સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન – 6 – સુર્યમુખી ભાગ – 2

ભાગ – 1    :   ભાગ  –   3 

    ધરતીની ગોદમાં, માટીની ચાદરમાં વીંટળાયેલું મારું અસ્તીત્વ ટુંટીયું વાળીને સુતું હતું. સ્વચ્છ આકાશમાં સુર્યનો કાળઝાળ તાપ સોળે કળાએ વીલસી રહ્યો હતો. બધું યથાવત્ હતું. કોઈ ફેરફાર નહીં. કશું જ નવું નહીં. અને ત્યાં ધીમે ધીમે વાતાવરણમાં કાંઈક નુતન આગમનના સંચાર થવા લાગ્યા. નૈરુત્યના પવન ઘટાટોપ, ઘનઘોર વાદળોને ખેંચી લાવ્યા. આકરો સુરજ આ ઘટામાં ઘેરાઈ ગયો. મોરની ગહેંક મેઘરાજાને સત્કારતી ગાજવા લાગી. કાળાં ડીબાંગ નભમાં વાદળો પાણીના જળભંડાર ભરીને આવી પુગ્યા. વીજળીના ચમકારા કોઈ નુતન ઘટનાના આગમનના અણસાર આપવા લાગ્યા.

      અને બારે મેઘ ખાંગા બનીને તુટી પડ્યા. તપ્ત ધરતીનો પાલવ ભીંજાઈ ગયો. કાળઝાળ ગરમીથી તપેલી ધરતી શીતળતાનો આસ્વાદ કરી રહી. મેઘરાજા ફરી આવવાનું વચન દઈને વીદાય થઈ ગયા. અને સુરજના કીરણ ફરી સળવળી ઉઠ્યા. ભીની ધરતીની સોડમ અને આ ઉશ્માએ મારી અનંત નીદ્રામાં ખલેલ પાડી. હું તો સફાળી આળસ મરડીને બેઠી થઈ ગઈ. મારા રોમે રોમમાં જીવન જાગી ઉઠ્યું. મારે અંદર સુતેલા બ્લ્યુ પ્રીન્ટના પાનાં ફરફરવા લાગ્યા. અને આ સળવળાટના પ્રથમ ચરણમાં એક નાનકડો અંકુર મારા નાનાશા અસ્તીત્વના આવરણને ભેદીને ટપ્પાક દઈ કુદી આવ્યો. મારી અનંત પ્યાસ ફરી જાગ્રુત બની ગઈ. અને ધરતીના પડમાંથી આ અંકુર ઘટ્ટાક ઘટ્ટાક પાણી પીવા માંડ્યો. એ જળ મારી અંદરના સુકા પાર્શ્વભુમાં ફરી વળ્યું, અને મારી અંદર ધરબાયેલા કણે કણ આ જળમાં ઓગળી ઓગળીને પેલા નવા આગંતુકને પોશણ દેવા માંડ્યા. એ મુઓ તો આ બેય ધાવણ ધાવતો જાય અને વધતો જાય. દીવસે ન વધે એટલો રાત્રે વધે.

        એની અંદરથી વળી બીજો અંકુર ફુટ્યો અને એણે તો સીધી આકાશ ભણી દોટ મેલી. પેલા તોફાનીનો વારસદાર ખરો ને! એ તો ધરતીની કુખને ફાડીને ખુશબુદાર હવાની લહેરખીમાં ઝુલવા માંડ્યો. મારું ધાવણ અને હવાનો પ્રાણ બન્નેના પ્રતાપે એ લીલો છમ્મ બની ગયો. એના કણે કણ એ હવાને શ્વસવા લાગ્યા. સુરજની ઉશ્મા, મારું ધાવણ અને હવાના પ્રાણ આ ત્રીપુટીના પ્રતાપે હવે એ તો માળો કમાતો થઈ ગયો! નવા કણોના ઢગલે ઢગલા મારા કુટુમ્બના ભંડારમાં ઉમેરાવા લાગ્યા. મારી અને આ બે અંકુરોની વચ્ચે જીવનરસ વહી જતી એક નાનકડી નદી વહેવા લાગી.

       હવામાં ફેલાયેલા મારા લીલા અને કથ્થાઈ ફરજંદો અને ધરતીમાં કેલાયેલા મારા સફેદ સંતાનો આ નદીના કાંઠે વસવા લાગ્યા; વીલસવા લાગ્યા; વધવા લાગ્યા. અને આ પક્રીયા દીનરાત, પ્રચંડ વેગે વર્ધમાન થતી રહી. નવાં લીલાં પર્ણો અને નવા સફેદ મુળો નવી નદીઓને વહેવડાવતા કાંઠા સર્જતા ગયા. વીકાસની આ વણથંભી વણજાર ધરતીની અંદર અને ઉપર મુક્ત હવામાં વધતી જ રહી, વધતી જ રહી. પોઠોની પોઠો ભરીને નવા ફરજંદો સર્જાવા લાગ્યા. મારું કુટુમ્બ હજારો અને લાખો કણોમાં ફેલાતું ગયું.

      પણ હવે હું ક્યાં? મારું શું અસ્તીત્વ? મારો કયો દેહ? અરે! હું કોણ? મારું કોઈ સ્વતંત્ર અસ્તીત્વ જ હવે ક્યાં હતું? હું તો ફેલાઈ ગઈ. એ કણેકણમાં પથરાઈ ગઈ.

       મારામાં લખાયેલી એ બ્લ્યુ પ્રીંટનું શીર્શક હતું ‘ સુર્યમુખી’

– વધુ આવતા અંકે

5 responses to “જીવન – 6 – સુર્યમુખી ભાગ – 2

  1. Harnish Jani જાન્યુઆરી 30, 2008 પર 8:37 એ એમ (am)

    Very Good–Very Deep-Thank you for sharing !

  2. Pingback: જીવન -5 « ગદ્યસુર

  3. nilam doshi જાન્યુઆરી 31, 2008 પર 10:11 પી એમ(pm)

    દાદા, તમે લખેલ કે હુ તમારા ગધ્યમાંથી શીખ્યો છું. પરંતુ મને તો લાગે છે કે મારે તમારી પાસેથી શીખવા જેવું ઘણું છે.

    અભિનન્દન…

  4. Pingback: જીવન – 7 – સુર્યમુખી ભાગ – 3 | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: