સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ -4 : તારામૈત્રક

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

————————————————————-

       નદીથી સહેજ ઉંચે, એક ખડક ઉપર તે ખીન્ન વદને ઉભેલી હતી. પોતાના કબીલાના કોતરથી થોડેક દુર આવેલા મામાના કબીલાથી તે હમણાં જ આવી હતી. નદીનું પુર તો ઓસરી ગયું હતું; પણ તેના શોકનું ઘોડાપુર ક્યાં ઓસરવાનું નામ જ લેતું હતું? તે વીસ વરસની, યૌવનથી છલકાતી, નવયૌવના હતી. તેની ઉમ્મરની બીજી યુવતીઓ તો બે ત્રણ છોકરાંની મા પણ બની ગયેલી હતી. તેની બીજી સખીઓ કરતાં રુપલી સાવ ભીન્ન હતી. તેને બીજી છોકરીઓની જેમ યુવાનોમાં અને બાળકોમાં રસ ન પડતો. એ વીરાંગના હતી. એને જંગલોમાં , કોતરોમાં, ગુફાઓમાં ઘુમવાનો ગાંડો શોખ હતો. તે અચુક શીકારમાં બધાંની સાથે જોડાતી. રુપલીનું મન કોઈ યુવકમાં હજુ લાગતું ન હતું – સીવાય કે, ગોવો. અને તે પાગલ તો છોકરીઓ બાબત સાવ નીર્લેપ હતો. તેને તો નદી ઓળંગી સામે પાર જવાનું ઘેલું જ લાગેલું હતું.

        તે નાની બાલીકા હતી ત્યારથી અવારનવાર મામાના થાનકે જતી. ગોવા અને બીજા બાળકો સાથે તેને રમવાનું બહુ ગમતું. યુવાનીમાં આવતાં એ રમત ક્યારે પ્રીત બની ગઈ; એની એને ખબર જ ન પડી. એ ગોવાના મનની રાણી બનવા ઝુરતી હતી. પણ ગોવો જેનું નામ? એ સહેજે મચક જ આપતો ન હતો. એની ધુન સીવાય એને કાંઈ સુઝતું જ ન હતું. અને એ ધુનમાં ને ધુનમાં તો એણે પોતાના પ્રાણની આહુતી આપી દીધી હતી. ગોવો હવે પાછો આવે તે અશક્ય હતું. કાળભૈરવ એને ગ્રસી ગયો હતો. જે મલકમાંથી કોઈ પાછ્યું આવ્યું ન હતું; તે મલકમાં એ ક્યાંય ગરી ગયો હતો. તેને નદીમાં ખાબકતો જોઈ, રુપલી બેભાન બની ગઈ હતી; અને મામાના ઘરનાં બધાં તેને કોતરમાં લઈ ગયા હતા. ભાનમાં આવતાં બે જણ સાથે મામાએ તેના માબાપ પાસે પાછી મોકલી હતી.

       ગોવા વીનાનું જીવતર તેને હવે અસાર લાગતું હતું. એ ચીર વીજોગણની જેમ ખાલી જીવન જીવવા માંગતી ન હતી. નદીમાં પડતું મુકીને કાળભૈરવને પોતાની આહુતી આપવા તે લાલાયીત બની ગઈ હતી. એના સમાજમાં મોટાભાગે સ્ત્રીઓ મારણને સાફ કરી, રસોઈ બનાવવાનું અને જરુરનાં હાડકાં અને ચામડાં સાફ કરી, ભેગાં કરવાનું કામ કરતી. ઝાડ પરથી ફળો અને સુકા મેવા પણ સ્ત્રીઓ જ ભેગી કરતી. એમના સમાજમાં સ્ત્રીઓ બહુ જ આદરપાત્ર ગણાતી. બધા અગત્યનાં કામ એમને પુછીને થતાં. માટે જ તો બધા કબીલાઓની સામાન્ય આરાધ્ય દેવી પર્વત પરની ગુફામાં આવેલી જોગમાયા ગણાતી. બધી સ્ત્રીઓ એનો અવતાર મનાતી. કોઈ સ્ત્રીનું મન દુખવવું એ મહાન પાપ મનાતું. એને શારીરીક હાની પહોંચાડવી કે એની ઈચ્છા વગર એની સાથે સહચાર કરવો એ કોઈ સ્વપ્ને પણ કલ્પી ન શકતું. નદી કીનારે રહેતાં બધાં કબીલાઓની આ પરાપુર્વથી ચાલી આવતી આચાર સંહીતા હતી.

      અને રુપલી એક વીશીશ્ટ સ્ત્રી હતી. કોઈ એને સમજી શકતું નહીં. એનું મન મનાવવા, એને આકર્શવા કેટકેટલા યુવકો ઝુરતા હતા. પણ કોઈને રુપલી મચક આપતી ન હતી. હવે ગોવાના અદ્રશ્ય થયા બાદ, તો એ બધા એને સાવ અકારા લાગવા માંડ્યા હતા. એમાંના કોઈની સાથે ઘર માંડવાની તો વાત જ ક્યાં રહી? હજુ તે મનથી માની શકતી ન હતી, કે ગોવો હવે નથી. પણ હવે કોઈ આશા રહી ન હતી. કાળભૈરવના મોંમાંથી ગોવો પાછો આવે તે અશક્ય હતું.

      આવા મનના વીકારો અને ઉદ્વેગના આવેશમાં તે નદીમાં પડતું મેલવાની તૈયારી કરી રહી હતી. તેણે ખડક પરથી નીચે નજર કરી. ત્યાં જ તેને દુર ખડકની કોરમાં કાંઈક દેખાયું. તેણે બરાબર નજર કરી. કીનારા પરના એ ખડક આગળ નદી વળાંક લેતી હતી અને બે ભેખડની વચ્ચે તીરાડમાં કશુંક તરતું હતું. તેના સાહસપ્રીય સ્વભાવને આની તપાસ કર્યા વીના નદીમાં પડતું મેલવાનું ઠીક ન લાગ્યું. તે સફાળી દોડી. ખડકો પર ઠેકડા મારતી, તે ત્યાં પહોંચી ગઈ.

      અને આ શું? ગોવાનું શરીર નીચ્ચેશ્ટ બનીને પાણીમાં તરતું હતું. એનો જમણો હાથ આ બે ખડકોની તીરાડમાં ફસાયેલો હતો. રુપલી હાંફળી ફાંફળી બની દોડી. એની પ્રાર્થનાઓ, એની આરત જોગમાયાએ સાંભળી હતી અને કાળભૈરવના ખપ્પરમાંથી એના ગોવાને જોગમાયાએ ઉગારી આપ્યો હતો.

      આ જગ્યાએ નદી સાવ છીછરી હતી. રુપલીએ હીમ્મત કરી અને નદીમાં પગ મુક્યો. સાચવીને ગોવાનો હાથ તેણે છોડાવ્યો. બળપુર્વક એણે ગોવાના બન્ને હાથ પકડી એને કીનારે ખેંચ્યો. રેતીવાળા કોરા કીનારે તે એને ખેંચી લાવી. એના નાકમાંથી ધીમો ધીમો શ્વાસ ચાલી રહ્યો હતો. ગોવાને ઉંધો પાડી તેનું પેટ અને છાતી દબાવી એણે ગોવાને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા માંડ્યા. ઘણું બધું પાણી એના મોંમાંથી નીકળી ગયું. પણ તેનું શરીર સાવ ઠંડુગાર હતું. એના શરીર પરનું ચામડું તો ક્યાંય સરી ગયેલું હતું.

     રુપલીએ કશાય સકોચ વગર પોતાની કાયા પરનું આવરણ કાઢી નાંખ્યું; અને ગોવાની ઉપર સવાર થઈ ગઈ. એના શરીરની ગરમીથી ગોવાને ગરમાવો મળવા માંડ્યો. આ સ્પર્શની અનુભુતી રુપલી માટે નવી હતી. તેણે સખીઓ પાસેથી આ સ્પર્શની, આ આલીંગનના આહ્લાદની ઘણી વાતો સાંભળી હતી. પણ એ આનંદ માણવો તો હજુ ઘણો દુર હતો. એની સોડમાં તો એના મનના માણીગરની જડ અને નીશ્ચેશ્ટ કાયા જ હતી. ગોવો જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. પણ રુપલી ગોવાના હ્રદયના ધીમા ધીમા ધડકાર અનુભવી શકતી હતી. એને આશા બંધાણી કે, ગોવો જરુર આંખો ખોલશે. રુપલી એ શુભ ઘડીની રાહ જોઈ રહી.

     ધીમે ધીમે ગોવાનું શરીર ગરમ થવા માંડ્યું. કંઈ કેટલોય સમય હયો હશે. સાંજ ઢળવા લાગી હતી. બબ્બે દીવસના પરીતાપના અંતે, આ નવા આવીશ્કાર અને ધીમે ધીમે ગરમ બની રહેલા ગોવાના શરીરથી બંધાતી આશામાં રુપલીની આંખ મળી ગઈ. બન્ને દેહ એકમેકને ચોંટીને નદીને કીનારે પડ્યાં હતાં – એક નવા જીવનની શરુઆત પહેલાંની એ અંધારી રાત હતી.

     અને ઉષાના ભરભાંખળા પ્રકાશમાં રુપલી આ ઘેરી નીંદરમાંથી જાગી. એની પડખે ગોવો સુતેલો હતો અને અનીમેષ નજરે એને નીહાળી રહ્યો હતો. રુપલીનું મન ગોવાની ખુલ્લી આંખ જોઈ નાચી ઉઠ્યું. બન્ને એકબીજાને ભેટી પડ્યા. આંખમાં આંખ પરોવી અંતરના ભાવ પારખી રહ્યા. આ તારામૈત્રક એક નવી અને અણકથી બીરાદરીનું, એક નવા સાહચર્યનું, એક નવા જીવનનું પ્રતીક હતું. એ આંખોમાં કોઈ વાચા વીનાનો અન્યોન્ય પ્રત્યે પ્રેમનો એકરાર હતો. ગોવાએ હળવેકથી રુપલીના હોઠ ચુમ્યા. બન્ને દેહ મડાગાંઠ જેવા આલીંગનમાં એકમેક્ની સાથ ભીડાયા.

      અને દુર ઝાડીમાંથી બે જલતી આંખ આ દ્રશ્ય ઈર્શ્યાથી નીહાળી રહી હતી.

– વધુ આવતા અંકે

4 responses to “પ્રકરણ -4 : તારામૈત્રક

 1. Chirag Patel જૂન 13, 2008 પર 8:03 પી એમ(pm)

  બરાબર જામ્યું છે! કહાનીમેં ટ્વીસ્ટ!

 2. Nirlep Bhatt જૂન 14, 2008 પર 7:34 એ એમ (am)

  barabar chhe……vaat jami chhe

 3. nilam doshi જૂન 15, 2008 પર 7:47 પી એમ(pm)

  khub saras..dada.. today i can read this…how ? dont know….
  congratulations..keep it up.

 4. Tvnesh patel ઓક્ટોબર 6, 2009 પર 3:17 પી એમ(pm)

  last line ma next week mate haath bandhi didha… great ……

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: