વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
————————————————————-
પુર તો ક્યારનુંય ઓસરી ગયું હતું. નદીનો છીછરો ભાગ હવે બહુ થોડોક જ હતો. ગોવાએ કાંઠેથી છીછરા ભાગમાં ચાલવા માંડ્યું. સહેજ જ આગળ વધ્યો અને એકદમ તેના પગ નીચેની ધરતી સરકી ગઈ. તેણે તરત સમતોલન જાળવી, પગ પાછો ખેંચી લીધો. ડુબવાના ભયથી એણે પાછા કીનારા ભણી પ્રયાણ કર્યું. તે પાછો કીનારે જતો રહ્યો, અને વીચારમાં મશગુલ બની ગયો. તેની પાસે માત્ર બે જ વીકલ્પો હતા. એ કીનારા પર રહી નવો, અજાણ્યો જીવનસંઘર્ષ શરુ કરવો; અથવા પાણીમાં આંધળુકીયાં કરી ઝુકાવવું. બેઉ રીતમાં પોતપોતાનાં જોખમ હતાં.
બહુ વીચાર કરી તેણે બીજો વીકલ્પ પસંદ કર્યો. પણ પહેલો વીકલ્પ પણ તેને ખોટો લાગ્યો ન હતો!
તેણે ફરીથી છીછરા પાણીમાં ચાલવા માંડ્યું. ઉંડું પાણી આવતાં જ તેણે હાથ પગ હલાવવા માંડ્યા. પણ આ કળા તેની જાણીતી ન હતી. તે માંડ માંડ માથું પાણીની સપાટીની ઉપર રાખવા ઝઝુમતો ગયો. કદીક ડુબકું પણ ખાઈ લીધું. એકાદ વખત નાકમાં પાણી પણ ઘુસી ગયું. તેણે જોયું કે શ્વાસ ભરી રાખે, તો ડુબકી ખાતી વખતે બચી જવાય છે. અહીં તેને ક્યાં કોઈ આ નવી કળા શીખવવા આવવાનું હતું? બધું જાતે જ શીખવાનું હતું ને?
આમ તેણે બાથોડીયાં ભરવા માંડ્યાં. ઉભા ઉભા જ પાણીમાં તરતા રહેવાની કળા તેને ધીમે ધીમે હસ્તગત થવા લાગી. પણ આમ ડુબવાથી બચી જવાય. પણ આગળ શેં જવાય? આટલી પહોળી નદી પાર કરવાની હતી, અને આગળ તો ન જાણે શાં શાં નવાં જોખમ આવવાનાં હતાં? અડધોએક કલાક આ ગડમથલ ચાલી. પણ એક ડગલું પણ તે આગળ વધ્યો ન હતો. આ બલામાંથી કેમ ઉગરવું તેના વીચારો તે કરવા લાગ્યો. ધીમે ધીમે થાક પણ લાગવા માંડ્યો હતો.
અને તેને યાદ આવ્યું, બીલાડીઓ પાણીથી ડરતી, પણ કુતરાંઓને તેણે આસાનીથી નદી તરી સામે કીનારે પહોંચી જતાં જોયાં હતાં. તેને હવે ખબર પડી કે, કુતરાની જેમ શરીર આડું હોય તો કદાચ આગળ વધાય. તેણે ડરની સાથે શરીર લંબાવ્યું. હવે પાણી નાકની લગોલગ આવી ગયું હતું. ભયનું એક લખલખું તેને થથરાવી ગયું. તેણે જોશથી હાથ અને પગ વીંઝવા માંડ્યા. ખાસ આગળ તો ન વધાયું , પણ તેને લાગ્યું કે આડા રહીને પણ પાણીની સપાટીની ઉપર રહી શકાય છે. નાક બચાવી શકાય છે. હાથની ગતીથી ઉછળતી પાણીની છાલકો તેના ચહેરા પર પડતી હતી. પણ એ તેને હવે અકળાવતી ન હતી. થોડાંક ડુબકાં ખાતાં, થોડાંક સીધા કે વાંકા ચુંકા થતાં, નાકમાંથી થોડુંક પાણી પી જતાં તે ધીમે ધીમે બચતાં શીખવા માંડ્યો. ઉંડો શ્વાસ ભરી બે ઘડી પાણીમાં પડેલા રહી થાક ઉતારવાની કળા પણ ધીમે ધીમે તેને આવડવા માંડી.
આ ગડમથલ થોડોક વખત ચાલી અને ધીમે ધીમે હાથ અને પગની ચાલ વચ્ચે સંવાદીતા સધાવા માંડી. તેણે હરખથી જોયું કે, તે કીનારાથી ઠીક ઠીક દુર આવી ગયો હતો. પણ મંજીલ તો હજુ ઘણી દુર હતી. તેને ડર પણ લાગવા માંડ્યો કે, નદીની મધ્યમાં પહોંચી ગયા પછી થાકના માર્યા તે ડુબી જશે. તેણે પાછા જવું કે આગળ વધ્યે રાખવું? તેણે ફરી જોગમાયાને યાદ કરી; પોતાના પ્રતાપી વડદાદાને અને તેમના વડવાઓને યાદ કર્યા. આ બધાં તેની ભુજાઓમાં બળ આપે અને આ વૈતરણી પાર કરાવે એવી આરત તેના મનમાં ચાલી રહી. તેણે માનતા માની કે, જો તે વતન પાછો ફરી શકશે, તો જોગમાયાની ગુફામાં બને એટલા જલદી પહોંચી, જાતે વીણેલાં સરસ સુકા મેવા પણ ધરશે.
આ નવા વીશ્વાસના બળમાં તેના હાથપગ ઝપાઝપ ચાલવા લાગ્યા. અંતર કપાવા લાગ્યું. હવે તે નદીના મધ્ય ભાગની સાવ નજીક પહોંચી ગયો હતો. પણ થાકેય બરાબર ચડ્યો હતો. તેણે નીર્ગત થઈ, શ્વાસ રોકી આડા આડા જ હાથ પગ લંબાવ્યા. અને આ શું? તેને ખબર પડી કે તે આમ થોડો વખત પાણી ઉપર સુઈ પણ શકે છે. આ નવું બહ્મજ્ઞાન તેને બહુ મીઠું લાગ્યું. હવે તે થોડાક તરવાના ઝપાટા બાદ આમ આરામ લેતાં શીખી ગયો. બે ડગ આગળ, તો એક ડગ પાછા; ઘડીક ઉભા ઉભા; તો બે ઘડીક વીરામ. આમ તેની ગાડી મંથર ગતીએ આગળ વધવા લાગી.
હવે તેણે નદીનો મોટાભાગનો પટ કાપી નાંખ્યો હતો. હવે વતનનો કીનારો નજીક દેખાતો હતો અને પેલી અજાણી ભોમકા દુર અને દુર સરી રહી હતી. તેનો વીશ્વાસ હવે વધવા લાગ્યો. મા જોગમાયા તેને મદદ કરી રહી હતી, તેના પુર્વજો અંતરીક્ષમાંથી તેને પોરસ ચડાવી રહ્યા હતા. તેનાં માબાપની, ગોઠીયાઓની યાદ; તેમને ફરી મળવાની આરજુ તેની થાકેલી રગોમાં આશાઓ જ્ન્માવી રહી હતી. ધગધગતુ લોહી તેના હાથપગને મરણીયા પ્રયત્નો કરવા શક્તી આપી રહ્યું હતું. ગોવો કીનારાની સાવ નજીક પહોંચી ગયો. પણ હજુ છીછરો ભાગ તો દુર જ હતો. બે ચાર જ ઝપાટા અને કીનારો આવી જશે.
અને ત્યાં તેના પગને કોઈ ચીકણો સ્પર્શ થયો. એક મોટી માછલી તેને અડકીને ચાલી ગઈ હતી. તે એકદમ ચોંકી ગયો. તેના થાકેલા હાથપગમાં ભેગી થયેલી તાકાત ઓસરી ગઈ. તેના ભરાઈ ગયેલાં ફેફસાં હવે હડતાલ પર ઉતરી ગયા. હવે શ્વાસ ભરી રાખવાની તેમની ગુંજાઈશ ખતમ થઈ ચુકી હતી. તેનું ધ્યાન બેધ્યાન થઈ ગયું. જીજીવીશાના બધા સંકલ્પો કડડભુસ થઈને તુટી પડ્યા. હવે આગળ એક ડગ પણ તે જઈ શકે તેમ ન હતો. થોડા ઘણા ભરી રાખેલા શ્વાસે તેણે છેલ્લું ડુબકું ખાધું. અને તેની કાયા નદીની સપાટીની નીચે સરવા લાગી. ગોવાએ બધું ભાન ગુમાવી દીધું.
અને એક ઘેરી નીદ્રામાં તે સરકી ગયો.
– વધુ આવતા અંકે….
Like this:
Like Loading...
Related
દાદા, તરણવીદ્યા શીખવામાં કામ એવી ઉત્તમોત્તમ શીખ આપી દીધી. ઉત્તેજનાથી ભરપુર આ નવલકથા માણવાની ખરે જ મઝા આવી રહી છે.
ચાલુ રાખો ! આય એક નવું તોફાન છે ! તમારા હાથની ખજવાળ તમને નવી નવી દીશાઓ બતાવે છે…
તમને સઘળી શુભેચ્છાઓ અને અભીનંદન.
આ હપ્તાને એવી જગ્યાએ તમે થંભાવી દીધો કે વાર્તા નાયકનું હવે શું થશે એ ઈંતેજારીથી મગજમાં અનેક કલ્પનાઓ ઉદભવી રહી છે…ચોથા હપ્તાની રાહ જોવા સીવાય થાય પણ શું..? જુ.ભાઈની વાત સાથે સંમત.
આરત, બલા, વૈતરણી, જીજીવીશા – these are perfect words, according to situation. now we are in curiosity, abt. what will happen to him.