વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
————————————————————-
આમ તો જોગમાયાની ગુફા ગોવા કે રુપલીના કોતરોથી બહુ દુર ન હતી. એ ઉબડખાબડ પ્રદેશની થોડેક જ પાછળ જોગમાયાના પર્વત ઉપરનું ચઢાણ શરુ થતું હતું. ખરેખર તો એ એક લાંબી પર્વતમાળા હતી; જેમાંના સૌથી ઉંચા પર્વતના રસ્તે અધવચ્ચે એ ગુફા આવેલી હતી. પર્વત પરની બધી ગુફાઓમાં તે સૌથી મોટી હતી. આથી જ એ વીસ્તારના બધા ગુફાવાસીઓએ પોતાની આરાધ્યદેવી માટે એ ગુફા સર્વસંમત રીતે માન્ય રાખી હતી. એમ કહેવાતું કે બધાના મુળ વડવાઓ આ ગુફામાં જ રહેતા હતા; અને ત્યાંથી જ વસ્તી વધતાં એ સૌ નીચે, નદી કીનારે વીસ્તારવાળી જગ્યાઓએ સ્થળાંતરીત થયા હતા. હવે જોગમાયાની ગુફામાં કોઈ રહેતું ન હતું. માત્ર પોતપોતાની માનતા પુરી કરવા અને દર પુનમે બધા ત્યાં આવતા.
રસ્તામાં ગોવાએ નદીપારના એ પ્રદેશની ઘણી બધી વાતો રુપલીને કરી. એ ઘાસના બીડમાં શીકારને શોધવાની, તેનો પીછો કરવાની કોઈ તરખડ ન હતી. જાનવરોનાં ટોળેટોળાં ત્યાં નીર્ભય ચરી રહ્યાં હતાં. અને સાવ સપાટ જમીનમાં દોડવાનું બહુ આસાન હતું. પર્વતાળ પ્રદેશની હાલાકીઓનો ત્યાં સદંતર અભાવ હતો. હા! માત્ર રહેવા માટેનાં કોતરો કે ગુકા ક્યાંય દેખાતાં ન હતાં.
રુપલી વીસ્ફારીત નયને આ અવનવી ભોમકાનાં વર્ણનો સાંભળી રહી. ગોવો તેને કોઈ પરીકથાના રાજકુમાર જેવો લાગ્યો. એની ઘણી વાતો એને સાવ ભેજાંગેપ જેવી લાગી. પણ છેવટે એ ગોવા સાથે એ વાત પર સંમત થઈ કે, એ પ્રદેશમાં વસવાટ કરવા માટે બધાંને સમજાવવાં અને ત્યાંના ધખારા જેવા પડે તેવા ઉકેલવા કમર કસવી. તેણે ગોવાની પડખે હમ્મેશ રહેવાના કોલ દીધા.
થાકેલો હોવા છતાં ગોવો રુપલીના સહવાસથી રાજાપાઠમાં હતો. રુપલીએ દર્શાવેલ ઉત્સાહથી એ બહુ ખુશ થયો હતો. તેને પોતાની માનતા યાદ આવી. અખરોટ જ નહીં; હરણનું તાજું માંસ પણ જોગમાયાને ધરવાનું હતું. તેણે રુપલીને આ વાત કહી. શીકારમાં રુપલી પાવરધી હતી. તેણે દુર ચરી રહેલું એક હરણ જોયું. હરણને ખબર ન પડે તેમ સાવચેતીથી, પવનની દીશા પારખી તેણે હરણ તરફ પ્રયાણ શરુ કર્યું. તેના હાથમાં અણીદાર પથ્થર હતો. નજીક પહોંચીને તેણે તાકીને પથ્થર ફેંક્યો – હરણના માથા ઉપર. હરણ તરફડીને જમીન પર પટકાઈ પડ્યું. બન્નેએ દોડીને તેને મરણ-શરણ કર્યું.
માનતાનો બધો સરંજામ હવે એમની પાસે ભેગો થઈ ગયો હતો. છેવટે બન્ને માતાજીના થાનકે પહોંચી ગયાં. હજુ તો સુરજ માથે પણ આવ્યો ન હતો. સવારની ગુલાબી ઠંડીમાં તેમણે માતાજીના ચરણે અખરોટો અને હરણનું કાળજું સમર્પીત કર્યાં અને ભાવવીભોર બની માતાને વંદી રહ્યાં. એમના હૈયાના ધબકારમાં એમણે માતાજીની હાજરી ધબકતી અનુભવી. એમની આરતનો માતાએ સ્વીકાર કર્યો હતો. હવે બન્ને જીવનભરનાં સાથી થયાં હતાં. ધરેલા પ્રસાદથી માતાજી પ્રસન્ન થયાં હતાં. પથ્થર પર ચીતરેલ માતાજીની લાલચોળ રંગની, અને સફેદ આંખોવાળી આક્રુતી તેમને સ્મીત કરતી જણાઈ. એની સાક્ષીએ બન્ને એકમેકના આલીંગનમાં જકડાઈ એક થયાના અવર્ણનીય આનંદમાં ઓતપ્રોત બની ગયાં.
એમનો આ સાવ સાદો, લગ્નવીધી પુરો થયો. એ કોલ હૈયાઉકલતના કોલ હતા. એમાં કોઈ ક્રુત્રીમતા ન હતી. એમાં કોઈ સાક્ષી જરુરી ન હતા. જ્યાં સુધી એકબીજા સાથે ફાવે ત્યાં સુધી, સાથે રહેવાના વણબોલેલા સોગંદ હતા. અને ન ફાવે તો છુટા પડતાં કોઈને કોઈ રોકી ન શકતું. ફરી નવો સાથી અને ફરી આ માતાની સાક્ષીમાં નવો સંબંધ શરુ. જો એક પક્ષે જ અસંતોશ હોય; તો એમનો ઝગડો કબીલાના વડીલ ઉકેલી આપતા અને એ જે ચુકાદો આપે તે માન્ય ગણાતો. પણ આવા ઝગડા બહુ ન થતા. કારણકે, જીવન સંઘર્શમાં કામ એટલું બધું રહેતું અને જીવન એટલું તો અનીશ્ચીત હતું કે, આવા કજીયા લાંબા ન ચાલતા. એ બહુ લાંબા થાય એ પહેલાં જ છુટાછેડા થઈ જતા.
પણ આ નવી જોડી તો એમના નવા નક્કોર આનંદસાગરમાં મશગુલ હતી. ગુફાની બાજુમાં વહેતા નીર્મળ પાણીના ઝરાના કીનારે બન્નેએ જમણ પતાવ્યું. અને એ પરીત્રુપ્તી પત્યે તેમની સુહાગ-બપોર શરુ થઈ. એ સમાગમના આનંદના અતીરેકમાં ઝુલતાં, મંદ સમીરના વીંઝણે ક્યારે બન્ને સમાધીસ્થ થયા તે ખબર જ ન પડી.
અને એ સમાધીની મધ્યે રુપલીએ શમણું નીહાળ્યું કે તેનાં ફરજંદ ઝગમગતા, કદી ન જોયા હોય તેવા રંગબેરંગી વસ્ત્રો અને ચમકતાં રત્નો સજાવી આનંદ મંગલ કરી રહ્યાં હતાં. આનંદવીભોર બનીને એ સો નાચી રહ્યાં હતાં.
અને ગોવો એના શમણાંમાં મશગુલ હતો. એના પરાક્રમી સંતાનો નદીની પેલે પારથીય ઘણે આગળ, કોઈ અવનવી ભોમકા ખુંદી રહ્યા હતાં. નવા સંઘર્શોનો સામનો કરતાં ગોવા અને એના વડવાઓના નામને ઉજાળી રહ્યાં હતાં.
પણ બન્નેના શમણાંમાં એક વાત સામાન્ય હતી. અને તે હતી જોગમાયાની મુરત. તેમની ભાવી પેઢીનાં આનંદ અને પરાક્રમની પશ્ચાત ભુમીકામાં જોગમાયાનું હસતું મુખારવીંદ તેઓ સતત અનુભવી રહ્યાં હતાં. એમના સહવાસને, અને એ થકી પેદા થનાર પેઢીઓને જોગમાયાએ આશીશ આપ્યા હતા. એમની ઈકોતેર પેઢી પરાક્રમી અને સુખી થવા સર્જાવાની હતી. આ પવીત્રભુમીમાં મંગળાચરણ થયેલ એ દીવ્ય સહજીવન સફળ નીવડવાનું હતું. એમની એ આનંદ સમાધી, ઉત્ક્રાન્તીનાં અનેક પગથીયાંઓની હીંચ લેતી લેતી અવનવાં, અણદીઠાં, વણઅનુભવેલાં જીવતરની પાયાની મુડી બનવાની હતી. કોઈ દીવ્ય પ્રકાશ, કોઈ દીવ્ય અનુનાદ, કોઈ અગમ્ય ભાવ અને જ્ઞાનના સીમાડાઓ તેમનાં સમસ્ત ચીત્તને આવરી રહ્યાં હતાં.
અને આ ન સમજાય એવી ભાવસમાધી ક્યાંય સુધી ચાલતી રહી હોત; પણ ન સમજાય એવા કોઈ વાસ્તવીક કોલાહલે બન્નેને એમાંથી જગાડી દીધાં. એ કોલાહલ ધીમે ધીમે વધી રહ્યો હતો. જ્યારે બન્ને જાગ્યાં ત્યારે તેમના ચીત્તમાં નૈસર્ગીક વ્રુત્તીથી ભયનો સંચાર થયો. કાંઈક નવું બખડજંતર, કાંઈક નવું જોખમ આકાર લઈ રહ્યું હતું. બન્ને સતેજ બની ગુફામાં પ્રવેશી તેના પ્રવેશ આગળના પથ્થરની આડશે, આ કયો નવો ભય તેમને ઘેરવા ઘેરાઈ રહ્યો હતો તેનું સતેજ નીરીક્ષણ કરી રહ્યાં.
– વધુ આવતા અંકે
Like this:
Like Loading...
Related
The story is progressing really well with the concept of evolution of mankind. Excellent concept….