સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બહુમાળી મકાનમાં….

 (  એક મીત્રના અનુભવ ઉપર આધારીત)

       તમે નવાસવા જ હજુ અમેરીકા આવ્યા છો. તમારા અંગત સગાને ઘેર, શીકાગોના એક પરામાં તમારો નીવાસ છે. તમારા આગમનને માત્ર બે એક મહીના જ થયા છે. આટલા મોટા શહેરની ઝળાંહળાં અને ચહલપહલથી તમે અંજાયેલા છો. તમારા સદભાગ્યે તમારા સગાના એક મીત્ર જ્યાં કામ કરે છે; તે કાનુની પેઢીમાં તમને કામચલાઉ નોકરી પણ મળી ગઈ છે. તમે કામથી અને શહેરથી થોડા થોડા માહીતગાર પણ થવા માંડ્યા છો. પણ આ અવનવા દેશની અજાણી હરકતો તમને અવારનવાર પજવ્યા કરે છે.

      એક સલોણી સવારે તમને સોંપાયેલા એક કામ માટે તમે નીકળી પડો છો.  પેઢીના એક ઘરાકને તમારે શીકાગો ડાઉનટાઉનમાં આવેલી કોર્ટમાં લઈ જવાના છે, અને વકીલ પાસે પહોંચાડી દેવાના છે. ઘરાક પણ આવડા મોટા શહેર માટે તમારી જેમ બીન અનુભવી છે. તમે સીંદબાદની પહેલી સફરની જેમ આ મહાન કાર્ય પાર પાડવા કૃતનીશ્ચય છો. ઘરાકની સાથે તમારી જાણીતી લોકલ ટ્રેનમાં ચડો છો. મુંબાઈની ટ્રેનની સાથે તમારા મનમાં આની સરખામણી થતી રહે છે. ક્યાં તે હૈયા સાથે હૈયું ભીંસાય તેવી હકડેઠઠ ભીડ, અને ક્યાં આ રાજરાણી? તમને વતનની એ ક્ષણોની યાદ તાજી થઈ આવે છે. મુંબાઈની એ મુશ્કેલીનો અભાવ (!) તમને સાલે છે પણ ખરો. અહીં બધું વ્યવસ્થીત છે; અને છતાંય કાંઈક ખુટે છે. એ ખુટતું શું છે, તેનો ઉકેલ હજી તમને મળ્યો નથી.

        ગાડી પુરપાટ ડાઉનટાઉન તરફ ધસી રહી છે; તમારા વીચારોના ટોળાંની જેમ. છેવટે તમારે ઉતરવાનું સ્ટેશન આવી ગયું. તમે બન્ને ઉતરીને સ્ટેશનની બહાર આવો છો. તોતીંગ ઈમારતોનો સમુહ તમને ઘેરી વળે છે. ‘ વીન્ડી સીટી ‘ તરીકે કુખ્યાત શીકાગોની એ કડકડતી ઠંડી હજુ તમારા કોઠાને સદી નથી. તમારું એકમાત્ર લક્ષ્ય છે – તમારે જે મકાનમાં પહોંચવાનું છે તેની અંદરની ઉશ્મા! તમે બન્ને મુંગા મુંગા એ દીશા તરફ લગભગ દોડો છો. ઓવરકોટ અને બુટમોજાંના ઠઠારા તમને બહુ આકરા લાગે છે.

         છેવટે તમે એ મકાનમાં પહોંચી જાઓ છો. તમારે બેંતાળીસમા માળે પહોંચવાનું છે. આઠ દસ લીફ્ટમાંની કઈ લીફ્ટ તમને ત્યાં પુગાડશે , તે અસમંજસમાં તમે પહેલી જે લીફ્ટ આવે છે; તેમાં ચડી બેસો છો. અંદર ગયા પછી તમને ખબર પડે છે કે, આ તો એકી નમ્બરના માળોએ પહોંચાડતી લીફ્ટ છે. તમે તો દેશી બુદ્ધી વાપરી એકતાળીસમા માળે ઉતરી જાઓ છો. એક જ માળ ચઢવાનું છે ને? તમે દાદર તરફ જવાનો રસ્તો વીજેતાની મુદ્રાથી શોધી કાઢો છો. પેલા ઘરાક તો તમારા જેટલા પણ જાણીતા નથી. તમે બન્ને એક દાદરો ચઢી કોર્ટવાળા માળના બારણાને હડ્સેલો છો.

       અને જો થઈ છે … એ બારણું ખુલતું નથી.

        તમે અસમંજસમાં પડી જાઓ છો. તમારા બે સીવાય ત્યાં કોઈ જ નથી. તમે બારણું ધમધમાવો છો. પણ  બારણાની બીજી તરફ કદાચ કોઈ જ નથી. હવે તમારા હોશકોશ ઉડી જાય છે. માત્ર પંદર જ મીનીટ બાકી છે. તમે બીજો એક દાદર ચઢી જાઓ છો. પણ ત્યાં ય મુઈ આ જ સીસ્ટમ છે. હવે આ કડકડતા શીયાળામાં તમને પસીનો છુટી જાય છે. તમે પાછા દાદરા ઉતરીને ફરી બેંતાળીસમા માળે આવી જાઓ છો. કદાચ તમારા સદનસીબે બારણાને સદબુદ્ધી આવી હોય અને તે ખુલી જાય. પણ પરીસ્થીતીમાં કશો ફરક પડ્યો નથી.

         તમે હવે હાંફળા ફાંફળા બની જાઓ છો. એક મહાન નીર્ણય તમારા ચીત્તપ્રદેશમાં જન્મ લઈ ચુક્યો છે.  છેક નીચે પહોંચી જવાનો. માળની ગણતરી ન ભુલાય તેટલી જ માત્ર શુધબુધ રાખી, મુઠીઓ વાળીને તમે બન્ને સડસડાટ નીચે ઉતરવા માંડો છો. પતનમાં પણ આટલો પ્રયત્ન કરવો પડે; તેની સામે તમારા મનમાં આક્રોશ આકાર લેવા માંડે છે. આખી સીસ્ટમ અને આજના તમારા મુકદ્દર સામે તમારો ગુસ્સો ઠલવાતો જાય છે. ઉતરવાનો પ્રયત્ન, સમયસર નહીં પહોંચવાનો ડર અને આ નવો જન્મેલો ક્રોધ તમારા પસીનાની માત્રાને ઓર વધારી મુકે છે. અને તમે તો ખમીસ, લાંબી બાંયનું  સ્વેટર તેમજ મફલરની ઉપર ચઢાવેલો ઓવરકોટ કાઢવાનું પણ ભુલી ગયા છો!

         રસ્તામાં કદાચ તમારું નસીબ જોર કરી જાય તેમ, તમે બેચાર બારણાં ખોલવા નીશ્ફળ પ્રયત્ન પણ કરી જુઓ છો. અડધે રસ્તે માંડ પહોંચો છો અને પગના ગોટલા ચઢવા માંડે છે. ઉતરવાનો થાક પણ જીરવવો કઠણ થતો જાય છે. પણ ઈશ્વરકૃપાએ, બેળે બેળે તમે પતનના અંતીમ ચરણરુપ, પહેલે માળે આવી પહોંચો છો. મનમાં ડર તો છે જ કે, જો એ બારણું બંધ મળ્યું તો મરાણા!

       પણ તમારું રીસાયેલું નસીબ આખરે યારી આપે છે. એ સ્વર્ગનું દ્વાર ખુલી જાય છે, તમારા બન્નેના દીલમાં ‘હાશ! છુટ્યા.” નો મીઠ્ઠો મધ જેવો શબ્દ સરી પડે છે. હવે તમે બહુ ચોકસાઈ પુર્વક લીફ્ટ કયા માળે જવાની છે,  તેની ચકાસણી કર્યા વીના લીફ્ટમાં ચઢવું નથી; તેવો શુભસંકલ્પ કરી લો છો. તમારી દેશી અંગ્રેજીમાં તમે ત્રણ ચાર સહપ્રવાસીઓને પુછી પણ લો છો. માંડ માંડ એ ગોટપીટમાંથી તમને સધીયારો અને માર્ગદર્શન મળે છે કે, કઈ લીફ્ટ તમારા લક્ષ્ય સ્થાને તમને પહોંચાડવા સક્ષમ છે. હવે તમને લીફ્ટની અંદર લખાઈને આવતી સુચનાઓ પણ ધીમે ધીમે સમજાવા માંડે છે.

       અને છેવટે તમે એ બેતાળીસમા માળે આવી પુગો છો. તમે પાંચ મીનીટ મોડા પડ્યા છો; તેનો અત્યંત રંજ અને ગુનાની લાગણીથી તમે ઘેરાયેલા છો. લોબીમાં તમારા વકીલની શોધ તમે આદરો છો.  સદભાગ્યે તે મહાશય હજુ આવ્યા લાગતા નથી.

       અરે બાપલા! કાગડા બધે કાળા જ હોય છે. અને કાળા ડગલા પહેરેલા વકીલો તો કાગડાથી પણ ચઢીયાતા હોય છે. તમને એક દુશ્ટ વીચાર પણ આવી જાય છે કે, જજ અને વકીલ બન્નેને ‘ અમ વીતી તુજ વીતશે… “ વાળી થાય તો કેવી મજા પડી જાય ?!

        આમ તમારું મહાભીનીશ્ક્રમણ પાર પડે છે.

      બપોરે પાછા ઓફીસ પહોંચો છો; ત્યારે તમારા સહકાર્યકરો સહાનુભુતીથી તમારી કરમ કઠણાઈ સાંભળે છે. પછી તમને જ્ઞાન આપવામાં આવે છે કે, દરેક માળ પર ગોખલા જેવા કબાટમાં એક સ્વીચ આપેલી હોય છે; જેનાથી તમે માળની લોબીમાં ઉઘડતું બારણું સહેલાઈથી ખોલી શકો છો. તમને પણ આવા બેંતાળીસ ગોખલા જોયાનું હવે તરત યાદ આવી જાય છે !

       જીવનમાં આવતી મુશ્કેલીઓની ચાવીઓ ધરાવતા આવા ગોખલા શોધી કાઢવાની પ્રવીણતા પ્રાપ્ત કરવા તમે હવે કૃતનીશ્ચય બનો છો. આ વીચીત્ર દેશની અનેક વીચીત્રતાઓમાં તમારો આ નવો અનુભવ, આ નવી હરકત, એક ઓર વધારો છે.

        તમારા ઘડતરની એક ઓર પાયાની ઈંટ તમને આજે પ્રાપ્ત થઈ છે.

Advertisements

3 responses to “બહુમાળી મકાનમાં….

 1. nilam doshi નવેમ્બર 29, 2007 પર 10:28 એ એમ (am)

  enjoyed a lot.. gagarmaa^ sagar samavi didho.ek examaple…ketalu badhu kahi shake che.
  nice

 2. pragnaju નવેમ્બર 29, 2007 પર 12:46 પી એમ(pm)

  ‘જીવનમાં આવતી મુશ્કેલીઓની ચાવીઓ’વાંચતા એસ્પરજર સિન્ડ્રોમ યાદ
  એસ્પરજર સિન્ડ્રોમ ગૂઢ પરિસ્થિતિ છે.એક‘અદૃશ્ય’અને પરિણામે ક્યારેક લોકો આપણા માટે ગેરસમજ કરે.કેમકે તે ગૂઢ છે,તેથી તે નિદાન કરવી મુશ્કેલ છે.તે અવારનવાર ‘ટ્રાએડ ઑફ ઈમ્પેરમેન્ટ’ તરીકે વર્ણવાય છે,ત્રણ મુશ્કેલીઓની જોડ આ પ્રમાણે છે સામાજીક સંબંધોમાં મુશ્કેલી ,વાતચીત કરવામાં મુશ્કેલી અને કલ્પના કરવામાં મુશ્કેલી.
  … આના પણ ગોખલા શોધવા રહ્યા

 3. pallavi જાન્યુઆરી 22, 2008 પર 5:26 એ એમ (am)

  NICE STYLE OF WRITING. INSPIRATIONAL/INFORMATIVE ARTICLE.
  THANKS FOR SHARING
  PALLAVI MISTRY

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: