સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અંધશ્રદ્ધાનાં જાળાં – ગુણવંત શાહ

          અમીતાભ બચ્ચન જેવો મહાન અભીનેતા આટલો અંધશ્રદ્ધાળુ હોઈ શકે? પુત્રવધુ ઐશ્વર્યાને મંગળ ન નડે તે માટે અભણ માણસો કરાવે તેવી ધાર્મીક વીધીઓ બચ્ચન પરીવાર કરાવે; ત્યારે દેશના કરોડો માણસોને શી પ્રેરણા મળશે ? અમીતાભ છીંક ખાય તોયે સમાચાર બની જાય તેવો મોભો તે ધરાવે છે વીજ્ઞાન અને ટૅકનૉલૉજી તરફથી મળતા બધા જ લાભો પામ્યા પછી પણ આપણી વીજ્ઞાનવૃત્તી ખીલવાનું નામ નથી લેતી. હીન્દુ પ્રજાની અંધશ્રદ્ધા શીક્ષણને ગાંઠતી નથી. અંધશ્રદ્ધા અને ચમત્કારના પ્રશ્ને ભણેલા અને અભણ વચ્ચે ઝાઝો તફાવત નથી. હજી આપણે સૌ માંદળીયાં યુગમાં જીવીએ છીએ. સચીન તેન્ડુલકર સાંઈબાબા પાસે કૃપાની યાચના કરવા જાય છે. રેશનલીસ્ટ કરુણાનીધીના નીવાસ ગોપાલપુરમાં સાંઈબાબાની પધરામણી થઈ ત્યારે મુખ્ય પ્રધાનની પત્ની દયાલુ અમ્માલે બાબાનાં ચરણોમાં દંતવત્ પ્રણામ કર્યાં અને સ્વજનો વચ્ચે બાબાની હથેળીમાં પ્રગટ થતી ચમત્કારી વીંટી મેળવવા માટે પડાપડી થઈ હતી.

         આપણા સમાજને લક્ષચંડી યજ્ઞની નહીં, નસબંધી યજ્ઞની જરુર છે. દેશની ગરીબી બચરવાળ છે; તેથી વીકાસદર વીકાસડરમાં ફેરવાઈ જાય છે. ખાલી પેટ અને ભરેલાં ગર્ભાશયોની સંખ્યા વીકરાળ છે. નવાં મંદીરો બંધાય છે; પણ નવાં સંડાસો તૈયાર થતાં નથી. ટીવી પર બધી ચેનલો અંધશ્રદ્ધા પીરસતી રહે છે. ક્યારેક ગ્રહદશાની ચર્ચા થાય છે, તો ક્યારેક રુદ્રાક્ષની માળાનો મહીમા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર,જ્યોતીષશાસ્ત્ર ફેંગશુઈ અને વળી ટેરોટનાં પાનાં પરથી ભવીષ્ય ભાખવામાં ગપ્પાંબાજીને ચાર ચાંદ લાગી જાય છે. જયલલીથા પોતાના નામમાં એક અક્ષર ઉમેરાય તેવું કરીને ન્યુમરોલૉજી સાથે જોડાયેલી અંધશ્રદ્ધાને દૃઢ કરે છે. નવી ખરીદેલી કારની નેઈમ–પ્લેટ પર અમુક આંકડા આવે તે માટે લોકો લાંચ આપે છે અને રાહ જુએ છે. સીઝેરીયન ઓપરેશન શુભ દીવસે અને શુભ મુહુર્તમાં થાય તેવી ગોઠવણ કરવામાં ભણેલા લોકો અભણ લોકો કરતાં ખાસ આગળ છે.

        પ્રત્યેક ક્ષણને પવીત્ર ગણે તે ખરો ભક્ત, અને પ્રત્યેક ક્ષણને સરખી ગણે તે સાચો નાસ્તીક ગણાય. ૧૩નો આંકડો અશુભ ગણાય તેવું ક્યા મહામુર્ખે કહ્યું છે? મારા દીકરાએ મુંબઈના બહુમાળી મકાનમાં હઠપુર્વક તેરમો માળ પસંદ કર્યો હતો. મારી દીકરીનાં લગ્ન કમુરતામાં થયાં હતાં. હીન્દુઓ શુભ મુહુર્ત જોવડાવવાનું તુત ક્યારે છોડશે? અમાસને દીવસે ટ્રેનના ડબ્બાઓમાં ઓછી ભીડ હોય એવું શા માટે? મારા દીકરાની લગ્નવીધી પણ મારાં ‘વીધવા’ મોટાં બહેને કરાવી હતી. દેશી કેલેન્ડરનાં ખાનાંમાં વીચીત્ર શબ્દો વાંચીને મન વીચારે ચડી જાય છે. વીંછુડો બેસે એટલે શું? સંકટચોથ એટલે શું? પંચાંગ પ્રમાણે બધી તીથીઓ સાથે જોડાયેલી વીધીઓ પ્રમાણે જીવવાનું માણસ નક્કી કરે, તો એ જીવનમાં બીજું કશુંયે કરી ન શકે. આવતા એપ્રીલની ૧૪મી તારીખે આંબેડકરજયંતી અને વલ્લભાચાર્યજયંતી છે. તે જ દીવસે ‘મીન માસનાં કમુરતાં પુરાં થાય છે’ એવું કેલેન્ડરના ખાનામાં લખાયું છે. વળી ૨૨મી જુનના ખાનામાં લખ્યું છે: ‘જૈનોનો કેરીત્યાગ.’

       સત્યની સ્ટ્રીટ લાઈટ્રસ પર અંધશ્રદ્ધાનાં કેટલાં જાળાં?

        પ્રત્યેક ધર્મમાં પડેલી સુવાસ બાજુ પર રહી જાય અને કેવળ કર્મકાંડ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા જામી પડે; ત્યારે ધર્મનો મર્મ ખતમ થાય છે. કેરી ખતમ થાય છે અને બાવાજીના આશ્રમમાં આથણાંનું માર્કેટીંગ થતું રહે છે. અંધશ્રદ્ધાળુ હોવું એ ‘ધાર્મીક’ હોવાની નીશાની નથી. એ જ રીતે નાસ્તીક માણસને ‘અધાર્મીક’ ગણવાનું યોગ્ય નથી. આસ્તીક માણસની અપ્રામાણીકતાનો કોઈ બચાવ ન હોઈ શકે. તે જ રીતે જુઠા માણસની નાસ્તીકતા પણ નઠારી ગણાય. નાસ્તીક માણસ આપોઆપ રેશનલીસ્ટ બની જાય એવો વહેમ ખાસો લોકપ્રીય છે. એ વહેમને કારણે ક્યારેક છીછરા દાવાઓ કરવાની ઉતાવળ થતી રહે છે. કોઈ રેશનલીસ્ટ જુઠો, રુશવતખોર, અને કરુણાશુન્ય હોય, તો તે નાસ્તીક હોય તોયે ‘રેશનલ’ ન ગણાય. કોઈ ધાર્મી ક ગણાતો માણસ શોષણખોર, દંભી અને અંધશ્રદ્ધાળુ હોય તો તેને ‘ભગત’ ગણવામાં જોખમ છે. મુળે વાત પ્રામાણીક જીવનશૈલીની છે.

        સ્તાલીન અને માઓ ઝેડોંગ નાસ્તીક હતા; પરંતુ તેમને ‘રેશનલ’ કહેવાનું યોગ્ય નથી. બન્ને નેતાઓએ પોતાના જ દેશના લાખો નીર્દોષ મનુષ્યોની કતલ કરાવી હતી. તેમને ‘વીવેકબુદ્ધીવાદી’ કહેવામાં ‘વીવેક’ અને ‘બુદ્ધી’ની ક્રુર મશ્કરી થાય છે. આપણી સંસ્કૃતીમાં તર્કને ૠષીનો દરજ્જો આપવામાં આવ્યો છે. શંકરાચાર્યે વીવેકને મુગટમાં જડેલો મણી ‘વીવેકચુડામણી’ ગણાવ્યો છે. તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે. રેશનલીઝમનો સંબંધ મુળે સત્યની શોધ સાથે છે. એ શોધ પવીત્ર છે.

––ગુણવંત શાહ

[   ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૭ના ‘અભીયાન’ના અંકમાં ઘણાં વર્ષોથી પ્રગટતી લેખકની કટાર ‘કાર્ડીયોગ્રામ’માંથી સાભાર….
‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષ : બે – અંક : 97 – એપ્રીલ 15, 2007  ] 

સમ્પર્ક : ‘ટહુકો’ – 139 ,  વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા–390 020 , INDIA ]

3 responses to “સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અંધશ્રદ્ધાનાં જાળાં – ગુણવંત શાહ

 1. RASHMIKANT C DESAI નવેમ્બર 24, 2007 પર 11:08 એ એમ (am)

  હાઈડ્રોજીઓલોજીના એક પાઠ્યપુસ્તકમાં ખેતરમાં ટ્યુબવેલ કરાવવો હોય તો તેનું સ્થળ કેવી રીતે નક્કી કરવું તેની વૈજ્ઞાનિક પધ્ધતિઓ વિગતે વર્ણવી છે. પણ સાથે સાથે એવી પણ ભલામણ છે કે જો તમને આ બધો ખર્ચ પોષાતો ન હોય તો ‘પાણીવાળા મહારાજ’ની સલાહ અવશ્ય લેવી. તે એટલા માટે કે જો પાણી ન નીકળ્યું તો કોકને તો દોષ દઈ શકો!

  આવી જ કોઈ ગણતરીથી અમિતાભ બચ્ચન જેવા લોકો જ્યોતિષીઓનું સાંભળતા હશે. ન કરે નારાયણ અને કશું અશુભ થાય તો વસવસો તો ન રહે કે વિધિ ન કરાવવાથી તેમ થયું હશે.

  મારા અમ્રેરિકા વસેલા એક મિત્રની ખૂબ જ બુધ્ધિશાળી પુત્રીના વેવિશાળ ભારતના એક યુવક સાથે થયા બાદ ખબર પડી કે તે યુવકને મંગળ હતો. બધા મુંઝાયા. પણ કન્યા મક્કમ રહી. લગ્ન થયા. ભાઈશ્રી અમેરિકા આવ્યા. ગ્રીનકાર્ડ મળતાવેંત છૂટાછેડા માંગી લીધા. હવે આને મંગળ સાથે કશી જ લેવાદેવા ન હોય તો પણ શંકા તો રહે જ ને?

  ‘સૂરજ મંગલ સોમ ભૃગુસૂત બુધ ઔર ગુરૂ વરદાયક તેરો
  રાહુ કેતુકી નાંહી ગમ્યતા સંગ શનિચર હોત ઉચેરો.’

  જાનકીનાથ કંઈ મૂર્ખ થોડો છે કે મારા કર્મો ગમે તેવા ખરાબ હોય તો પણ જોષીઓની પૂજા સ્વીકારી મને માફ કરી દે?

 2. pragnaju નવેમ્બર 24, 2007 પર 11:35 એ એમ (am)

  ‘તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે.રેશનલીઝમનો સંબંધ મુળે સત્યની શોધ સાથે છે’-આ પવિત્ર સત્ય કેટલી સહજતાથી વર્ણવાયું છે!
  રશ્મીકાંતભાઈએ પણ જાતે જોયલા પોતાના અનુભવના સુંદર દાખલાઓ આપ્યા છે.
  વીવેક ભ્રષ્ટ થાય તો તેનો વિનીપાત સેંકડો રીતે થાય છે તે સરળ રીતે સમજાવ્યું છે.કુટુંબ,સમાજ લોકોના ભયથી ડર્યા વગર આમાનું થોડું પણ અપનાવીએ તો આપણું અને લોકોનું પણ કલ્યાણ થાય

 3. સુનીલ શાહ નવેમ્બર 25, 2007 પર 12:42 એ એમ (am)

  રેશનાલીઝમનો ગુજરાતી અર્થ ‘વીવેકબુદ્ધીવાદ’ થાય છે. જેમાં ‘વીવેક’ એટલે એના મુળ સંસ્કૃત ભાષાકીય અર્થમાં સાર–અસારને, સત્ય–અસત્યને, શુભ–અશુભને, હીતકર–અહીતકરને યથાર્થ પારખવાની બુદ્ધીશક્તી.. રૅશનાલીઝમ એ સત્ય પામવાની વીચાર–તર્કયુક્ત પદ્ધતી તો છે જ, ઉપરાંત એ તો સત્ય જીવવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: