સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઉભરો

       આજે ચા બનાવતો હતો. મનમાં થયું , ‘ ચાલ, આજે ઉભરાનું બારીકાઈથી અવલોકન કરું.’ બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતી દેખાતી હતી. ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી. કોઈક પરપોટો સપાટી પરથી ઉપસી આવતો હતો. મનમાં એમ થતું હતું કે, ‘હમણાં ઉભરો આવવો જોઈએ.’ ધીરે ધીરે પરપોટા વધવા માંડ્યા. 

        અને ત્યાંજ એકાએક, ન જાણે ક્યાંથી, એકદમ તે ચઢી આવ્યો. સમસ્ત સપાટી એક તીવ્ર આંદોલનથી ભરાઈ ગઈ. ખળભળાટ મચી ગયો. ઉભરો આવી ગયો હતો – મને અંધારામાં રાખીને ! બધી વરાળ એકસામટી બહાર આવવા મથી રહી હતી, અને સાથે આખી સપાટીને પણ ઉપર તરફ પ્રવેગીત કરી રહી હતી. બધું ઉપરતળે થઈ રહ્યું હતું. ચાની તપેલીમાં એક વીપ્લવે જન્મ લઈ લીધો હતો.
————————–

         કેટકેટલી જાતના ઉભરા જીવનમાં આવતા હોય છે?

          મનના કો’ક ખુણે, ક્યાંક કોઈક ગમો, અણગમો આકાર લઈ રહ્યો હોય, વીવેકે તેને દબાવી રાખ્યો હોય. પણ કો’ક ક્ષણે એ વીવેકની પાળ તુટી જાય, અને બધો આક્રોશ, બધો અણગમો ક્રોધ બનીને ઉભરાઈ આવે.

         કોઈ પ્રીય વ્યક્તીની આપણે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ. તે હમણાં આવશે. હમણાં તેની ટ્રેન આવશે. અને તે આવી પહોંચે, અને પ્રેમ ઉભરાઈ આવે.

          આપણી કો’ક પ્રીય વ્યક્તીનું  અકસ્માત મૃત્યુ થયાના સમાચાર આવે. મન હતપ્રભ બની જાય. ગળે ડુમો ભરાઈ જાય. છાતી પર મણ મણના ભાર ઠલવાઈ જાય. અને ત્યાં કોઈ આપણને પુછે , ‘કેમ શું થયું?’ અને બધો શોક આંખોના આંસુઓ વતી ઉભરાઈ આવે.

           જાદુનો ખેલ જોવા ગયા હોઈએ, અને જાદુગર આપણને અંધારામાં રાખીને, ઘડીના છઠ્ઠા ભાગમાં અદ્રશ્ય થઈ જાય. આપણે આશ્ચર્યના ઉભરામાં ગરકાવ થઈ જઈએ.

             મનમાં કોઈક ભાવ જાગ્યો હોય, ચીત્ત અભીવ્યક્તી કરવા મથામણ કરતું હોય, અને કો’ક વીચારનો ઉભરો ઉમટી આવે. કો’ક કવીતા સરજાઈ જાય.

              કોઈ રાજકીય કે ધાર્મીક નેતા પોતાના વક્તૃત્વના પ્રવાહમાં લોકોને મંત્રમુગ્ધ કરી કોઈ એક મનોવૈજ્ઞાનીક ક્ષણે એવો નારો લગાવવાનું એલાન આપે; જે સાંભળતાં જ સમગ્ર મેદની એકી અવાજે તે આદેશનું પાલન કરે.  અને એક આંધી સરજાઈ જાય; લોહીની નદીઓ વહેવા માંડે; આગ અને લુંટનાં તાંડવો રચાઈ જાય. આ ટોળાંનો ઉભરો.

           પોતાના બાળકને ય એક તમાચો મારવાનું ન વીચારનાર માણસ ટોળામાં કોઈ દુકાનના કાચની ઉપર પથ્થર ફેંકી દે તેવો ટોળાંશાહીના પાગલપનનોય ઉભરો.

           કોઈ કલાકાર કર્ણપ્રીય બંદીશમાં કોઈ રચના રજુ કરતો હોય; અને તેની ચરમસીમા આવતાં સુકોમળ રીતે તેની સમાપના કરે; અને શ્રોતાઓ એકી અવાજે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લે – તે રસ-સમાધીનો પણ ઉભરો.

           અમેરીકાના પ્રમુખની ઓફીસમાં બહુ જ સંરક્ષણ વાળી સ્વીચો છે.  અમેરીકન કોંગ્રેસની અનુમતી મળી હોય અને પ્રમુખ એમાંની સ્વીચો દબાવે તો છેવટના ઉપાય તરીકે,  ન્યુક્લીયર શસ્ત્રો લઈ જતી આંતરખંડીય મીસાઈલો કાર્યરત થાય અને થોડા સમય બાદ શત્રુ પ્રદેશ ઉપર સેકંડોમાં અભુતપુર્વ તારાજી થઈ જાય.

            નીબીડ અંધકાર અને કેવળ સ્થુળ જડતામાં રમમાણ ‘શુન્ય’માં, સર્જનની આદીમ પળે કો’ક પ્રચંડ વીસ્ફોટ ઉભરે ( બીગબેન્ગ) ; અને તેના ખર્વાતીખર્વ અણુબોંબોથીય વધુ શક્તીશાળી તાંડવમાં બ્રહ્માંડ ઉભરતું રહે, ફેલાતું રહે, કરોડો મહાસુર્યો સર્જાતા રહે; તે પણ એક અનંતનો ઉભરો જ ને?

         ઉભરા સાથે આપણા કેટકેટલી જાતના સંબંધ હોય છે? કેવા કેવા ઉભરા અજાણતાં ઉભરાઈ જતા હોય છે? પણ દરેક ઉભરાની પાછળ કોઈક પ્રક્રીયા, કશીક પુર્વભુમીકા અજ્ઞાત રીતે કામ કરતી હોય છે. એ ગોપીત સ્વીચ કે ઉત્તેજના ક્યાંક, ક્યારેક, અનેક સંજોગો એકત્રીત થતાં ઉભરાઈ આવે અને બધી સામાન્યતાને બાજુએ ધકેલી દઈ એક પ્રચંડ ઉભરો, એક વીપ્લવ, એક પ્રભંજન, એક ધડાકો, એક અકલ્પનીય ઘટના ઉભરાઈ આવે.

         ઉભરા વગરનું જીવન હોઈ શકે? ગીતાના પેલા સ્થીતપ્રજ્ઞને ઉભરા આવતા હશે? રાગ અને દ્વેશથી પર, સુખ અને દુખથી પર, ક્રીયા અને પ્રતીક્રીયાથી પર થવાતું હશે? તપોભંગ રુશીઓની વાતો ક્યાં અજાણી છે?

         અને આ શુન્યનો ઉભરો , એ બીગબેન્ગ જ ન થયો હોત તો?

          પણ ઉભરા તો થવાના જ. ઉભરાનું કાંઈ કહેવાય નહીં. ઉભરાનુંય એક અનીશ્ચીત હોવાપણું હોય છે

          ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.’

12 responses to “ઉભરો

  1. pragnaju ઓક્ટોબર 15, 2007 પર 7:24 એ એમ (am)

    થોડું મારું ઉમેરું?
    દુધ અને પાણીની મિત્રતાનો પ્રતિક ઉભરો.ઉકળવામાં પહેલા પાણી પોતે બળે…મિત્રને બળતો જોઈ દુધ બાળનાર પર હુમલો કરે તેનું નામ ઉભરો.હા,પણ તમે તેના મિત્રનું મિલન કરાવી દો તો ઉભરો શાન્ત થાય.
    અમારા ડાયેટીશીઅનના મત પ્રમાણે ચા અને દૂધ સાથે ઉકાળવાથી ‘ઓક્સેલીક રીનલ કેલક્યુલસ’થવાનો સંભવ વધી જાય!તેથી અમે બે ગ્લાસ પાણી પીને પછી ચા પીએ.
    ચા વખતે અમારા પૌત્રની એક ગંમત…
    T P Y K ?

  2. sunil shah ઓક્ટોબર 15, 2007 પર 8:56 એ એમ (am)

    નાનકડાં અવલોકનનો ખુબ જ સુંદર નીચોડ રજુ કર્યો, ગમ્યું. દીવસેને દીવસે તમારા લખાણો વધુ રુપાળાં બનતા જાય છે…પુસ્તક હજુ કેટલે દુર…?

  3. સુરેશ ઓક્ટોબર 15, 2007 પર 9:10 એ એમ (am)

    હળવાશમાં કહું તો – ઘણી વાર વીચારોમાં મગ્ન હોઉં તો આ ચાનો ઉભરો ય છલકાઈને આખી ગેસની સગડીને પાવન કરી નાંખતો હોય છે !!!

  4. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 15, 2007 પર 11:29 એ એમ (am)

    VERY VERY NICE OBSERVATION & THE COMPARISION TO HUMAN LIFE……..
    MAANAV JIVANE ANEK UBHARAAO AAVE E SWABHAIVIK CHHE…….
    KINTU…JEM CHAAHNA UBHARANE HALAAVAATHI SHANT KARAY TE PRAMANE AAPANE SAU MAANVIOE UBHARO AAVTAA RADAY TEMAJ MAN NE JUDA JUDA SANJOGOMA KEVI RITE SHANT KAVU KE SATOLANTA LAAVAVI E SHIKHAVU KHAASH JARURIT CHHE…..AATALU MAANAV JIVANE SHAKYA THAYU TO MANAV JANMA SAFAL THAYO EVU MAARU MANVU CHHE>>DR. CHANDRAVADAN MISTRY MD LANCASTER CA

  5. Chirag Patel ઓક્ટોબર 15, 2007 પર 2:17 પી એમ(pm)

    ઘણાં ઉભરા બહાર નીકળી જાય તો સારું લાગે છે. અને ઘણાંને ઠંડા પાડીએ તો સારું લાગે છે 🙂

  6. Pingback: કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન | ગદ્યસુર

  7. Pingback: ઉભરો, ભાગ-૨ એક અવલોકન « ગદ્યસુર

  8. patelraju ઓક્ટોબર 9, 2012 પર 1:14 એ એમ (am)

    સુરેશભાઈ, મોટા ભાગના લખાણ ઉભરા જેવા હોય છે…. તમે ઉભરાને વિષય બનાવી ને પણ એટલું સમતલ લખાણ લખ્યું છે કે દાદ દેવી પડે. બહુ સરસ.

  9. Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર

  10. Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના

  11. gyanaknowledge સપ્ટેમ્બર 21, 2015 પર 10:58 એ એમ (am)

    ઉભરા વગરનું જીવન હોઈ શકે?
    હા, જીવન ને ઉભરા વગર બનાવવા મેહનત કરવી પડે છે. હજી મારા પ્રયોગો હજી પુરા નથી થયા ઍટલે વધારે નહી લખુ.

    રાગ અને દ્વેશથી પર, સુખ અને દુખથી પર, ક્રીયા અને પ્રતીક્રીયાથી પર થવાતું હશે?
    હા, રાગ અને દ્વેશથી પર, ક્રીયા અને પ્રતીક્રીયાથી પર થઈ શકાય છે.

    After only two experiments I can say ‘yes’ but wont write much about these topics here… I want to do more experiments before commenting in detail

  12. Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: