સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ -2 : ગુફાવાસીઓ

        ગોવો જ્યાં રહેતો હતો, તે નદીની પેલે પારની જગ્યા બહુ પુરાણી હતી. ગોવાનો કબીલો પરાપુર્વથી ત્યાં રહેતો હતો. તેના વડદાદા પણ નદીના ઉપરવાસમાં આવેલાં કોતરોમાંની એ ગુફામાં રહેતા હતા. ત્યાંજ એમનો સ્વર્ગવાસ થયેલો ગોવાએ જોયો હતો. એ વડદાદાજી બહુ અનુભવી હતા; અને બધાંને એમના માટે બહુ માન હતું. એ બહુ વાતો કહેતા. એમની વાતો પરથી જ ગોવાને પોતાના પુર્વજો વીશે જ્ઞાન મળ્યું હતું. અત્યારે જે ‘આધુનીક’ (!) સ્થીતીમાં તેમનો કબીલો જીવતો હતો, તે માટે તેમના અનેક પુર્વજોના અથાક પ્રયત્નો જવાબદાર હતા. કંઈ કેટલીય વીટંબણાઓને પાર કરીને અત્યારની સ્થીતીએ સૌનું જીવન આવ્યું હતું. જ્યારે જ્યારે તેઓ જોગમાયાની પ્રાર્થના કરતા; ત્યારે અચુક એ પુર્વજોને યાદ કરી તેમનો આભાર સૌ માનતા.

      કંઈ કેટલીય પેઢીઓ પહેલાં એમના વડવા છેક ઉપર પહાડ પરની ગુફામાં રહેતા. એ ગુફા આમ તો બહુ જ બંધીયાર હતી. પથ્થરના અનેક ઘા મારી એ ગુફા રીંછો પાસેથી તેમણે પડાવી લીધી હતી. એમ ન થયું હોત તો રીંછોના આક્રમણ સામે તેમની સાવ નાનકડી વસ્તી ક્યારનીય ખતમ થઈ ગઈ હોત. આકરા શીયાળાનો મરણતોલ માર પણ એ ગુફા વીના એ પુર્વજો ક્યાંથી જીરવી શક્યા હોત? ગુફાના મુખ આગળ ઝાંખરાં અને નાના પથ્થરો રાખી એમણે દરવાજો પણ બનાવ્યો હતો, જેથી માત્ર કબીલાના સભ્યો જ અંદર આવી શકે. એની બાજુમાં કલકલ કરતું ઝરણું વહેતું હતું; જેમાંથી કબીલાના સભ્યો માટે પુરતું પાણી મળી રહેતું. આ રીત તેમના વડવાઓ પાસેથી દુર દુરની ટોળીઓ પણ શીખી ગઈ હતી અને બધે માનવજીવન એવી ગુફાઓમાં જ જીવાતું. હમ્મેશ નવા શીકારની શોધમાં જુવાનીયાઓ દોડતા રહેતાં. કબીલાની સ્ત્રીઓ ફળ અને સુકામેવા વીણવા જતી.

      પણ વસ્તી વધતાં એ ગુફા ઘણી નાની પડવા માંડી હતી. વધી ગયેલી વસ્તી માટે શીકાર પણ પુરતો ન પડતો, ત્યાં વારંવાર રીંછનો ભો તો હજી પણ રહેતો હતો. રીંછોને માટે હવે બીજી કોઈ ગુફા નજીકમાં બાકી રહી ન હતી. વળી પેલાં ઝરણાંનું પાણી પણ હવે બધાંને પુરતું પડતું ન હતું – ખાસ તો નહાઈ ધોઈને ચોખ્ખા થવા માટે. આથી પાણીની બહુ તકલીફ પડતી હતી.

      આથી વડદાદાના દાદા આખા કુટુમ્બને નદીના કીનારે આવેલાં આ કોતરોમાં લાવ્યા હતા. વધેલી વસ્તી માટે અહીં જગ્યા ઘણી હતી. નદીના પાણીનો અખુટ ખજાનો પણ સાવ નજીક હતો. રીંછ પણ આટલે નીચે આવવાની હીમ્મત કરતાં નહીં. આ ઉપરાંત જંગલી જાનવરોના આક્રમણનો મુકાબલો કરવા તેમની પાસે વધુ ઘાતક શસ્ત્રો પણ હવે હતાં. ચીકણા પથ્થરને ધાર કાઢી લાકડાંય ફાડી શકે તેવી કુહાડીઓ પણ તેમની પાસે હવે હતી. નાના તેજદાર પથ્થરોને ધાર કાઢી, તેની છરીઓ પણ તેઓ હવે હાથવગી રાખતા. જંગલી જાનવરો સાથેના હાથોહાથના મુકાબલામાં આ છરીઓના એક બે ઘા પ્રાણીને મરણ-શરણ કરવા સક્ષમ હતા. વળી આવી મોટી છરીઓ લાંબી લાકડીઓના છેડે લગાવી, પ્રાણઘાતક ભાલા પણ તેમણે બનાવ્યા હતા. આ ભાલા જાનવરોનો મુકાબલો દુરથી જ કરવાની ક્ષમતા આપતા હતા. કબીલાના અસ્તીત્વ અને વીકાસ માટે આ શસ્ત્રો અણમોલ હતા. જ્યારે વાર્ષીકોત્સવમાં બધા ભેગા થઈ પેલી જુની ગુફામાં આવેલ જોગમાયાની આરત કરવા જતા;  ત્યારે આ શસ્રોની પુજા પણ અચુક કરવામાં આવતી.

