શીયાળાની સવારનો સમય છે. સુરેશ! તમારી અમદાવાદી કાયાને અહીંનો કડકડતો શીયાળો બહુ અનુકુળ નથી. તમારો નાનકડો દોહીત્ર પણ ભલેને જન્મે અમેરીકન હોય; તેની નાનકડી જીંદગીનો મોટકડો ભાગ અમદાવાદમાં જ પસાર થયેલો છે. એટલે બન્ને ચીત્તવ્રુત્તીએ તો અમદાવાદી જ! આ ઓવરકોટ અને બુટ મોજાંનાં ઠઠારા વેંઢારવાં બન્નેને બહુ આકરાં લાગે છે. તમે બાબલાને માંડ મનાવીને ડે-કેરમાં ઉતારી જવા તૈયાર થઈ ગયેલા છો. માલીપા ગલગલીયાંય ખરા જ તો કે, આ બાબલું વીદાય થાય, એટલે તમે તમારી ગઈ કાલે અધુરી મુકેલી ગુજરાતી ચોપડીમાં ફરી ડુબી જાઓ અને ઓલ્યા દેશી નેટમીત્રોને ઈમેલીયા સલામ મારી દ્યો.
પણ ઓલ્યો બાબલો? એને શી રીતે ઈસ્કુલ જવા સમજાવી શકાય? એનેય એનાં મનગમતાં કાર્ટુન ના જોવાં હોય? માંડ માંડ કેટકેટલી લાલચ આપી તેને તૈયાર કર્યો છે. આજે તો બપોરે જરુર તમે વહેલા તેને લેવા પહોંચી જવાના છો; તેવી હૈયાધારણ દસમી વાર આપી ચુક્યા છો. ત્યાં તમારી ‘ઈવડી એ’ તમારી વ્હારે ધાય છે. જમાઈ કાલે જ તેને મનગમતી કેન્ડી લાવેલાં છે; તેમાંની એક બાબલાના હાથમાં તે પકડાવી દે છે; અને બાબલાને મસમોટું પ્રોમીસ આપી દે છે કે સ્કુલેથી આવશે એટલે બીજી મળશે.
છેવટે તમારી અને બાબલાની સવારી ઉપડે છે. આમ તો ડે-કેર ઘરથી એક માઈલ દુર જ છે. દેશની ગલીકુંચીના માહેર એવા તમનેય, અમેરીકાની ગલીકુંચી જેવા અહીંના રસ્તા વધારે ફાવે છે. કોલમ્બસે અમેરીકા શોધી નાંખ્યો હતો, એ કક્ષાની તમારી મહાન શોધના પ્રતીક, એવા તમારા આ રોજના રસ્તે તમે ગાડી હંકારો છો. બાબલાને તો ડેડી ઝાકઝમાળ રસ્તે ગાડી પુરપાટ લઈ જતા હોય તે વધારે ગમતું હોય છે; એટલે તેનો નવો કકળાટ ચાલુ જ.
‘ દાદા! યુ આર એ બેડ બોય. ‘
તમે આ રોજની ગાળ સમસમીને ખાળી લો છો; અને તમારા બાળપણમાં તમે કેવા શીયાંવીયાં થઈ, બાપના બધા જુલમો (!) અને આપખુદી ખમી લેતા હતા; તે વીચારોને હજારમી વાર મમળાવો છો. અમેરીકન પ્રજાને રોજની ગાળ પણ મનમાં સરી પડે છે. છેવટે સ્કુલ આવી પુગે છે. ફરી બાબલાનો રડમસ ચહેરો તમારી અંદર દયાભાવ પ્રેરે છે. ફરી દસમી વાર તેને બપોરે વહેલા તેડી જવાનું રેડીમેડ પ્રોમીસ તમે આપી દો છો. આમ માંડ માંડ તમને આજના દીવસની તમારી છ કલાકની નાનકડી અને મીઠી મધ જેવી મુક્તીની મહાન ઉપલબ્ધી થાય છે.
તમે એજ ગલીકુંચીના રસ્તે પાછા જવા વળો છો. અને વીચારોનાં ધણ તમને ઘેરી વળે છે.
‘ દેશમાં આવાં કુમળાં બાળકો પર આવો જુલમ હોય? ( જોકે, હવે તો ત્યાંય પ્રી-નર્સરીઓએ મમ્મીઓનું કામ સરળ બનાવી દીધું જ છે ને ?! ) તમારી દીકરી અને જમાઈ ગાડાના પૈડા જેવા ડોલર આ ડે-કેર માટે ખર્ચે છે – તમને આ છ કલાક મુક્તી મળે તે માટે. અમેરીકામાં તમારા જેવાં બીજાં ગલઢાં આટલાં ખુશનસીબ નથી. એમનો બરાબર કસ તેમનાં દીકરા-દીકરીઓ કાઢી નાંખે છે. આખો દી’ એમને પૌત્ર-પૌત્રી કે દોહીત્ર-દોહીત્રી સાથેની મગજમારીમાંથી ક્યાં કશો સમય જ મળતો હોય છે?’
આવા અનેકમી વાર કરેલ વીચારોથી તમે તમારા વતન-ઝુરાપાને માંડ માંડ ખાળો છો.
‘ દેશમાં બગીચાની પાટલી પર સમવયસ્ક કાકાઓ અને દાદાઓની સાથે દેશના રાજકારણની કેવી ચર્ચાઓ ચાલતી હોય? કેવી જ્ઞાન વીજ્ઞાનની અને પોતાના નોકરીકાળના અનુભવોની આપલે તેમની સાથે કરતા હો?’
મન ફરીને ખાટું ખાટું થઈ જાય છે, અને દેશની એ ધુળીયા ગલીઓ માટે ઝુરવા લાગી જાય છે.
અને ત્યાંજ રીયર વ્યુ મીરરમાં લાલ, લીલી, પીળી બત્તીઓ ઝબુકતી દેખાવા માંડે છે. તમે સફાળા વાસ્તવીકતાની ધરતી પર પાછા ફેંકાઈ જાઓ છો. પોલીસની ગાડી તમને હવે દ્રશ્ટીગોચર થાય છે. (અહીં પોલીસને કૉપ કહે છે – એક જાતનો કોપ જ સમજોને?! ) કોઈ જાતની સાધના વગર તમને એ મહાન સત્યની તરત અનુભુતી થઈ જાય છે કે, તમે સ્ટોપ સાઈન આગળ ‘થોભો, જુઓ અને જાઓ’ ( Stop, Look and Go) નો સુવર્ણ સીદ્ધાંત ચુકી ગયા છો.
અને એ ભયંકર દીવાસ્વપ્ન તમારી સામે હવે નગ્ન સત્ય બનીને સાકાર બને છે. તમારી પાસે અહીંનું ડ્રાઈવીંગ લાયસન્સ નથી. હજુ સ્વર્ગના પ્રવેશદ્વાર જેવું ગ્રીનકાર્ડ પણ તમારી પાસે નથી. દેશમાંથી છસો જ રુપીયા આપીને મેળવેલું ડુચા જેવા સરકારી કાગળ પરનું ઈન્ટરનેશનલ લાયસન્સ પણ તમે ખોઈ બેઠેલા છો. અત્યારે તમારા કબજામાં માત્ર તેની ફોટોકોપી જ છે. ભરશીયાળામાં તમે પસીને રેબઝેબ બની જાઓ છો.
