સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હું

         સૌથી વધારે વપરાતો, સૌથી અગત્યનો અને માત્ર એક જ અક્ષરનો શબ્દ !

         દુનીયામાં ગમે ત્યાં જાઓ, કેન્દ્રસ્થાને તો ‘હું’ જ હર હમ્મેશ રહેવાનો. આખી દુનીયા આપણી આજુબાજુ ફરતી જ રહે . માત્ર ’ હું’ જ એક જ સ્થાને , હર ઘડી અવીચળ રહ્યા કરવાનો.  સનાતન કાળથી આ જ પ્રશ્ન માણસને મુંઝવતો આવ્યો છે અને એનો જવાબ માણસ હજુ સુધી જાણી શક્યો નથી.

( આ વીચારની મારી કવીતા વાંચવા અહીં ‘ક્લીક ‘ કરો. )       

 “ આ ‘હું’ કોણ છે? ! ”

[   મારા પરમ મીત્ર શ્રી. પ્રફુલ્લ દવે ની, ‘હું’ વીશે મને બહુ જ ગમતી, એક રચના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો.    ]

     હા! તેને જીવ, આત્મા, જીવાત્મા , સોલ વીગેરે ઘણા નામ આપવામાં આવ્યા છે. પણ તે અગોચર, ત્રણ પરીમાણોથી પર કાંઈક છે.  દરેકનો ‘હું’ અલગ સ્વભાવ, અલગ અભીગમ ધરાવે છે. અરે! આપણા પોતાના ‘હું’ માં પણ જન્મ પછી કેટકેટલાં પરીવર્તન આવ્યાં છે? હું હવે ક્યાં બાળક કે કીશોર કે યુવા ‘હું ‘ જેવો રહ્યો છું ? તેનાં કેટકેટલાં સ્વરુપો છે? કુટુમ્બમાં માતા, પીતા, ભાઈ બહેન, પત્ની, સંતાનો સાથેનું મારું વર્તન કેવું જુદું જુદું રહેતું હોય છે? કામની જગ્યાએ કે મીત્રો કે દુશ્મનો સાથે એ જ જણ જુદી જુદી પ્રતીક્રીયા કરતો હોય છે !

       આપણા મનમાં સતત વીચારોની હારમાળા ચાલતી રહેતી હોય છે. આ એક ‘હું છે. તે મહોરાં બદલતો  રહે છે. પરીસ્થીતી અને સામેની વ્યક્તી કે વ્યક્તીઓ બદલાય તેમ આ મહોરાં પણ બદલાતાં રહે છે. વીચારો આ મહોરાં પર આધાર રાખે છે.

      પણ આની સાથે આપણે સતત એક બીજા ‘ હું ‘ ની અનુભુતી પણ કરતા રહીએ છીએ, જે આ વીચારોની પાછળ રહી નીહાળતો રહે છે, મુલ્યાંકન કરતો રહે છે. વીજ્ઞાન  પણ આ બાબતને સ્વીકારે છે. સામાન્ય રીતે તે આંતરમન ( Sub-conscious Mind) તરીકે ઓળખાય છે. આપણે ઘણીવાર જોયું છે કે ક્વચીત, મનના વીચારોની હારમાળાની ઉપરવટ જઈ કોઈ સ્પાર્ક જેવો વીચાર આવી જતો હોય છે ; અને તે મનના નીર્ણયોને બદલવાની ક્ષમતા ધરાવતો હોય છે. સાવ અંધારામાં, નીરાશાના ગર્તામાં ડુબેલા માણસને એકાએક કોઈ પ્રકાશનું કીરણ મળી ગયું હોય તેમ તે છલાંગ મારીને આ નીરાશા ખંખેરી શકે છે. આવી ક્ષણે જીવનની દીશા જ બદલાઈ ગઈ હોય; તેવી અનુભુતી આપણને થાય છે. જીવનમાં આવો વળાંક આવેલો ઘણાએ અનુભવેલો છે. આના થકી સાવ સામાન્ય માણસ પણ અસામાન્ય સીધ્ધી હાંસલ કરી શકે છે.

      અહીં આપણી ચર્ચા આ ‘ હું ‘ સાથે છે.  આ ‘હું ‘ ને કળવો , જાણવો બહુ  કઠણ છે. તે કદીક જ પાર્શ્વભુમીમાંથી બહાર આવે છે. કદાચ આ આપણો સાચો ‘ હું ‘ છે.  

     ધર્મગ્રંથો આપણને ઢોલ પીટી પીટીને કહે છે કે  ‘હું’ પણાનો ત્યાગ કરો. અહમ્ ને ઓગાળી દો. તેને ભુલાવી દો. પ્રતીક્રીયા ન કરો. સ્થીતપ્રજ્ઞ બનો. સીદ્ધાંત તરીકે આ બહુ જ આકર્શક લાગે તેવો સીદ્ધાંત છે. પણ તે બહુ જ મુશ્કેલ છે. સામાન્ય જન માટે તો ખાસ મુશ્કેલ છે. જ્યાં આપણે ‘હું’ને સમજ્યા જ નથી ત્યાં તેનો ત્યાગ શી રીતે કરી શકીએ?

    મારા અંગત મંતવ્ય પ્રમાણે ‘ હું ‘ ને સમજવાની પ્રક્રીયા છે – ‘અંતરની વાણી’ ને ઉજાગર કરવાની.  આપણા આંતરમન સાથે સંવાદ  વધારવાની. આપણે પોતાની જાત સાથે સંવાદ કરતાં બહુ જ ડરતા હોઈએ છીએ. મોટાભાગે એવો સંવાદ થતો જ નથી હોતો. જે કાંઈ વીચાર આપણા બાહ્ય મનમાં ઉદ્ ભવે છે તે બહુધા ઘટનાઓના સંદર્ભમાં જ હોય છે. માત્ર ભાવજગતમાં જ  અંતરમન સાથે સંવાદ સંભવીત છે – શબ્દોથી પર, વીચારોથી પર. આપણને કોક જ વાર અંતરનો અવાજ સંભળાઈ જતો હોય છે. જ્યારે આમ બને ત્યારે આપણે તે ‘હું’ સાથે આત્મસાત્ થતા હોઈએ છીએ.   

         મારા નમ્ર મંતવ્ય પ્રમાણે કોઈ ગુરુ કે ગ્રંથ આ સંવાદ જગાડી ન શકે. હા! તે સંબંધી માર્ગદર્શન કદાચ મળે. પણ તે સ્થીતીએ પહોંચવા પોતે જ પ્રયત્ન કરવો પડે. સ્વાનુભવે એમ ચોક્કસ જણાવું કે જ્યારે આપણે આ ‘હું’ સાથે પ્રામાણીક હોઈએ છીએ ત્યારે જ આપણું જાગ્રુત રુપ અને પ્રચ્છન્ન રુપ એકાકાર બને છે. આમ થાય તો જ આપણે આપણી જાતને વધુ ને વધુ જાણતા થઈ શકીએ છીએ.

          આ વાત બહુ જટીલ લાગે છે ને? હા ! તે જટીલ જ છે. પણ એટલી જ સરળ પણ છે! અંતર્મુખી બનવાનું જેટલું કઠણ છે તેટલું જ સરળ છે. કોઈ કહેશે ,’ આ બધી કડાકુટમાં પડવાની જ શી જરુર ? જીવન મોજથી જીવોને? શેં આવી જટીલ વ્યથાઓ વહોરવી?’
          સપાટી પરના જીવન માટે આ વીચારસરણી અયોગ્ય પણ નથી. ‘ જેમ ચાલે છે તેમ ચાલવા દો ને બાપલા !!! ‘     

           પણ જો જીવનને સંવેશનશીલ બનાવવું હોય, સર્જનાત્મક બનાવવું હોય, ન ખુટે તેવા આનંદથી, ચૈતન્યથી સભર બનાવવું હોય; તો આવા સંવાદનો કોઈ વીકલ્પ નથી. જ્યારે આપણી મનોચેતના આ સ્તરની વીચારસરણીને સ્વીકારે છે ત્યારે જ આવા વીકલ્પની અભીપ્સા જાગે છે. અને ત્યારે જ આપણું આંતરીક પરીવર્તન શક્ય બને છે.  એક વખત આ ‘અંતરની વાણી’ નો સ્પર્શ થાય પછી આપણે રોકાઈ ન શકીએ, તેવી ચેતના અનુભવવા માંડીએ છીએ. જગતની કોઈ તાકાત ન રોકી શકે તેવી ચેતના, તેવો આનંદ, તેવું સત્ય. આ સ્થીતી જેમણે પ્રાપ્ત કરી છે, તે લોકોત્તર મનુશ્યોએ તેમના જીવનમાં અકલ્પ્ય સીધ્ધીઓ  પ્રાપ્ત કરી છે. સામાન્ય માણસ ન કરી શકે તેવા અદ્ ભુત  કામો કર્યા છે.

    આંતરમન સાથેનો સંવાદ અથવા ભાવજગતમાં વીચરણ કરવાના અનેક રસ્તાઓ છે.  પ્રાર્થના, જપ, ધ્યાન, ભક્તી, વીપશ્યના વી. વી. આ ઉપરાંત પણ બીજા રસ્તા હોઈ શકે, અને છે. પણ ઉદ્દેશ છે વીચારોના સામાન્ય સ્તરથી અલગ, કોઈ અપેક્ષા વીના પોતાની જાત સાથે રહેતા થવું તે. કોઈ પણ રસ્તો અપનાવો; પાયાની શરત એ છે કે એમાં કોઈ દુન્યવી લાભ ખાટવાની, કામનાઓ સંતોશવાની એશણા ન હોઈ જોઈએ. અરે! પરમ તત્વને પામવાની, મોક્ષ મેળવવાની પણ અભીપ્સા ન હોવી જોઈએ. કેવળ નીર્ભેળ, નીસ્વાર્થ, નીર્વીકાર અને નીર્દોશ –  જાત સાથેની ગોઠડી.

     જ્યારે આમ બને છે ત્યારે જ અંતરનો નીઃશબ્દ અવાજ સંભળાય છે અથવા તેની અનુભુતી થવા માંડે છે. ત્યારે જ ‘હું’ ની ઓળખ શરુ થાય છે – કોઈ મહોરાં વગરનો ‘ હું’ .  વીજ્ઞાન આને ન સ્વીકારે પણ વીજ્ઞાનની અત્યંત મહાન શોધો વીજ્ઞાનીના મનમાં આવા કોઈ ઝબકાર કે ધબકાર થી થયેલી છે.

      આમ કેમ થાય છે તે જાણવાની  મને સહેજ પણ પડી નથી. આત્મશ્લાઘા ગણાવાના સંદેહની ઉપરવટ જઈને અહીં એક વાત જગજાહેર કરું છું કે, ચૈત્ય જગતનો એ સ્વાદ એક વાર ચાખ્યા પછી; એ શાંતી, એ આનંદ, એ ચૈતન્યનો અનુભવ એક વાર કર્યા પછી; મહોરાંની દુનીયામાં પાછા વળવા કોઈ કામના રહી નથી. એ સ્પર્શે આ બુઢ્ઢાને બાળક બનાવી દીધો છે.

    દુખ માત્ર એ જ વાતનું થાય છે કે આખા વીશ્વમાં આવા અનુભવથી હજારો ગણા બળવત્તર અનુભવ પામેલા અને ચેતનાના ઉચ્ચતમ શીખરે પહોંચેલા લોકોત્તેર વ્યક્તીઓના સેંકડો અનુયાયીઓએ આ કલ્યાણકારી અને શુભ જીવનપધ્ધતીને સ્વાર્થ સીધ્ધીનું એક સાધન માત્ર બનાવી દીધી છે.

   માટે જ એ ઉક્તી દોહરાવું છું કે

    પોતાના ‘હું ‘ ને સૌએ  સ્વપ્રયત્નથી ઓળખવાનો છે. આવા પ્રયત્નનો બીજો કોઈ વીકલ્પ નથી, નથી અને નથી જ ; અને આ પ્રયત્ન કરવા જેવો છે.

     

3 responses to “હું

  1. Ketan Shah જાન્યુઆરી 7, 2008 પર 1:51 એ એમ (am)

    પોતાના ‘હું ‘ ને સૌએ સ્વપ્રયત્નથી ઓળખવાનો છે. આવા પ્રયત્નનો બીજો કોઈ વીકલ્પ નથી, નથી અને નથી જ ; અને આ પ્રયત્ન કરવા જેવો છે.

    Bahu j sachi vaat lakhi che.

  2. mehta preeti જાન્યુઆરી 8, 2008 પર 1:36 એ એમ (am)

    સરસ રીતે સમજાવ્યું છે ” હું ” વિશે…નવી વાત જાણવા મળી.

  3. પ્રવિણ કે.શ્રીમાળી ઓક્ટોબર 30, 2009 પર 5:13 એ એમ (am)

    દાદા,
    એકદમ સાચી વાત. ‘હું’ દરેકમાં હોવાનો, ઈવન બધી માયા છોડીને જંગલમાં રહેતાં સાધુ-સંતોમાં પણ !
    એક પ્રયોગ સૌ ને કરવા જેવો, ”હું, અમે, અમારા, અમારું, આપણું, મારું…વિગેરે શબ્દના પ્રયોગ વગર જો તમે અન્ય વ્યકિત સાથે દસ મિનિટ વાત ચીત કરો તો જાણું કે તમારા માંના ‘હું’થી તમે પર થઈ ગયા!!..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: