અમેરીકા… અમેરીકા…
છેક 1492ની સાલથી જેની પાછળ પાગલ બનીને આખા વીશ્વમાંથી લોકો અહીં સ્થળાંતર કરે છે; તે દેશ ‘અમેરીકા’ને મેં જે રીતે જોયો છે, અનુભવ્યો છે, સમજ્યો છે – તે વીશ્વગુજરાતી પરીવાર સાથે વહેંચવાના એક પ્રયત્ન તરીકે આજથી આ નવી લેખ-શ્રેણી ‘અમેરીકા’ શરુ કરતાં મને આનંદ થાય છે. આ પહેલા લેખનું નામ કદાચ તમને વીચીત્ર કે અજુગતું લાગશે. પણ બહુ વીચારીને આ અવનવું નામ મેં પસંદ કર્યું છે. લો જાણો ત્યારે કેમ? !
- માનવ સંસ્ક્રુતીના સીમાચીહ્ન જેવાં જે સ્થાપત્યો છે તેમાં પીરામીડનું સ્થાન અનોખું છે. ચીનની દીવાલ અને સ્ટોનહેન્ગની જેમ. મને આ ઉપમા અમેરીકાની સંસ્ક્રુતીને સૌથી બંધબેસતી લાગી છે.
- માનવશક્તી શું કરી શકે છે, તેનું પીરામીડ એક સરસ પ્રતીક છે. હું અમેરીકાને એક શ્રમપ્રધાન દેશ તરીકે જોઉં છું.
- મ્રુત્યુ પછી પણ ભોગ એ પીરામીડના રહેવાસીનું લક્ષ્ય છે. અમેરીકા ભોગપ્રધાન દેશ છે – કોઈ છોછ કે દંભ વગર.
- 3000 વર્શ પહેલાં પણ સ્થાપત્ય અને માનવ શરીરની રચના અને સંભાળ કેટલાં આગળ વધેલાં હતાં; તેની પીરામીડ સાક્ષી પુરે છે. ટેક્નોલોજીની બાબતમાં અમેરીકાના માનવજાતને પ્રદાનના પ્રતીક તરીકે મેં તેને પસંદ કર્યો છે.
- અહીં ગમે ત્યાં જાઓ, જરુર હોય કે નહીં- મકાનો ઢળતાં છાપરાંવાળાં હોય છે : સ્નો ન પડતો હોય તેવા ભાગોમાં પણ. બીજા દેશોમાં પણ કદાચ તેમ હશે. પણ આ અમદાવાદીને આ રચના હમ્મેશ અવનવી લાગી છે; જેમ અમેરીકા અવનવો લાગ્યો છે તેમ.
- આ પીરામીડોની નીચે રહેતો અમેરીકી જણ એક નુતન ‘ફેરો’ છે. તે સાવ સાદો માણસ – એક કારીગર પણ હોઈ શકે છે. પેલા મહાનુભાવ મમીની સરખામણી આ જણની સાથે કરવાનું મને ગમે છે. ઓલ્યા ‘ફેરો’ને જે સુખ અને સાહ્યબી કદી ન મળ્યાં હોય તેવાં સુખ અને સાહ્યબી અહીં માના પેટમાં હોય ત્યારથી મળે છે. અને મમીની જેમ એ પણ સામાન્યતઃ નીર્જીવ છે! અહીં પણ ડોલર કમાવા અને જલસા કરવા; એ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.
- આમ છતાં જીવન જીવવાની એક વીશીશ્ઠ શૈલી મેં અહીં જોઈ છે. સતત દોડતો જ રહેનાર વર્કોહોલીક અમેરીકી જણ ઓલ્યા બાદશાહી ‘ફેરો’ નો સરસ વીરોધાભાસ છે.
ચાલો ત્યારે અમેરીકાની આ અવનવી ઝલક અવારનવાર માણવા માંડો – આજના આ લેખથી …
——————————————————————–
અહીં એક, બે, પાંચ કે ડઝન પીરામીડ નથી. હજારોની સંખ્યામાં છે. તમે કહેશો કે આમને કાંઈક સપનું આવ્યું લાગે છે. પણ ના આ હકીકત છે. જ્યાં જુઓ ત્યાં પીરામીડ જ પીરામીડ. અને સાથે ચીમની પણ ખરી જ તો. અરે, ભાઈ! આ ઈજીપ્તની વાત નથી. આ તો અમેરીકા છે અમેરીકા.
અમેરીકામાં પીરામીડ? હા જ તો. દરેક ઘરની ઉપર પીરામીડ જેવાં છાપરાં. અને તેય જાતજાતનાં અને ભાતભાતનાં. મોટાભાગે તો હંધાંય કાળાં. પણ બધાની બાજુમાં મોટે ભાગે ચીમની પણ ખરી જ. અને અંદર રહેનારાં ફેરો, ફેરોઈન અને બાળબચ્ચાં બધાંયનો વટ જુઓ તો એ ઈજીપ્તના ઓલ્યા ફેરોને તો ક્યાંય બાજુએ મુકી દે તેવો! ચાંપ દબાવે ને અજવાળું થઈ જાય. કોઈ મશાલની જરુર જ નહીં. રુમે રુમે ટીવી અને વીડીયો ગેમો અને જાતજાતની અને ભાતભાતની સગવડો. કોઈના પીરામીડની પાછળ સ્વીમીંગ પુલ પણ ભળાય. એક જ વાત સામાન્ય – એ હજારો વરસ પહેલાંના પીરામીડ અને આ પીરામીડની.. બન્નેમાં મમી હોય અને ડેડ પણ !! જોકે અહીંની મમીને મોમ કહે છે. આપણે જેને મડમ તરીકે બહુ અહોભાવથી જોતા હતાં તેવી.
પણ આ ફેરો અને આ મમી તો બચાડાં બહુ સાદાં અને સીધાં હોં! કોઈ પ્લમ્બર તો કોઈ સુતાર; કોઈક હાઉસ ક્લીનર, તો વળી કોઈક ઘાસ કાપનાર પણ હોઈ શકે. અમારી સામેના પીરામીડમાં રહેતો ‘ફેરો’ તાળાં કુંચીનો નીશ્ણાત છે! ફ્રેડ એનું નામ. મારી ઉમ્મરનો જ અને મારી જેમ જ રીટાયર થઈ ગયેલો. બહુ મજાનો અને જીંદાદીલ માણસ છે. અમારાં ઘરનાં ત્રણ તાળાં એણે મીત્રતામાં આ અમદાવાદીને બહુ પસંદ એવી રીતે – ‘કાના માતર વગર’ રીપેર કરી આપ્યાં હતાં! કો’ક વળી ઉજળીયાત નોકરીવાળાય છે. મારી દીકરી અને જમાઈ જેવાં. ક્યાં’ક પડોશમાં બહુ વૈભવશાળી પીરામીડ દેખાય તો એ કોઈ દુકાન કે ફેક્ટરીનો માલીક પણ હોય.
બધેય ચીમનીયું તો હોય, હોય ને હોય જ. પણ એકેયમાંથી હજુ આ સાત વરસમાં ધુમાડો નીકળતો ભાળ્યો નથ. ખાલી દેખાવની જ ચીમનીયું! આખું ઘર ફુલ્લી એરકન્ડીશન્ડ હોય; પણ જુની પ્રણાલીકા કાંઈ થોડી તોડાય છે? હા, કોક’દી નવરાશની પળે લાકડાં લઈ આવે અને દેખાવનું તાપણું ફાયરપ્લેસમાં કરે, પણ એ કાંઈ ગરમાવા માટે નહીં – માત્ર શોખ ખાતર.
આ અમેરીકા છે. અહીં ઘણી બધી પ્રણાલીકાઓ સતત તુટતી રહે છે, અને છતાં જુની ચાલુ પણ રહે છે. આ જાતજાતના વીરોધાભાસોનો દેશ છે. આ વસાહતીઓનો દેશ છે. જાતજાતના અને ભાતભાતના લોકો. બધા જ વસાહતીઓ. અરે, તળ અમેરાકાના, કોલમ્બસનીય પહેલાં અહીં રહેનારાં નેટીવ અમેરીકન પણ વસાહતી જ હતાં. એસ્કીમોના દેશ – રશીયાના સાઈબીરીયામાંથી નીચે ઉતરી આવેલા એમ કહે છે. અહીં સાવ ફીક્કા ધોળા, ગુલાબી ગલગોટા જેવા, કાળા અબનુસ જેવા, પીળા, ઘઉંવરણા, અને આ બધાય રંગ અને રુપના જાતજાતના મીશ્રણ વાળા લોક જોવા મળી જાય.
અમારું શહેર સાવ નાનું છે, પણ અમારી કોલોનીમાં ક્યાંય ને ક્યાંયથી લોક આવીને વસેલાં છે. સામે જ એક વીયેટનામી કુટુમ્બ રહે છે. થોડેક આગળ મેક્સીકન અને ચાઈનીઝ પણ છે. અમારી બાજુની ગલીમાં (મસ પહોળી લેન છે , હોં !) એક મોરોક્કોનું કુટુમ્બ રહે છે. અમારાથી ત્રીજા ઘરનો ‘ફેરો’ મુળ જર્મન છે અને તેના ઘરની રાણી અલ-સાલ્વાડોરની છે. એટલે કે સ્પેનીશ અને નેટીવ અમેરીકનની મીશ્ર જાતીની.
અહીં તમે હવામાંજ સ્વતંત્રતા સુંઘી શકો – અને સ્વચ્છંદતા પણ. રાજાઓની ગુલામીમાંથી આઝાદી મેળવવાનો પહેલવહેલો બુંગીયો અહીં ફુંકાયો હતો , અને આખા જગતમાં ફેલાઈ ગયો હતો. અને લ્યો! કાળઝાળ ગુલામી પણ અહીં જ વકરીને ફુલી ફાલી હતી. અહીં માત્ર દોઢસો વરસ પહેલાં સાંકળે બાંધેલા ગુલામ અને ગુલામડીઓને સાટકા મારતાં મારતાં ગુલામો વેચવાના બજારમાં લઈ જવાતાં. અને આજે એ જ ગુલામોના કો’ક વારસદાર ચર્ચમાં ઉપદેશ આપતા પાદરી કે રેવરન્ડ પણ છે.
અહીં કરોડો બીવર, બાઈસન, વન્ય સમ્રુધ્ધી અને નેટીવ અમેરીકન પ્રજાનો ખુડદો બોલાવી દેવામાં આવ્યો હતો. અને આજની તારીખમાં પણ આ બધાનું રક્ષણ કરવાનો વીરોધાભાસી સંદેશ આખા જગતને આપનાર, આ અમેરીકન જણ સૌથી વધારે વ્યય અને બગાડ કરે છે !
અહીં મકાનનો ટેક્સ મ્યુનીસીપાલીટીમાં ભરો તેનો વીસથી ત્રીસ હીસ્સો શીક્ષણ અને પુસ્તકાલયો પાછળ ખર્ચાય છે. અને છતાં લોક બહુ આગળ ભણતાં નથી! અહીં મેટ્રીક થાય એને ગેજ્યુએશન કહે છે. અને એ તો બહુ થઈ ગયું! માટે જ અહીંની કોલેજો પરદેશી વીદ્યાર્થીઓથી વધારે ચાલે છે.
આ અમેરીકા છે. આખી દુનીયાનો સૌથી વધુ શક્તીશાળી દેશ. આખી દુનીયાના ખુણે ખાંચરેથી લોક અહીં આવીને વસેલાં છે. અહીંની ચકાચોંધથી આકર્શાઈ, માલેતુજાર બની જવા ક્યાં ને ક્યાંથી લોક અહીં આવે છે અને મજુરી કરી દનીયું રળે છે. આ હડહડતો મુડીવાદી દેશ છે, પણ અહીં શ્રમનો સાચો મહીમા છે. અહીં ‘ડુ ઈટ યોરસેલ્ફ’ ની બહુ ચોપડીઓ વેચાય છે. અહીં મધ્યમ વર્ગે બધાં કામ જાતે કરી લેવાં પડે છે. અહીં કામ કરવાની કોઈ નાનમ નથી.
અહીં અઢળક મશીનો સામાન્ય કામો માટે વપરાય છે; પણ લોહી અને પસીનો પાડીને કમાવેલા ડોલરમાંથી આ બધા પીરામીડો બનેલા છે. બધા ઉંધા ડબલ્યુ જેવા લાગતા પીરામીડો..
આ ત્રણ ડબલ્યુનો દેશ છે. અહીં ‘વેધર, વર્ક અને વુમન’ નો કોઈ ભરોસો હોતો નથી!
Like this:
Like Loading...
Related
દાદા, મારા પ્રીય તારક મહેતાએ વર્શો પહેલાં લખેલી શ્રેણી ‘આહ અમેરીકા, વાહ અમેરીકા’ પ્રકારનું લખાણ લાગ્યું. મઝા આવી.
1 ડૉલરનાં બીલમાં અમેરીકાની સીલ છે અને એમાં પણ ‘પીરામીડ’ છે! ગુઢવાદીઓ એમાં ઘણાં અર્થ અને અનર્થ જુએ છે!!! :-O
You have nicely observed & put into words. The thoughts of Swami Sachidananda, regarding foreign countries, are also very advanced & worth-reading, he is a “krantikari sant”.
bahu saras tark thi lakhyu Che. Dada amerika ne ghanu najik thi joi lidhu tamari drati thi..vaah maja avi ne last line work,women and weather no koi bharoso nahi e bahu gami pan toy tya java loko bahu atur hoy che..majani duniya che tya pan life to badhe life j hoy chahe india hoy ya amerika bas jivava nu.tamari jem ame atale lambe sudhi jivi ne ava saras lakhan lakhi shakie to bas che.ane e pan U.S ma rahine..bahu saras Dada..
અમેરિકાને એકદમ જ નવા એન્ગલથી જોવાનો પ્રયાસ ખૂબ જ ગમ્યો. આ લેખમાળા દરેક હપતે વધુ ને વધુ રસપ્રદ બનતી જશે એમાં કોઈ શંકા નથી.
Pingback: પિરામીડોના દેશમાં, ભાગ-૧ « ગદ્યસુર