સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ત્રિવાયુ – ભાગ ૨; હાઈડ્રોજન

    લાખો અંશ ઉષ્ણતામાનવાળો, સૂર્યમાંથી છુટો પડેલો ગોળો ધીરે ધીરે ઠંડો પડી રહ્યો હતો. ઉજ્વળ સફેદમાંથી પીળો, પછી નારંગી, પછી તપ્ત લાલ અને હવે એ ધીમે ધીમે આછા રતુમડા રંગનો ગોળો બની ગયો હતો. બધા ભારે પદાર્થો ધીમે ધીમે તેના મધ્યભાગમાં ઉતરી ગયા હતા. તેના બહારના ભાગમાં માત્ર વાયુઓ જ રહ્યા હતા. નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, હિલિયમ, હાઈડ્રોજન અને બીજા ઘણા બધા વાયરાઓ હેઠા બેસવાનું નામ જ ન લેતા હતા. વાયરા જેનું નામ! બીજા બધા તરવરિયા વાયરા – ક્લોરિન, ફ્લોરિન વિ. તો ક્યારનાય મસ મોટી વજનવાળી ધાતુઓ સાથે ઘર માંડીને બેસી ગયા હતા!  ઓક્સિજનભાઈ પણ આમ તો આવા જ તરવરિયા હતા. તેમણે ય ઘણા સાથે સહચાર કરી લીધો હતો. પણ તેમની વસ્તી ઝાઝી એટલે હજુ વાતાવરણ જોડે ય પોતાનો સંબંધ થોડો ઘણો  જાળવી રાખ્યો હતો.

       આ હંધાય વાયરાઓમાં સૌથી નાના બચોળીયા જેવો હાઈડ્રોજન હતો, પણ એનું ઠેકાણું કોઈની ય જોડે પડતું ન હતું. આવા હલકા ફૂલ જેવાની હારે કોણ ઘર માંડે? બચાડો આ નાનકડો જીવ હિજરાતો રહ્યો. ખુણે બેસીને આંસુડાં સારતો રહ્યો. એવામાં પ્રાણથી ભરેલા ઓક્સિજનને થોડી દયા આવી. એમાંના થોડાક આ નાનકાની પાસે ગયા. અને બાપુ! જો પ્રિતડી બંધાણી છે. જેવી ગરમી ઓછી થઈ કે તરત ફટાફટ આમની જોડીઓ બંધાવા લાગી. હાઈડ્રોજન અને ઓક્સિજનની જોડી બની અને પાણીમાં ફેરવાઈ ગઈ. અને લો! બધી ગરમી શોષાવા લાગી. પેલો ગોળો થવા માંડ્યો ઠંડોગાર. પ્રેમમાંથી પ્રગટેલા પાણીનો આ તે કેવો નવીનતમ સ્વભાવ કે જ્યાં જાય ત્યાં સૌની ગરમી શોષી લે, અને ઠંડક જ ઠંડક ફેલાવે.

       અને બાપુ એ ગરમાગરમ ધરતીના ગોળા પર પહેલવહેલો વરસાદ ટૂટી પડ્યો. મુશળધાર કે સાંબેલાધાર શબદ તો એને માટે ઓછો પડે. આ બેઉની જોડીઓએ તો વરસવા જ માંડ્યું. વરસ્યા વરસ્યા તે એટલું વરસ્યાં ; કે ન ગણાય એટલાં વરહ વરસ્યાં. ધરતીમાતા હાથ જોડીને વિનવે, ‘બાપુ! હવે ખમૈયા કરો.’ પણ આ નાનકો તો જબરો લોંઠકો નીકળ્યો. પેલી બધીય ભારેખમ ધાતુઓના બધાં જ  ઘર ડુબડુબાં! આખી ધરતી ડુબાણી, એટલી આ નાનકાની જોડીઓ બંધાણી. લાલચોળ ધરતી હવે પાણીની નીલા રંગની ચાદર ઓઢી, ઠંડીગાર બનીને મલપતી રહી. અવકાશમાં મોટો મસ ભુરા રંગનો જાણે લખોટો.

      દશે દિશાયું પાણીના આ તાંડવથી નહાતી રહી. નાનો નાનો પણ હાઈડ્રોજનનો દાણો ! બધાંય વાયુનાં વાદળાં વિખેરાયાં અને સૂરજદાદા પોતાના આ બચોળિયાના નવા નવલા, નીલવર્ણા રૂપને ભાળી હરખાણા. એમના હરખનો તાપ જેવો પાણીને અડક્યો; તીં એ તો ચંચળ જીવ – પાછો પોતાના પિયર, ગગન તરફ  હેંડવા માંડ્યો. પાછાં વાદળ બંધાણાં, ને વાયરે ખેંચાણા, ને પહાડ પર ભટકાણા, ને બન્ને ધ્રુવ પર વિંઝાણા.

      અને લે કર વાત! કદીય નો’તું બન્યું એવું બન્યું. મારો વ્હાલો, ઠંડોગાર પાણીડો ઝગમગવા લાગ્યો. ઈનાં નાનાં નાનાં ફોરાં ઠરીને રુપાળાં ધોળાં ફુલ બની ગ્યાં. જાતજાતનાં ફુલડાં. ઝરતાં જ જાય ને ઠરતાં જ જાય. ને ઈ ફુલડાં બન્ને ધ્રુવ પર જે વરસ્યાં, જે વરસ્યાં તે ધરતીમાને બન્ને કોર ધોળીબખ્ખ ટોપીયું ઓઢાડી દીધી. અને ઈ ટોપીયું કાંઈ નાની અમથી નહીં હોં!  જોજનોના જોજન ફેલાયેલી મોટી મસ અને આભને અડે એવડી ઊંચી જ તો.

      અને નીલા સાગરના નીર ઓસર્યાં. થોડી થોડી ધરતી ખુલ્લી થઈ. અને લો! પાણીનું નવું જીવન શરુ થયું. સૂરજ તાપે તપી આભે ચડવાનું;  ધરતી પર ઠંડા પડી વરસવાનું;  અને સૂરજ તાપે તપેલી ધરતીને ભિંજવતા, શાતા આપતા રહેવાનું. પાણી જેનું નામ. એ તો વહેતું જ રહે. ધરતીનો બધો કચરો પોતાનામાં ભેળવી પાછા એ તો પોતાના સ્વસ્થાન ભણી વહેતા જ રહ્યા. રસ્તામાં તેમની જાતરાની નદીયું ને નદીયું વહેવા લાગી. ક્યાંક ધરતીના ખાડાઓમાંય પાણી ભેરવાણાં અને મસ મોટાં, નાના નીલ સાગર જેવાં સરોવરોય સરજાણાં. નદીયુંનાં બધાં નીર પાછા સાગરમાં સમાઈ ગયા.  અને બસ આ જ ચક્કર. દિન રાત ધરતીને પખાળતા રહેવાનું. તેની લાખો વરસથી તપી તપીને ભેગી થયેલી પ્યાસને બુઝાવતા રહેવાનું. અને ફરી પાછા સાગરમાં સમાઈ જવાનું.

      અને લો! ધીમે ધીમે સાગર તો ખારો થવા માંડ્યો. ધરતીમાંથી લાવેલા અને વિજળીની ચાબૂકે સર્જાયેલા જાતજાતના પદાર્થો એમાં સમ્મેલનો ભરવા લાગ્યા, સંયોજાવા લાગ્યા! અને કો’ક પળે આ બધાયથી અળગા રહેતા ચૈત્ય તત્વનેય મન થઈ ગયું – આમની સાથે દોસ્તી કરવાનું. ચપટિક  ખારની ચીકાશ;અને આ નવા આગંતુક. અને માળું કૌતુક તો જુઓ! એ જીવ તો હાલવા ચાલવા મંડ્યો;  મોટો થવા માંડ્યો. એટલો મોટો થયો, એટલો મોટો થયો  કે,  પોતાની મોટાઈ ન જીરવાણી અને એકમાંથી બે અને બેમાંથી ચાર, અને આઠ અને એમ એ તો વધવા જ માંડ્યા. પાણીના ઘરમાં નવા ભાડવાત આવી પૂગ્યા. પાણી જેનું નામ. આમને ય વ્હાલ જ વ્હાલ. આ નવા મહેમાનને પાણી તો જાતજાતના પકવાન જમાડે. એ તો બાપુ! વકર્યા. અવનવાં રુપ ધારણ કરવા માંડ્યા. અને પાણીના ઘરમાં અવનવી સજીવ સૃષ્ટિ સરજાવા લાગી.

      અને બાપુ આમ પાણીનું જીવન, નવા અને નવા જીવોને પોશતું રહ્યું, પાળતું રહ્યું. માટે તો તે પોતે જીવન કહેવાયું! અને એનો બાપ કોણ? હાઈડ્રોજન જ ને?

6 responses to “ત્રિવાયુ – ભાગ ૨; હાઈડ્રોજન

  1. ચીરાગ પટેલ જાન્યુઆરી 3, 2008 પર 8:01 એ એમ (am)

    અનુપમ. દાદા, તમારી આ આખી શ્રેણીનો ઈંતેઝાર રહેશે.

  2. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 3, 2008 પર 10:10 એ એમ (am)

    NICE STORY BUT IT REMINDS ME OF THE THE TUNKI VARTA EK PANINU TIPU WHICH I WROTE & PUBLISHED…..IF ANYONE INTERESTED TO READ THAT & COMPARE THE OTHER ANGLE TO PAANI please visit the website ….www.chandrapukar.wordpress.com ….Sureshbhai continue your stories with the roots in science>>>>DR. MISTRY

  3. jjkishor જાન્યુઆરી 3, 2008 પર 10:22 પી એમ(pm)

    આ પ્રયોગ સાચ્ચે જ મઝાનો થશે. એને વ્યવસ્થીત રીતે તમે ભવીષ્યે સૌકોઈ માટેનું સાહીત્ય બનાવી શકો.
    સરસ છે. અને ઉપયોગી પણ.

  4. Pingback: ત્રિવાયુ – ભાગ ૩; ઓક્સિજન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: