સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચાલુ દિવસની સવાર – કેનેડામાં

સવારના સાડા છનો સુમાર હતો.. બેબીને નાસ્તો કરવાની ઉતાવળ હતી ( મારી દિકરી સ્તો!)–જોબ પર જતાં પહેલાં. જમાઇ બીચારા ચિંતામાં હતા, તેમના મોજાં જડતાં ન હતા. બાબલો ( બેબીનો જ તો! ) આ બધી ધમાલથી છટકવાના ઇરાદે બોલ્યો ” નાના! તમે પ્રાણાયમનું કહેતા હતા, તે મને શીખવાડો ને ! ”

હજુ ગઇ કાલે તો મારા રીટાયર થયા બાદ અમે અમદાવાદથી ઓટાવા બેબીને ઘેર આવ્યા હતા. મને શૂર ચડ્યું. ચાલ બાબાને ભારતીય સંસ્કૃતિનો પહેલો પાઠ આપવાનું આજથી જ શરુ કરી દઇએ.

મેં મારી ‘એ’ ને કહ્યું – “ ચાલ ઘરની બહાર ઓટલા પર પ્રાણાયમ કરીએ. ચાલ, બાબલા! મઝા પડશે.” બાબલો આ નવા સાહસની શક્યતાથી ઉત્સાહમાં આવી તૈયાર થઇ ગયો. મારાં પત્ની પણ બહાર આવી ગયા. અમે પ્રાણાયમ શરુ કર્યા. થોડી વારે જમાઇ દરવાજામાંથી બહાર આવ્યા અને બારણું લોક કરીને વિદાય થયા. પાંચ મિનીટમાં બેબી પણ ગેરેજમાંથી ગાડી કાઢીને અમને ‘બાય’ કહીને વિદાય થઇ.

કેનેડીયન ઘરની બંધિયાર હવામાં નહીં પણ બહારની શુધ્ધ હવામાં કસરત અને પ્રાણાયમ કરીએ તો તબિયત કેવી બને તેવું મારું ભાષણ બાબલો ધ્યાન પૂર્વક સાંભળતો હતો અને મારી ચાર મણની કાયાને અને ખાસ તો તેના શણગાર રૂપ નાનાના પેટને જોવાની મઝા માણતો હતો. મારાં પત્ની એક ચિત્તે તેમની નમણી કાયા પાછલી ઉમ્મરમા પણ સોળ વર્ષની કન્યા જેવી રહી શકશે તેના ઉત્સાહમાં બરાબર કસરત-રસ્ત હતા.

“ હવે ચાલો ઘરમાં જઇએ.” થાકેલા સ્વરે હું બોલ્યો. આખા લશ્કરે ઘરના બારણાં ભણી વિજય યાત્રા આરંભી. બાબલો સૌથી આગળ. પેલું ખોવાયેલું રમકડું હવે પાછું યાદ આવ્યું હતું, તે મળશે એ આશાએ.

પણ, બારણું તો બંધ! વળી ઘરમાં તો કોઇ જ નહીં. આ સાવ અવનવા દેશનાં બારણાં પણ કેવાં ? ઓટોમેટીક તાળું વસાઇ જાય. ક્યાં તો અંદરથી ખોલો અથવા ચાવી હોય તો ખોલીને અંદર જાઓ.

હવે શ્રીમતિજીના સોળ સાલની સુંદરી થવાના સપનાંઓ પર પાણી રેડાઇ ગયું.” તમને આવા ચાળા સુઝે છે. હવે શું થશે? “ તેઓ વદ્યાં.

હું તો હતપ્રભ જ થઇ ગયો હતો. નોકરી કરતો હતો ત્યારે ય આવા ધર્મસંકટમાં કદી પડ્યો ન હતો. મેડમનો કકળાટ ચાલુ જ હતો. હવે કરવું શું? પાસે ફોન પણ નહીં. અને કોઇ આડોશી પડોશી પણ દેખાય નહીં. બધાનાં બારણાં બંધ. અને સાવ અજાણ્યાના ઘેર જવાય પણ શી રીતે? અને પાછી ધોળા લોકોની વધારે પડતી શિસ્ત! આપણે તો બાપુ જબરા હલવાણા!

પણ આ કેનેડામાં ઉછરતી નવી પેઢી સ્માર્ટ ઘણી હોં ! પોયરાના તરો તાજા દિમાગમાં ઝબકારો થયો. તે કહે “ મારી બેબી સીટર સાવ નજીકમાં રહે છે. ચાલો નાના ! ત્યાં જઇને મમ્મીને ફોન કરીએ.”

અમારું લશ્કર તો ઉપડ્યું – બેબી સીટરને ઘેર. બાબલો અને નાની તો કંઇક વ્યવસ્થિત પોષાકમાં હતા, પણ બંદા તો ચડ્ડી – બનીયનધારી !! અને ત્રણે ય ખુદાબક્ષો અમદાવાદી હોલબુટમાં, એટલે કે ખુલ્લા પગે !  બધું હાઉસન જાઉસન તો ચાલ્યું. આગળ આ નવા સાહસથી ઉત્સાહમાં આવી ગયેલો અને આટલા મોટ્ટા માણસોના ગાઇડ થવાની અણધારી બઢતી મળ્યાની તકથી ઉછળતો બાબલો, પાછળ ચિંતાગ્રસ્ત વદને, પણ થોડા ક્ષોભવાળા ચહેરે હું અને સૌથી પાછળ ફ્યુઝ ઊડી ગયેલી નાની.

રસ્તામાં સ્વાસ્થ્ય માટે બહુ સભાન અને સવારના પહોરમાં ચાલવા નીકળેલા કેનેડીયનો, વિસ્ફારીત નજરે અમને નિહાળી રહ્યા હતા. અમે તો મિંયાની મીંદડીની જેમ નજર નીચી કરીને ધસમતા હતા. ક્યારે બેબી સીટર બેનશ્રીનું ઘર આવે અને અમારા આ ધર્મસંકટનો અંત આવે?

એટલું સારું હતું કે બાબલો સૌથી વધારે મુડમાં હતો . જો રડતો હોત તો, કોઇ શિશુ-સાથી , પરોપકારી સજ્જનની કૃપાથી અમે પોલીસ થાણે પણ પહોંચી ગયા હોત – આ અવનવા દેશમાં !

છેવટે અમે ત્યાં પહોંચ્યા. પેલાં બહેન તો અમારા દિદાર જોઇને ડઘાઇ જ ગયા. પણ મામલો સમજાવતાં થાળે પડ્યો. દિકરી સાથે વાત થઇ ગઇ અને પંદરેક મિનીટમાં તે આવી ગઇ અને અમને યથા સ્થાને પાછા સુખરુપ ગોઠવી દીધા. ઘટનાનું પુનરાવર્તન ન થાય તે શુભાશયથી , સાંજે અમને ચાવીની બીજી કોપી પણ મળી ગઇ !

પણ એ અડધોએક કલાકની કેનેડાની પહેલી સવાર જિંદગીભર યાદ રહી જશે.

[ એક મિત્રની આપવીતિ પર આધારિત સત્ય કથા ]

3 responses to “ચાલુ દિવસની સવાર – કેનેડામાં

  1. amitpisavadiya સપ્ટેમ્બર 14, 2006 પર 5:17 પી એમ(pm)

    પ્રાણાયામ કરતા પ્રાણ ફસાયા જેવુ થયુ હો આ તો !!! 🙂

  2. Neela Kadakia ઓક્ટોબર 12, 2006 પર 8:50 એ એમ (am)

    એ એ એ ફસા. લેકિન નીકલ ગયા.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: