સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હૈયાની વાત – મકરંદ દવે

કોકના તે વેણને વીણી વીણીને વીરા!
ઊછી- ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને,
ફૂલ જેમ ફોરમની – ધરીએ. – કોકના તે વેણને…

કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
મોરલો કોઇની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા !
રૂડા રૂપાળા સઢ કોકના શું કામના?
પોતાને તુંબડે તરીએ. – કોકના તે વેણને…

પોતાની વાંસળી પોતે બજાવીએ
ને રેલાવી દઇએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતમાં જીવી ગયા, વીરા!
જીવતાં ન આપણે મરીએ. – કોકના તે વેણને…

મકરંદ દવે   ( તેમના જીવન વિશે જાણવા અહીં ‘ક્લીક’ કરો. )

            બહુ જ સાદી અને સરળ ભાષામાં લખાયેલી અને ભાવવાહી અવાજમાં ગવાયેલી આ રચના મને બહુ જ પ્રિય છે. 
             સ્વાભાવિક જીવન જીવવાનો આ સંદેશ મરવાના વાંકે જીવતા માણસના પોતને જાગૃત કરી જાય છે. સાવ બનાવટી અને કાગળના ફૂલ જેવા આધુનિક જીવનમાં આવી રચનાઓ એક તાજગી ભરી દે છે.
             તીવ્ર વેગથી ગતિ કરી રહેલા, પ્રચંડકાય સામાજિક , આર્થિક અને ધાર્મિક ચક્રની એક નાની શી ખીલી જેવું આપણું હોવાપણું ચહેરો ગુમાવી બેઠું છે. અને એથી ધુંધવાયેલો, દુણાયેલો, હીજરાયેલો આપણો અહમ્ આપણા કુટુમ્બની રીસ્ટ વોચમાંના નાનાશા રૂપકડા ચક્રમાં ફૂંફાડા નાખતા હાથીયાની જેમ વર્ચસ્વ માટે હવાતિયાં મારતો હોય છે. અને બળબળતા રેગીસ્તાનમાં મીઠી વીરડી બનવાનું સામર્થ્ય  ધરાવતો આપણા જીવનનો આ ટુકડો પણ કોઇ આશાયેશ આપતો નથી – જીવતરને ઝેર બનાવી દે છે.
             આવું છે આપણું જીવન. એમાં એક નાનો શો સમયનો ટૂકડો જૂદો કાઢી, ઘનઘોર ઘેરાયેલા મેહૂલાને જોઇ જેમ મોર ટહૂકે છે તેમ, આપણી પોતાની વાણીને ઉજાગર કરવા ;   ભલે ધીમી ગતિએ, પણ એક ક્ષણ માટે ય  આપણા પોતાના તુંબડાથી તરવા આ કાવ્યમાં ઇજન છે. મરીને જીવી ગયેલા સાચા દિલના માનવો તરફ અંગુલી નિર્દેશ કરીને, આપણને મરેલાની જેમ નહીં પણ મોત કાલે જ આવવાનું છે, તેમ ગણી જીવવાનું અહીં આમંત્રણ છે.
               કોઇ ધર્મગ્રંથ કે ગુરુ પાસેથી ઉછીની લીધેલી નહીં પણ આપણા અંતરમાંથી પ્રગટતી વાણીની ફોરમને ફેલાવવાની આ કલ્યાણ-મિત્ર મકરંદની ગોઠડી છે.                  

2 responses to “હૈયાની વાત – મકરંદ દવે

  1. Pingback: ગઝલાવલોકન- ગમતાંનો ગુલાલ? | સૂરસાધના

  2. Anila Patel ફેબ્રુવારી 16, 2019 પર 2:12 પી એમ(pm)

    બંને ગઝલો અને અવલોકન વાંચવાની અને સાંભળવાની મજા આવી.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: