સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન – 3 – શીલા – ભાગ -1

ભાગ – 2   

         પર્વતના ઉત્તુંગ શીખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભુમી પરનાં બધાં તત્વો દુર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકના લીલાં શંકુદ્રુમ વ્રુક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દુર , નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતી જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદુર છે તેના એક કણને પણ ચળાવી શકે. ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી.   કોઈ ઉશ્માની, સુર્યના કોઈ કીરણની મગદુર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઉતારી શકે. ધવલગીરીનું આ સૌથી ઉંચું  શીખર સંસારનું સર્વોચ્ચ બીન્દુ હતું તેવો તેને દર્પ હતો.

        એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાં ડીબાંગ વાદળો આ શીખરથી ઘણે ઉંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય દીલમાં ધારણ કરીને બેઠી હતી. કાંઈક છુપો અણસાર તેના દર્પને પડકારી રહ્યો હતો. આ પોચાં ગાભાં જેવાં વાદળ  તેનાથી ઘણે ઉપર જાણે તેની હાંસી ઉડાવી રહ્યાં હોય તેવો તેને આભાસ થતો હતો. તે ઘણે ઉંચે હતાં અને તેનાથી ઘણાં મોટાં હતાં. પણ વાયરો તેમને હમણાં તાણી જશે તેની તેને ખાતરી હતી. હમ્મેશ આમ જ બનતું આવ્યું હતું. વાદળો વીખેરાઈ જતાં, અને શીલા પોતાની મગરુરીમાં પાછી મહાલવા માંડતી. પણ આજની રાત વીલક્ષણ હતી. કાંઈક અણધાર્યું બનવાનું છે તેવા ભયનો ઓથાર તેના ચીત્તને ઘેરી રહ્યો હતો.

         અને એ વાદળાં ટકરાયાં. વીદ્યુતનો એક કડાકો થયો. પહેલાં પણ આમ ઘણી વાર બનતું હતું અને શીલા થરથરી ઉઠતી. એ વીજળીની ક્રોધભરી નજર અચુક પેલાં વામણાં વ્રુક્ષો  ઉપર પડતી અને તે સળગી ઉઠતાં. બસ એવા સમયે શીલાને તેમના માટે ઘડી બે ઘડી કરુણા ઉપજતી. પણ આજે આ વીજળીબાઈના મગજમાં શું થયું કે, તેણે પોતાનો ગુસ્સો ઠાલવવા આ શીલાને લક્ષ્ય બનાવી. આજે એ કડાકો શીલાના મસ્તક ઉપર તાટક્યો. પણ એ કાંઈ થોડી જ પેલાં નીર્માલ્ય વ્રુક્ષો જેવી હતી? એક ક્ષણ એ થથરી અને પછી બધું હતું તેમનું તેમ.

        બધાં તોફાન શાંત થઈ ગયાં. બીજા દીવસના સવારના ઉજાસમાં શીલાએ પોતાના દેહ પર નજર કરી. એક નાનીશી તરડ તેના ઉત્તુંગ શીખરની   એક કીનારી ઉપર સર્જાઈ હતી. ક્ષણ  બે ક્ષણ માટે પોતાની અજેયતા ઉપર શીલાને શંકા પેદા થઈ. પણ તેણે તે વીચાર ખંખેરી નાંખ્યો. પણ ગઈ રાતના તોફાની વરસાદે એ તરડમાં થોડું પાણી જમા કરી દીધું હતું.

      ‘ ઠીક , હશે! આ ક્ષુદ્ર જીવડાં જેવું પાણી મારું શું બગાડી દેવાનું હતું?’ – શીલાએ વીચાર્યું.  

       હવે દીવસમાં પાછું ઠંડીનું મોજું આવ્યું અને બરફ વર્શા શરુ થઈ ગઈ. પાણીનાં એ થોડાં ટીપાં પણ બરફ બની ગયાં. શીલાને અકળામણ થઈ. આ ક્ષુદ્ર જંતુઓ તેને દબાવી રહ્યાં હતાં. છટ્. આવાની તો એસી તેસી. પણ તેણે જોયું કે પેલી તરડ તો થોડી લાંબી બની હતી. બીજો વરસાદ અને થોડું વધારે પાણી ‘ માન ન માન પણ હું તારો મહેમાન ‘ કરીને આ તરડમાં ઘુસી ગયું. ફરી બરફ અને ફરી એ અકળામણ. તરડ તો મોટી ને મોટી થતી જતી હતી.

      અજેય, અવીચળ એ શીલાનો દર્પભંગ પ્રારંભ કરી ચુક્યો હતો.

        ફરી વાદળ ઘેરાયાં અને ફરી વીજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઉભરી આવી. અને કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દીન પ્રતીદીન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો. કશુંક અમંગળ બનવાનું છે તેવી ધાસ્તી તેને લાગી રહી હતી.

      અને એવા જ એક અમંગળ દીવસે ધવલગીરી ધણહણી ઉઠ્યો. આખી ધરતી કંપી રહી હતી. એ કંપનો એક ઉલાળો અને શીલા તહસ નહસ થઈને ધવલગીરીથી છુટી પડી ગઈ. પર્વતના ઢોળાવ પર તે ગબડવા લાગી. કોઈ તેને બચાવી શકે તેમ ન હતું. અને પર્વતની કોર આગળ આવીને તે ઉભી.પેલાં ક્ષુદે વ્રુક્ષોએ તેને ટેકો આપ્યો અને તેની અધઃપતનની ગતી રોકાણી. તે વ્રુક્ષોને ચગદી શીલા અટકી ગઈ હતી.

      તેની ભયમાં બંધ થયેલી આંખો ખુલી. અને એક પ્રચંડ ભય તેના સમગ્ર હોવાપણાને થરથરાવી ગયો. જેનું ઉંડાણ કળી ન શકાય તેવી ભયાનક ખીણની ઉપર, પર્વતની એક કોર ઉપર તેનો નવો મુકામ હવે થયો હતો. જે તળેટીઓની તે હાંસી ઉડાવતી આવી હતી, તે તળેટીઓ તેને નીચે આવવા આમંત્રણ આપી રહી હતી.

      પોતાના વીતેલી ઉત્તુંગતાના મહાન દીવસો યાદ કરી શીલા પોશ પોશ આંસુડાં સારી રહી હતી.

–   વધુ આવતા અંકે

3 responses to “જીવન – 3 – શીલા – ભાગ -1

  1. Pingback: જીવન - 4 - શીલા - ભાગ - 2 « ગદ્યસુર

  2. Pingback: સમાચાર « કાવ્ય સુર

  3. Pingback: સમાચાર « કાવ્ય સૂર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: