1830 – પારીસ.
13 વર્શનો ઓસ્ટીન હેન્રી લેયાર્ડ તેના ઓરડામાં ‘અરેબીયન નાઈટ્સ’ ની દુનીયામાં ખોવાયેલો છે. એ તીલસ્મી, હેરતથી ભરપુર વાતોએ તેને એક જાદુઈ દુનીયામાં ગરકાવ કરી દીધો છે. એને દીવસરાત સપનાં આવે છે – એ અરબસ્તાનની ભુમીનાં – હારુન અલ રશીદના ઝાકઝમાળ બગદાદનાં. એ મોટો હશે ત્યારે બગદાદની ભાગોળોમાં એ તીલસ્મી દુનીયાને નજરે નીહાળશે. એનાં માબાપ અંગ્રેજ છે પણ પહેલાં ઈન્ગ્લેન્ડ અને ઈટાલી અને હવે ફ્રાંસમાં સ્થાયી થયેલાં છે.
પણ આ દીવાસ્વપ્ન લાંબું ચાલી શકે તેમ નથી. માબાપની નબળી આર્થીક પરીસ્થીતીને કારણે ઓસ્ટીન કોલેજમાં આગળ ભણી શકે તેમ નથી. લન્ડનની તેના કાકા બેન્જામીનની કાયદાની પેઢીમાં તેને કમને કારકુન તરીકે નોકરીએ જોડાવું પડે છે. પણ તેનું ચીત્ત તો છે; એ તીલસ્મી બગદાદમાં. છ વર્શ પછી તેને આવી મુસાફરી કરવાની તક મળે છે. તેના બીજા એક કાકા સીલોન( શ્રીલંકા)માં કાયદાની પેઢીમાં સારું કમાય છે અને ઓસ્ટીનને ત્યાં આવવા કહે છે.
અને એક સોહામણી સવારે પોતાના મીત્ર એડવર્ડ મેટફોર્ડ કે જેને સીલોનમાં કોફી પ્લાન્ટેશન શરુ કરવું હતું તેની સાથે ઓસ્ટીન સફરમાં ઉપડી ગયો. એડવર્ડને દરીયાઈ સફરમાં બીમારી લાગી જતી હતી, માટે બન્નેએ જમીનમાર્ગે જવાનું નક્કી કર્યું. ઓસ્ટીનને તો આ ભાવતી બાબત હતી. તે હવે પોતાની સ્વપ્નભુમી બગદાદ જઈ શકશે.
આમ 1839ની એક સાંજે ઓસ્ટીન ઘોડાની પીઠ ઉપર સવાર થઈને ટાઈગ્રીસ નદીના પશ્ચીમકાંઠે ઉભો હતો. સામે કાંઠે ધુળીયું મોસલ શહેર ખડું હતું. સામે ધુળના મોટા ઢગલા પડ્યા હતા, જે પુરાણા નીનીવે શહેરના ખંડીયેરોને ઢાંકીને તેના ભવ્ય ભુતકાળની હાંસી ઉડાવતા હતા. ઓસ્ટીનને મનમાં બહુ દુખ થતું હતું કે કોઈ કેમ આ જગ્યાએ ખોદકામ કરીને એ ભુતકાળને ઉખેળતું નથી? તેને એમ ખબર પડી હતી કે, વીસેક વરસ પહેલાં બગદાદમાં એક અંગ્રેજ અફસરે આવા ઢગલાઓ ઉખેળ્યા હતા અને થોડાંક શીલ્પ અને માટીની ચકતીઓ ( Tablets) ઈન્ગ્લેન્ડ લઈ ગયો હતો. એ ચકતીઓ પરની ચીત્રલીપી કોઈ ઉકેલી શકે તેમ નહતું.
ઓસ્ટીન ત્યાંથી પચાસ માઈલ દુર આવેલા કાલા શરગત ગામે પણ ગયો; જ્યાં બાઈબલમાં વર્ણવેલ નીમરુડ શહેરના આવા જ અવશેશો હતા. લોકવાયકાઓ એમ કહેતી હતી કે, નીમરુડ બાઈબલના પ્રખ્યાત નોઆનો વંશજ હતો અને એસીરીયન સામ્રાજ્યની તેણે સ્થાપના કરી હતી. તેના નામ પરથી જ એ પુરાતન શહેર સ્થાપવામાં આવ્યું હતું.
આ દ્રશ્યો અને આ બધી લોકવાયકાઓ જોયાં અને સાંભળ્યા બાદ, ઓસ્ટીન શી રીતે સીલોન જઈ શકે? તેની સપનભોમકા તેને મળી ગઈ હતી. તે તરાપામાં બેસીને ટાઈગ્રીસ નદીમાં બગદાદ પહોંચ્યો. તેણે પર્શીયામાં ( હાલનું ઈરાક) નવા સાહસો કરવાનું નક્કી કર્યું. પણ આ બધું સંશોધન કરવા માટે તો તે સાવ લુખ્ખો હતો.
તે યુરોપના રસ્તે પાછો વળ્યો – એ આશામાં કે તેને પીઠબળ અને પૈસા આપનાર કોઈ ‘હરીનો લાલ’ મળી જાય. રસ્તામાં તે કોન્સ્ટન્ટીનોપલ (હાલનું ઈસ્તમ્બુલ) રોકાયો. ત્યાં સદભાગ્યે તેની મુલાકાત ત્યાંના અંગ્રેજ એલચી સર સ્ટ્રેટફોર્ડ કેનીંગ સાથે થઈ. કેનીંગને લાગ્યું કે ઓસ્ટીન પાસે રાજદ્વારી કામો માટે બહુ જરુરી એવી મેસોપોટેમીયા અને પર્શીયાની જાતીઓ અને ટોળીઓની માહીતી છે અને સંશોધનની તમન્ના છે. તેણે તેને નોકરીએ રાખી લીધો.
……… વધુ આવતા અંકે
——————————————————-
ભાગ – 2 : ભાગ – 3
Like this:
Like Loading...
Related
Please send me ટાઈગ્રીસને તીરે, ભાગ – 2
Pingback: ટાઈગ્રીસને તીરે, ભાગ -2 « ગદ્યસુર
Pingback: ટાઈગ્રીસને તીરે, ભાગ -2 :
Pingback: ટાઈગ્રીસને તીરે, ભાગ -3 « ગદ્યસુર
Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૬; રોઝેટા શીલાલેખ ( Rosetta stone) « ગદ્યસુર