વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
————————————————————-
થોડીએક વાર ગોવો અને રુપલી આમ આલીંગનના બંધનમાં જકડાયેલા પડી રહ્યાં. સ્ત્રીના નગ્ન દેહના સ્પર્શના આ પહેલા અનુભવે, ગોવાની નસનસમાં પ્રચ્છન્ન રહેલું પુરુશાતન જાગી ઉઠ્યું. નવસર્જનનું બીજ કુંવારી ભોમકામાં રોપાવા સળવળી રહ્યું. અને ગોવાએ પ્રણયકેલીમાં આગળ વધવા હાથ લંબાવ્યો.
પણ રુપલીએ તેને આગળ વધતો ખાળ્યો, અને બોલી,” ગોવા! હાલ્ય. જોગમાયાને પગે લાગી આવીએ.પછી તો આખી ને આખી રુપલી તારી થવા ક્યારનીય તલપાપડ છે જ ને? “ એ સમાજની આ સર્વસંમત આચારસંહીતા હતી. સાવ સાદી લગ્નવીધી હતી. મળેલા બે જીવ માતા આગળ પોતાનાં હૈયાં ઠાલવતાં અને અંતરની વાણીથી એની આગળ એકમેકને સમર્પીત થવાના કોલ આપતા. એ વગર પાંગરેલો સંબંધ ટકે નહીં, એમ મનાતું.
ગોવાએ પ્રયત્નપુર્વક પોતાના ધસમસતા આવેગને ખાળ્યો. બન્ને છુટાં પડ્યાં અને ઉભાં થયાં. રુપલીએ પોતાની પથ્થરની છરી વડે, બાજુમાં ફગાવેલા ચામડાના બે ટુકડા કર્યા અને બન્નેએ એનાથી પોતાના દેહ ઢાંક્યા. મોતના મોંમાંથી માંડ પાછા આવેલા, અને ભુખના દુખે નીર્બળ બનેલા ગોવાના પગ લડખડાવા માંડ્યા. રુપલીએ એને ટેકો આપ્યો અને બન્ને જોગમાયાની ગુફાની દીશા તરફ હાલવા માંડ્યા. થોડેક આગળ જ અખરોટના ચાર પાંચ ઝાડ આવેલાં હતાં. રુપલીએ પથ્થર તાકીને અખરોટો પાડવા માંડી. અને આ ક્રીયાથી લયબધ્ધ ઉછળતાં તેનાં વક્ષસ્થળોને ગોવો રસપુર્વક નીહાળી રહ્યો.
અને પાછળ ઝાડીમાંની ઝેરમાં જલતી, પેલી બે આંખો પણ આ રાસ નીહાળી રહી હતી. ભુલાથી હવે પોતાનો ક્રોધ રોકવો અસંભવ બની ગયો.
ભુલો રુપલીના કબીલાથી નદીની વધારે નીચલી બાજુએ આવેલ એક કબીલાનો સભ્ય હતો. જેમ રુપલી ગોવા પાછળ પાગલ હતી, તેમ ભુલો રુપલીના રુપ પર ફીદા હતો. રુપલીને પોતાની કરવા તે ક્યારનોય વલવલી રહ્યો હતો. રુપલીને મનાવવા તેણે કાંઈ બાકી રાખ્યું ન હતું. સસલાંની નાજુક પાંસળીઓમાંથી કેટલી મહેનત કરીને તેણે ધોળી બખ્ખ માળા બનાવી હતી અને રુપલીને ભેટ આપી હતી. પણ રુપલીએ તે તીરસ્કારમાં ફેંકી દીધી હતી.
ગોવાના નદીની પેલે પાર અદ્રશ્ય થયા બાદ તેની આશા ફરીથી સજીવન બની હતી. ફરીથી જાગેલી આ આશામાં એણે રુપલી મળે તે માટે જોગમાયાની માનતા રાખી હતી. હવે જરુર પોતાની આરત ફળશે, એમ ભુલો માનવા લાગ્યો હતો. રુપલીનું દીલ જીતી લેવા એણે કમર કસી હતી. રુપલી જ્યાં જાય ત્યાં એ તેનો પીછો કરતો હતો. આગલી સાંજે રુપલી નદીમાં પડતું મુકે; તો તેને બચાવી લઈ એનું દીલ જીતી લેવાની અમુલ્ય તક ઉભી થઈ હતી. પણ ગોવાના પુનરાગમનથી એ આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. ઉંડા પાતાળમાં ફંગોળાયેલી અને આકરી હતાશામાં ફેરવાયેલી તેની મહત્વાકાંક્ષા આ જોડીને આલીંગનમાં પરોવાયેલી જોઈને ભભુકી ઉઠી હતી.
ગોવાના લડખડાતા પગ જોઈ, ભુલાને આ તક ગુમાવવા જેવી નથી એની પ્રતીતી થઈ ગઈ. એણે ગોવાને કાળભૈરવના ખપ્પરમાં હોમી દેવાનો છેલ્લો મરણીયો પ્રયત્ન આદર્યો. તે ઝાડીમાંથી બહાર આવ્યો. સ્થીર રહી રુપલીને નીહાળી રહેલા ગોવાના માથાને તાકીને એક મોટો પથ્થર તેણે ઝીંક્યો. પણ રામ રાખે તેને કોણ ચાખે? રુપલીના છલકાતા રુપને આલીંગવા એ જ ક્ષણે ગોવાએ રુપલી તરફ દોટ મેલી. પથ્થર ભોંય પર પડ્યો. આ વીક્ષેપનું કારણ જાણવા ગોવાએ પાછળ નજર કરી. ‘મરું કે મારું’ એવી જીદ પર આવેલો ભુલો તેની ઉપર તુટી પડ્યો. બન્ને બાથંબાથ પર આવી ગયા. બન્નેનાં શરીર શીકારની દોડમાં કસાયેલાં હતાં અને મલ્લકુસ્તીના દાવપેચમાં પાવરધા હતા. પણ ગોવાની શક્તીઓ વૈતરણી જેવી નદી પાર કરવાને કારણે ઠીંગરાઈ ગયેલી હતી. ભુલો તેની ઉપર ચઢી ગયો, અને ચામ્રવસ્ત્રમાં સંતાડેલી છરી એણે ગોવાની છાતી પર ઝીંકી. બધી તાકાત એકઠી કરી, ગોવાએ ભુલાનું કાંડું પકડી લીધું. કાંડાની આ મુઠભેડમાં છરી ધીમે ધીમે ગોવાની છાતીની નજીક ને નજીક આવતી ગઈ. એક જ ક્ષણ અને ગોવો કાળભૈરવના ખપ્પરમાં ફરીથી હોમાઈ જવાનો હતો.
અને ત્યાં જ રુપલીએ તાકીને એક પથ્થર ફેંક્યો. સનનન કરતો એ ભુલાની પીઠ પર ઝીંકાયો. ભુલો દર્દની ચીસ પાડી ઉઠ્યો. એને તમ્મર આવી ગયાં; અને એ હેઠો પડ્યો. ગોવાએ તેની ઉપર સવાર થવા પડખું ફેરવ્યું, અને ભુલાના હાથમાંથી સરકી ગયેલી છરી તેના હાથમાં આવી ગઈ. ભયભીત બનેલો ભુલો ઉભો થઈ મુઠીઓ વાળીને નાઠો. ગોવો તેનો પીછો કરવા ઉભો થવા ગયો, પણ ભોંય પર પટકાઈ પડ્યો. તેની રહી સહી તાકાત હવે ઓસરી ગઈ હતી. ભાગી રહેલા ભુલા તરફ રુપલીએ તાકીને બીજા પથ્થરનો ઘા કર્યો, અને ફરી એનું તાકોડીપણું કામ કરી ગયું. આ વખતે ભુલાનું માથું આ જોગમાયાના કોપનો ભોગ બની ગયું. તે ચક્કર ખાઈને પડ્યો. રુપલી સફાળી દોડી, અને ભુલાની ઉપર સવાર થઈ ગઈ. તેને પુરો કરવા રુપલીએ પોતાની છરી ઉગામી.
અને પડ્યાં પડ્યાં ગોવો બરાડી ઉઠ્યો,” રુપલી, એને જવા દે. આપણે જોગમાયાની આશીશ લેવા જઈ રહ્યાં છીએ. આ ઘડી એના લોહીથી અપશુકનીયાળ ન બનાવ.” રુપલી માટે ગોવાનો પ્રત્યેક શબ્દ બ્રહ્મવાક્ય હતો. તેણે ભુલાને છોડી દીધો અને ફરી પોતાની ઢુંકડા ન ફરવાની તેને તાકીદ કરી. હતાશ બનેલો ભુલો જીવ બચાવવા ભાગ્યો, અને વેરની આગ હૈયામાં સમાવીને આ બેની નજર સામેથી દુર થઈ ગયો.
રુપલીએ ભેગી કરેલી અખરોટો પોતાના આરાધ્યદેવ ગોવાને ધરી. ગોવાએ કહ્ય,” રુપલી, મેં નદીની પેલી પાર માનતા રાખી હતી, કે જો વતન પાછો ફરું, તો જોગમાયાને સુકા મેવા ધરીશ. હવે તો માતાજીને આ ધરીને પછી જ કાંઈ પણ ખાઈશ.”
ગોવાની જવાંમર્દી, દરીયાદીલી અને જોગમાયામાં આસ્થા નીહાળી રુપલીના અંતરમાં પોતાના આ જણ માટે, હેતનાં ઘોડાપુર ઉભરાઈ આવ્યાં. તે ગોવાને ભેટી પડી. તેણે ગોવાને ટેકો દઈ ઉભો કર્યો. બન્નેએ, એકમેકના સહારે, ધીમી પણ મક્કમ ચાલે, પોતાના સોનેરી શમણામાં મશગુલ બની, જોગમાયાની ગુફા તરફ પ્રયાણ આદર્યું.
અને આ પ્રયાણ તેમના સહજીવનમાં જ નહીં, પણ કોતરવાસી કબીલાઓની વીકાસગાથામાં એક મહાભીનીશ્ક્રમણ બની રહેવા સર્જાયું હતું. આ જોડી અને તેના વારસો આવાં જ શમણાં અંતરમાં સંઘરી; માનવજાતની ઉત્ક્રાન્તી અને ઉત્થાનના નીતનવા પગથીયાં ચઢવાનાં હતાં. એમની જોગમાયામાંની શ્રધ્ધા માનવજાતની પોતાના સામર્થ્યની શ્રધ્ધામાં પાંગરવાની હતી.
– વધુ આવતા અંકે…
Like this:
Like Loading...
Related
જ્યાં જ્યાં પાંગરે પ્રેમ ગોવો અને રુપલી વચ્ચે,
ત્યારે ત્યારે લાંગરે ઈર્ષ્યા ભુલાની સાચ્ચે.
novel is written & carried on in nice manner
bahot khub…………….
kharekhar………