” હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે?”
આ વાત વાંચી હું એક જુદા જ વીચારે ચઢી ગયો. આપણેય આ બાળક જેવા નથી? આપણને કેવા રુપકડા, નીર્દોશ, રુના ગાભલા જેવા અને વ્હાલસોયા લાગે તેવા બનાવી આપણા એ પરમ પીતાએ મોકલ્યા હતા? અને આપણે સમજદાર, સમ્પતીવાન, શક્તીશાળી થવાની દોડમાં કેવા બની ગયા? કેવા ખોવાઈ ગયા?
આપણા એ પરમ પીતાની આંતરડી કેવી કકળતી હશે? એને ઉંઘ પણ નહીં આવતી હોય.
ચાલો આપણે એની વ્યથાનું શમન કરીએ.
——————
મને આટલું સુઝ્યું – અંતરમાંથી આ પોકાર આવ્યો. અને અહીં લખું છું – ખાસ ગુજરાતી બ્લોગર મીત્રો અને વાચકો માટે.
મોટા ભાગના મારી જેમ નવરા ધુપ નથી; સાંસારીક, સામાજીક અને વ્યવસાયની જળોજથામાં બહુ જ વ્યસ્ત છે. એમ હોવા છતાં, એ બધા વીશ્વગુર્જરીની જે નીસ્વાર્થ સેવા કરે છે; તે બેમીસાલ છે. જે વાંચે છે અને બ્લોગરોને ઉત્સાહ મળે તેવા પ્રતીભાવ આપે છે; તે પણ આદરણીય છે.
પણ હવે ‘નીજાનંદ’ અને ‘ગમતાંનો ગુલાલ’ કરવાની આ સ્તુત્ય પ્રવ્રુત્તીથી એક ડગલું આગળ વધીએ તો? આપણે સૌ સામાન્ય જન કરતાં વધુ સુશીક્ષીત અને ઠીક ઠીક સમ્રુદ્ધ છીએ. શું આપણું એ નૈતીક ઉત્તરદાયીત્વ નથી કે, આપણા જીવનનો એક હીસ્સો સમાજને કાંઈક પ્રદાન કરવામાં વાપરીએ? ગાંધીયુગમાં આમ થયું હતું. પણ એ પ્રક્રીયા સ્થુળ પ્રગતીની દોટમાં લગભગ સ્થગીત થઈ ગઈ છે.
મોટા ભાગના બ્લોગરો સાહીત્યરસીક છે; જ્ઞાન અને નીર્દોશ ગમ્મતના ચાહક છે. પણ સમાજનો મોટો ભાગ આ બધાથી વીમુખ છે. માત્ર સમ્પત્તીની પાછળ આંધળી દોડમાં અને ધાર્મીક અંધશ્રદ્ધામાં વ્યસ્ત છે. આપણે ગુજરાતી સમાજની આ છાપ દુર કરવા, ‘ જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે.’ ત્યાં ત્યાં એક નવો રેનેસાં ( સાંસ્ક્રુતીક પુનર્જન્મ) પ્રગટાવી ન શકીએ?
આપણા વાડાઓ, આપણી માન્યતાઓ, આપણા પુરવગ્રહોને બાજુએ મુકીને આ જ્ઞાનયજ્ઞમાં જોડાઈએ તો કેવું ? આદરણીય શ્રી. મહેન્દ્ર મેઘાણીની વાંચન/ સમ્પાદન યાત્રા; ગાંધીનગરની શાળાની બાળકો માટેની વાંચન શીબીર; ડો. પ્રફુલ્લ અને ઈંદીરા શાહ ની લાયબ્રેરી પ્રવ્રુત્તી (સાવરકુંડલા); શ્રી. ગોપાલ પારેખની વાંચન ઉત્તેજન પ્રવ્રત્તી વી. પરથી પ્રેરણા લઈ આપણે આવું કે બીજું કાંઈ પ્રદાન કરીએ તો?
આ માટે આપ સૌ બ્લોગરો/ વાચકો પાસેથી ઉત્કટ ઉત્સાહવાળા પ્રતીભાવ અને સુચનો મળશે તો આનંદ થશે.
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