ગદ્યસુર

Entries from November 2009

પત્તાંની ચાલ- એક અવલોકન

November 26, 2009 · 12 Comments

પત્તાંની ચાલ અને ‘ ગદ્યસુર’ ઉપર?

મારી કે તમારી ભુલ?

ના.

ઈમેલ દ્વારા એક સદેશો મળ્યો. આશ્ચર્યથી ચોંકી જઈએ તેવો.

એક પત્તું ધારો

આ છ પત્તામાંથી એક પત્તું ધારો .

ધારી લીધું ?

લો એને ગુમ કરી દઉં છું. .

-

-

-

-

-

-

-

-

-

-

-

-

લો ! તમારું પત્તું તો ગયું ને?

છે ને મહાન?

ગમે તેટલી વાર અને ગમે તે પતું અને કોઈ પણ વ્યક્તી ન હોય; પત્તું ગુમ કરી જ દઉં.હુડીની પાસેથી ગયા જન્મમાં શીખ્યો હતો! અને કે.લાલ. મારા ક્લાસ ભરતા હતા !

ડીંગ મારું છું ને?

હા! ડીંગ જ મારું છું.

કારણકે,

આમાં કોઈ જાદુ છે જ નહીં. નકરી બનાવટ છે – ચાલાક છેતરપીંડી.

વાત જાણે એમ છે કે,

ધ્યાનથી જોશો તો, પહેલી જોડમાંના છ માંથી એક પણ પત્તું નીચેની જોડમાં હાજર નથી. એ પાંચેય પત્તાં જુદાં છે! પણ એ એવી ચાલાકીથી વીણી વીણીને અહીં મુક્યા છે કે, તમને અદ્દલ ઓલ્યા છ જેવાં જ લાગે !

કેમ બરાબર બનાવી દીધા ને?

————–

તમે કહેશો કે, શીર્ષકમાં અવલોકન ઉમેર્યું છે; એનું શું કારણ?

તો એ સમજી લો કે, મોટે ભાગે આપણે આપણી પોતાની રીતે જ, એકપક્ષી રીતે વીચારવા જ ટેવાયેલા છીએ.આપણે માત્ર આપણું પત્તું જ જોઈએ છીએ! સમગ્રતયા અવલોકન કરવા આપણે ટેવાયેલા નથી.

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

પ્રકરણ – 48 વીકરાળ કાળ

November 25, 2009 · Leave a Comment

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

ઘોડેસવાર સેનાના ત્રણ નાયકો અને સો સૈનીકોએ જયઘોષથી ખાન અને તેના કાફલાને વધાવી લીધો. ઘોડાઓ અને તેમના સવાર સવારની ગુલાબી ઠંડીમાં તરવરાટથી થનગનતા હતા. નવી ભોમકામાં નવા પરાક્રમો કરવા સૌ કૃતનીશ્ચય હતા.

ખાને તેમને સંબોધન કરતાં ઉંચા અને પહાડી અવાજે કહ્યું,” સાથીઓ! તમને જાણીને આનંદ થશે કે, નદીપારના મેદાનોના મુખ્ય અને વ્યુહાત્મક સ્થાન પર આપણે કબજો જમાવી લીધો છે. આપણી પગપાળા સૈનીકોની સેના ત્યાં તમારી વાટ જોઇ રહી છે. નજર પણ ના પહોંચે ત્યાં સુધી લીલોતરીથી છવાયેલા  આ સમસ્ત પ્રદેશને આપણા સામ્રાજ્યમાં ભેળવવા એ તમારું કામ છે. ઘોડેસ્વાર સેના જ એ કરી શકે.”

સૌએ પ્રચંડ નીનાદથી ખાનના આ વક્તવ્યને વધાવી લીધું.

ખાને ઉમેર્યું,” આ પ્રદેશને મારી સત્તા નીચે આણવાની સાથે સાથે એ જરુરી બને છે કે, અહીંની જનતા પ્રેમથી મારા શાસનને સ્વીકારે અને આપણી સાથે દુધમાં પાણીની જેમ ભળી જાય. આ ધ્યેય હાંસલ કરવા મેં બે સધીયારા જીતેલા સ્થાનકના રહેવાસીઓને આપ્યા છે. પહેલું એ કે, તેઓ જેની ઉપાસના કરે છે તે, જોગમાયાને હું પરમ શક્તી તરીકે માન આપું છું.”

બધાએ ‘ જોગમાયાની જય! “ ના પોકાર કર્યા.

વળી ખાને ઉમેર્યું,” બીજું એ કે, અહીંની જનતા પર, ખાસ કરીને સ્ત્રીઓ પર કોઈ અત્યાચાર આપણો કોઈ સૈનીક નહીં કરે.”

આ વાત સાંભળી સેનામાં સોપો પડી  ગયો. મહીનાઓથી વીષય વાસનાથી પીડાતા, યુવાનીના મદમાં મદહોશ, હણહણતા તોખાર જેવા જાલીમો માટે આ ન ગળી શકાય તેવો ઘુંટડો હતો. પણ ખાનની ઈચ્છા વીરુધ્ધ કરવાની કોઈની તાકાત ન હતી. ત્રણ સરદારોએ કહ્યું,” અમે જરુર એ વાતનું ધ્યાન રાખીશું.’

ખાન સ્વદેશ પહોંચવાંની  ઉતાવળમાં હતો. તેણે સૌને સફળ થવાની શુભેચ્છા પાઠવી. તેની સાથેના કાફલાના દરેક જણને ઘોડાઓ ફાળવવામાં આવ્યા. ગોવા અને પાંચાને ઘોડેસવારીની કળા આવડતી ન હતી. છતાં તેઓ ભાગી ન જાય તે માટે તેમને દોરડા વડે ઘોડા સાથે બાંધી દેવામાં આવ્યા અને તેમના ઘોડાઓને દોરવાનું અને તેમની ઉપર ચોકી કરવાનું કામ ચાર સૈનીકોને સોંપવામાં આવ્યું. છેવટે ઘાટના નવા રસ્તા પર ઘોડાઓ પર ખાનના કાફલાએ , ઓતરાદી દીશામાં પ્રયાણ શરુ કર્યું.

ખાન અને તેનો કાફલો નજરથી દુર થયો કે તરત જ, મોટા તરાપાઓ નદીમાં લાંગરવામાં આવ્યા અને ઘોડા ભડકી ન જાય તેની અગમચેતી વાપરીને, સાંજ સુધીમાં સેનાએ નદી પાર કરી દીધી. હવે ઘાટ અને પર્વતાળ પ્રદેશની કોઈ મર્યાદાઓ તેમને નડવાની ન હતી. ચારે તરફ ફેલાયેલી, લીલુડી ધરતી બીન રોકટોક, ઘોડાઓના ડાબલાઓ તળે રગદોળાવાની હતી.

નદીકીનારે રાતવાસો કરીને બીજા દીવસની સવારે, આખોય પ્રદેશ ઘોડાઓના ડાબલાથી ગાજી ઉઠ્યો. ખાનની આ અવીજેય સેના એક પછી એક નેસને ધમરોળતી આગળ વધવા માંડી.  દસ દસ ઘોડેસવારોની ટુકડીઓમાં વહેંચાઈ નેસ સર થતા ગયા. કોઈ રહેવાસીમાં આમનો પ્રતીકાર  કરવાની તાકાત કે નેતૃત્વશક્તી ન હતાં. એક પછી એક નેસ તેમની બેડી નીચે કચડાતા ગયા. જે શરણે આવ્યા , તેમને નીશસ્ત્ર કરી દાસતાની બેડીઓમાં જકડી દેવામાં આવ્યા. નેસના અબલખ સંખ્યામાં પાલતુ પ્રાણીઓને જોઈ શીકારની આ કોઈ હરકત વીનાની સવલતથી સૌ હેરત પામી ગયા. જે કોઈ સ્થાનીક રહેવાસીએ સામે થવાની હીમ્મત કરી તેમને ઘોડાના પુંછડા સાથે બાંધી,  પુરપાટ વેગે ઘસેડી, નીર્દય રીતે મરણ શરણ કરવામાં આવ્યા.

ખાનના દુર થયા બાદ, તેની  સુચના કે આદેશ પાળવાની કોઈને જરુર ન જણાઈ. દીવસ રાત જોયા વીના જે કોઈ સ્ત્રી કે છોકરી હાથમાં આવી, તેની સાથે સામુહીક બળાત્કાર કરાતા રહ્યા. આ પાશવી અત્યાચાર રોકનાર કોઈ હાજર ન હતું. એક અઠવાડીયા સુધી આ હત્યાકાંડ અને બળાત્કારો નીર્મમ  રીતે જારી રહ્યા. ખાનની શરમ જેમને હજુ નડતી હતી, તેવા જગ્ગાના થોડાક સાથીઓ જગ્ગાને જઈને મળ્યા અને આ અત્યાચારની  તેને જાણ કરી.

ઘોડાઓ હાથમાં આવતાં જગ્ગાએ આ વીજય અને હવસના કેફમાં ચુર આખલાઓને નીયંત્રણમાં લેવાની કપરી કામગીરી હાથમાં લીધી. પણ તે સફળ થાય ત્યાં સુધીમાં તો હાથીઓના પ્રદેશ વાળી મોટી નદીના તટ સુધીના બધાયે નેસોમાં સર્વનાશ અને તબાહી રાતના અંધકારની જેમ ફરી વળ્યાં. સર્વત્ર કાળો કેર વર્તાઈ ગયો.  આખાયે મલકના જોરાવર ગણી શકાય તેવા મરદોની લોહી લુહાણ કાયાઓ ધુળમાં રગદોળાઈ હાડકાં અને માંસની લોથો બની ચુકી. કાગડા, સમડી અને ગીધોનાં ટોળે ટોળાં આ તૈયાર ખોરાક આરોગવા ઉમટી પડ્યા. સૌ નીર્માલ્ય મેદાનવાસીઓ જીવનપર્યન્ત ગુલામીની બેડીઓમાં જકડાઈ ગયા. આખાયે પ્રદેશની એકે એક સ્ત્રી દુખ અને યાતનામાં કણસતી, મીશ્ર પ્રજાના ઓધાન  પોતાના પેટમાં ઉછેરી રહી.

સ્ત્રી સન્માન હવે ભુતકાળની બાબત બની ચુકી હતી. સ્ત્રી માત્ર હવે હવસ સંતોષવા માટેની હાડમાંસની પુતળીઓ બની ચુકી હતી. હવે તે અબળા તરીકે જ ઓળખાવાની હતી. તેના દેહના હવે સોદા થવાના હતા. ઢોર ઢાંખરની અવેજીમાં હવે તે વેચાવાની હતી. સંસ્કૃતીની આ વીજયકુચમાં જંગાલીયત, ક્રુરતા, દુષ્ટતા અને ‘બળીયાના બે ભાગ‘ ની નીતી જ આખરી બની જવાનાં હતાં.

જગ્ગો અને ભુલો એકલા હાથે આ ઘોડાપુરને રોકવા અસમર્થ રહેવાના હતા. ખાનની ન્યાયપ્રીયતા અને રાજકીય કૌશલ્ય ઘોડાની ઝડપે ઓતરાદા પ્રદેશ તરફ ભાગી રહી હતી. આ હત્યાકાંડ અને ઘોર દમનની તેને કશી ખબર પડી શકે તેમ ન હતું.

એકાદ મહીના પહેલાં અંધારી રાતે વીહાએ ભાખેલું અને પોતાના જ મનમાં ભંડારી રાખેલી દારુણ વ્યથાઓનું કુસ્વપ્ન એક ભયંકર અને પાછી ન વાળી શકાય તેવી વાસ્તવીકતામાં પરીવર્તન પામ્યું હતું. કાળા ઘનઘોર વાદળની સોનેરી કોર જેવી એક જ આશા બાકી રહી હતી કે, આ દુર્દશા જોવા વીહો કે તેના કોઈ અંતરંગ સાથી હાજર ન હતા ; અને ભવીષ્ય માટેની એક માત્ર આશાની કુંપળ જેવો કાનો હાથીઓના પ્રદેશથી પણ ઘણે દુર સાક્ષાત સ્વર્ગ જેવા પ્રદેશમાં ઉછરતો કીલ્લોલ કરી રહ્યો હતો.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

પાનખર – 3

November 23, 2009 · 9 Comments

અમે અરકનસાસના જંગલોની વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ. નેચર સ્ટેટ તરીકે ઓળખાતા આ રાજ્યની પર્વતાળ ભુમીનું સૌંદર્ય ઉડીને આંખે વળગે તેવું છે. પણ અમે તો ખાસ અહીંનો ફોલ માણવા આવ્યા છીએ. ફોલ એટલે ધોધ નહીં; પણ પાનખર માટેનો અમેરીકન શબ્દ.

વધી રહેલી ઠંડીની સાથે, ખરતાં પહેલાં પાંદડાં એમનો રંગ બદલી રહ્યાં છે. આછો, મધ્યમ કે ઘેરો પીળો; એમજ કેસરી, લાલ અને કીરમજી. અને હજી રંગ ન બદલાયા, કે ન બદલાવાના હોય તેવા પાંદડાઓના લીલા રંગો પણ ખરા જ. પ્રકૃતીએ ઠરીને ઠીંકરું થઈ જતાં પહેલાં રંગબેરંગી વાઘા સજ્યા છે. આ રંગવૈભવ માણવા, દુર દુર દક્ષીણના રાજ્યોમાંથી અમારા જેવા પ્રવાસીઓ ઉમટી પડે છે.

અમે થોડાક મોડા જરુર છીએ. ઓક્ટોબરમાં આવ્યા હોત તો પુરો લ્હાવો માણી શક્યા હોત. અથવા વધારે ઉત્તરમાં ગયા હોત તો પાનખરનો પુરો સાજ સજાવેલો નીહાળવા મળ્યો હોત. પણ અહીંનું ચીત્ર પણ અમને મંત્રમુગ્ધ કરી નાંખે તેવું આકર્ષક છે. ફુલગુલાબી, ખુશનુમા ઠંડી આ રંગવૈભવને વધારે આહલાદક બનાવે છે.

પણ રંગીન પાંદડાં શ્રુંગારનું નહીં પણ શોકનું ગીત ગાય છે. એ મરણના વૈભવને, મૃત્યુની ગરીમાને ઉજાગર કરે છે.

અને અવલોકન પ્રેમી મન વીચારે ચઢી જાય છે -

બધાં મરણ આટલાં ઉલ્લાસપ્રેરક હોય તો?

હમણાં જ એક સંબંધીના દાદાના  અવસાનના સમાચાર જાણવા મળ્યા. 87 વર્ષની ઉમ્મરે, બનાવટી નહીં પણ કુદરતી દાંતથી જમ્યા બાદ, સવારે ઉપર ઉપરથી વાચેલા  છાપાંનું  વીગતે અધ્યયન કરીને વામકુક્ષી માટે સુતા હતા; તે ઉઠ્યા જ નહીં.  મોટા પ્રવાસે ઉપડી ગયા. વારસોને કોઈ ધાર્મીક વીધી નહીં કરવાની અને મરણ  બાદ, દેહદાન કરવાની સુચના તો ક્યારનીય આપી રાખેલી હતી.

ગરીમા સભર વીદાય.

પાનખરનો રંગવૈભવ …

મરણનો  ઉજાસ …

————————————–

પાનખર – 1 :  પાનખર – 2


Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

પ્રકરણ – 47 ગોવાનો વીષાદ

November 21, 2009 · 1 Comment

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

ઘમસાણ યુધ્ધ પછીના ત્રીજા દીવસની સવાર પડી. ખાન, ગોવો, પાંચો અને પચાસ સૈનીકોએ ગોવાના નેસમાંથી પ્રસ્થાન શરુ કર્યું.

ત્રસ્ત મને ગોવો વીચારી રહ્યો હતો.

વીહો અને લોકલાડીલી રુપલી જોજનો દુર હતાં. કાળુ અને લાખો કાળભૈરવના સપાટામાં કામ આવી ગયા હતા. પોતે અને પાંચો સ્વદેશથી હમ્મેશ માટે, બહુ દુર વીદાય થઈ રહ્યા હતા. બીજો કોઈ સ્થાનીક રહેવાસી બાકીની વસ્તીને નેતાગીરી અને દોરવણી આપી શકે તેમ ન હતું. સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર નહીં કરવાની ખાને ખાતરી આપી હતી. જોગમાયાની પુજાને તેણે આદર આપી માન્ય રાખી હતી. હવે વસ્તી પર ખાનના સુબાનો અંકુશ જડબેસલાક અને અફર રીતે સ્થાપી દેવામાં આવ્યો હતો. ખાનની અજીબોગરીબ દુરંદેશીતા અને રાજકીય કુશળતાનો તે કડવા મનથી અહેસાસ કરી રહ્યો.

ગોવો અને પાંચો આ પદયાત્રામાં ખાનની પડખે જ હતા. તેમની પાસે કોઈ શસ્ત્ર ન હતું. ઉપરાંત ચાર સૈનીકો ભાલા અને  તીરકામઠાં તૈયાર રાખીને આ ત્રણની આજુબાજુ, ચાંપતી નજર સાથે ચાલી રહ્યા હતા. ગોવો અને પાંચો કોઈ સંજોગોમાં ખાનને ઈજા પમાડી શકે અથવા ભાગી શકે તે અશક્ય હતું.

ગોવાએ ઈશારાથી ખાનને જણાવ્યું કે, તે સ્વદેશ છોડતાં પહેલાં જોગમાયાની ગુફાએ છેલ્લીવાર જવા માંગે છે. ખાને સમ્મતીમાં ડોકું ધુણાવ્યું. નદી ઓળંગીને આખી પલટને પર્વત પર આવેલી  જોગમાયાની ગુફા તરફ પ્રયાણ શરુ કર્યું. બપોર સુધીમાં તો બધા ત્યાં પહોંચી ગયા. થોડીક વાર જોમાયાના આદરમાં નમન કરી ખાન ગુફાની બહાર આવી ગયો. હવે ગુફાની અંદર માત્ર ગોવો અને પાંચો જ રહ્યા.

અને ગોવો મનનો બધો ઉભરો કાઢી, માતા આગળ છાતીફાટ રડવા લાગ્યો. તેની જીંદગીનો આ કરુણમાં કરુણ અવસર હતો. એના મનનો સંતાપ ન જીરવી શકાય તે રીતે ઉભરાઈ રહ્યો હતો. તેના આખાય આયખાની ઉપલબ્ધી એળે ગઈ હતી.

આ કાળમુખી ઘડી માટે માતાએ તેને વીશીષ્ઠ શક્તી આપી હતી? આ માટે તેણે નદી ઓળંગી હતી? આ માટે તે તરતાં શીખ્યો હતો? આ માટે તેણે નદીપારની વસાહત સ્થાપી હતી અને વહાલાં કોતરવાસીઓનાં જીવન સુખ અને સમૃધ્ધીથી ભરી દીધાં હતાં? અત્યાર સુધી કેવી સભર અને સક્રીય જીંદગી તેણે  સ્વમાન ભેર  ગુજારી હતી? આખી જીંદગીની યાદગાર ઘટનાઓ ગોવાના અંતરચક્ષુ આગળ કાફલાની જેમ પસાર થઈ ગઈ.

પાંચા સીવાય કોઈ મીત્ર કે સ્વજન તેની સાથે રહ્યાં ન હતાં. તેને પ્રાણપ્રીય રુપલી અને વ્હાલસોયો કાનો ફરી કદી તેને જોવા મળવાનાં ન હતાં. તે સાવ એકલો અને અટુલો પડી ગયો હતો. તે હવે પોતાની જીવન સફરનો સ્વામી ન હતો. તે ખાનનો દાસ , આશ્રીત બની ગયો હતો. મહાન ગોવો એક પરદેશીનો ગુલામ બની ગયો હતો.

કડવા ઝેર જેવા થુંકને ગોવો ગળી રહ્યો. મન ખાટું થઈ ગયું. માતાની મ્લાન સુરત અને નીસ્તેજ આંખો ગોવાને કશોય સંદેશ આપવા સક્ષમ રહ્યાં ન હતાં. કોઈ પ્રેરણા કે ભવીષ્યના કાર્ય  માટેનો સંકેત આપવા આ ગુફા હવે  અસમર્થ હતી. અને આના સીવાય બીજું કયું પ્રેરણાસ્થાન ગોવા માટે હતું? ગોવો ન ભરી શકાય તેવા ખાલીપાના ઉંડા કુવાના ગર્તામાં પોતાની જાતને ડુબતી અનુભવી રહ્યો. એ કાળા ડીબાંગ તલાતલમાં તેનો કોઈ સહારો ન હતો – જોગમાયા પણ નહીં.

પાંચાએ ગોવાના ખભા પર હાથ મુક્યો. પણ એ હાથમાં હવે કોઈ કૌવત ન હતું; કોઈ આશાયેશ ન હતી. કોઈ સધીયારો ન હતો. બન્ને જીગરી મીત્રો એકમેકને ભેટીને ચોધાર આસુએ  રડવા લાગ્યા – અસહાય, અશક્ત, દરીદ્ર, ઉપેક્ષીત, ગુલામ.

એમની આ શોકમગ્ન અવસ્થા કેટલાય વખત સુધી ચાલતી રહી; તેનો કશો ખયાલ એ બે દુખીયારાંને ન રહ્યો. ખાન ફરીથી ગુફામાં પ્રવેશ્યો. તેની સમજુ નજર આ બેનાં પારાવાર દુખને પારખી ન શકે તેવી જડ ન હતી. પણ તેની રાજનીતીમાં આ બેના દુખનો કોઈ ઈલાજ સંભવીત ન હતો. તેણે સહાનુભુતીમાં ગોવાના ચહેરા પર નજર માંડી અને ગોવાના બરડા પર હાથ ફેરવ્યો. એમાં શાસકનો ઉપહાસ ન હતો : એક નવી મીત્રતાનું ઈજન હતું.

ત્રણે જણ ભારે પગલે ગુફાની બહાર આવ્યા. પર્વત ઉતરીને કાફલો નદીકીનારે નીચેની  તરફ આગળ વધ્યો.

નદીકીનારે રાતવાસો કરી, બે દીવસે બધા પર્વતમાળાના ઘાટ આગળ આવી પહોંચ્યા. ખાનની આંખો તેની ઘોડેસ્વાર સેનાને સમેસુતર નદીકીનારે આવી પહોંચેલી જોઈ, નવી ખુશીમાં નાચી ઉઠી. ઘાટનો રસ્તો હવે તૈયાર હતો. અગણીત કાફલાઓની  આવન જાવન માટે નવો અને સરળ રસ્તો થનગનાટ કરી રહ્યો હતો. ભવીષ્યમાં મેદાનો પર ત્રાટકનાર અગણીત સેનાઓને નવો માર્ગ આમંત્રણ પાઠવી રહ્યો હતો.

પણ શોક સમાધીમાં નીર્ગત બની, છેક ઉંડે ડુબેલા ગોવા અને પાંચાને હવે કોઈ નવી યાતનાઓ વધારે ઉંડે ડુબાડી શકે તેમ ન હતાં.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

બહુરુપી શ્યામપ્રસાદ – એક અવલોકન

November 20, 2009 · 10 Comments

leaves

શ્યામપ્રસાદનો રંગ વૈભવ

હું વનસ્પતીશાસ્ત્રી નથી. તે વીજ્ઞાનનું મને કશુંય જ્ઞાન નથી.

પણ નવેમ્બરની આ 19 તારીખે, જ્યારે ઠંડીમાં થરથરતા મોટાં ભાગનાં વૃક્ષો અને છોડ પાંદડાં વીખેરી દે છે ત્યારે; દુરથી કાળાશ પડતો દેખાતો, એક છોડ મારી નજરે ચડ્યો.

એનું નામ મેં આપ્યું બહુરુપી ‘શ્યામ પ્રસાદ’

કારણકે, દુરથી કાળા જણાતા એ છોડના પાંદડાંનો રંગ વૈભવ મુગ્ધ કરી દે તેવો લાગ્યો. ઉપર દેખાય છે; તેવાં જાતજાતના રંગોમાં એણે પોતાનાં પાંદડાં  સજાવેલાં હતાં. અને નાનાં અમથાં, ગુલાબી રંગના ફુલ પણ.

કેમ કેવો લાગ્યો – બહુરુપી શ્યામપ્રસાદનો રંગ વૈભવ?

——————————————

આ અવલોકનનો સાર વાચક પર છોડું છું !!

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

પ્રકરણ – 46 ખાનની વીજયસભા

November 18, 2009 · 2 Comments

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

બીજા દીવસની સવાર…

ગોવાના નેસમાં એક નાનકડું મેદાન હતું, જ્યાં સામાજીક પ્રસંગો ઉજવાતા. આખું મેદાન હકડેઠઠ ભરેલું હતું. વચ્ચે સ્થાનીક, બંદીવાન વસ્તી ઉભેલી હતી અને તેમની ત્રણ બાજુએ ખાનની સેનાના સૈનીકો કીલ્લેબંધી કરીને ખડા હતા. સામે ઝાડના થડોનો ખડકલો કરીને, રાતોરાત એક મંચ બનાવવામાં આવ્યો હતો. મંચને હરણના ચામડાંથી મઢી દીધો હતો. એની આજુબાજુ ઝાડનાં થડ ઉભા કરી, થાંભલા બનાવ્યા હતા. દરેક થાંભલા પર મોતી, ચમકતા પથ્થર, પક્ષીઓનાં પીંછાં અને જનાવરોનાં હાડકાંની પાંસળીઓ  લટકાવી સુશોભન કરવામાં આવ્યાં હતાં. વચ્ચે વાઘનાં ચામડાં બીછાવી, ખાન અને તેના સરદારો માટે આસન તૈયાર કર્યાં હતાં.

આવો અને આટલો વૈભવ અને રુઆબ, ગોવાના નેસે કદી ભાળ્યાં ન હતાં. બધા સ્થાનીક રહેવાસીઓ ફાટેલી આંખે આ નવો નજારો નીહાળી રહ્યા હતા. તેમના સામાજીક અને  ધાર્મીક પ્રસંગોએ કદી આટલો ભપકો થતો ન હતો.  ખાનના બે ત્રણ સૈનીકો ઢોલ અને વાંસની શરણાઈ વગાડી, કોઈ નવા જ તાલનું સંગીત ફેલાવી રહ્યા હતા. આ સંગીતના તાલે દસ બાર સૈનીકો અવનવી અંગભંગી સાથે નૃત્ય કરી રહ્યા હતા. બીજા વીસેક સૈનીકો કાળા બખ્તર અને શીરસ્ત્રાણ પહેરી ખડે પગે મંચની ચોકી કરવાના કામમાં પુતળાની જેમ સતર્ક ઉભા હતા. તેમના હાથમાં ડર પહોંચાડે તેવાં,  પથ્થરની ગદાઓ કે ભાલા હતાં. કોઈની તાકાત ન હતી કે, આ જડબેસલાક વ્યવસ્થાને મીનમેખ અસર કરી શકે.

સ્વાભાવીક રીતે મહાનુભાવોના આગમનની રાહ જોવાઈ રહી હતી. સ્થાનીક લોકો ભયભીત અને ચીંતાગ્રસ્ત મુદ્રામાં ‘હવે શું થશે?’ તેની અટકળો મનોમન કરી રહ્યા હતા. કાળુ અને લાખો તો યુધ્ધમાં મરણ શરણ થયા હતા. ગોવાનો એક માત્ર નીકટનો સાથી, પાંચો મ્લાન વદને, આ વસ્તીમાં અલગ તરી આવતો હતો. તેને ગોવાની ચીતા બહુ સતાવતી હતી. બંદી બન્યા બાદ, ગોવાને બધાથી અલગ રાખવામાં આવ્યો હતો. પાંચાને ડર હતો કે, કદાચ તેની હત્યા કરી નાંખવામાં આવી હોય.

અને બધાંની આતુરતાનો છેવટે અંત આવ્યો. ખાનના તંબુમાંથી એક રસાલો મેદાન તરફ મંદ ગતીએ બહાર નીકળ્યો. વીસેક અંગરક્ષકોની વચ્ચે  જગ્ગો, ભુલો અને બીજા ચારેક સરદારો આંખો ચાર થઈ જાય તેવા ભભકાદાર  દેખાવમાં, ગૌરવથી મસ્તક ઉંચું કરીને ચાલતા હતા. એ બધાની વચ્ચે માથે પીંછા અને મોતીથી સજાવેલો મુગટ પહેરેલો ખાન તરત જુદો તરી આવતો હતો. આ બધાંની પાછળ ગરીબડા દેખાવવાળો અને સાવ સામાન્ય દેખાતો, ગોવો માથું નીચું કરી ઘસડાઈ રહ્યો હતો. પણ, બધાના આશ્ચર્ય વચ્ચે, ગોવાને કોઈ દોરડાં બાંધેલાં ન હતાં. ગોવાને સાજો સમો જોઈ; બધાના મનની આશંકાઓ નીર્મુળ થઈ. ખાસ તો પાંચાને ટાઢક વળી. એનો જીગરી દોસ્ત સહીસલામત હતો.

આ હાઉસન જાઉસનને આવતું  જોઈ, ખાનના સૈનીકોએ વીજયઘોષ કરી, ખાનની સવારીને આવકારી. સંગીતનો તાલ ઝડપી બન્યો. લશ્કરની આગેકુચ થતી હોય, તેવા તાલેતાલે, નૃત્યકારોના લયે પણ વેગ પકડ્યો. ખાનના સૈનીકોનો ઉમંગ અને હર્ષોલ્લાસ ચરમસીમાએ પહોંચી ગયા.

આવો મહાન ઉત્સવ ગોવાના નેસમાં કદી ઉજવાયો ન હતો. પણ સ્થાનીક વાસીઓના મનમાં આ બધો ઠઠારો કશો ઉત્સાહ જન્માવી શકે તેમ ક્યાં હતું? ઉલટાંના નીરાશા અને હતાશા વધારે ઘેરાં બન્યાં હતાં. બન્નો અને નદીની ઓલીપારના વાસીઓ પણ આનાથી પર ન હતાં. ખાનને સાથ આપવાના માઠાં પરીણામ હવે તેમને સમજાયાં હતાં. સમગ્ર વસ્તીને માથે ત્રાટકી પડેલ ગુલામીનો અહેસાસ સૌ અનુભવી રહ્યાં હતાં.

છેવટે ખાનના રસાલાએ મંચ પર સ્થાન ગ્રહણ કર્યાં. બધાના આશ્ચર્ય વચ્ચે, ગોવાને પણ મંચ પર બેસવાનું કહેવામાં આવ્યું. નદીપારના કોતરમાં રહેતા બન્નોને મોટાં પાનનો એક વીંઝણો આપી; ખાનની ઉપર સતત શીતળ હવા પ્રસરાવતા રહેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મને કમને તેણે આ દાસકર્મ શરુ કર્યું. તેણે કરેલા દગાની આ સજા તે કડવા દીલથી ભોગવી રહ્યો હતો.

હવે બાઈસનના શીકારનો નાચ શરુ થયો. મેદાનવાસીઓ માટે આ અવનવું કરતુક હતું. જોગમાયાની સ્તુતીમાં કરાતાં નાચ કરતાં આ જુદો જ તાસીરો હતો. બાઈસન સાથેની ઝપાઝપીમાં છેવટે બાઇસનનો ભોગ લેવાનો અભીનય થયો. બાઈસનના રુપમાં ગોવાની પ્રજાને પોતાની કમનસીબીનાં દર્શન થઈ રહ્યાં.

અને એકાએક  શાંતી ફેલાઈ ગઈ. ખાનના મુખ્ય સરદારે સમારંભની શરુઆત કરતાં કહ્યું ,”નામદાર ખાન બહાદુરને ઘણી ખમ્મા! આજના આ વીજયોત્સવમાં ખાન બહાદુર વતી હું સૌનું સ્વાગત કરું છું; અને આપણા લાડીલા, મહાન રાજવી ખાન બહાદુરને હવે પછી આ પ્રદેશના વહીવટ માટેની જાહેરાતો કરવા વીનંતી કરું છું. “

અલબત્ત સભાની સમગ્ર કાર્યવાહીનું ભાષાંતર કરી, સ્થાનીક લોકોને જણાવવાની જવાબદારી ભુલાની હતી. સ્થાનીક લોકો મનમાં દબાવેલા તીરસ્કારથી તેમના આ દગાખોર સાથીને કમને સાંભળી રહ્યા. પોતાના જ એક જુના સાથીના મોંમાંથી આ વચનો સૌને કડવાં ઝેર જેવાં લાગતાં હતાં. તે સરદારે ઉમેર્યું ,” ગોવાના સાથી પાંચાને હું મંચ ઉપર આવવા આમંત્રણ આપું છું.” આ આદેશે બે સૈનીકો પાંચાને મંચ ઉપર લઈ ગયા.

હવે ખાન ઉભો થયો અને તેણે જણાવ્યું ,” અમે તમારી વસ્તી પર કબજો જમાવ્યો છે, તે અલબત્ત તમને કોઈને પસંદ નહીં જ હોય. પણ અમારી તાકાત તમે નજરે નીહાળી છે. અત્યારે, અહીં જે હયાત છે; તે તો અમારી તાકાતનો એક નાનકડો હીસ્સો માત્ર જ છે. અમારી ઘોડેસ્વાર સેના પણ થોડા વખતમાં આવી પહોંચશે. આથી કોઈના મનમાં વળતો પ્રહાર કરી અમને હંફાવવાની, ચીત કરવાની છુપી મહેચ્છા હોય; તો તેને સાવ અર્થહીન માનજો.

પણ અમારી નીતી હમ્મેશ માટે રહી છે કે, અમારી રૈયતના અમે રક્ષક છીએ. અમારું શાસન સ્વીકારે , તે સૌ કોઈ અમારા મીત્ર છે. આથી આપણી વચ્ચે એક નવો મીઠો સંબંધ આજથી શરુ થાય છે. તમારા લાડીલા નેતા ગોવાએ અમારી વતી આ પ્રદેશનું શાસન કરવા તૈયારી બતાવી નથી. આથી આ સમગ્ર પ્રદેશનું શાસન જગ્ગો કરશે, તેની સહાયમાં ભુલો પ્રધાન હશે. આ બન્ને જે હુકમો અને નીયમો કરે; તે અહીં રહેનાર સૌ કોઈને બંધનકર્તા રહેશે. બન્ને અહીં ઉભા કરવામાં આવેલા તંબુમાં રહેશે; અને તેમની સાથે અમારા સો સશસ્ત્ર સૈનીકો પણ હશે. આ બધાંનું ગુજરાન અને સગવડની જવાબદારી નેસવાસીઓએ નીભાવવાની છે. દર વર્ષે આ વહીવટદારોએ અમારા પ્રદેશમાં અમને નજરાણું અને નવા સૈનીકો પેશ કરવાના રહ્શે. ”

હવે પાંચા તરફ ફરીને ખાને ઉદબોધન કર્યું,” ભાઈ, પાંચા! આપણી વચ્ચે થયેલ મુઠભેડમાં તમે જે વ્યુહરચના અને ટુંકા ગાળામાં નવાં શસ્ત્રો વીકસાવવાનું   કૌશલ્ય પ્રદર્શીત કર્યાં છે ; એની હું સરાહના કરું છું. આ આવડતનો અમારા સમગ્ર સામ્રાજ્યને લાભ મળે, તેવી અમારી ઈચ્છા છે.

છ મહીનાથી અમે અમારા પ્રદેશથી દુર છીએ. આથી આવતીકાલે જ અમારી વળતી સફર શરુ થશે.  ગોવો અને પાંચો બન્ને અમારી સાથે, અમારા પ્રદેશમાં અમને સાથ આપશે “

આ સાંભળી ગોવો અને પાંચો તો અવાચક જ થઈ ગયા. આવી ભયાનક સજાની તેમને સ્વપ્ને પણ કલ્પના ન હતી. .

ખાને એક આશ્ચર્યકારક જાહેરાત પણ કરી, “અમારા સૈનીકો આટલા લાંબા વખતથી સ્ત્રીસંગના ભુખ્યા છે. તમે તમારી સ્ત્રીઓને અહીંથી દુર ખસેડી દીધી છે; તે અમને પસંદ પડ્યું નથી. પણ ગોવા સાથેની વાતચીત પરથી અમને એમ માલુમ થયું છે કે, અહીં સ્ત્રીઓને માતા ગણવામાં આવે છે; અને તેમનું સન્માન કરવામાં આવે છે. અમારી જીવનશૈલી આનાથી સાવ અલગ હોવા છતાં, અમે આ ભાવનાને સ્વીકારીએ છીએ.

આથી મારું ફરમાન છે કે, મારા કોઈ સૈનીકો કે સરદારો અહીંની સ્ત્રીઓના સન્માનને આંચ આવવા નહીં દે ” .

હવે ખાનના સૈનીકોને અને સરદારોને કડવો  ઘુંટડો ગળવાનો વારો હતો. સરદારો સાથે આગલા દીવસે થયેલી મંત્રણામાં આ વાત બહુ ઉગ્રતાથી ચર્ચાઈ હતી; અને ખાને દેખીતી રીતે સૌની સલાહને અતીક્રમી આ નીર્ણય લીધો હતો. પણ ખાનની દુર્જેય સત્તા અને અતીશય લાંબા હાથ આગળ સૌ લાચાર હતા.

જગ્ગાએ ભુલાના કાનમાં હળવેકથી કહ્યું,” હું નહોતો કહેતો, કે ખાન જેવો રાજા આખી દુનીયામાં નહીં હોય? “ ભુલાએ હકારમાં ડોકું ધુણાવ્યું.

પોતાના વક્તવ્યનું સમાપન કરતાં ખાને કહ્યું,” અહીંના આચાર અને વીચાર મુજબ તમે સૌ જોગમાયાની પુજા કરો છો. અમારે માટે પણ તે પુજ્ય રહેશે. જોગમાયાની ગુફાને નવેસરથી સજાવવામાં આવશે. “

સૌ સ્થાનીકવાસીઓના ઉદાસ મનમાં આ ઉદારતાથી થોડીક શાતા વળી.  નવો શાસક ધાર્યો હતો; એટલો જુલમી ન હતો. પણ ગોવો અને પાંચો સ્તબ્ધ બનીને તેમના નવા, અણગમતા ભવીષ્યને દોષ દઈ રહ્યા. સ્વદેશથી દેશનીકાલની આ આકરી સજા, તેમને મોત કરતાં પણ વધારે દુષ્કર જણાઈ. પણ પોતાની મરજી મુજબ કરવાની સ્વતંત્રતા તો સૌ ગુમાવી જ બેઠા હતા.

ખાને પોતાનું વક્તવ્ય પુરું કર્યું. ઢોલ અને શરણાઈના નાદે આ જાહેરાતને વધાવી લીધી.

છેલ્લે, ખાનના સરદારે સભા બરખાસ્ત થયેલી જાહેર કરી.

એક વર્ગવીહીન સમાજમાં શાસક અને શાસીત  વર્ગો – કદી ન ભુંસાય એવી રીતે – અસ્તીત્વમાં આવી ગયા હતા. ગુલામીની બેડીઓ ઘડાઈ ચુકી હતી; જે કાળના પસાર થવા સાથે વધારે ને વધારે જડબેસલાક અને જટીલ બનવાની હતી. તેનાં અનેક અવનવાં અને ભયાનક રુપો ભાવીના ગર્ભમાં સાકાર થવાનાં હતાં. સંસ્કૃતીમાં ન રોકાઈ શકે તેવી હરણફાળની સાથે, આ કુરુપતા અને એને આનુષંગીક અનેક દુષણોનાં વરવાં અને કડવાં બીજ પણ રોપાઈ ચુક્યાં હતાં.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

લક્ષ્મણરેખા- એક અવલોકન

November 17, 2009 · 16 Comments

પહેરવાનાં કપડાં વેચતા, એક રુઆબદાર સ્ટોરના પ્રવેશદ્વારને અડીને મુકેલા બાંકડા પર હું બેઠો છું. મારાથી સહેજ દુર રસ્તો છે; અને તેની સામેની બાજુ પાર્કીંગ લોટ છે. સ્ટોરને તોતીંગ કદના  બે પ્રવેશદ્વાર છે.

એ બેની વચ્ચે રસ્તા પર સફેદ રંગના, ત્રાંસા પાટા ચીતરેલા છે. એની ઉપર પગપાળા ચાલનાર જણ બીન રોકટોક, બીન્ધાસ્ત ચાલી શકે છે. રસ્તાની બન્ને બાજુની પાળીઓ (કર્બ) લાલ રંગથી રંગાયેલી છે. ત્યાં કોઈને પાર્કીંગ કરવાની છુટ નથી. ત્યાં માત્ર સામાજીક  સુરક્ષા માટેના વાહનો જ પાર્ક કરવાની છુટ છે; જેવાંકે, લાયબંબો, પોલીસકાર કે એમ્બ્યુલન્સ વાન.

પાર્કીન્ગ લોટમાં થોડા થોડા અંતરે સફેદ રંગના પાટા ચીતરેલા છે.  વાહનો સુગઠીત રીતે પાર્ક કરવામાં આવે તે માટેનું એમાં આયોજન છે. કોઈક આવા સ્લોટ પર હેન્ડીકેપ  માટેનું ચીહ્ન આલેખેલું છે. એ જગ્યા થોડીક પહોળી છે – અપંગ વાહનચાલકોની સવલત માટે. એમને ગાડી પાર્ક કરી, બહાર નીકળતાં  સુવીધા  રહે, તેવા શુભ હેતુથી એ નીર્માયેલા છે.

બહાર દુર મુખ્ય રસ્તા પર જાતજાતના સફેદ કે પીળા; આખી, તુટક, કે બેવડી લીટીઓવાળા પાટાઓ ચીતરેલા જોવા મળે છે. રસ્તા પરનો ટ્રાફીક શીસ્તબધ્ધ રીતે દોડતો રહે; એ માટે એ પાટાઓ માટેનાં નીયમો નક્કી કરેલા છે.

બધી લક્ષ્મણરેખાઓ..

જાતજાતની અને ભાતભાતની, આધુનીક લક્ષ્મણરેખાઓ. દરેક માટેના નીયમો અલગ અલગ. પણ એ રાખવા પાછળ સંરક્ષણની, શીસ્તની, કુશળ સંચાલનની ભાવના  સામાન્ય.

એમની મર્યાદા જાળવવી પડે. એનું ઉલ્લંઘન થાય તો ભયજનક પરીસ્થીતી ઉભી થઈ શકે. જાનહાની થઈ શકે. માલ મીલ્કતને નુકશાન થઈ  શકે.

અમુક લક્ષ્મણરેખાઓ ભૌતીક રીતે દોરેલી  નથી હોતી. એમને માટેની  સભાનતા વૈચારીક રીતે કેળવવી પડે છે. તે વધારે પુખ્ત, માનસીક શીસ્ત માંગી લેતી હોય છે.

જમાનાજુની લક્ષ્મણ રેખાઓ. રામચન્દ્રજીના જમાનાથી ચાલી આવતી સુરક્ષા માટેની પ્રણાલીકાઓ.

લક્ષ્મણરેખાનો અનાદર, ઉલ્લંઘન … અને ઝળુમ્બી રહેલા ભયને ત્રાટકવા માટે આમંત્રણ.

————-

એ તો સાચું પણ..

જે સાહસીક છે, સાગરખેડુ છે, દુર્ગમ પ્રદેશોનો પ્રવાસી છે; જે વૈજ્ઞાનીક, સંશોધક કે સત્યશોધક છે; જે નવી કેડી પાડનાર છે; જે યુગપરીવર્તક છે…

તેને આ લક્ષ્મણરેખાઓ નડતી નથી- એ તો એને માટે એક પડકાર છે.

તે પોતાની લક્ષ્મણરેખાઓ નક્કી કરવા અને તેનો આદર કરવા પોતે જ સક્ષમ છે.

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

પોતું – એક વિશ્લેષણ

November 15, 2009 · 9 Comments

‘પોતું’ અને તેની ઊપર વાચકોના પ્રતિભાવો વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

સાઠ વર્ષે શું થાય તે તો તમને ખબર છે ને? અને આ સુરેશ જાની તો 67 પાર કરવાની તૈયારીમાં છે! આથી અલ્યા  ભાઈ! એટલું તો વિચારો કે, ‘પોતું કદી વિચારી શકે ખરું?’

—-

હાસ્ય દરબારી શૈલીનો  આ જવાબ હળવાશની પળે લખી નાંખ્યો !

પણ મિત્રો,

‘પોતું’ લઘુકથાએ મારા સાહિત્ય પ્રયોગોમા એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે – અલબત્ત મારી પોતાની દૃષ્ટિથી. સૌ વાચકોએ આટલા ઉમળકાથી પ્રતિભાવ આપ્યા; તે  માટે સૌનો ખૂબ ખૂબ આભાર. આ પ્રતિભાવોથી એક વાત સિધ્ધ થતી મેં નિહાળી.

લઘુકથાની વાચકો પર બહુ જ મોટી અસર થાય છે.

મારું આ બાબત બહુ જ્ઞાન નથી; પણ વાર્તાસાહિત્યનો  આ પ્રકાર મારે માટે સાવ નવો જ છે. લેખકને શું કહેવું છે; તે બહુધા ગર્ભિત રાખીને, વાચકોના અવનવા અને વિવિધ પ્રકારના પ્રતિભાવો જન્માવવાની એનામાં ક્ષમતા છે – એ ‘પોતું’એ સિધ્ધ કરી દીધું છે.

જુદા જુદા દૃષ્ટિકોણથી વાચકોએ ‘પોતું શું વિચારતું હતું?’ એ પ્રશ્નના જવાબ આપ્યા. આ વાર્તા લખવાનો.આ  એક આશય જરૂર હતો. ‘માત્ર લેખક જ કહ્યા કરે એમ નહીં; પણ ‘વાચક પણ વિચારતો થઈ જાય.’ – એવો આશય જરૂર હતો.

એ આશય મહદ અંશે સફળ નિવડ્યો છે. બધા વાચકો પોતપોતાની રીતે સાચા છે. સૌને મારાં હાર્દિક અભિનંદન.

—————————–

હવે  આ બાબત મારા વિચારો…

પોતાનું જ કામ બહુધા કરનાર સમાજે ‘પોતાં’નું કામ કરનારને હમ્મેશ ઉપેક્ષિત, તિરસ્કૃત, પગ લૂછણીયા જેવો ગણ્યો છે. એને તરછોડીને ખૂણામાં ઉશેટી દેનાર નરેશ હોય અથવા, એની જરૂરિયાત સમજ્યાં છતાં, એને બહુ બહુ તો ધોઈને બાલ્કનીના કઠેડા પર લટકાવનાર સુશીલા હોય – ‘પોતાં’નું સ્થાન તો ચોથી પાયરી પર જ હોય. – કદાચ પોતું આમ વિચારતું હશે.

સ્વચ્છતા સ્થાપવી, પાયાનું કામ કરવું – એ બધા સમાજોમાં હલકું કામ ગણાયું છે. દલિત સમાજની વ્યથા ‘પોતાં’ ના વિચારોમાં જરૂર પ્રતિબિંબિત  થતી હશે.

કદાચ, બધા સમાજોમાં પ્રવર્તમાન વિષમતાઓનું, વર્ગવિગ્રહોનું આ એક કારણ છે. ‘પોતું’માં એને ઉજાગર કરવાનો મેં પ્રયાસ કર્યો છે.

આખી વાર્તા એક રુપક છે. ચાર પાત્રો – નરેશ, સુશીલા, બાબલો અને પોતું.

નરેશ અને પોતું અનુક્રમે સમાજના શાસક અને શોષિત વર્ગનાં પ્રતિકો છે. સુશીલા એ આ બેની વચ્ચેનો અર્ધશોષિત  નારી સમાજ છે. વાચકોના પ્રતિભાવોએ આ ત્રણને લક્ષ્યમાં લીધાં છે.

પણ બાબલો? કોઈની નજર તેના તરફ ગઈ નથી. તે નિર્દોષ ભૂલ કરે છે; અને એના નસીબમાં લપડાક ખાવાનું જ લખાયું છે. સામ્પ્રત સમાજ વ્યવસ્થામાં ભાવિ પેઢીની હાલત અને તેના ભવિષ્ય તરફ અહીં અછડતો અને પરોક્ષ અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન કરેલ છે.

ઘણાંએ પુરુષ પ્રધાન સમાજના પ્રતિક તરીકે નરેશને સપાટામાં લીધો છે. પણ સૈકાંઓથી રોટલી કમાનાર – બ્રેડ અર્નર – તરીકે પુરુષની માનસિકતાનું તે પ્રતિનિધીત્વ કરે છે. બહારની દુનિયાના સંઘર્ષો વચ્ચે ઘરના સર્વાઈવલની જવાબદારી અદા કરનાર, તેની સાથે ભાગ્યે જ કોઈએ સહાનુભુતિ વ્યક્ત કરી છે. કદાચ સુશીલા તેની વ્યથાને વધારે સારી રીતે સમજે છે. માટે તો તે બીજા જ દિવસે ઊઠીને ઘરમાં બધું સમેસૂતર કરી નાંખે છે. કદાચ પતિ – પત્ની વચ્ચેની આ સંવાદિતા પોતું સમજ્યું હોય – એમ ન હોય?

કદાચ વાચકો મારા વિચારો સાથે સમ્મત  ન થાય; પણ રોજિંદા ગૃહજીવનમાં અવારનવાર બનતા આવા સાવ નાનકડા પ્રસંગો લઘુકથાના પોતમાં વણાઇને વિચારોની પ્રચંડ આંધી જન્માવી શકે છે – એ ‘પોતું‘ ની ફલશ્રુતિ મને જણાઇ છે.

———————

જે લઘુકથાઓ વાંચી મને પણ આવી વાર્તાઓ લખવાની પ્રેરણા મળી તે તલકશીભાઈ પરમારની કલમે લખાયેલી અદભૂત વાર્તાઓમાંની વિણેલી વાર્તાઓ વાંચવા અહીં  ’ક્લિક’ કરો.

Categories: નીબંધ · સુરેશ જાની

પ્રકરણ – 45 ગોવાનો ખાન સાથે મેળાપ

November 14, 2009 · 1 Comment

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

બપોરનું જમણ પત્યા બાદ, ખાને ગોવાને પોતાના તંબુમાં બોલાવ્યો. ખાનના સૈનીકોએ ગોવાના નેસના વાડામાં, ગોવાના તંબુ કરતાં ઘણો મોટો તંબુ તાબડતોબ ઉભો કરી દીધો હતો.

હવે ગોવાને બાંધેલાં દોરડાં છોડી નાંખવામાં આવ્યા હતા. માત્ર ચાર સશસ્ત્ર સૈનીકો જ તેની આજુબાજુ ચોકી માટે સાથે હતા.

ગોવાનો તંબુ તો ખાનના તંબુ આગળ દરીદ્રની ઝુંપડી જેવો હતો. ગોવાના તંબુમાં પ્રવેશદ્વારના સ્થાને રાખેલ ચામડું આડું કરવામાં આવે તો અંધારું  થઈ જતું, અને જમીન પર તો સુકું ઘાસ જ પાથરેલું રહેતું.  ખાનના આ કામચલાઉ તંબુને ત્રણ બારીઓ હતી; જેમાંથી તંબુમાં ઉજાસ ફેલાયેલો હતો. જમીન પર પણ હરણમાં ચમકતાં ચામડાં પાથરવામાં આવ્યા હતા. તંબુની દીવાલો પર ખાનના પ્રદેશમાંથી લાવેલ મોતી, ચમકતા પથ્થર અને બાઈસનના મોટાં હાડકાંઓ જેવી મુલ્યવાન ચીજોના શણગાર કરેલા હતા. અરે! આનંદોત્સવ વખતે જોગમાયાની ગુફાનો શણગાર પણ આની આગળ ઝાંખો પડે તેવો હતો.

આવા ઝાકઝમાળ તંબુમાં ખાન, જગ્ગો અને ભુલો વાઘના ચામડાંઓથી મઢેલ લાકડાંઓના ખડકલાથી બનાવેલ મોટા ઓટલા પર બેઠેલા હતા.

ખાને ઈશારો કરી સૈનીકોને તંબુની બહાર જવાનું કહ્યું; અને ગોવાને માનભેર પોતાની સાથે ઓટલા પર બેસવાનું આમંત્રણ આપ્યું.

ગોવો ક્ષોભમાં થોડો ગલવાયો; પણ જોગમાયાને યાદ કરી, ઉન્નત મસ્તકે ઓટલા પર સામે બેઠેલા મહાનુભાવોને નીહાળી રહ્યો. ભુલા સાથે નજર મળતાં તીરસ્કારની એક લહેરખી ગોવાના મુખ પર ફરી વળી. આણે જ આખી જમાતનો દ્રોહ કર્યો હતો. આણે જ આ તબાહીને ખેંચીને આણી હતી. રુપલીએ દયા કરી તેને જવા ન દીધો હોત તો એ આજથી વર્ષો પહેલાં કાળભૈરવના શરણે થઈ ગયો હોય.

પણ ખાન સાથેની હવે પછીની વાતચીતમાં, ભુલાની અનીવાર્યતા સમજીને ગોવો આ કડવો ઘુંટડો, કમને ગળી ગયો.

ખાને કહ્યું ,” ગોવાજી! અમારા સામ્રાજ્યમાં આપનું સપ્રેમ સ્વાગત છે. હવે આપણી વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી.”

ગોવો મરડમાં બોલ્યો,” આપ દુશ્મન બનીને આવ્યા છો. અમારે તો ક્યાં કોઈની સાથે એમ હતું?”

ખાન ,” જે થયું તે આપ ભુલી જાઓ. તમારી વીરતા અને નવી વીદ્યાઓ હાંસલ કરવાના તમારા સામર્થ્યને મારી સો સલામ. હવે આપને મારા  મીત્ર બનવાનું  મારું આમંત્રણ છે.”

ગોવો, “ મીત્ર શાના ? અમે તો તમારા શીકાર છીએ.”

ખાન,” હા! મને અવનવા પ્રદેશો મારી હકુમતમાં આણવાનો શોખ જરુર છે. બોલો તમારી સાથે હું કેવો વ્યવહાર કરું?”

ગોવો,” મને મીત્ર કહ્યો છે, તો મીત્રને  છાજે તેવો.”

ખાન ,” મારા વતી તમારા પ્રદેશનું શાસન કરવાનું સ્વીકારશો? “

આ વાક્ય ગોવાને સંભળાવતાં ભુલાના પેટમાં તેલ રેડાયું. ખાન સાથેની તેની મીત્રતાનો અંત આવતો તેને જણાયો. ‘ તેણે કરેલી બધી જફા એળે જશે કે શું? મોંમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જશે કે શું?’ ભુલાને ખાનની આ ઉદારતા બીનજરુરી અને પોતાનાં હીતને જોખમાવતી લાગી. પણ તેની પાસે ખાનની ઈચ્છાનો કોઈ વીકલ્પ પણ ક્યાં હતો?

ગોવો,” અમે સ્વતંત્ર હતા, ત્યારે પણ હું કોઈ જોહુકમી કરતો ન હતો. અમે બધાં તો કુટુમ્બીઓની જેમ રહેવા ટેવાયેલા છીએ.”

ખાને કરડાકીથી કહ્યું, ”બદલાયેલા સંજોગોમાં તમારે અમારી રીતે જીવવાનું સ્વીકારવું પડશે.”

ગોવો ,” અમે લોકો તો સ્વતંત્ર પંખીની જેમ રહેનારા છીએ. હું આપનો આશ્રીત બનવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ. ”

ખાન ત્વરીત નીર્ણય લેવા ટેવાયેલો હતો. “ જેવી તમારી ઈચ્છા. મેં તો તમને એક તક આપી. હવે અહીંના મારા સુબા તરીકે બીજી કોઈ વ્યવસ્થા  વીચારવી પડશે.”

ભુલાના પેટમાં ટાઢક વળી. ગોવાનો ગર્વ ભુલાને મીઠો મધ જેવો લાગ્યો.

ખાને તરત બીજો વીષય છેડ્યો. “ તમારી સ્ત્રીઓ કેમ દેખાતી નથી? “

ગોવો ,” તમે લોકો સ્ત્રીઓને ખરાબ નજરથી જુઓ છો; એમની સાથે અણછાજતો વ્યવહાર કરો છો : તેવી અમને જાણ થતાં, અમે તેમને અહીંથી દુર, મોકલી દીધી છે.”

ખાન ,” સ્ત્રીઓ તો પુરુષોને આનંદ આપવા માટે બનાવાયેલી છે; એમ અમે માનીએ છીએ. અમારી સ્ત્રીઓ પણ આવા જ વીચારની હોય છે. કોઈ પણ પુરુષ સાથે મુકત સહવાસને એ બધીઓ આનંદથી માણતી હોય છે.”

ગોવો .” એ તમારી રીત હશે. અમારી નજરે તો દરેક સ્ત્રી એક માતા છે – અમારી  જોગમાયા જેવી.”

ખાન વ્યંગમાં હસ્યો,” તમે તમારી માતાની સાથે સંહવાસ કરો છો?”

ગોવો સમસમી ગયો. તેને ખાનના પ્રદેશની બાઈસનના શીકાર નૃત્યની ખબર હતી.  તેણે કહ્યું  ,” તમે તો જેને મહાન તત્વ ગણો છો; તેની ક્રુર રીતે હત્યા કરતા હો છો.“

ખાને કહ્યું,” આ ચર્ચાનો કશો અર્થ નથી. આપણી માન્યતાઓ એકબીજાથી સાવ વીપરીત છે. પણ સ્ત્રીના મા બનવાને તમે માન આપો છો; તે મને ગમ્યું. એ ભાવનાનો આદર કરવાનું અમારે શીખવું પડશે. પણ મીત્રતાનો મેં લંબાવેલો હાથ તમે ઠુકરાવ્યો છે; આથી તમારે માટે મારે બીજી કોઈ   વ્યવસ્થા  વીચારવી પડશે.ચાલો, કાલ સવારની સભામાં મારા આખરી નીર્ણયો હું  જાહેર કરીશ.”

જગ્ગાએ તાળી પાડી સૈનીકોને તંબુની અંદર  બોલાવ્યા અને એમની સાથે ગોવાને વીદાય આપી. ગોવાના ગયા બાદ ખાને બીજા સરદારોને મંત્રણા માટે પોતાના તંબુમાં બોલાવ્યા.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

પોતું – એક લઘુકથા

November 13, 2009 · 29 Comments

સુશીલા માંદી પડી. સવારની ચા અને નાસ્તો નરેશને બનાવવો પડ્યો. બાબલાએ નાસ્તો કરતાં દુધ ઢોળ્યું. નરેશે બડબડતાં બાબલાને એક ઠોકી દીધી અને પોતું કરી, રસોડાના ખુણામાં પોતું ઉશેટી દીધું. ગઈ કાલની વધેલી ખીચડી વઘારી , એને જ લન્ચ માટે પેક કરી; બાબલાને નીશાળે ઉતારી, કડવા મને નરેશ ઓફીસ ગયો.

સાંજે ઓફીસેથી પાછાં આવી, ખાવાનું બનાવવાની તરખડ કરવાને બદલે બાબલાને લઈ, હોટલમાં જમી આવ્યો. સાથે સુશીલા માટે સુપ પણ લેતો આવ્યો.

ભીનું, વાસ મારતું, પોતું હજુ ખુણામાં ડુસકાં ખાતું પડ્યું હતું. થોડીક કીડીઓ પણ એની ઉપર સળવળાટ કરતી આનંદમાં મ્હાલતી હતી.

બીજા દીવસે સુશીલાનો તાવ ઉતરી ગયો. રસોડામાં જઈ ચા બનાવતાં પહેલાં તેણે સીન્કમાં પોતું ધોઈ, નીચોવી, બાલ્કનીની પાળી પર સુકવી દીધું.

નરેશના ઓફીસ જવાના સમયે કડકડતું પોતું સુર્યના તડકામાં ઉંડો વીચાર કરતું હતું.

****

વાચકોને એક પ્રશ્ન-

પોતું શો વીચાર કરતું હતું?

Categories: લઘુકથા · સુરેશ જાની
Tagged: