આજનો સુવીચાર
August 29, 2008 · 4 Comments
આ પણ કેવી કરુણતા!
→ 4 CommentsCategories: સુવીચાર
Tagged: Thought
થર્મોમીટર – એક અવલોકન
August 29, 2008 · 2 Comments
અમારા દીવાનખંડમાં એક ડીજીટલ થર્મોમીટર છે. એમાં રુમનું ઉષ્ણતામાન તો મપાય જ છે, પણ બારી બહારનું ઉષ્ણતામાન પણ મપાય છે. આ માટે એક વાયરની સાથે જોડેલું સેન્સર બારીની બહાર મુકવું પડે છે. થોડા મોંઘા, રીમોટ સેન્સરવાળાં થર્મોમીટર પણ આવે છે. એમાં રેડીયો જેવી વ્યવસ્થા હોય છે. એમાં તો વળી એકદમ સાચો, એટોમીક ક્લોકનો સમય અને હવામાનની આગાહી પણ રેડીયો દ્વારા મળે છે.
અરે! રેડીયો અને ટેલીવીઝનની જ વાત કરીએ તો? આપણી આજુબાજુ હવામાં કેટકેટલાં રેડીયો તરંગો પસાર થઈ રહ્યાં હોય છે. જાતજાતના અને ભાતભાતના તરંગો – કેટલા ય ટીવી પ્રોગ્રામો અને સેલફોનના સંદેશા અને ઘણું બધું. આપણે હાલીએ અને ચાલીએ, પણ આપણને કશીય ખબર પડે છે? એ માટે એન્ટેના અને રીસીવર જોઈએ અને જે સંદેશો ઝીલવો હોય તેની સાથે ટ્યુનીંગ કરવું પડે.
તમે કહેશો કે, આમાં શું? અમેરીકા તો શું; ભારતમાં પણ આવાં સાધનોની હવે કાંઈ નવાઈ નથી.
પણ અહીં તો અવલોકન કરવા બેઠાં છંઈ ને?!….
આપણાથી અજ્ઞાત કોઈ ચીજ સાથે તાલમેલ સાધવો હોય તો એનું સેન્સર જોઈએ; વચ્ચેની લીન્ક જોઈએ અને ટ્યુનીંગ જોઈએ. ત્રણમાંથી એક પણ જો ન હોય તો, કામ ન થાય. એ સંવાદ થાય જ નહીં. બધું ધબોનારાયણ !
ઈશ્વર વીશે ઘણી બધી કલ્પનાઓ, સીધ્ધાંતો, માન્યતાઓ પ્રવર્તમાન છે. પણ આ ત્રણ ચીજ આપણી પાસે ન હોય તો ? કોઈ કહેશે, ગુરુ અથવા સમ્પ્રદાયને શરણે જાઓ અને એની સાથે તમારી તાલમેલ સધાઈ જશે. અરે! ભાઈ, ટ્યુનીંગ વીના આમાંનું કશું કામ ન આપે.
એ તત્વ તો આપણા કોશે કોશમાં હાજરાહજુર બેઠેલું જ છે. પણ આપણે એની સાથેનો સમ્પર્ક ગુમાવી દીધો છે. અને પછી એને શોધવા મંદીર. મસ્જીદ, દેવળ, દેરાસર, ગુરુદ્વારા,અગીયારી, સાયનેગોગ, આશ્રમો વી. ના ફોગટ આંટાફેરા મારીએ છીએ.
જરુર છે, એ તત્વનું ઉષ્ણતામાન જાણવાની; એની સાથે સીધા સમ્પર્કની…… ‘અંતરની વાણી’ની
→ 2 CommentsCategories: અવલોકન · સુરેશ જાની
Tagged: Observations
આજનો સુવીચાર
August 28, 2008 · 3 Comments
જીવનની સૌથી વીશેષ કરુણતા-
આપણા કારણે કોઈની આંખમાં આંસુ.
જીવનની સૌથી શ્રેષ્ઠ સફળતા-
આપણા માટે કોઈની આંખમાં આંસુ.
———————-
સાભાર - શ્રી. પિયુષ પંચાલ
→ 3 CommentsCategories: સુવીચાર
Tagged: Thought
ટોમ થમ્બ - અમેરીકા
August 28, 2008 · 8 Comments
28 ઓગસ્ટ - 1830
આજથી બરોબર 178 વર્ષ પહેલાં, આ દીવસે બાલ્ટીમોર, મેરીલેન્ડ, યુ.એસ.એ. ખાતે, ગામના ગોંદરે, હકડેઠઠ્ઠ ભીડ ભરાયેલી છે. આજુબાજુના ગામડાંઓમાંથી ખેડુતો પણ ભેગા થયા છે. નવી નવાઈનો ન્યુયોર્કનો આ વેપારી, પીટર કુપર ઈન્ગ્લેન્ડ જઈ આવ્યો છે; અને કોલસા ખાતો, આગ ઓકતો અને ભખ-ભખ વરાળ કાઢતો લોખંડનો ઘોડો બનાવી લાવ્યો છે. એને ચાલવા માટે કદી ન દીઠા હોય એવા, લોખંડના પાટા પણ બે માઈલ સુધી પાથર્યા છે. અને કહે છે કે, એનો આ નવી નવાઈનો ઘોડો અરબી ઘોડા જેવા આપણા મસ્તાંગની ( અમેરીકી ઘોડાની એક જાત) સાથે હોડ બકવાનો છે !
આ લોખંડના ઘોડાની બાજુમાં મદમસ્ત અને ધીંગા મસ્તાંગથી ચાલતી બગી હાંકવા ગામનો શ્રેષ્ઠ કોચવાન તૈયાર ખડો છે. ગામનો શેરીફ થોડી જ વારમાં સીસોટી વગાડીને, કોલસા/ વરાળથી ચાલતા લોકોમોટીવ એન્જીન અને મસ્તાંગ વચ્ચેની આ અભુતપુર્વ રેસ ચાલુ કરવાનો છે.
અને છેવટે શેરીફ સીસોટી વગાડે છે. પેલો કાળો ઘોડો પણ તીણી, ભયંકર અવાજવાળી અને કદી ન સાંભળી હોય તેવી સીસોટી વગાડે છે. આ ઘોંઘાટથી બેબાકળી થયેલી, બે નાજુક મહીલાઓ બેભાન બની જાય છે. છોકરાંવ ચીસાચીસ કરી મુકે છે. અને બધાની આતુર આંખોની સામે આ રેસ શરુ થાય છે. ઓલ્યું ભખ-ભખ તો હડી કાઢીને દોટ મેલે છે. આપડો બચારો મસ્તાંગ તો એની આગળ સાવ ટાયડા જેવો લાગે છે. ઓલ્યું તો જે જાય ભાગ્યું. મસ્તાંગના પ્રેમીઓ વધુમતીમાં છે. બધા નીરાશ વદને આ નવી નવાઈનો તાયફો જોઈ અકળાય છે.
અને ત્યાં જ એ ભખ ભખ ઠપ્પાક દઈને બંધ પડી જાય છે. એનો એક બેલ્ટ ગરગડી પરથી ઉતરી ગયો છે અને ધીંગો મસ્તાંગ મેદાન મારી જાય છે. બધાં તાળીઓના ગડગડાટથી એને અને એના કોચવાનને વધાવી લે છે. પીટર માથે હાથ દઈને બેસી જાય છે.
આમ અમેરીકાની ધરતી પર ચાલેલું પહેલું એન્જીન ‘ ટોમ થમ્બ ‘ હાર્યું હતું અને જાતવાન મસ્તાંગ ઘોડો રેસ જીતી ગયો હતો !
બાલ્ટીમોરની સીમમાં, લોખંડના પાટા પર ચાલેલું આ સૌથી પહેલું એન્જીન હતું. ‘બાલ્ટીમોર અંને ઓહાયો રેલ્વે કમ્પની’નો આ પહેલો પ્રયોગ હતો. આ હારથી પ્રયત્ન બાજુએ મુકી દેવો, એ તો અમેરીકન કમ્પનીના માલીકોના સ્વભાવમાં જ ન હતું. એમણે હીમ્મત હાર્યા વીના, પીટરને છુટ્ટો દોર આપ્યો. બીજા વરસે સુધારા વધારા સાથેના એન્જીન વડે ચાલતી પહેલી ટ્રેન શરુ થઈ ગઈ. ધીમે ધીમે લોકો એનાથી ટેવાવા માંડ્યા. એના ફાયદા તરત સહુને સમજાયા. અને થોડાંક જ વર્ષોમાં અમેરીકામાં ઠેર ઠેર રેલરોડ બનવા માંડ્યા.
એની સાથે અમેરીકાની અઢળક વન્ય-સમ્પત્તી, ખેતીવીષયક પેદાશો અને કાચા માલના સસ્તા અને ઝડપી પરીવહનનો એક નવો યુગ શરુ થયો હતો. ઔદ્યોગીક ક્રાન્તીના આ શરુઆતના વર્ષો હતા. આના કારણે અમેરીકાએ એક પછાત, જંગાલીયત અને ક્રુરતાથી ભરેલા અને કાયદાવીહીન દેશમાંથી સુસંસ્કૃત દેશ બનવાની ધીમી શરુઆત થઈ હતી.
→ 8 CommentsCategories: અમેરીકા · સુરેશ જાની
Tagged: america
આજનો સુવીચાર
August 27, 2008 · 1 Comment
સફળ થવાના બે રસ્તા છે:
ગમતું કામ કરો
અથવા તો
કામને ગમતું કરો.
- ઇશિતાનું ‘લવીંગ’
→ 1 CommentCategories: સુવીચાર
Tagged: Thought
લીપી – એક અવલોકન
August 27, 2008 · 3 Comments
તે દીવસે હું મારા માનીતા પાર્કમાં ગયો હતો. બાળકો રમતમાં મશગુલ હતા. આથી મારું મન હમ્મેશની ટેવના કારણે આજુબાજુની ચીજો ઉપર કેન્દ્રીત થયું. અને એ ચીજો નવી વીચાર પ્રક્રીયા સર્જવા લાગી. અવલોકનો જ અવલોકનો. એક પછી એક ચાર અવલોકનો પ્રગટ થવા માંડ્યા. અને દરેકની પાછળનો વીચાર ખરેખર સરસ હતો.
જો કે, આમ પહેલી વાર બન્યું ન હતું. પણ ઘેર પહોંચતા સુધીમાં એકાદ વીચાર જ યાદ રહેતો અને બીજા વીલીન થઈ જતા. આથી તે દીવસે મને એક સુવીચાર સુઝ્યો કે, આ વીચારોના મુદ્દા એ જ ક્ષણે લખી લેવા જોઈએ. મારી પાસે તો કાગળ, પેન્સીલ, પેન કશું જ ન હતું. કારમાં આ મળી રહેત. પણ પાર્કીંગ થોડે દુર હતું. ત્યાં સુધી જઉં તો બાળકો ઉપર ધ્યાન ન રહે – ક્યાંક ભાગી જાય તો ક્યાં ખોળવા?
હવે બીજી વાત એમ છે કે, હમણાંનો હું પથ્થરયુગની નવલકથા લખવાના ચાળે ચઢ્યો છું. આથી ‘એ યુગમાં હું જીવી રહ્યો છું.’ એવી કલ્પનાના ઘોડે સવાર થઈ જવાય. આથી તરત મને વીચાર આવ્યો કે, ‘જો અત્યારે હું એ યુગમાં જીવતો હોઉં તો આ વીચાર યાદ રાખવા શું કરું?’ અને તરત બીજો સદ્વીચાર સ્ફુર્યો કે, એ ચારેય વસ્તુની તરત યાદ અપાવે એવાં કોઈ પ્રતીકો મારે ખીસ્સામાં સંઘરવા જોઈએ. આથી આજુબાજુ નજર દોડાવી.
અને આ ચારેય વીચારોને સ્મૃતીપટમાંથી ઢંઢોળીને જગાડે એવી, આજુબાજુમાં પડેલી, ચાર ચીજો મને ધીમે ધીમે મળી પણ ગઈ. એક નાનકડો પથ્થર, પ્લાસ્ટીકની સ્ટ્રો, ઘાસનું તણખલું, અને ઝાડની એક નાની, સુકાયેલી ડાળી. મારા વીચાર પ્રવાહના ચારેય પદાર્થો સાથે આમનો મેળ બેસાડી દીધો.
પથ્થર - ચગડોળ
-
ચગડોળની બાજુમાં પડેલો હતો
પ્લાસ્ટીકની સ્ટ્રો - લોખંડની પાટલી
-
પાટલી પર નાસ્તો કરીએ માટે
ઘાસનું તણખલું - જમીનના ઢોળાવ
-
ચારે બાજુ ઘાસમાં ઢોળાવો
ઝાડની એક ડાળી - રેલના પાટા
-
બે સીધી લીટી
પછી થોડી વારે અમે ઘર ભણી પ્રયાણ આદર્યું. હું બાળકો સાથે બીજી વાતોમાં પરોવાયો. રસ્તામાં એક હોટલમાં નાસ્તો કરવા પણ અમે રોકાયા હમ્મેશ બનતું હતું તેમ પેલી ચાર વાતો તો ક્યાંય વીસરાઈ ગઈ.
ઘેર ગયો અને ખીસ્સું ખાલી કર્યું. અને પેલી ચાર ચીજો બહાર આવીને ટેબલને શોભાવવા માંડી. તરત જ મનના ઉંડાણમાંથી પેલા ચાર મુળ વીચાર એક પછી એક ઝબકવા માંડ્યા. હવે તો બધાં જ સાધનો ટેબલ ઉપર હાજર જ હતાં. મેં ચારે ય વીચારો અને તેના મુખ્ય મુદ્દા લખી લીધા. હવે ચાર લેખની પાયાની સામગ્રી મારી પાસે હાથવગી બની ગઈ હતી.
ભાઈઓ અને બહેનો, આ જ તો કદાચ ભાષાની લીપીનો મુળ ઉદ્ ભવ હશે ને?
જ્યારે માણસ માણસ વચ્ચે કોઈ અંતર નહોતું, ત્યારે કોઈ સાંકેતીક કે પ્રતીકાત્મક સંજ્ઞાઓની જરુર જ નહોતી. બધો વ્યવહાર શરીરના હાવભાવ અને બોલીથી થઈ જતો હતો. જેમ જેમ માનવજીવન વધારે ને વધારે જટીલ બનતું ગયું હશે; માણસો દુર ને દુર રહેવા માંડ્યા હશે; તેમ તેમ સંદેશ પહોંચાડવાની જરુર ઉભી થઈ હશે. પહેલાં ખેપીયા કે સંદેશવાહક મારફત વાણી મારફતે સંદેશા મોકલાતા હશે. એમાં મારા જેવા, કોઈ ભુલકણા જણે છબરડો વાળ્યો હશે; અને ઓડનું ચોડ વેતરાઈ ગયું હશે. આથી બોલાતી વાણી પર ભરોસો ન રાખતાં, અગત્યના સંદેશ માટે આવી કોઈ પ્રતીકાત્મક વસ્તુઓ અને પછી ચીત્રલીપી ઉભી કરાઈ હશે. કાળક્રમે એનું રુપાંતર અવાજને પ્રતીનીધીત્વ આપે તેવી લેખીત સંજ્ઞાઓ – લીપી વપરાતી થઈ હશે.
આ પરીકલ્પના સાચી છે કે કેમ, તેનું અનુમોદન તો માત્ર ભાષાશાસ્ત્રીઓ જ આપી શકે. પણ એક વાત નીશ્ચીત છે કે, બોલાતી કે લખાતી ભાષા એ પ્રતીકાત્મક સાધન માત્ર જ છે. કોમ્યુનીકેશનનું સત્વ અને તત્વ તો વીચાર અને ભાવ જ હોઈ શકે.
ભાષા એ એક સગવડ માત્ર જ છે – મારી પેલી ચાર ચીજો જેવી. એ જેટલી સરળ હોય એટલું સારું.
→ 3 CommentsCategories: અવલોકન · સુરેશ જાની
Tagged: Observations
આજનો સુવીચાર
August 26, 2008 · 3 Comments
સપનાં સાચાં પાડવા માટે
ખરા સમયે જાગી જવું પણ
બહુ જરુરી છે.
- ઇશીતાનું ’લવીંગ’
→ 3 CommentsCategories: સુવીચાર
Tagged: Thought
સંકલ્પનું બળ - રવિશંકર મહારાજ
August 26, 2008 · 4 Comments
अहम् करिष्ये!
दिलसे जो बात निकलती है , असर रखती है
पर नहीं, ताकते परवाझ मगर रखती है !
पर - पांखें ; परवाझ - पक्षी
—————————————————–
એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઇ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું .” જો, હવેથી કોઇને આવો ઉપદેશ ના દેતા. કોઇને મારી નાખશો !”
અને પછી તેમણે આપવીતી સંભળાવવા માંડી : “તમારા ગયા પછી મને તો ઝાડા થઇ ગયા. બોલવા ચાલવાના હોશ રહ્યા નહીં. લગભગ બેભાન થઇ ગયો. પછી તો મેં ઇશારતો કરીને બૈરાંને બોલાવ્યાં અને ઇશારાથી સમજાવ્યું કે, મને અફીણ ખવડાવો. ત્યારે માંડ જરા હોશ આવ્યા.”
પણ મેં તો ઠાકોરને ઝાટક્યા :” ભૂપતસિંહ ઠાકોર! અફીણ ખાધા વીના મરી ગયા હોત તો દુનીયામાં તમારા વીના શું ખાટુંમોળું થઇ જવાનું હતું? ટેક ન પાળી શક્યા, તો ક્ષત્રીય શાના? અફીણ જેવી ચીજ પણ તમને હરાવી ગઇ? તેના વીના તમે મરવા પડ્યા? તમે તો તમારું ક્ષત્રીયપણું પણ ગુમાવ્યું. ત્યારે હવે તમે જીવતા હો કે મરેલા, બન્ને સરખું જ છે. જો તમે વીર હોત તો જીતત. પણ તમે હાર્યા. અફીણ જીત્યું. “
આટલું સાંભળતાં જ તેમને તો એટલું પાણી ચડ્યું કે અફીણનો દાબડો ફેંકી દીધો. અને પછી ન તો તેમને ઝાડા થયા કે ન બેભાન થઇ ગયા.
કારણકે, આ વખતે સંકલ્પનું બળ હતું.
- રવિશંકર મહારાજ
( ‘મહારાજની વાતો’ માંથી )
આ પણ અંતરની વાણી અને તેનું બળ.
હીન્દુ ધાર્મીક વીધીમાં જ્યારે ”અહમ્ કરિષ્યે ” બોલવામાં આવે છે ત્યારે આ સંકલ્પની વાત કરવામાં આવે છે.
→ 4 CommentsCategories: અંતરવાણી · રવિશંકર મહારાજ
આજનો સુવીચાર
August 25, 2008 · 2 Comments
સંત પાસે જઈ
સંત ન થાવ;
પણ શાંત તો થાવ.
-ઇશિતાનું ‘લવીંગ’
→ 2 CommentsCategories: સુવીચાર
Tagged: Thought
ન્યુયોર્કમાં ટેકસી - અમેરીકા
August 25, 2008 · 16 Comments
ન્યુયોર્ક - સાંજના પાંચ વાગે, નવેમ્બર – 1988
મારાં પત્ની અને હું ન્યુયોર્ક શહેર જોવાની એક ટુર પતાવીને, સબવે( લોકલ ટ્રેન)માં બ્રેન્ટવુડ સ્ટેશને ઉતરીએ છીએ. આખા દીવસના રઝળપાટથી અમે થાકી ગયેલાં છીએ. સ્ટેશનથી સાવ જ નજીક, મારા મામાની દીકરી ચેતના અને એના વર અશોકભાઈની ફાર્મસી/ સ્ટોર છે. એમણે અમને કહેલું છે કે, ‘પાછા વળીને સ્ટોર પર આવજો.’ પણ અમને ખબર છે કે, આ ખાસ ઘરાકીનો સમય છે. અમને મુકવા કોઈ ઘેર આવી શકે તેમ નથી. રાતના નવ વાગે સ્ટોર બંધ થાય; ત્યારે જ ઘેર જઈ જમવાનું મળે અને આરામ કરાય.
અને મારા મગજમાં ફળદ્રુપ વીચાર આવે છે.‘ ટેક્સી કરીને એમને ઘેર પહોંચી જઈએ તો? ઘેર મામા-મામી અને બહેનનાં બાળકો તો છે જ.’
મારી પત્ની મારા આ અસ્સલ, અને કોક જ વાર આવતા(!) શુધ્ધ સુવીચારને થાકેલા સ્વરે અનુમોદન આપે છે. અમે સ્ટેશનની બહાર નીકળીએ છીએ. મારી પત્ની એક બાંકડા પર બેસી પડે છે. હું આવતી જતી બધી ટેક્સીઓને હાથ લાંબા કરી, રોકવા પ્રયત્ન કરું છું. પણ મારી વાળી એકેય રોકાતી નથી. હું બાઘાની જેમ આમથી તેમ આંટા મારું છું. પણ અંતે નીરાશ બની મારી પત્નીની પાસે આવીને થાકીને બેસી પડું છું.
બીજો વીકલ્પ બહેનના સ્ટોર પર જવાનો છે; પણ એ બહુ ગમતો નથી. અમે શું કરવું તેના અસમંજસમાં ગરકાવ છીએ. ત્યાં બાજુના બાંકડા પર બેઠેલો એક ગોરો માણસ મને કાંઈક કહેવા જાય છે. થોડાક ભયની લાગણીથી હું તેની પાસે જાઉં છું. અમેરીકન ઉચ્ચારોથી નહીં ટેવાયેલા, મારા કાનને અને મગજને થોડી ઘણી સમજણ પડે છે. તે મને કહી રહ્યો છે,’બાજુની દીવાલ પર રાખેલા ટેક્સી કમ્પનીના ફોન બુથ પરથી ટેક્સી બોલાવ.’
ફોન ઉપર લખેલી સુચના ‘મફત’ મારા અમદાવાદી ચીત્તને ગળી ચટ્ટાક જેવી લાગે છે. હું ફોન ઉઠાવું છું.ટોલ ફ્રી 1-800- **** નંબર જોડું છું. સામે રણકતી ઘંટડી જેવો, કોઈક મડમનો અવાજ સંભળાય છે. તે મારું નામ અને અમે ક્યાં છીએ; તેની માહીતી માંગે છે. હું જેવો ફોન કરીને પાછો વળું છું , ત્યાં જ એક ટેક્સી રમરમાટ આવી પહોંચે છે, અને ડ્રાઈવર-બાનુ મીસ્ટર જાનીના નામની અહાલેક બજાવે છે.
હું તો અજાયબ બનીને ‘આ મારી ઓળખીતી વળી ક્યાંથી નીકળી?’ એમ વીચારતો થાઉં છુ;
ત્યાં જ ટેક્સી ઉપરના અને ફોન બુથ પરના એક જ કમ્પનીના નામથી મને કેવળજ્ઞાન લાધે છે કે, ફોન ઉપર સંભળાયેલા, ટેક્સી કમ્પનીની કોઈ અજાણી બાનુના, ઘંટડી જેવા અવાજ દ્વારા, આ બાનુને અમારો અતીથીસત્કાર કરવા ડીસ્પેચ કરાઈ છે! (એને સુચના મળેલી છે.)
અમે આ અમેરીકન સીસ્ટમથી અંજાઈ જઈ, ટેક્સીમાં બીરાજમાન બનીએ છીએ. ઓલી અમારે ક્યાં જવું છે તે સરનામું મારી પાસેથી મેળવી લે છે. ટેક્સી ચાલુ કરે છે. અને વાયરલેસ ફોન ઉપર ગોટપીટ ગોટપીટ કરે છે. અમને એકેય રસ્તાની કોઈ માહીતી નથી. અમને તો અંદરથી ફડફડ થતું રહે છે કે, ‘આવી આ કોઈ મોટા રેકેટની માયા તો નથી ને? ઘેર સલામત પહોંચ્યા ત્યારે સાચા.’
ઓલી તો ડાબા અને જમણા વળાંકો લેતી બીન્ધાસ્ત આગળ ધપે છે. અમારું રસ્તાઓ વીશેનું અજ્ઞાન એ જાણી જાય નહીં; એની સતત ફીકર અમને થતી રહે છે. એ રસ્તા વીશે મને કાંઈક પુછશે; તો હું શું જવાબ આપીશ, તેની ઘડભાંગ મારા મનમાં થતી રહે છે.
પણ મારી વાળી એ તો અમને કાંઈ પુછતી જ નથી; અને ધમ્મ દઈને એક ઘર આગળ ગાડી ઉભી રાખે છે. અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે બહેનનું ઘર આવી ગયું છે.
માત્ર નવ ડોલરના ચાર્જની સામે હું દસની નોટ હોંશથી એને પકડાવી દઉં છું – આ મહાન, ધર્મસંકટમાંથી છુટવા માટે.
——————-
આજથી વીસ વરસ પહેલાં, છેક 1988માં, ટેક્સીઓ આવી આધુનીક સુવીધાથી સજ્જ હતી. એ તો જાણે ઠીક પણ, સાવ અજાણ્યા અને પરદેશી જેવા લાગતા અમારી સાથે તેણે કોઈ છેતરપીંડી કરી ન હતી, તે પણ એક સુખદ સંભારણું રહી ગયું છે.
→ 16 CommentsCategories: અમેરીકા · સુરેશ જાની
Tagged: america