મે – 30, 1989 – એટલેન્ટીક મહાસાગર
‘ડેડ અમે તૈયાર છીએ.’ ટોડે તેના પીતા, રોબર્ટને કહ્યું.
ત્રણ માઈલ ઉંડા એટલેન્ટીક મહાસાગરના તળીયામાંથી સીગ્નલો લઈ, સ્ટીમર પર મોકલવા માટેના; ત્રણ ઉંચા અને શક્તીશાળી ટ્રાન્સ્પોન્ડરો દરીયાના તળીયે ગોઠવાઈ ગયા હતા. આનાથી શોધ માટેના રોબોટ, ‘આર્ગો’માં રાખેલા ‘સોનાર’માંથી પ્રસારીત થતા સંદેશાઓ વાપરીને, આર્ગોની પોઝીશન બહુ સ્પશ્ટતા અને ચોક્કસાઈથી મળવાની હતી.

રોબર્ટના આવતાંની સાથે જ ‘આર્ગો’ને દરીયાના તળીયે ઉતારવા બધા સ્ટીમર ‘સ્ટાર હર્ક્યુઅલસ’ના પાછલા છેડે ભેગા થઈ ગયા. 2 ટન વજનના આર્ગો ઉપર બહુ જ શક્તીશાળી ફ્લડલાઈટો, સોનાર ટ્રાન્સમીટર અને ત્રણ વીડીયો કેમેરા લગાવેલા હતા. સવારના છ વાગ્યા હતા. એક મોટી ‘એ’ ફ્રેમ ઉપરથી દોરડાથી લટકાવેલું આર્ગો ધીરે ધીરે નીચે ઉતરવા માંડ્યું. સાથે આર્ગો ને પાવર સપ્લાય આપતો વાયર પણ હતો. ત્રણ માઈલ ઉંડાઈએ તેને પહોંચાડતાં ચાર કલાક થયા. હવે આર્ગો દરીયાના તળીયાથી માત્ર 50 મીટર ઉંચે હતું. તેની જગ્યા બહુ ચોકસાઈથી ટ્રાન્સ્પોન્ડરો બતાવતા હતા.
ધીરે ધીરે સ્ટીમરને હંકારવામાં આવી. આર્ગોના કંટ્રોલ સ્ટેશનમાં બધા કેમેરાઓના વીડીયો રીસીવરો, અને ટ્રાન્સ્પોન્ડરોના સંદેશાઓ વડે આર્ગોની જગા બતાવતાં સાધન પર ટોડ નજર નાખી રહ્યો હતો. આઠ કલાકની તેની ફરજ હતી. તેના બીજા બે મીત્રો બીલી અને કર્ક બીજી અને ત્રીજી પાળીમાં આ ફરજ નીભાવવાના હતા. ત્રણે 20-21 વર્શના નવલોહીયા, તરવરતા જુવાનો હતા.
,
પણ આ શોધ સહેલી ન હતી. ત્રણ માઈલ ઉંડું અને 200 ચોરસ માઈલનો વીસ્તાર ધરાવતું દરીયાનું સાવ અંધકારગ્રસ્ત તળીયું ખુંદવાનું હતું. ઘાસની ગંજીમાં રાતે એક નાની ફ્લેશલાઈટ વડે સોય શોધવા જેવું આ દુશ્કર કાર્ય હતું. અને દરીયાનું તળીયું કંઈ થોડું સાવ સપાટ હતું? તેમાં તો બેસુમાર ટેકરીઓ અને ખીણોથી ‘આર્ગો’ ને સાચવવાનું હતું. સ્ટીમર ધીરે ધીરે ચાલતી હતી, તો પણ આ બે ટનના દાગીનાને તેના ત્રણ માઈલ લાંબા ઝોલા સાથે સ્થીર રાખવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. ટોડે તેને દેખાતા દ્રશ્ય પરથી આર્ગોને કુશળતાથી ઉપર નીચે કરી ટેકરીઓથી સલામત અંતરે રાખવાનું હતું, અને સાથે સાથે વીડીયો મોનીટર પર પણ સતત નજર રાખવાની હતી. અને તે દ્રશ્ય પણ કાંઈ થોડું આકર્શક હતું? સાવ અંધકારગ્રસ્ત દરીયામાં આર્ગોની સર્ચ લાઈટો જેટલો પ્રકાશ પાથરી શકે તેના આધારે ધુંધળું ધુંધળું દ્રશ્ય જ દેખાતું હતું. ત્રણે જવાનીયા વીડીયો ગેમ રમવામાં પાવરધા હતા, માટે જ રોબર્ટે તેમને આ કામ સોંપ્યું હતું. એક એક માઈલના અંતરે સીધી લીટીમાં સ્ટીમર જવાની હતી, અને આમ આખા વીસ્તારને આવરી લેવાનો હતો. સમયવાર કયા અંતરે શું ખાસ દેખાયું તેની નોંધ પણ તેમણે રાખવાની હતી.