       છ પેઢીથી એ કોતરોમાં એમનો કબીલો રહેતો હતો. પણ રહેવાસ બદલાયો હતો એટલું જ. શીકાર, ઝાડ પરનાં ફળો અને સુકા મેવા એજ એમનો આહાર હતો. બાપદાદાની જુની ગુફામાં બીરાજમાન જોગમાયાની કૃપાથી અને નવાં શસ્ત્રોના કારણે આ સામગ્રી ઓછા કષ્ટથી મળતી –  એટલું જ. એ માટે હવે થોડું ઓછું ઝઝુમવું પડતું હતું. પણ સામેના કીનારે અઢળક ઘાસમાં અસંખ્ય પ્રાણીઓને બીન્ધાસ્ત ચરતાં જોઈ, બધાંના મોંમાંથી લાળ ટપકતી. પણ નદી શી રીતે ઓળંગવી? પાણીથી એ સૌ બહુ ડરતા. હમણાં બે માસ પહેલાં જ નદીકીનારે રમતાં છોકરાંઓમાંથી એક છીછરા પાણીમાંથી દોડીને ઉંડા ધુના બાજુ ગયો હતો અને એમાં જ ગરી ગયો હતો. જો કોઈ પુખ્ત વ્યક્તી પણ આમ કરવા ગઈ હોય તો તે કદી પાછા આવી શકી ન હતી. આથી નદી ઓળંગવી એ બહુ મોટું પાપ મનાતું. એ આમન્યાનું ઉલ્લંઘન કરે એનો કાળભૈરવ કોળીયો કરી જતો – એમ મનાતું.

      શીયાળાની હાડ થીજવી દે તેવી ઠંડી ખાળવા બધાં શરીર ઉપર ચામડાં વીંટાળતાં. સૈકાઓથી આ રસમ અપનાવવામાં આવી હતી. હવે વડવાઓની જેમ નીર્વસ્ત્ર ફરવું શરમજનક ગણાતું. હવે એ લોકો કાચું માંસ પણ નહોતા ખાતાં. પથ્થર અફળાવી તણખા પેદા કરી, સુક્કા ઘાસ અને પાંદડાંમાં આગ પેદા કરવાનું તેમને આવડી ગયું હતું. ઝાડની પાતળી ડાળીઓ અને પછી પાતળાં થડમાં આ આગ ફેલાવી એની ઉપર શીકાર રંધાતો.

      નવરાં પડે ત્યારે બે ચાર આધેડ વયનાં સ્ત્રી પુરુષ જોગમાયાની ગુફાની મરામત કરી આવતાં. દર સાલ એમાં નવાં રંગરોગાન કરવાં પડતાં. માતાજી પ્રસન્ન થાય એના ઉપર જ એમના જીવનનો આધાર રહેતો. એ મોટી ગુફાની જોગમાયા સામે સળગતી ચીતાની ચોગરદમ, ઢોલના ધબુકે નાચવાનું સૌને બહુ ગમતું.

      આવો નાચ ચાલતો હોય ત્યારે ગોવો બાજુએ બેસી રહેતો. તેનું ચીત્ત પરાક્રમી વડવાઓ પ્રત્યે આભાર અને અનુગ્રહની લાગણીથી અભીભુત બની જતું. તેને આવે વખતે એ પરાક્રમી વડવાઓના પગલે નવાં પરાક્રમો કરવા બહુ મન થતું. જોગમાયાની શક્તી પોતાનામાં આવે અને નદીની ઓલી પાર એ ક્યારે ડગ મુકી શકે, એનાં શમણાંમાં જ ગોવો ડુબેલો રહેતો.

    ****

     વહેલી સવારના પવનની લહેરખીએ ગોવાને હલબલાવ્યો. અતીતનાં  આ બધાં શમણાંમાંથી એ ઝબકીને જાગ્યો. ગોવાના મોંમાંથી એક નીસાસો સરી ગયો. એ બધાં શમણાં નીરર્થક થવા સર્જાયાં હતાં. તેની નીર્બળ દશામાં તે અહીં પરાયી ભોમમાં ભુખે ને તરસે ખપી જવા; રાની પશુઓનો ખોરાક થવા સરજાયો હતો. કદાચ નદીનું પુર ફરીથી ચઢી આવે; તો તે ક્યાંયનો ક્યાં તણાઈ જવાનો હતો. કાળભૈરવના ખપ્પરમાં તે ચપટીમાં હોમાઈ જવાનો હતો. તે પ્રતાપી વડવાઓનું નામ બોળનાર કપાતર હતો – ગોવો ‘ગાંડીયો’, અક્કલ વગરનો, ચઢતા પુરમાં પ્રવાહની સામે ધસી જનાર મહા મુર્ખ.  આ બધા વીચારોની પશ્ચાત-ભુમાં ભુખનું દુખ તેને સતાવી રહ્યું હતું. પેટમાં વીણાંચુંટાં થતાં હતાં. કોઈ સાધન કે શક્તી વીના પેટપુજાય શેં કરવી? થોડું આ ઘાસ ખવાય છે? અને તેનામાં તો ઉભા થઈ ચાલવાની તાકાત પણ ક્યાં રહી હતી ?

     અને ત્યાં જ તેની આંખ સામે રેતીમાં તરફડતી એક માછલી દેખાઈ. ઘસડાઈને તે માછલી કને પહોંચ્યો. જોગમાયાની કેવી અનહદ કૃપા હતી? સામે ચાલીને શીકાર આરોગાવા ઉપસ્થીત થયો હતો. કાચી ને કાચી માછલીને મને કમને પેટમાં પધરાવી, પાણી પીધું ત્યારે એના જીવમાં જીવ આવ્યો. થોડી વારે તે ઉભો થયો અને સામા કીનારા પર આવેલા માદરે વતનની સામે તે પ્રેમથી નીહાળી રહ્યો. તેનાં મા બાપ, તેના ગોઠીયાઓ – બધાં યાદ આવી ગયાં. તેણે આજુબાજુ નજર કરી. પણ ક્યાંય તેનું વજન ઝીલી શકે તેવું ઝાડનું એકેય ઠુંઠું તેની નજરે ન ચડ્યું. જે રીતે તે નદીની આ પાર આવ્યો હતો તે રીતે પાછા જવાની કોઈ શક્યતા ન હતી. અહીં જ જીવન ગાળવું બહુ દોહ્યલું હતું. નદીના પાણીમાં ખાબકવાનું દુસ્સાહસ તેના કોઈ બાપદાદાએ કર્યું હોય તેમ તેને સાંભરતું ન હતું.

        પણ હવે તેની જીજીવીષા જાગૃત બની ગઈ હતી. ફરી જોગમાયાનું એ સત અને વડવાઓનાં પરાક્રમનો ગર્વ એના ચીત્તને ખળભળાવી રહ્યો હતો. કોઈ નવા જ ભુતે તેના મનનો કબજો લઈ લીધો. તેની અવસાન પામેલી સ્વ-ગરીમા પુનઃ પ્રતીષ્ઠીત થઈ હતી. બધો નીર્વેદ, બધી હતાશાઓ, બધી વેદનાઓ ભસ્મીભુત બની ગઈ હતી. મા જોગમાયા સાક્ષાત તેના તનબદનને, તેણે કદી અનુભવી ન હતી તેવી તાજગી અને ખુમારી બક્ષી રહ્યાં હતાં. તે યુગ પરીવર્તન કરનાર, સમરાંગણનો યોધ્ધો હતો. તેના વહાલા કબીલાનો ઉધ્ધારક હતો. હવે તેને મરવું પોશાય તેમ ન હતું.

      એક આવેશ, એક ધસમસતું જોમ,  નસોમાં ધમધમતું  ગરમ ગરમ શોણીત –  અને પાણીનો બધો ભય કોરાણે મેલીને ગોવાએ નદીના પાણીમાં ઝુકાવ્યું. આ પાર કે પેલે પાર….

– વધુ આવતા અંકે

5 responses to “પ્રકરણ -2 : ગુફાવાસીઓ

 1. Chirag Patel જૂન 1, 2008 પર 2:00 પી એમ(pm)

  Hats off to you, dada! I cannot express my joy while reading this series. I feel that I am that “Govo”.

 2. સુનીલ શાહ જૂન 8, 2008 પર 5:31 પી એમ(pm)

  પહેલા હપ્તાથી જ ગોવાનું પાત્ર પોતીકુ લાગવા માંડયું.પ્રાગૈતીહાસકાળનું
  અનેક સંઘર્ષભર્યું જીવન કેવું હશે તેની કલ્પના આજના યુગમાં ધ્રુજાવનારી લાગે છે. અનેક અગવડતામાં સગવડો ઉભી કરવા પ્રયત્નશીલ એ કાળના માનવીઓ (આપણા પુર્વજો) માટે અહોભાવ જાગે છે. નવલકથા જામતી જાય છે.

 3. Ram Virani જાન્યુઆરી 22, 2020 પર 8:06 એ એમ (am)

  વર્ષો પહેલા ના જમાનાની વાતો ને ઉજાગર કરતુ ઘણું સારું લખ્યું છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: