સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બાગબાન કા બસેરા – ચીમન પટેલ ‘ચમન’

      દીકરાની વાતને ચંદ્રકાન્ત આ વખતે ટાળી ન શક્યો !

      દીકરાએ પણ કેવી વાત કરીઃ ‘‘ડેડી, હું જાણું છું કે, તમે સ્વાવલંબી જીવન જીવવા માગો છો;  પણ મારી બાના મૃત્યુ પછી તમે એકલા પડી ગયા છો. જ્યારે હું આ જ શહેરમાં ઘર લઈને રહેતો હોઉ તો તમને આ સ્થીતીમાં એપાર્ટમેન્ટમાં એકલા રહેવા કેમ દેવાય! તમે અમારા ભાવી માટે હીમ્મત કરી અમેરીકા આવ્યા. અમને સારું શીક્ષણ આપ્યું. અભ્યાસના વર્શોમાં રજાઓમાં અમને નોકરી પણ ન કરવા દીઘી કે, જેથી અમે અભ્યાસમાં પાછા ન પડી જઈએ. અમારી નાની-મોટી માગણીઓને તમે પુરી પાડી. આજે એ રુણ અદા કરવાની અમને તક મળી છે; ત્યારે એ અમે કેમ જતી કરીએ!’’

    ચંદ્રકાન્ત એકલો એકલો ડ્રૉઈંગરુમમાં એના એકના એક દીકરા અશ્લેશના એ શબ્દોને યાદ કરતો આંટા મારતો હતો.

     દરેક ભારતીય મા-બાપ અંદરથી ઈચ્છતાં હોય છે કે, એમના દીકરાઓ ભણીગણી એમના જ શહેરમાં નોકરી મેળવી સ્થાયી થાય. ચંદ્રકાન્તની પણ એવી જ ઈચ્છા હતી; અને એ ફળી પણ હતી.

      ચંદ્રકાન્ત ભુતકાળને યાદ કરી કરીને વીચાર્યે જતો હતો.

     દીકરાનાં લગ્ન થયાંને એકાદ વર્શ થયું હશે કે, એણે સામે ચડીને દીકરા અને પુત્રવધુને વાત કરેલીઃ

    ‘‘આજે મારે તમને એક વ્યવહારીક વાત કરવી છે. દીકરો પરણીને મા-બાપ સાથે રહે એ કોને ન ગમે? સાથે સાથે, મા-બાપ સાથે કેટલું રહેવું એ પણ આજના જમાનામાં વીચારવા જેવું છે.અમે અમારા મા-બાપની સાથે ઘણાં વર્શો ભેગાં રહ્યાં છીએ. એમાંથી અમને ઘણા કડવા મીઠા અનુભવો પ્રાપ્ત થયા છે. તમે બંને અમારી સાથે રહીને કડવા અનુભવોથી કરમાઈ જાવ, તે પહેલાં મારે તમને સજાગ કરવાં છે. તારી બા અને અંકીની વચ્ચે અત્યારે તો સુંદર મેળ છે. બંને સારી રીતે હસે બોલે છે. પણ, વાસણ ઘરમાં હોય તો કોક દી’ ખખડવાના! સમાજમાં જેમ બનતું આવ્યું છે તેમ ઘરની સ્ત્રીઓમાં કડવાશ પેદા થવાની જ છે. મારી ઈચ્છા છે કે એ કડવાશ આ ઘરમાં પ્રવેશે એ પહેલાં પાણી પહેલાં પાળ કેમ ન બાંઘવી ? 
       તમે બંને સારું કમાવ પણ છો. અત્યારે તમારે હરવા-ફરવાની ઉંમર છે. એકબીજાની વઘારે નજીક જઈ અન્યોન્યને પુરક બનવાનું છે. તમે બંને પાછા એમ ન માની લેતા કે હું તમને આ ઘરમાંથી કાઢવા તૈયાર થયો છું.  સંયુકત કુટુંબમાં રહીને મેં જે ગુમાવ્યું છે; તે તમે ન ગુમાવો એ જોવાની મારી ફરજ થાય છે. અત્યારે અમારી આર્થીક અને શારીરીક સ્થીતી સારી છે એટલે અમે બંને એકલાં પણ રહી શકીશું.  અમારાથી અલગ રહેવાથી તમને જવાબદારીનું ભાન વહેલું આવશે. બચત કરવાની તક વહેલી પ્રાપ્ત થશે. અલગ રહેવાથી આપણી વચ્ચેનો સબંઘ અને પ્રેમ વઘારે મજબુત બનશે.  લાંબા સમય સુઘી ભેગા રહેવાથી મોડું વહેલું મનદુખ થવાનું જ છે. મન અને મોતીમાં એક વાર તીરાડ પડે, પછી એને સાંઘવી અઘરી છે. મને એ પણ ખબર છે કે તમે સામે ચાલીને જુદાં રહેવાની માગણી કરવાના નથી!  એટલે જ આજે હું સામે ચાલીને આ વાત મુકું છું. તમારી ઈચ્છા હોય એટલું અમારી સાથે તમે રહો.  જે પળે તમને જુદાં થવાની ઈચ્છા થાય, તે ક્ષણે અમને  જણાવતાં અચકાશો નહીં.  તમે આ બાબતમાં વીચાર કરી, મને મૌખીક કે કાગળ પર ટપકાવીને જણાવશો તો મને ગમશે.’’

       પુત્ર કરતાં પુત્રવધુને ચંદ્રકાન્તની આ વાત જલદી ગળે ઉતરી ગઈ!

     પત્ની પડખે હતી ત્યાં સુઘી ચંદ્રકાન્તને એની રીટાયર્ડ જીંદગી એકલવાયી ન લાગી. પત્નીના અણઘાર્યા અવસાન પછી એને આ એકલવાયી જીંદગી ઘણીવાર ગુંગળાવી જતી હતી. એટલે જ દીકરાની વાત એને ગળે ઉતરી અને સ્વીકારી પણ લીઘી.

     એક દીવસ સાંજના બઘાં ભેગાં મળી ટી.વી. જોતાં હતાં ત્યારે ચંદ્રકાન્તે ઘીરેથી દીકરા આગળ વાત મુકીઃ ‘‘ અશ્લેશ, મારે એક સારામાંના વોકિંગ શુઝ લાવવા છે.’’ રવીવારના છાપામાંથી કાપી રાખેલી જાહેરખબરની કાપલી દીકરાના હાથમાં મુકતાં એમણે ઉમેર્યુ, ‘‘મારે તો આ‘નાઈકી’ના એરવાળા લાવવા છે!’’

          જાહેર ખબરની કાપલી સામે જોતાં જ અશ્લેશ ચમકીને બોલ્યો ‘‘ડેડી, આ તો ૧૧૦ ડૉલરના શુઝ છે! આટલા મોંઘા શુઝ અને તે પણ ચાલવા માટે?’’

       ‘‘મોંઘા તો છે.’’ સંમત થતાં ચંદ્રકાન્ત બોલ્યો. ‘‘પણ, ક્વોલીટીવાળા શુઝ આવે છે. ચાલવામાં સારા પડે છે. હવે મારી ઉંમર થઈ એટલે સારા શુઝ હોય તો પગને ઈજા થવાના ચાન્સ પણ ઓછા. ’’

        ‘‘ચાલવા માટે સારા શુઝ હોવા જોઈએ, એ વાત સાથે હું સંમત થાઉ છું, પણ એ માટે ‘નાઈકી’ના એરવાળા જ જોઈએ એ કંઈ જરૂરી છે?’’

         પોતાના પોકેટમાંથી પૈસા કાઢવાના આવે ત્યારે સૌને સસ્તી ચીજો તરફનો મોહ જાગતાં વાર નથી લાગતી!

          ‘‘તને યાદ છે, દીકરા?’’ ચંદ્રકાન્ત બોલ્યો. ‘‘આ ‘નાઈકી’ના એરવાળા શુઝ જ્યારે પહેલી વાર નીકળેલા ત્યારે એ લેવા તેં કેવી જીદ કરેલી. એ વખતે મેં તને ‘આટલા મોંઘા ભાવના શુઝ શું કરવા છે?’ તેમ મેં પણ પુછેલું. તારું મોં પડેલું જોઈ તારી બાએ મારી સાથે ઝગડો કરીને તને ‘નાઈકી’ના શુઝ અપાવેલા. યાદ આવે છે તને ?’’

          ‘‘ઓ.કે.’’ અશ્લેશ ઢીલો પડતાં બોલ્યો. ‘‘કાલે જઈશું એ શુઝ લેવા, ઓ.કે. !’’

            અશ્લેશ પરાણે સંમત થતો હતો; એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી.

            બીજા દીવસે અશ્લેશે ‘કે-માર્ટ ’ના પાર્કિગમાં ગાડી વાળી ત્યારે ચંદ્રકાન્તથી બોલ્યા વગર ન રહેવાયું: ‘‘તારે ‘કે-માર્ટ ’માં કંઈ લેવાનું છે?’’

            ‘‘ના.’’ અશ્ર્લેષ બોલ્યો. ‘‘આ તો તમારા શુઝ જો અહીં સસ્તામાં હોય તો જોઈ લઈએ. ’’

            ‘‘ ‘કે-માર્ટ’ માં શોપિંગ કરતાં તને હવે શરમ નથી આવતી? ’’ ચંદ્રકાન્તે સીઘો જ સવાલ કર્યો.

            ‘‘ડેડી,  ‘કે-માર્ટ ’ હવે પહેલાના જેવો નથી રહ્યો. એમણે ઘણા બઘા સુઘારા કર્યા છે. ‘નેઈમ’ બ્રાન્ડ વસ્તુઓ રાખતા થઈ ગયા છે. એટલે તો એમણે નામ બદલીને ‘બીગ કે-માર્ટ’ રાખ્યું છે.’’

            ચંદ્રકાન્તને થયું કે, એના સવાલથી દીકરાને સમજાયું નથી કે, એ શું કહેવા માગતો હતો. એટલે એણે જ સ્પશ્ટતા કરવી પડી. ‘‘તમે નાના હતા ત્યારે મારી સાથે  ‘કે-માર્ટ’માં શોપીંગ કરવા આવતાં તમને શરમ આવતી. અમે અમારું શોપીંગ પતાવીને આવીએ ત્યાં સુઘી તમે ગાડીમાં જ બેસી રહેતા એ તને યાદ આવે છે?’’

            અશ્લેશ કંઈ બોલ્યો નહીં. ચંદ્રકાન્તે વાતને આગળ વઘારતાં કહ્યું ‘‘તું માને કે ન માને પણ હવે મને ‘કે-માર્ટ ’માં જતાં શરમ આવે છે. એટલા માટે કે, મારી ઉંમરના કોઈ મને અહીં જોઈ જાય તો એ લોકો મનોમન વીચારવાના કે મેં રીટાયર્ડ થઈ કમાતા દીકરા અને પુત્રવધુની સાથે રહીને ‘કે-માર્ટ ’માં શોપીંગ કરવાનું છોડયું નથી!’’

             ‘‘તો પછી તમારે કયા સ્ટોરમાંથી શુઝ ખરીદવા છે ?’’ ઊંચા અવાજે અશ્લેશે  પુછયું.

            પોતાના પગ તળે પાણીનો રેલો આવે એ કોઈને ગમતું નથી અને પાણી પહેલાં પાળ કોઈ ને બાંઘવી નથી.

           ‘‘તારા શુઝ ખરીદવા તું અમને ‘ઓશમાન’માં કાયમ ઘસડી જતો હતો એ તો યાદ હશે તને?’’ ચંદ્રકાન્તે કઠોર થઈને કહ્યું. ‘‘મારે પણ એ જ સ્ટોરમાંથી શુઝ ખરીદવા છે; સ્પોર્ટસનો સ્ટોર છે ને એટલે !’’

           મુંગા મુંગા અસ્લેશે ગાડી એ તરફ ઘસડી.

            થોડાં અઠવાડીયાં પછી ચંદ્રકાન્તે એક ટી.વી. ખરીદવાની વાત દીકરા આગળ મુકીઃ ‘‘ તમે બન્ને તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જુઓ છો; ત્યારે હું પરાણે તમારી સાથે ટી.વી. જોઉં છું. જો મારી રુમમાં એક અલગ ટી. વી. હોય તો, હું મારા પ્રોગ્રામો એકલો એકલો જોઈ શકું અને તમે લોકો તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જોઈ શકો. ’’

            ‘‘કયો ટી.વી. ખરીદવો છે, ડેડી? ’’ અશ્લેશે પુછયું.

             ‘‘સોનીનો. તને ખુબ ગમે છે ને ? સાથે સાથે ઉમેર્યુ ’’ભેગા ભેગા એક ‘વી.સી.આર.’ પણ ખરીદવો છે કે જેથી હું મારી રુમમાં બેઠો બેઠો મહાભારત જેવી કેસેટો લાવી જોઈ શકું. ’’

              એકાદ મહીનામાં બાપ દીકરા વચ્ચે કોઈ પણ ચર્ચા કર્યા વીના, ચંદ્રકાન્તની રુમમાં નવો ટી.વી. અને ‘વી.સી.આર.  આવી ગયાં.

              એક દીવસ ચંદ્રકાન્તની ગાડી બગડી અને રસ્તામાં જ અટકી ગઈ. અશ્લેશે આવીને એને ‘ટો’ કરાવી. ઘરમાં પગ મુકતાં જ ચંદ્રકાન્તે દીકરાને મનની વાત કરી. ‘‘બેટા, મારી ગાડી હવે ખુબ જુની થઈ ગઈ છે. તું જો અપાવે તો, એક નવી ગાડી ચલાવવાની મારી ઈચ્છા છે. તમને ભણાવવામાં મેં આજ સુઘી જુની ગાડીઓ જ ચલાવી છે. તારી બાની પણ ખુબ ઈચ્છા હતી કે, હું એને નવી ગાડીમાં ફેરવું. એ બીચારીને તો નવી ગાડીમાં ફરવા ન મળ્યું ! મને જો નવી ગાડીમાં ફરવાનું મળશે તો, અમારા બંનેની ઈચ્છાઓ પુરી થતાં એના આત્માને પણ શાંતી જરુંર મળશે.’’

           દીકરાઓની માંગ બાપ કરતાં માનાથી જલદી પુરી કરાય છે. એ કારણે, દરેક દીકરાને બાપ કરતાં મા પ્રત્યે લાગણી વઘારે હોય છે !  માની વાત આવતાં અશ્લેશને કોઈ પણ દલીલ કરવાનું મન ન થયું. આમેય એને ખબર હતી કે, એના ડેડીએ કદી નવી ગાડી ખરીદી નો’તી. જ્યારે જ્યારે એ એના ડેડીને નવી ગાડી ખરીદવાનું કહેતો હતો; ત્યારે એના ડેડી એના અભ્યાસના ખર્ચાની વાત આગળ લાવી મુકતા અને નવી ગાડીની વાત ત્યાં જ અટકી જતી.

         ‘‘કઈ ગાડીની ઈચ્છા છે, ડેડી ?’’ અશ્લેશે પુછયું. અશ્લેશ આટલી સહેલાઈથી સમજી જશે, એ ચંદ્રકાન્તે ઘાર્યુ નો’તું ! લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ઘોવા ન જવું જોઈએ!

           ‘‘‘લેક્સસ ’ તને કેવી લાગે છે?’’ ચંદ્રકાન્તે પુછયું.

             ‘‘સારી છે અને તમને ફાવશે પણ ખરી.’’

               ગાડીનો સોદો કરતી વખતે ચંદ્રકાન્તે રેડીયો અપગ્રેડ કરાવીને સી.ડી. પ્લેઅરની વાત કરી ત્યારે અશ્લેશ અકળયો. ‘‘ગાડી સાથે કૅસેટ પ્લેઅર તો આવે જ છે. પછી સી.ડી. પ્લેઅરની શી જરુર છે?’’

               ‘‘એક વાર સી.ડી.નું સંગીત સાંભળીએ પછી કેસેટનું નથી ગમતું.’’ ચંદ્રકાન્તે દલીલ કરતાં કહ્યું. ‘‘આમેય તમારા શોખ પુરા કરવા મેં આજીવન મારા શોખ દબાવી જ રાખ્યા હતા.’’ ભુતકાળને યાદ કરીને એમણે ઉમેર્યુ: ‘‘તારી નવી ગાડી લીઘી ત્યારે તેં કેટલો ખર્ચ કરાવ્યો હતો?  ગાડીની સાથે આવેલો રેડીયો તેં અપગ્રેડ કરાવીને મોટા મોટા સ્પીકરો ગાડીમાં નંખાવેલા. અને સી.ડી. ચેન્જર પણ નંખાવેલું . ત્યારે મેં તને કહેલું કે, ‘આ બઘા પૈસા તું ભણવા પાછળ ખર્ચતો હોય તો?  આ બઘા શોખ કમાઈને કયાં પુરા કરાતા નથી! ‘ આ બઘી વાતો તને ત્યારે ગળે ઉતરી નો’તી!’’

         અશ્લેશ મુંગો મુંગો બઘુ સાંભળી રહ્યો હતો.

         ઘેર પાછા આવતાં ગાડીમાં અશ્લેશે વ્યંગમાં ચંદ્રકાન્તને પુછયું ‘‘ડેડી, ગાડીમાં બીજું કંઈ અપગ્રેડ કરાવવું હોય તો બોલજો. ’’

          અશ્લેશના આ કથનમાં કડવાશ છલકાતી હતી; એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી. એટલે જ, ગાડીના કાચને ટીન્ટ કરાવવાની મનેચ્છાને મારવી પડી.

             ચંદ્રકાન્તની નાની-મોટી માંગણીઓ દીન-પ્રતીદીન વઘતી જતી હતી. એની માંગણીઓથી દીકરા અને પુત્રવધુના મોંના બદલાતા જતા ભાવોને વાંચી વાંચી ચંદ્રકાન્ત વીચારોમાં ખોવાઈ જતો હતો.

               એક રાતના ચંદ્રકાન્ત સુઈ ગયા છે, એની ખાતરી કરીને અંકીનીએ અશ્લેશને વાત છેડીઃ ‘‘ હું તો તને પહેલેથી જ કે’તી હતી કે, ડેડીને આપણા ભેગા રહેવા આવવાનું દબાણ ન કરતો. આપણા ભેગા લાવીને તેં શું કાંદા કાઢ્યા! નાના બાળકની જેમ એમની માગણીઓ દીન-પ્રતીદીન  વઘતી જ જાય છે. આપણને પોસાશે કે નહીં, એનો વીચાર તો એ કરતા જ નથી ! વસ્તુંઓ માગે છે તો એ ટોપ લાઈનની જ માંગે છે. બાના ગયા પછી એ ઘણા જ બદલાઈ ગયા છે. વાત વાતમાં તારી પાછળ એમણે કેટલો ખર્ચ કર્યો; એ આગળ લાવી તને બોલતો જ બંઘ કરી દે છે. હવે જો ડેડી અહીંથી જવા માંગે તો તું પાછો એમને દબાણ કરતો નહીં.’’ અશ્લેશે પીતાનો બચાવ કરવા દલીલો તો કરી;  પણ પત્નીના વાક્બાણોથી ઘાયલ થતાં એ આગળ લડી ન શક્યો !

           ચંદ્રકાન્તે બંનેની સઘળી વાત અર્ઘનીદ્રામાં સાંભળી તો લીઘી, પણ એની ઉંઘ જ ઉડી ગઈ ! ખુલ્લી આંખે પથારીમાં મળસ્કે સુઘી એણે આળોટયા જ કર્યુ. મનોમન એક નીશ્ચય કરી લેતાં એને ઉંઘ તો આવી ગઈ.

બીજા દીવસે બપોરના એક ચીઠ્ઠી લખવા એણે પેન ઉપાડી.

ચી. અશ્લેશ અને અંકીની,

           ગઈ કાલે રાતના અંકીની વાત અને તમારી બન્નેની વચ્ચે મારી બાબતે જે વાદવીવાદો થયા; તે મેં ઉંઘમાં સાંભળ્યા. મારી માંગણીઓ અંકીનીને હદ-પાર વીનાની જરુર લાગી હશે, પણ એની પાછળની મારી ફીલોસોફી તમે બંને સમજયાં નથી; એટલે એ અંગેની સ્પશ્ટતા મારે કરવી પડશે.

          મેં જેમ અશ્લેશની નાની-મોટી માંગણીઓને સંતોશી; તેમ તમે લોકો તમારાં ભાવી બાળકોની માંગણીઓને કેવી રીતે સંતોશશો એ મારે જોવું હતું;  અનુભવવું હતું. તમારા બાળકોની માગણીઓ તો ખુબ જ આઘુનીક અને ખર્ચાળ હશે. તમને ઘડી ભર ‘અપ-સેટ’ કરી દે એવી હશે. મેં તો મારા શોખને બાજુ પર રાખી તમારા શોખને પુરા કર્યા;  પણ તમે તમારા બાળકોની માંગણી પુરી કરવા તમારા શોખ પડતા નહીં મુકો; એટલે  એ માટે તમને અત્યારથી જ તૈયાર કરવા મેં એક નાટક તમારા ઘરમાં આવીને ભજવ્યું છે.

       સાથે સાથે મારે એ પણ જોવું હતું કે, તમે લોકો મારી કેવી કાળજી લો છો. સારું છે કે હું શારીરીક અને આર્થીક રીતે સઘ્ઘર છું; ત્યારે તમે લોકોએ મારી આંખ ખોલી છે. સારું છે કે, મેં મારી બચત તમારા નામે ટ્રાન્સફર કરી નથી. તારાં બાની તો ઈચ્છા હતી કે, અમારા ગુજરાન જેટલું રાખીને બાકીની રકમ તમારા નામે ટ્રાન્સફર કરવી.  પણ મેં જ એને સમજાવીને કહ્યું હતું કે, ‘આપણા બન્નેના અવસાન પછી આ બઘુ આપણા દીકરાનું જ છે. ‘ અને એ ત્યારે સમજી પણ ગઈ હતી.

        હું મારા એપાર્ટમેન્ટમાં પાછો જાઉ છું, પણ તમારી સાથેનો સંબંઘ તોડીને જતો નથી. આપણા સંબંઘમાં એક નાની તીરાડ પડી છે એ વઘારે ઉંડી ઉતરે એ પહેલાં એને મારે સાંઘી લેવી છે. તમારે ત્યાં હું અવાર નવાર આવતો રહીશ. તમારા બંનેના સંબંઘો મારા કારણે બગડે નહીં ; એ મારા માટે ખુબ મહત્વનું છે. મારે તો બહુ વર્શો હવે કાઢવાનાં નથી. તમારી આગળ તો લાંબી મંઝીલ પડી છે. અને તમે બંને હાથમાં હાથ મીલાવી એ મંઝીલ પાર કરો એમાં જ મારી ખુશી છે. અત્યારે હું અલગ રહું એ બન્ને માટે સારું છે.  સાજા માંદા વખતે તમારી મદદ માગીશ અને તમે એ પ્રેમથી પુરી પાડશો, એની મને ખાતરી છે.

          મને અને આ પત્રને સમજવાની કોશીશ કરશો એ આશા સહ; શુભેચ્છા સાથે..  આશીર્વાદ આપતો વીરમું છું.”

   – તમારો ડેડી.

—————————————————————–

વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું.
સેંકડો ફળથી જતન એક જ વૃક્ષ કેરું ના થયું.
એક પોષે છે, પિતા બેચાર પુત્રોને છતાં;
સર્વ પુત્રોથી જતન એક જ પિતાનું ના થયું.

અંબાલાલ ડાયર

( શ્રી. મનહર ઉધાસના,  સપ્ટેમ્બર – 2007 માં બહાર પાડવામાં આવેલા,
નવા આલ્બમ ‘આભાર’ માંથી સાભાર. )

20 responses to “બાગબાન કા બસેરા – ચીમન પટેલ ‘ચમન’

  1. સુરેશ ફેબ્રુવારી 21, 2008 પર 11:02 એ એમ (am)

    બે પેઢીઓની વચ્ચે પડતા અંતરની આ વાત, ઘર ઘરની વાત છે.

    આ વાતના અનેક પાસાં છે. વાચકોના મંતવ્યો જાણવા મળશે તો આનંદ થશે.

  2. સુનીલ શાહ ફેબ્રુવારી 23, 2008 પર 4:22 એ એમ (am)

    સરસ, હ્રદયસ્પર્શી, વાસ્તવીકતાને પ્રતીબીંબીત કરતી વાર્તા.

  3. neeta ફેબ્રુવારી 23, 2008 પર 5:19 એ એમ (am)

    વાત બધી સાચ્ચી પણ દીકરો માંગણી પુરી કરે એવી આશા પણ વડીલો એ રાખવી જ શુ કામ જોઇયે?
    એ એનાં બાળકો ને કેવી રીતે સંભાળે એ જોવાની જવાબદારી પણ આપણી નથી , અને આ વાત માં તો દિકરો બધુ જ કરતો હતો પણ વહુ બોલે ત્યા સુધી નો દિવસ લઈ જ શું કામ આવવાનોં.
    દાદાજી વડીલો મારી જાન છે ..હુ સૌથી વધારે વડીલો ને પ્રેમ કરુ છુ.. એટલે જ કહુ છુ કે પોતાની પાસે જો હોય તો તો પરિક્ષા લેવાની જરુરત શુ છે? અને જો ન હોય તો પણ જય શ્રી ક્રુષ્ણ .. દિકરા અને વહુ ને પોતાને શરમ હશે તો તેઓ પોતે વડીલો નુ બધુ જ કરશે અને અલગ રહી ને કરે તો પણ સારુ જ છે એમને પણ શાંતી અને વડીલો ને પણ શાંતી.. પણ જો અલગ રહીને ન કરે તો અફસોસ ન કરો, એમનાં નસીબ..આવતી કાલ એમની પણ પડવાની જ છે… કોઇ બાકી રહ્યુ નથી કર્મ નાં સિધ્ધાત થી..
    કોઇને પણ મારી આ વાત થી દુઃખ થાય તો હુ હ્રદય થી માફી માંગુ છુ..

  4. mihir ફેબ્રુવારી 23, 2008 પર 6:30 એ એમ (am)

    I feel that such litmus test is necessary to check one’s own “sanskar’s” tranformation from one generation to other.
    In my eyes, Chandrakat ji did the right thing

  5. Rachana ફેબ્રુવારી 23, 2008 પર 8:48 એ એમ (am)

    This article was very touchy and inspiring..
    It’s little dramatized for more effects, but i liked the underlined message..

    good reading

  6. Harnish Jani ફેબ્રુવારી 23, 2008 પર 9:22 એ એમ (am)

    Wonderful story–Chimanbhai fantastic write up -Very fresh and modern theme.-I did not know that you could handle such subject delicately-you always write humorous. Congratulations !

  7. Chirag Patel ફેબ્રુવારી 23, 2008 પર 10:25 એ એમ (am)

    શું કહેવું એ ખ્યાલ નથી આવતો. દરેક રીતના અનુભવો થવા શક્ય છે. બે પેઢીનો સંઘર્શ તો રહેવાનો જ છે. આપણે એ કેવી રીતે જોઈએ છીએ એના પર નીર્ભર છે.

  8. shivshiva ફેબ્રુવારી 23, 2008 પર 10:43 એ એમ (am)

    નીતાની વાત મહદ અંશે સાચી છે. જુદા રહીને બાળકો પાસે વધુ પડતી આશા રાખવી એ વાત ગળે ન ઉતરે. માનભંગ થાય તેના કરતા સ્વમાનથી જીવવું વધુ ઈચ્છનીય છે.

  9. pragnaju ફેબ્રુવારી 23, 2008 પર 12:37 પી એમ(pm)

    આિદકાળથી ચર્ચા તો િવષય.
    બે પેઢીઓની વચ્ચે પડતા અંતરની આ વાત,ઘર ઘરની વાત છે.પણ દરેક ઘર ઘરની વાત અલગ અલગ હોય છે. એક ઘરની વાત પણ કાળે કાળે પરીસ્થીતી બદલાય છે.તે પ્રમાણે થોડી મેચ્યુરીટી-પૂખ્ત િવચાર પૂર્વક નીર્ણય લેવો જોઈએ.
    આ વાર્તામાં ચંદ્રકાન્તનો નીર્ણય બરોબર છે પણ તે આખા સમાજ માટે બરોબર ન પણ હોય!
    …ડર તો ધરમને નામે ધિતંગ કરતા બાવાનો લાગે-જે તુરત કહેશે આ માયા છોડી મારે શરણે આવી જાવ અને અને અને અને

  10. jignesh ફેબ્રુવારી 25, 2008 પર 9:31 એ એમ (am)

    To be honest, this story is based on a bit depressing psychology of old age.

  11. pravina Avinash Kadakia ફેબ્રુવારી 25, 2008 પર 10:34 એ એમ (am)

    આવી પરિક્ષા બાળકોની ન લીધી હોય તો ના ચાલે? ખુદમા વિશ્વાસ
    હોવો જરૂરી છે. જે બાળકને પ્યારથી મોટો કર્યો હોય તે પ્યાર જ આપશે!

  12. suresh ફેબ્રુવારી 26, 2008 પર 5:28 એ એમ (am)

    i guess something extra ordinarily favourable relations between son and father but, kya kare- kalyug ma to navi rite pan awa anubhavo thavana…. khub j hriday dravak pan sachot saty sathe no ant…..

  13. Divyakant Parikh ફેબ્રુવારી 27, 2008 પર 6:56 પી એમ(pm)

    Very interesting story. Depicts the different values of two generations. Unless two persons are raised same way, the love and feelings( of husband and wife ) towards parents are bound to be different. The twist at the end is brilliant.
    Keep up the good writing.

  14. Pingback: (271) હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) « William’s Tales (Bilingual)

  15. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) ચીમન પટેલ ‘ચમન’ | હાસ્ય દરબાર

  16. Pingback: (271) હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) * ચીમન પટેલ « William’s Tales (Bilingual)

  17. Pingback: THE LARGEST INDOOR RAINFOREST IN THE WORLD DINESH VORA | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  18. mdgandhi21 સપ્ટેમ્બર 7, 2016 પર 12:56 એ એમ (am)

    દરેક સીનીયર સીટીઝને બહુ સમજવા જેવી વાત છે. આવા અનુભવવાળા તો અસંખ્ય વડીલો તમને મળી આવશે. ચંદ્રકાંતે બહુ સરસ, યોગ્ય અને ત્વરીત પગલું લીધું અને તે એના ફાયદામાંજ રહેવાનું.
    આને સાદી વાર્તા કહેવા કરતાં જીવનમાં ઉતારવા જેવી એક સરસ વિચાર આપતી વાર્તા કહેવી જોઈએ.