પહેલે જ ધડાકે, થોડે આગળ જતાં ટોડની કુશળતાની પરીક્ષા થઈ ગઈ. એક સખત ઢોળાવવાળી ટેકરી દેખાઈ. આર્ગોને કેટલી ઝડપથી ઉંચે લેવું તે બહુ મુશ્કેલ કામ હતું. જો ધીરેથી લે તો ટેકરી સાથે અથડાઈ જાય અને ઝડપ કરે તો આ બે ટનનો ત્રણ માઈલ લાંબો દાગીનો ઝોલાં ખાવા લાગે. પણ ટોડ આ પરીક્ષામાં પાસ થયો! ધીરે ધીરે તેને ફાવટ આવી ગઈ.
બપોરે
12 : 21 – માછલી
13 : 03 – ઓક્ટોપસ
14 : 42 – કાળી શીલા
15-45 – કાચબો
સાવ નીરસ શોધ હતી.
જુન – 5 , 1989
બીલી, ટોડ અને કર્ક હવે અકળાયા હતા. શોધનો પોણા ભાગનો વીસ્તાર ખુંદાઈ ચુકાયો હતો. ત્રણે શીસ્તવાળા યુવાનો હતા; છતાં પણ તેમની ઉમ્મર માટે આ બોજો વધારે પડતો હતો. તેમની અકળામણ સ્પશ્ટ જણાઈ આવતી હતી. રોબર્ટ પોતે જ બોલી ઉઠ્યો , “ મને લાગે છે કે કોઈ ‘બ્લેક હોલ’માં આપણો શીકાર ગરકી ગયો છે.”
ટોડે કહ્યું ,” ડેડ! તમે ચીંતા ન કરો. આપણે તેને શોધીને જ જંપીશું.” રોબર્ટ તુતક પર ગયો અને પોટેટો ચીપ અને કોક લઈ સાંત્વના મેળવવા લાગ્યો! થોડી વાર બાદ કેબીનમાંથી ટોડનો અવાજ આવ્યો ,”ડેડ! કાંઈક કાટમાળ જેવું લાગે છે.”
રોબર્ટ ઉછળીને દોડ્યો. કોકની બાટલી અને ચીપ્સ ફર્શ પર ઢોળાઈ ગયાં. કેબીનમાં વીડીયો મોનીટર પર એક લાંબી પાઈપ જેવી કોઈક ચીજ દેખાતી હતી. ટોડે વીડીયો કેમેરાને ઝુમ ઈન કર્યા. ફટાફટ નેશનલ જીયોગ્રાફીકની ટીમ પણ તેમના કેમેરા અને સરંજામ લઈને આવી પુગી. સાંજના ચાર વાગી ગયા હતા, અને પાળી બદલાવાની હતી, પણ બધા સાથીદારો અઠવાડીયાથી નીર્જીવ રહેલી કંટ્રોલ કેબીનમાં ભેગા થઈ ગયા. સુસ્તીના સ્થાને સતેજતા આવી ગઈ હતી.
હવે સ્ટીમરને તે પાઈપની દીશામાં જ આગળ લેવાનું નક્કી કરવામાં આવ્યું. થોડા થોડા અંતરે બીજા પણ કાટમાળ દેખાવા માંડ્યા.
કેબીનમાં આટલા બધા માણસો ભેગા થયેલા હોવા છતાં નીરવ શાંતી છવાઈ ગઈ. માત્ર સ્ટીમરના એન્જીનની આછી ઘરેરાટી જ સંભળાતી હતી. કદાચ તે ન સંભળાતી હોત તો બધાના હૃદયના ધડકારા પણ સંભળાવા માંડ્યા હોત!
શીકાર મળશે ખરો અને મળશે તો ક્યારે ?
– વધુ આવતા અંકે………
Like this:
Like Loading...
Related
દાદા… આવતા અંક પર ના જાવ….. જલ્દીથી પોસ્ટ કરો
JNTERSTING……..CONTINUE..SURESHBHAI>>>>>CM
મને દુરદર્શનની એક સીરીયલ યાદ આવી ગઈ: પોટલી બાબાકી. એમ જ, દાદા, તમે પણ હવે તમારી પોટલી ખુલ્લી કરી દીધી છે, અને અમને બધાને જલસો પાડી દીધો છે.
સરસ, રસપ્રદ વર્ણન.
Pingback: કપરી શોધ, ભાગ- 2 | સૂરસાધના