, વસ્તીમાં પ્રવર્તમાન ઉત્સાહ અને હર્ષ ટકેલાં રહે; અને લાખો એવા સમાચાર સાથે પાછો ફરે કે, ખાને ખરેખર પીછેહઠ કરી છે.