થોડીવારમાં તમારી જ ઉમ્મરનો, દૈત્ય જેવો લાગતો પોલીસમેન તમારી પાસે આવી જાય છે. તેના હાથમાં જમદુતના હાથમાં પાડાની રાશ હોય, તેવી ટીકીટની ચોપડી છે. તે તમારું લાયસન્સ માંગે છે. તમે ધ્રુજતા હાથે પેલી ફોટોકોપી તેને સુપ્રત કરો છો. તેની ગોટપીટ જેવી ભાશાનો એક પણ અક્ષર તમારી સમજમાં આવતો નથી. અથવા તમે અમદાવાદી ચાલાકીથી સમજ્યા નથી તેવો ડોળ કરી લો છો ! તમે માંડ માંડ તેને સમજાવો છો, ‘નો ઈંગ્લીશ, ઈન્ડીયા.’ તમારા પોણા ભાગના બોડા માથાં પરના થોડા ઘણા ધોળા વાળની દયા ખાઈને તે તમને ટીકીટ પકડાવી દે છે. પાંચ દીવસ પછી કોરટમાં હાજર થવાનું છે. ઘર તો સાવ ઢુંકડું જ છે, પણ તમને તે જોજન દુર લાગે છે. ઘેર તમારી ઉપર દાદી કેવી પસ્તાળ પાડશે; તેની પુર્વધારણા તમારા સમસ્ત હોવાપણાને (!) કમકમાવી દે છે. પેલા કૉપનો કોપ તો એની શું વીસાતમાં?
ઘેર જઈ તમે તમારી કરમ કઠણાઈ તમારી ઈવડી એને સંભળાવો છો. પણ તમારા સદનસીબે તેનાંય હાંજા ગગડી જાય છે. તેણે આપેલી ’હશે’ ની હૈયાધારણ તમને મધમીઠી લાગે છે. સંવનન કાળનો તેની પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવે છે. તે આજે દયાની દેવી તમને લાગે છે. તે તરત આજની આ ભયંકર ઘટનાનો રીપોર્ટ દીકરીને આપવા કાર્યરત બને છે. અને તમે ઓવરકોટનાં આવરણ ફગાવી મુક્ત બનો છો. પસીનો લુછી, ટેબલ પર પડેલા દેશી ફાફડાના નાસ્તાથી તમારા વીક્ષુબ્ધ ચીત્તને આશાયેશ આપો છો. આખા ઘરમાં ફરી એક વાર, ખોવાઈ ગયેલા પેલા ઓરીજીનલ લાયસન્સની વ્યર્થ શોધ દસમી વાર આરંભી; આ દુસ્વપ્નને ભુલવા તમે પ્રયત્ન આદરો છો.
પાંચ દીવસ પછી તમારા જમાઈની સાથે તમે કોર્ટમાં પહોંચી જાઓ છો. તમને તો એમ જ કે પાંચ દસ મીનીટમાં આ અમેરીકન સીસ્ટમ તમને છુટા કરી દેશે. પણ સરકારી દફ્તર એટલે સરકારી દફ્તર. બે કલાકે તમારો નમ્બર લાગે છે. તમારા જમાઈ પેલી કાઉન્ટર પરની વીદેશી જન્નતની હુરને માંડ માંડ સમજાવી શકે છે કે, તમારી પાસે લાયસન્સ કેમ નથી. તે ‘ ઓકે! ઓકે! ’ કરીને 111 ડોલરની દંડની રકમ વસુલ કરે છે. આ ગાડાના પૈડા જેવી રકમ સાંભળી તમારા તો હાંજાં જ ગગડી જાય છે. પણ તમારા દરીયાદીલ જમાઈ તરત તમને સાંત્વના આપે છે, ‘બાપુ! એ તો સારું થયું કે, એ આ ફોટોકોપી પરથી માની ગઈ. હવે પંદરેક દીવસમાં તમારું અહીંનું લાયસન્સ આપણે કઢાવી લેશું.‘
સાંજે ઘરનાં બધાંની સાથે આજની બાબત ચર્ચાય છે. બધા તમને અભીનંદન આપે છે – સલામત છુટવા માટે.
તમે તો બાપુ ‘ દેશ ભેગા થવું પડશે કે, થવા મળશે! ’ તેવી મીઠી કલ્પના પણ કરી બેઠેલા હતા! તમે દીકરીને કહો છો : ” અરે, મુન્ની! એ મફતલાલને દસ ડોલરનું બીલ ( ડોલરની નોટ જ સ્તો !) પકડાવી દીધું હોત, તો મુળાના પતીકા જેવા આ 111 ડોલર બચી જાત. “
તરત મુન્ની તમને ચીમકી આપે છે : ” બાપુ! આ અમદાવાદ નથી. ભુલેચુકેય ભવીશ્યમાં એમ ન કરતા. પોલીસને કરપ્ટ કરવાનો પ્રયત્ન કરવા માટે બીજી ટીકીટ મળત; અને 500 ડોલર વગર પતત નહીં.”
તમે વીચારતા થઈ જાઓ છો : “આપણી સીસ્ટમ આનાથી વધારે સારી. નહીં વારુ ? પ્રાઈમ મીનીસ્ટરથી પટાવાળા સુધી ચાલે!“
—————————-
જાન્યુઆરી – 2001 ના સ્વાનુભવ પર આધારીત; થોડાઘણા મરી-મસાલા સાથે !
Like this:
Like Loading...
Related
ગુજરાત સમાચારમાં ‘સંવેદનાના સુર’ કટારથી પ્રખ્યાત બનેલા નસીર ઈસ્માઈલીની વાર્તાલેખનની આ શૈલી મને બહુ જ ગમે છે. હું આ શૈલીનું બે રીતે મુલ્યાંકન કરું છું –
1. આવું લખાણ વાંચતાં વાચક પોતે જ વાર્તાનો નાયક કે નાયીકા છે; તેવી માનસીક અનુભુતી કરે છે.
2. લેખક્ની પોતાની સ્વ-કથા હોય તો લેખક પોતાની જાતને, પોતાના આવા અનુભવને દ્રશ્ટાભાવથી નીહાળતો હોવાની અનુભુતી કરી લે છે; વાચકને પણ કરાવી લે છે.
અહીં બીજો ભાવ પ્રેશીત છે.
નસીર ઈસ્માઈલીના જીવન વીશે વાચો –
http://sureshbjani.wordpress.com/2007/04/22/naseer-ismaili/
Sureshbhai, aap khub j saras vicharo chho, anubhavo chho and lakho chho…………I hope tame aavu saras jivta pan hasho. regards.
may i know any of your book, if published? name 7 publilsher’s name.
સુરેશભાઇ ,સરસ, હાસ્ય ઉપજાવવા ની તમારી શૈલી ગમી
http://jayeshupadhyaya.wordpress.com
વાહ દાદા. તમને હાસ્યરસ જામતો જાય છે.
સાથે, કાલે જ વાંચેલી એક વાર્તા યાદ આવી. સન્દર્ભ થોડો જુદો છે અને અતીશયોક્તી પણ છે: http://www.aarpar.com/web%20342/pdf/varta.pdf
tame hasykar jevu j lakho chho.pl.keep it up.
bahu saras lakhan chhe …….vanchvani bahu majak aavi………
aavu saras lakta rahejo ne amne sahu ne vanchavata rahejo……….
Ashok
good,but very complicated to read Gujarati.
ટિકિટ એટલે ટ્રાફિક પોલિસની રસીદ! મને તો એમ કે સુરેશ દાદાને ચુંટણીમાં ઉમેદવાર તરીકેની ટિકિટ મળી! 🙂
મને પણ એક વખત આવીજ કોર્ટની ‘ટિકિટ’ મળી હતી, ટ્રાફિક પોલિસને ઇચ્છીત રકમ (લાંચ) ન આપવા માટે! 😉
I liked it very much. You have power to keep the reader finish once started. Keep it up.
I wanted to write in Gujarati but like other web sites the clicking place is not around this comment box. I know it is on the top but it’s is not easy like the other one
Can you please make this change.
You dont know how many readers are leaving this site with out their comment.
Thanks
Pingback: પોલીસે ચા પીવડાવી « ગદ્યસુર
Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર