સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આનંદમયી-2

આનંદથી અંતરયાત્રા શરુ થાય છે.
પણ આપણા જીવનમાં આનંદ કઇ રીતે લાવવો? આપણા જીવનમાં આનંદની ક્ષણો બહુ ઓછી હોય છે. ‘દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલું’ આ જીવન છે. અને તે સુખ પણ કેવાં? આપણને પોતાને શું સુખ આપશે તે તો આપણને ખબર જ નથી. પડોશીની પાસે આ છે ને તે છે અને મારી પાસે નથી. તે મળી જાય તો આનંદ આનંદ થઇ જાય. મારો ભાઇ મારાથી આગળ નીકળી ગયો. હું તેને પાર કરી જાઉં તો મઝા આવી જાય. બધું સુખ બહારથી કલ્પેલું. અંતરનો આનંદ તો ક્યાં ય નહીં. અને જેવું પેલું ઊછીનું સુખ મળ્યું કે બીજી જ ક્ષણે નવી અપેક્ષાઓ અને નવી વ્યથાઓ, અને નવા સંઘર્ષો શરુ…
માટે પહેલું પગલું સુખની શોધ બંધ કરી આનંદની ખોજ કરીએ. સુખ વસ્તુથી મળે છે. આનંદ અંતરની ચીજ છે. સમાજમાં દુઃખી ગણાતા, આર્થિક રીતે નીચલા થરના માણસો વધારે આનંદી હોય છે. કારણકે તેઓ વર્તમાનમાં જીવતા હોય છે.
આ આનંદ ત્યારે લાંબો નીવડે છે જ્યારે તે આપણી પોતાની મનગમતી પ્રવૃત્તિમાંથી નીપજતો હોય. કોઇ સુંદર દ્રશ્ય કે મધુર સંગીતની સુરાવલી. કે મનગમતી કવિતા. કે બાળકનું હાસ્ય જે લાગણીઓ ઊભી કરે છે તે, કોઇ વસ્તુ મળે તેનાથી મળતાં આનંદ કરતાં ચઢીયાતી અને સહજ હોય છે.
આથી સંઘર્ષમય દિવસનો એક નાનો સરખો પણ ભાગ આવા નિર્વ્યાજ અને આપણા પોતાના આનંદની પ્રાપ્તિ માટે, આપણને મનગમતી પ્રવૃત્તિમાં ગાળતા થઈએ. આવા આનંદની એક ઘડી બાકીના ભાગમાં અનેકગણી તાકાત આપણા માનસને આપવા માંડશે. જેમ જેમ આ વાતની પ્રતીતિ આપણને થવા માંડશે તેમ આપોઆપ આવી પ્રવૃત્તિ માટે આપણે વધુ ને વધુ સમય આપતા થવા માંડીશું. બસ.. તમે હવે ખરેખર ચાલવા માંડ્યા.
અને આપોઆપ તમે વધારે અને વધારે સમય આવી પ્રવૃત્તિ માટે આપતા થશો. આ પ્રવૃત્તિ કોઇ ભજન કે ધ્યાન કે જપ હોય તે જરૂરી નથી. તે તમને અંતઃકરણથી ગમતી હોવી જોઇએ -. કોઇએ કહ્યું છે તે નહીં- પણ તમારા મને પોતે જ નક્કી કરેલી. તમને ચિત્ર દોરવાનું ગમતું હોય, અથવા કવિતા વાંચવી ગમતી હોય કે બસ ખાલી આકાશ સામે તાકી રહેવાનું ગમતું હોય તો તેમ કરો. શરત માત્ર એટલી કે તે તમારી પોતાની હોવી જોઇએ. ક્યાંયથી ઊછીની લીધેલી કે પડોશીને ગમે છે તે નહીં !
આ ખાલી સલાહ નથી, પણ નીવડેલો રસ્તો છે. અટ્ઠાવન વર્ષની ઉંમરે નિવૃત્તિકાળમાં ભજન, જાપ કરવા જોઇએ તેવી ભૂલભરેલી અને કોઇકે આપેલી સૂચના પર આધાર રાખીને યંત્રવત કલાકો ના કલાકો સુધી આ બધું કરતો હતો. પણ કોઇ આનંદ નહીં, કોઇ શાંતિ નહીં. આ બધું જ સાવ છોડીને , સુગમ સંગીતની કેસેટો સાંભળવામાંથી શરુ થયેલી આ આનંદ પ્રાપ્ત્તિની રીતે મને કવિતા લખતો કરી દીધો છે ! આમાંથી જ ‘ચાર વર્ષના ડોસાજી’ જન્મ્યા છે. અને પછી , બાપુ! આનંદ તે કેવો.. બસ આનંદ અને આનંદ જ. આ લખું છું ત્યારે રાતના એક વાગ્યા છે. પહેલાં તો પથારીમાં ઉંમર-સહજ અનિદ્રાને શાપ આપતો, પાસાં ફેરવતાં મંત્રોના વ્યર્થ ઉચ્ચારો કરતાં, ઊચાટમાં રાત કાઢવી પડતી હતી. અને આ રસ્તો પકડ્યા પછી .. ભાઇલા! બ્લોગના બ્લોગ લખવા શરુ થઇ ગયા છે!! આમાંથી કોઇને પ્રેરણા મળે ને આવા પ્રયોગો કરવા માંડે તો આ પ્રયત્ન સાર્થક. અને કોઇ ન વાંચે તો ય શું. આપણા આતમરામ તો જલસા કરે છે.
બસ આ જ આનંદના માર્ગની શરુઆત. ધસમસતો આનંદ, જુવાન માણસને પણ શરમાવે તેવો આનંદ. દિવાનાનો આનંદ. મરીઝ અને ઘાયલનો આનંદ. શૂન્ય અને બેફામનો આનંદ. નાચવાનું મન થઇ જાય તેવો આનંદ.
મન થાય તો કવિતા વાંચું, મન થાય તો સાંભળું. મન થાય તો કાગળ લઇ ઓરીગામી નું મોડલ બનાવવા બેસી જવાનો આનંદ. બસ આનંદ જ આનંદ. એક પણ ક્ષણ નવરા ન બેસી રહેવાનો આનંદ. મોત આવે તો તેને પણ કહી બેસું કે ‘મોત જરા રોકાઇ જતે , બે ચાર મને પણ કામ હતાં.’ જીવન જીવવાનો આનંદ.
અત્યારે તો આ સ્થિતિ પર છું. આગળ શું થશે તે ખબર નથી, જાણવાનું મન પણ થતું નથી.. બસ આ જ મસ્તી કાયમ રહે. જવાહરભાઇ કહે છે તેમ આ મસ્તીમાંથી જ વિરક્તિ ટપકી પડે તો કહેવાય નહીં !
કદાચ આમાંથી જ ચૈતન્યની – પ્રાણની અનુભૂતિ થશે.
આગે આગે દેખા જાયગા!

3 responses to “આનંદમયી-2

 1. mahendra thaker ઓગસ્ટ 14, 2006 પર 12:22 પી એમ(pm)

  suresh bhai,
  tamara jeevan na ananad ni vato jane mara jeevan na anand sathe susamvadit rite male che…
   i am also writing time to time.. its great beginning..
  i congratulate..
  then i visited your site..
  i wanted to convert all u r articles in pdf as u said by august end they are going to stop this..
  can u send me font used in this all articles?
  as i have to copy in word and it shows greelk n latin as no proper font of guj i have( i have for divyabhasker, rediff, chitralekha)
  so if u send me i will send u pdf version of all u r articles..
  keep it up more next after hearing from u
  see abt me:
  http://geocities.com/mhthaker

 2. Pragnaju Prafull Vyas સપ્ટેમ્બર 17, 2007 પર 12:22 પી એમ(pm)

  આ આનંદ પ્રાપ્તી બદલ
  ધન્યવાદ.
  પણ આ આનંદ ક્ષણિક છે.
  સંતો કહે છે પરમ આનંદ માટે
  પરમની કૃપા જોઈએ…
  તે તેની શરણાગતીથી જ આવે!

 3. ગાંડાભાઈ વલ્લભ ઓગસ્ટ 15, 2008 પર 8:23 પી એમ(pm)

  સુરેશભાઈ મારું ઈ-મેઈલ સરનામું તો gandabhaiv@gmail.com છે, એ કઈ રીતે gandabhaiv@gmail.co.nz થઈ ગયું તે મને ખબર નથી. મેં કદાચ કોઈ વાર ભુલમાં લખ્યું હોવું જોઈએ. ભુલ બદલ ક્ષમા કરશો.

  આપના આનંદમાં ખલેલ પાડવાની મારી ઈચ્છા નથી. માત્ર એક વાત મારા મનમાં ઘૂંટાય છે, કે આટલા આનંદસભર હો અને વર્તમાનમાં લીન હો તો જે કંઈ સંભવી રહ્યું હોય તેનો સહર્ષ સ્વીકાર હોય, પછી તે મૃત્યુ કેમ ન હોય. મને કવીનું નામ યાદ નથી, જેમણે ગાયું છે કે, “મૃત્યુ મરી ગયું રે લોલ”, આપને કદાચ એ ખબર હશે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: