આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….
આનંદમયી, આનંદમયી, આનંદમયી….
તવ મહામુદાના ધામ ત્યહીં.
અમ અલ્પમુદાના ધામ,ઠામ,મુકામ અહીં.
તવ પરમ હર્ષના સાગર કેરી છોળ.
અમ ક્લેશ દુઃખના ઘોર અહીં વંટોળ.
તું આવ લઈ (3), તવ ધસમસ, નંદ-પ્રચંડ તણા રસપૂર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….
ચૈતન્યમયી, ચૈતન્યમયી, ચૈતન્યમયી
તવ ઊર્ધ્વચિતિના ગગન ત્યહીં,
અમ ચિતિધરાના તમસ ઘોરમાં મગન અહીં.
તવ પ્રખર ચૈત્યના ઝળહળતા રવિરાજ
અમ ટમટમ દીપક દીન તણાં અહીં કાજ
તું આવ લઈ (3), તવ છલછલ ચેતન તણા સભર અંબાર
તું આવ અહો.(3)\ આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….
સત્યમયી, સત્યમયી, સત્યમયી
તવ સ્વર્ણજ્યોતિની સૃષ્ટિ ત્યહીં
અમ તમસ છાયી લઘુ દ્રષ્ટિ અહીં.
તવ પ્રખર તેજના દીશ દીશ ભરતાં નીર
અમ મનમનના આ પંક સહુ મલીન સહુ તીર
તું આવ લઈ (3), તવ ઉજ્જવળ ઝળહળ, ભર્ગ તણા ભંડાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….
પરમે, પરમે, પરમે, પરમે,
તવ વિશ્વપારના પવન ત્યહીં
અમ ભૂમીજડિત સહુ ક્રમણ અહીં,
તવ સૃષ્ટિ સર્વને ક્રમી જતા નિત, નૂતનતમ સંચાર
અમ ડગમગ પડતા કદમોનો આ શોક,મોહ, સંસાર
તું આવ લઈ (3), તવ દિવ્ય જગતના ભવ્ય મધૂર ઝંકાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે ….
– સુંદરમ
મારા વિચારો
Like this:
Like Loading...
Related
Pingback: સુંદરમ્ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: બની આઝાદ – અપેક્ષાઓમાં બદલાવ | ગદ્યસુર
https://remembergod.wordpress.com/2008/09/28/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%ae%e0%aa%af%e0%ab%80-%e0%aa%9a%e0%ab%88%e0%aa%a4%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%af%e0%ab%80-%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%af/