જયેશ, તમે મુંબાઈના તારદેવ વીસ્તારમાં રહો છો. દરરોજ સાંજે તમારા બીજા બે દીલોજાન મીત્રો સાથે મળવાની તમને આદત છે. તમે ત્રણે મીત્રો ન મળો તો એકેયને ચેન ન પડે એવી ગાઢી એ બીરાદરી છે. બસ સ્ટેન્ડ ઉપર કે કોઈ બંધ દુકાનના ઓટલા ઉપર તમારી ત્રણેની જુગલબંધી રોજ જામતી હોય છે. અલકમલકની વાતો અને ગપાટામાં ક્યાં સમય પસાર થઈ જાય છે; તેની એકેયને ખબર પડતી નથી.
ભારતના પ્રધાનમંત્રી કે રાજ્યના મુખ્ય મંત્રી કારભાર ચલાવવામાં શું ભુલ કરી રહ્યા છે; એ તમે બહુ ગંભીરતાથી ચર્ચો છો. અથવા ક્રીકેટની ટેસ્ટ મેચમાં કોને કેપ્ટન બનાવવામાં આવે, તો ભારતની ટીમ કાંઈક ઉકાળી શકે; તે તમારા એ લંબુ મીત્રને બરાબર ખબર છે. વળી કો’ક વાર મીનાકુમારી અને હેમા માલીની એ બેમાંથી વધારે સૌન્દર્યવાન કોણ ? એ બાબતમાં તમારા ત્રણેના પોતપોતાના ખયાલો હોય છે. પણ કદી આ મતભેદોએ તમારી મીત્રતાને ઉની આંચ આવવા દીધી નથી. બધી બાબતમાં અચુક મતભેદ હોવા છતાં, મીત્રતા ટકાવવાની આ બાબતમાં તમે ત્રણે હમ્મેશ એકમત હો છો!
અને તે દીવસે આવી જ કોઈ ચર્ચામાં ગળાડુબ તમે ત્રણેએ બસ સ્ટેન્ડ પર આવતી છેલ્લી બસને વીદાય આપી દીધી છે. પણ તમારી વાત એક એવા અગત્યના ત્રીભેટે આવીને ઉભેલી છે કે, તે મહત્વનો નીર્ણય અને એકવાકયતા સાધવાનું અત્યંત જરુરી બની ગયેલું છે. આમ ન થાય તો વીશ્વશાંતી જોખમમાં મુકાઈ શકે છે! કદાચ આવતીકાલ સવારે અણુયુધ્ધ પણ છેડાઈ જાય એવી આ ગહન બાબત છે! રોજના નીયમ પ્રમાણે ત્રણમાંથી એક પણ, ‘ જવા દો ને યાર, હવે કાલે વાત.’ એમ આળસ મરડીને બોલવા તૈયાર નથી. ખરેખર કોઈ ગંભીર બીના ઘટવાની છે.
અને એમ જ બને છે !!!
હવે રાતના એક વાગી ગયો છે. આ ગહન પ્રશ્નનો ઉકેલ લાવવા, ચાનો એક કપ તમને ત્રણેય જણને બહુ જરુરી લાગે છે. તમે સામેની ફુટપાથ પરની એક દેશી હોટલના સહારે જવાનું સર્વાનુમતે નક્કી કરો છો. કમ સે કમ આ એક બાબતમાં તમારી ત્રણે જણની વચ્ચે એકવાક્યતા સધાઈ ગઈ છે. તમે ત્રણેય મીત્રો એ દુકાન બંધ થાય તે પહેલાં, ચાનો ઓર્ડર આપવા ઝડપથી એ તરફ પગલાં માંડો છો.
અને તમને આવતા જોઈ એ શાણો હોટલમાલીક દુકાનનું અડધું પાડેલું શટર પાછું ખોલી દે છે. માત્ર કાઉન્ટર પરની એક જ લાઈટ ચાલતી હતી, એની જગ્યાએ આ ત્રણ મહાનુભાવો પાસેથી છેલ્લો વકરો કરી લેવાની લાલચમાં બીજી ત્રણ લાઈટો ચાલુ કરી, એ તમારો ભાવભીનો સત્કાર કરે છે. ચા બનાવવાનો પ્રાયમસ ક્યારનોય ઠંડો પડી ગયેલો છે. ચા બનાવવાનું તપેલું પણ ઉડકાઈને ચકચકાટ અભરાઈને શોભાવી રહ્યું છે. ભજીયાની કઢાઈ પણ ક્યારનીય ઠંડી પડી; કાલ સવાર સુધીની નીંદરમાં ટુંટીયું વાળીને સુતી છે. બીસ્કુટના પડીકાં અને પાંઉ કાચની પેટીમાં બંધબારણે આરામ ફરમાવી રહ્યાં છે.
અને તમે ત્રણ ‘આશા ભર્યાં તે અમે આવીયાં.. ‘ એ મુડમાં હરખભેર હોટલની પાટલી પર સામસામા બીરાજો છો. માલીક મહાશય આંખો ચોળતા રસોઈયાને સાબદો કરે છે; અને થડા પરથી ઓર્ડર લેનાર હોટલ-બોયને હાક મારી બોલાવે છે; અને તમારી પાટલી તરફ મહાન આશા સાથે મોકલે છે.
એક મહાન પ્રશ્નની ચર્ચા કરનાર અતી- મહાન વ્યક્તીઓની ટોળીના મુખીયા તરીકે ઓર્ડર આપવાની તમારી જવાબદારી અદા કરવા તમે પ્રવ્રુત્ત બનો છો. અને જયેશ! તમારા મુખમાંથી વાણી સરી પડે છે, ” ત્રણ કટીંગ…” અને એક કટીંગના દસીયા લેખે ત્રીસ પૈસા તમારા ખીસ્સામાં છે કે નહીં તેની ખાતરી તમે કરી લો છો.
અને ત્યાંજ વીશ્વશાંતી તો નહીં, પણ રાતના એક વાગે એ સુમસામ હોટલની શાંતી તો જરુર જોખમાય છે. બોમ્બ ધડાકો થવાનો હોય એમ હોટલમાલીકના મુખમાંથી એક નોન-પાર્લામેન્ટરી ગાળ સરી પડવાની તૈયારીમાં છે. પણ કાયમ માટે આ બહુ મુલ્યવાન ઘરાક ન ગુમાવવાની લાલચ અને ગરજમાં, શાણા વેપારી તરીકે તે તમને ‘ ત્રીસ પૈસાની, ત્રણ કટીંગ ચા રાતના એક વાગે’ બનાવવાની તેની અશક્તી સમજાવે છે; અને આવતીકાલે સવારે જરુર પધારવાનું પ્રેમભર્યું ઈજન આપે છે.
તમે ત્રણે પરીસ્થીતીની ગંભીરતા સમજી, ચા મેળવવાની લાલચ રોકી, આ બાબતમાં આગળ ચર્ચા કરવાનું કે હોટલમાલીક સાથે જીભાજોડીમાં ઉતરવાનું ટાળી, દુકાનનાં પગથીયાં ઉતરી જાઓ છો. ‘ કરું ક્યા, આશ નીરાશ ભયી.’ એમ મનમાં ગણગણતાં તમે ઘર ભણી પ્રયાણ આદરો છો.
અને વર્શો વીતી ગયા બાદ પણ, જ્યારે તમે ત્રણે મીત્રો મળો છો; ત્યારે એક વાગ્યાની એ ત્રણ કટીંગ ચાના ઓર્ડરને યાદ કરી મુક્ત મને હસી લો છો. પંચતારક હોટલમાં રાત્રે એક તો શું? – બે કે ત્રણ વાગે પણ તમે કોફી શોપમાં ચા-કોફી પીવા હવે શક્તીમાન છો. પણ એ કટીંગ ચાની મસ્તી એમાં ક્યાં?
એ હોટલમાંથી એક વાગે માનભેર વીદાયમાન પામવાની યાદ તાજી કરીને તમારા મુખમાંથી શેર અચુક સરી પડે છે …. ‘ગાલીયાં ખાકર ભી બેમજા ન હુઆ. ‘
—————————
જયેશ ભાઈના પોતાના શબ્દોમાં ….
આ ઘટનામાં તમને રસ પડે ન પડે પણ અમે ત્રણ મીત્રો આજે પણ આ ઘટના યાદ આવે ત્યારે હસીએ છીએ. આ વાત અમે કોલેજમાં હતા ત્યારની છે મધ્યમવર્ગીય દોસ્તો મુંબઇના તારદેવ વીસ્તારમાં રહેતા હતા એક વાર બસસ્ટેંડ પર વાતો વાતોમાં રાતના એક વાગી ગયો. ખબરજ ન પડી. ઘર તરફ જતાં જતાં એક ચાની હોટલ ખુલ્લી જોઇ, અંદર ગયા અને રોફથી ત્રણ કટીંગ ચા મંગાવી. એ વખતે ચા વીસ પૈસામાં ફુલ, અને દસ પૈસામાં કટીંગ મળતી હતી.
હોટલ વાળા એ અમને ત્રણેયને ખખડાવી બહાર કાઢી મુક્યા હતા. હા! રીતસરના બહાર કાઢી મુક્યા હતા. આજે પંચતારક હોટલમાં બેસીને ચા પી શકીયે છીએ; પણ એ મજા નથી, જે કટીંગ પીવામાં હતી. અને એ મનસ્થીતી આજે ક્યાંથી લાવવી એ સવાલ પણ ઘણી વેળા ખુદને કરતા હોઇએ છીએ !
—————————–
તેમના બ્લોગની મુલાકાત જરુર લેજો …
http://jayeshupadhyaya.wordpress.com/
—————————–
અને છેલ્લે … તમને જો રાતે એક વાગે ચા પીવાની આ વાત ગમી હોય; અને તમારા પણ આવા કોઈ દીલ ધડકાવનાર અનુભવની વીશ્વ ગુર્જરીને લ્હાણી કરી ‘ ગમતાંનો ગુલાલ’ કરવો હોય તો, તમારા અનુભવ જરુર મોકલી આપશો.
તેમનેય રાતના એક કે બે વાગે પણ ‘ ગદ્યસુર’ ઉપર સ્થાન આપવામાં આવશે!
Like this:
Like Loading...
Related
સુરેશભાઇ
તમારા શબ્દોમાં મારી વાત વાંચી ઘણીજ મજા આવી અને હા એક મીત્ર લંબુ અને ગાલીયા ખાકર બેમજા ન હુઆ એ ટેલીપથીથી તમે જાણ્યું કે ?
જયેશ ભાઈ ! ટેલીપથી તો નહીં…
પણ કલ્પનાની પાંખે ..
અને શેર તો તમારો જ છે.
સુરેશભાઇ જાણે તમારા મિત્રઓ ની વાતો અને ચા નો કપ તમારો એ ભુતકાળ એ અમારો વર્તમાન છે. એના થી વધારે કશુ કહુ.
કમલેશ બી. ચૌહાણ
કમલેશભાઇ, તેને ભવિષ્ય ના બનાવતા 😉
Are sure it was Bombay and not Amdavad?You must be Amdavadi–No Bomba yite will order “three cuttins” in one cup–
Mane 30 varso pahelani sthiti yaad aavi gai
I feel that I like to reading such stuff but there is no story in it. I would appreciate if I could find any stroy like that.
wah Sureshbhai…..
Good experience. Worth to remember such incidents. It reflects our real life. Enjoyed.
Good luck.
ગત વર્ષોની ખાટિમીઠી યાદો ઉભરાયછે.
1. “સાહેબ,વડોદરાના (1951) ટાવર પાસેની ભરુચ લોજમાં મહિને 30 રુપિયામાં બે ટંકની ‘અનલિમીટેડ’ થાળી મળતી અને ચાર રવિવારની ‘ફિસ્ટ’ વધારામાં.બે દિવસ બહારગામ જવાનુ થાય તો તે મજરે મળે”
2.”આજે ચહાની પ્યાલી પાંચ રુપિયા સિવાય અડકી ના શકાય.ભદ્ર્ની નિયોબ્રાહ્મણિયા મદ્રાસ હોટેલમાં હાથીને સુવાડાય તેવો મોટો ઢોસો બે આનામાં (1941) મળતો અને દર બે મિનીટે પોરિયો વિના બોલાવે ગરમાગરમ સરગવાથી ભરપુર સાંભર રેડતો જાય.
તો પણ બે પૈસાની બાદશાહી ચહાના કપ સાથે બે રકાબીથી ત્રણ જણને ચહા પીવડાવી કેટલાક અમદાવાદીઓ ફુગાવો કેટલો વધ્યો છે તેની ચર્ચા કરતા.
લેમનનો સ્વાદ અને સોડાની સસ્તાઈનો સમંન્વય કરીને સોડાલેમનની શેઠિયાઈ સાબરપુત્રો માણેકચોકમાં માણતા”
Wah Chay…. bhai e chay ne e charcha have kya???
Pingback: મુંબાઈમાં રાતે ચા! « જયેશ ઉપાધ્યાય નું મનોજગત
સુરેશભાઈ,
તમારો આ પ્રસંગ વાંચીને મને મારા ૪૫ વર્ષ પહેલાના દિવસો યાદ્દ આવી ગયા.તે વખતે અમે શાળામાં ભણતા હતા. માળાના બધા મિત્રો રાત પડે એટલે એક જ સ્લોગન બોલતા..” ચાલો મેટ્રો..” અમે ભૂલેશ્વરમાં રહેતા હતા અને
મિત્રોની સદા એક રંગત બની રહેતી. ” ચાલો મેટ્રો ” નો સુર ઉઠતા જ બધા મિત્રો તૈયાર થઇ જતા અને કાલબાદેવી રોંડ ઉપર થઈને મેટ્રો પહોંચતા. અને અમારી અંતિમ મંઝીલે આવીને મેટ્રો ચોક ઉપરના સર્કલમાં અમે બધા સ્થાન ગ્રહણ કરતા. કોઈ એક ની પટ્ટી પાડવી ,
જુદા જુદા રમુજી જોકેસ કહેવા, શાળામાં શિક્ષકોની ભણતર કરાવવાની પદ્ધતિ ઉપર માર્ક અહીંજ અપાઈ જતા.. કોઈ
ફિલ્મની વાર્તા કહેવાતી કે કોઈ ફિલ્મનો રીવ્યુ સંભાળવા મળતો. અમે તો આ બધું સાંભળવામાં અને સંભળાવવામાં
એટલા મસ્ત બની જતા કે કદી બે પૈસા ખર્ચીને ચા પીવાનો વિચાર પણ નહોતો આવ્યો.. તો ચાર આનાની કોકા કોલાની
તો વાતજ ક્યાં?
પણ મિત્રો , આજે આટલા વખતે HAVE – MORE નો ગમે તેટલો ICE – CREAM ખાઈએ કે ખવડાવીએ છીએ પણ
તે હાસ્ય દરબારના અનેરા આનંદ સામે ફિક્કો પડી જાય છે..
એ તો અમારા વીતેલા બાલ્ય જીવનનું એક મધુર યાદગાર સંભારણું હતું….
અમને અમારા શિક્ષક NM ગટ્ટુ કહેતા..
બાળકો, તમે આ બાળપણને અત્યારે પેટ ભરીને માણી લેજો..મોટા થયા પછી આ આનંદ તમને કદી નહિ મળે..
અમારા સર ની સો એ સો ટકા વાત સાચી પડતી લાગેછે..
ખેર એ વખતે એ વાત સમજી શક્ય હોત તો..
અંબ પછતાયે હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત.
દિનેશ વકીલ
જૂના દિવસોની યાદ કોને ન સતાવે? પણ જીવનનું એ સત્ય લાધ્યું છે કે,
આજની ઘડી રળિયામણી
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
બારથી ત્રીસ વર્ષની ઉમ્મરની રંગત અનોખી અને નભુલાય એ રીતે જીવનમાં જડાઈ જાય છે. અને એ સંસ્મરણો એ જ મિત્રો સાથે વાગોળાય ત્યારે તો દિલ દિમાગ સુગરી સુગરી થઈ જાય છે. મારા સુરતી મિત્રોની ગેન્ગ અને પાનના ગલ્લા જેવી જ રંગત સુરેશભાઈ જાનીને યાદ આવી ગઈ અને એમણે એ લિન્ક મારે માટે અને આપને માટે શોધીને એમના બ્લોગમાં ફરી જીવંત કરી દીધી. બસ સાભાર આપને માટે રિબ્લોગ કરું છું. આશાછે કે આપને ગમશે.
બસ મજ્જેની વાત રિબ્લોગ કરી દીધી છે. આભાર.
ભૂતકાળમાં મિત્ર ટોળી સાથે માણેલી મજાઓ અને કરેલાં તોફાનો મોટી ઉંમરે નિરાંતે વાગોળવાની પણ એક ખાસ પ્રકારની મજા છે.વિખુટા પડેલા મિત્રો જ્યારે મળી જાય ત્યારે ….તને સાંભરે રે ….. મને કેમ વિસરે રે … જેવી વાતો મુખમાંથી નીકળી આવે !