હોય છે ‘બેદાર’ ક્યારે એકલા
આપણી અંદર ઘણા જણ હોય છે
# – ‘બેદાર’ લાજપુરી
‘બેદાર’ લાજપુરી ની આ ગઝલ વાંચી ત્યારથી મારો હાથ આ વિશે લખવા સળવળતો હતો ! આવો વિચાર હજુ સુધી મેં કોઇ ગઝલ કે ગીતમાં વાંચ્યો ન હતો. પણ આ તો મારો બહુ જ માનીતો અને મનગમતો વિચાર!
આપણા અહમ્ વિશે ઘણું લખાયું છે. અહમ્ નો ત્યાગ કરવાની ઘણી શિખામણ અપાઇ છે અને અપાતી રહેશે. આપણે કંઇક છીએ તે ભાવ સનાતન છે. પણ શેનો ત્યાગ કરવાનો છે તે આપણને ખબર છે? બાળક, કિશોર, યુવા, પ્રૌઢ અને વૃધ્ધ ‘હું’ તે નો તેજ રહ્યો છે? પુત્ર તરીકે, ભાઇ તરીકે, મિત્ર તરીકે, પતિ અને પિતા તરીકે શું ‘હું’ એક જ હતો અને છું? જ્યારે હું એકલો હોઉં છું ત્યારે કંઇક હોઉં છું, બીજા સાથે હોઉં છું, ત્યારે કંઇક ઓર. આનંદમાં અને વિષાદમાં વળી કંઇક ત્રીજો જ. જયનો દાદો જે વ્યક્તિ છે તે જ શું જ્યોતિનો પતિ અને વિહંગ કે ઋચાનો બાપ છે?
શું કોઇ અમેરિકન કે નીગ્રો કે દોસ્ત કે દુશ્મન સામે મળે ત્યારે ‘હું’ તેનો તે જ રહું છું? બ્લોગ પર લખું ત્યારે જે ‘હું’ છું, તે જ શું ભૂતકાળનું સ્મરણ કરતો માણસ છે? જ્યારે કોઇ અણગમતી વ્યક્તિ સાથે પનારો પડે ત્યારે, અંદરથી એક ‘હું’ કહે છે કે ‘હવે આ જાય તો સારું !’ , પણ બહાર કયો જણ બોલે છે કે ‘ તમને મળીને બહુ આનંદ થયો? ‘ !
કયો ‘હું’ ‘હું’ છે?
જવાબ છે : કોઇ નહીં.
મારો ‘હું’ જેવો જન્મ્યો હતો તેવો રહ્યો જ નથી. અને ત્યારે એ શું વિચારતો હતો તે તો તે ‘હું’ ભૂલી ગયો છે. એ જે ભાષામાં ‘હું’ વિષે વિચારતો હતો તે ભાષા જ ભૂલાઇ ગઇ છે. જેને ‘હું’ કહું છું તેનું ‘હું-પણું’ તો બદલાતું રહ્યું છે. કેટલા બધા મારા આ ‘હું’ ના સ્વરૂપો રહ્યા છે? માટે જ ‘બેદાર’ કહે છે તેમ મારી અંદર ઘણા બધા જણ રહી ચૂક્યા છે અને અત્યારે પણ રહે છે!
બીજી ભાષામાં કહીએ તો આપણા અનેક મહોરાં છે અને આપણે તે સ્થળ, સમય અને સંજોગ પ્રમાણે બદલતા રહીએ છીએ. આથી આપણે માની લીધેલું સત્ય કે વ્હેમ કે – ‘આપણે જે છીએ તે જ છીએ, તે તો બદલાય જ નહીં.’ તે સાવ ખોટું છે.
આપણા મહોરાં આપણે આપણી સગવડ, આપણા ગમા- અણગમા પ્રમાણે બદલાતા જ રહેતાં હોઈએ છીએ.
તો કયા ‘હું’ નો ત્યાગ કરવાનું સૌ કહે છે? કયું મહોરું રાખું અને કયું ફેંકું? કે પછી પાછું બીજું કોઇ નવું નક્કોર પહેરી લઉં? મહોરાં બદલવાથી અહમ્ નો ત્યાગ નહીં થાય. કોઇને કોઇ મહોરું તો રહેશે જ. સાધુ કે સન્યાસી થઇ હરદ્વાર રહેવા જતો રહીશ, તો બીજું મહોરું જ મળશે.
તો વાત છે બધાં મહોરાં છોડીને જે ખરેખર ‘હું’ છે તેને જ માત્ર રાખવાની – જેને આ વિચારો આવે છે તેને જ – બીજા કોઇને નહીં. મારી સાચી ઓળખ જાણવાની – કોઇ પણ મહોરાં વગરના તે ‘હું’ ની.
કોઇ કહેશે : ‘ આ બધી તરખડ શું કરવા કરવી? છાના માના જેમ રહેતા હો તેમ જ રહોને ! નકામા આ વિચાર વાયુમાં પાગલ થઇ જશો.’
બસ ! આ પાગલ થવા માટે જ આ બધી તરખડ છે ! જીવનનું મૂળભૂત ધ્યેય – ‘સુખની શોધ’ છોડીને આનંદની શોધ કરવા માટે આ બધી પળોજણ છે. તમારે સુખી થવું હોય તો જેમ કરતા આવ્યા છો તેમ જ કરતા રહો. પણ કેવળ આનંદની અનુભૂતિ કરવી હોય – એવો આનંદ કે જે કદી તમને ન છોડી દે – તો ચાલો આ દિશામાં ! અને જાણકારો કહે છે કે
આ ઓળખ
તે જ પરમ તત્વની ઓળખ.
બસ! ભગવાન તને મળી ગયો.
જેને આ તત્વની ઓળખ થઇ છે તે સૌ આમ કહે છે. તેઓ કહે છે કે આ સ્તર પર તમારૂં ‘હું-પણું’ પહોંચે તે જ સાક્ષાત્કાર – તે જ મુક્તિ – તેજ બ્રહ્મ સંબંધ. ત્યારે જે શબ્દ નીકળે તે જ અંતરની વાણી. અને ત્યારે જ આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ એ બધા તમારા, અરે! આખું જગત તમારું !!
આ માટે કોઇ યાત્રા કરવાની હોય તો તે અંદરની તરફ કરવાની છે. કશું છોડવાની આ વાત જ નથી. આ કશું નવું પ્રાપ્ત કરવાની વાત પણ નથી. આ તો થવાની વાત છે. અને તે પણ જેવા હતા તેવા થવાની વાત. પાછા જવાની વાત. ત્યાગની નહીં મસ્તીની વાત.
બહુ સરળ વાત છે – સાવ સરળ , અને માટે જ તે જગતની સૌથી કઠણ વાત છે, કારણકે જીવનમાં આપણે પ્રગતિ કરવાનું જ શીખ્યા છીએ – પાછા જવાનું નહીં. આ તો આપણા કેળવાયેલા સ્વભાવથી પ્રતિકૂળ છે. વહેણની સામે તરવાની આ વાત છે.મારો અનુભવ એમ કહે છે કે આવું તરણ સાવ સરળ છે. તમારી સૌથી મનગમતી પ્રવૃત્તિમાં એકરૂપ થઇ જાઓ – એવી પ્રવૃત્તિ જે જીવન નિર્વાહ કે જીવન સંઘર્ષ સાથે કોઇ સંબંધ ન ધરાવતી હોય તેવી પ્રવૃત્તિ. તેના મય બની જાઓ, તેનામાં રમમાણ થઇ જાઓ, એટલે બધાં ય મહોરાં ધીરે ધીરે બિન જરૂરી લાગવા માંડશે. આપોઆપ સરતાં જશે – સરતાં જ જશે.
જવાહર બક્ષીનો મને બહુ જ ગમતો શેર –
મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ:
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.
આ બાબતમાં વધુ વાંચવું હોય તો નીચેની લીન્ક પર વાંચો –
# આનંદમયી -1
# આનંદમયી -2
Like this:
Like Loading...
Related
વાહ દાદા, શું સુંદર વિશ્લેષણ કર્યું છે!!!
કેટલી સાચી વાત છે, કે આપણી અંદર ઘણા જણ હોય છે… અને એમાંથી એકાદ જણનેય સંપૂર્ણ સુખી કરી શકતા નથી… ક્યારેક લાગે છે કે સાચો ‘હું’ તો કદાચ એ બધાંય ‘જણ’ ની વચ્ચે બસ અટવાયા જ કરે છે!!
ખરેખર સુંદર વર્ણન કર્યું છે દાદા… આભાર!
મનગમતા રંગ મન ની સેહત મેઘ ધનુષી રંગોથી સુધારી આપે છે!ખુશ-ખુશ-ખુશાલ બાગ બાગ….અને હલકા-ફૂ ફુલકા …થઇ જવાય તેવું.
wah.
બહુ સરળ વાત છે – સાવ સરળ , અને માટે જ તે જગતની સૌથી કઠણ વાત છે, કારણકે જીવનમાં આપણે પ્રગતિ કરવાનું જ શીખ્યા છીએ – પાછા જવાનું નહીં. આ તો આપણા કેળવાયેલા સ્વભાવથી પ્રતિકૂળ છે. વહેણની સામે તરવાની આ વાત છે.
Just read on FB. Aliya Bhatt.
Alia says in an interview about Dear Zindagi..: Who is me? What is me? Where is me? Is there a me? There is so much me, that I no longer know which me is me. I wake up in the morning and face the mirror. Other actresses look for zits. I look for me. I am very existential that way. My dad, Mahesh, taught me the spelling of existential before I could spell Alia. My mother, Soni, made me rehearse the pronunciation. See…our family is very evolved. We don’t waste time discussing Sonam’s next film or her next outfit. We discuss zindagi. Others in the industry discuss boring things like 100-crore clubs. We discuss real stuff – finding ourselves. Haan. If we find me in the 100-crore club, that’s okay. Like Osho used to tell dad in the old days, “There is life beyond 100 crores. Think 200 crores…500 crores .”
Yes, there are so many “I”, within us. And to find out the real “I” is the goal of life.