ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
પ્રકરણ – 9 : તરાપા પ્રયોગ – 1
Posted by
સુરેશ on
જુલાઇ 19, 2008
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
————————————————————-
લાખા અને કાળુને ચેન પડતું ન હતું. ક્યારે ગોવાની જેમ નદીની ઓલી પાર જવાય? તરવાનો તો બાપ જન્મારેય એ વીચાર કરે એવા ન હતા. બન્ને મજબુત શરીરના હતા. પણ થોડી જાડી બુધ્ધીના. ગોવાથી છાના, બીજા દીવસે સવારે એ તો બન્ને જંગલમાં ઉપડ્યા. એમનેય ગોવાની જેમ, કાંઈક પરાક્રમ કરી બતાવવાના અભરખા જાગ્યા. ખુલ્લી જગામાં આવેલું, એક મસમોટું ઝાડ પસંદ કર્યું. એના મુળની નજીક, એ તો પથ્થરની કુહાડીથી માંડ્યા ઝીંકવા. હાંફતા જાય અને કરાંઝતા જાય. દે ધના ધન…શીયાળાની કડકડતી ઠંડીમાંય પસીને રેબઝેબ બની ગયા. નાની નાની લાઠીઓ આ અગાઉ એમણે કાપી હતી. પણ આખું ઝાડ નીચે ઉતારવાનો આ પહેલો જ પ્રસંગ હતો.
બે ત્રણ કલાક આ પ્રયત્ન ચાલ્યો. ઝાડના ખાસા ઉંડે સુધી પહોંચી ગયા. પણ ઝાડ સહેજે મચક જ ન આપે. હવે એ બે થાક્યા. નીચે છાંયામાં થાક ખાવા બેઠા. પવનની ઠંડી લહેરમાં ક્યાં ઝોકે ચઢી ગયા; તે ખબર જ ન પડી. ઢળતી બપોરે બન્નેની આંખ ઉઘડી. સુકા મેવાનો નાસ્તો કર્યો; બાજુના વહેળાનું પાણી પીધું અને પાછા મળ્યા ઝીંકવા. ‘ગમે તેમ થાય આજે તો આ ઝાડ નદીકીનારે લઈ જવું જ છે.’ એવો સંકલ્પ કરીને બન્ને મચી પડ્યા. હવે બરાબર અડધે પહોંચી ગયા હતા. ચરડ ચરડ અવાજ આવવા માંડ્યો. એમણે એટલી અક્કલ જરુર વાપરી હતી કે, ખુલ્લી જગ્યા આગળથી, એક જ તરફથી એ ઘા કરતા રહ્યા હતા. એમ લાગ્યું કે, ઝાડ હવે ઝુકવા માંડશે. પણ એ મહાશય તો એમના એમ જ અડીખમ ઉભા હતા.
એ બેમાં લાખો જરાક વધારે બુધ્ધીશાળી હતો. તેણે કહ્યું, “ ચાલ, હવે બીજી બાજુએથી ઝીંકીએ. હવે તેઓ ઝાડની પાછળના ભાગની ઝાડી તરફ ગયા અને ત્યાંથી પ્રહાર કરવા માંડ્યા. થોડાક ઘા માર્યા હશે; અને ઝાડ તો ઝુકવા માંડ્યું. બન્ને ભાગીને દુર ઉભા રહી ગયા. અને ધીરે ધીરે ઝાડ ઝુકવા માંડ્યું. જેમ જેમ તે નીચે આવવા માંડ્યું તેમ તેમ, તેની તુટવાની ઝડપ વધવા માંડી. અને છેવટે ઝાડ ધરાશાયી થઈને પડ્યું. એના આખાયે વજનના જોરથી થડનો બાકીનો ભાગ પણ મુળથી છુટો પડી ગયો. બન્નેના હરખનો તો પાર નહીં. એ ઈડરીયો ગઢ જીત્યા હતા.
સાંજ પડવા આવી હતી. પણ હવે ? આઅ તોતીંગને નદી સુધી શી રીતે લઈ જવું? બન્ને વીમાસણમાં પડ્યા. આ મહાકાય વજનને જમીન પર ઘસડવું શી રીતે? મજબુત વેલાના રસ્સા બનાવી ખેંચવા પ્રયત્ન કર્યો. પણ ઝાડ તો એક મીલીમીટર પણ ખસે તો ને? હવે એમની તાકાત ખતમ થઈ ચુકી હતી. આખા ઝાડને ખેંચીને લઈ જવું એમના વશની વાત ન હતી. બન્ને લમણે હાથ દઈને બેઠા. આખા દીવસની મહેનત બાતલ ગઈ હતી. હવે શું કરવું?
ફરીથી લાખાની અક્કલ કામ કરી ગઈ. તે કહે,” હાલ્ય! બે મજબુત ડાળીઓ કાપી લઈએ. એ આપણાથી નીચે લઈ જવાશે. “ સારી મજબુત બે ડાળીઓ તેમણે પસંદ કરી; અને એ તો તરત કપાઈ ગઈ.
દરેકે એક એક ડાળ ખભે મુકી અને એને ઉંચકી, નદી તરફ પ્રયાણ આદર્યું. અંધારું થતાંમાં તો બન્ને નીચે આવી પુગ્યા. નદીકીનારે ગોવો અને પાંચો મહત્વની મંત્રણા કરી રહ્યા હતા. આ બન્ને મલ્લોએ વીજયમુદ્રામાં પોતાની સીધ્ધી ગોવાને દેખાડી.
ગોવો હસી પડ્યો. તેણે કહ્યું, “ અરે આ થોડી પાણીમાં તરશે? તમારું વજન એ શી રીતે ઝીલી શકશે?”
પણ આ બે લઠ્ઠ કાંઈ માને? એમણે તો એ ડાળીઓ પાણીમાં નાખીને, મા જગદંબાને યાદ કરી, એની ઉપર ઝુકાવ્યું. માંડ માંડ એની ઉપર સવાર થયા, ત્યાં તો ડાળીઓ ફરી ગઈ, અને બન્ને પાણામાં બુડ્યા. બન્નેના મોંમાંથી રાડ ફાટી ગઈ. બાપ જન્મારામાં તર્યા હોય તો ને? ગોવા અને પાંચાએ માંડ બન્ને શુરવીરોને બહાર કાઢ્યા. થોડું પાણી પી ગયા હતા, એટલે એમને ઉંધા લટકાવીને કાઢી નાંખ્યું.
પછી ગોવાએ પાંચાને એની યોજના સમજાવવા કહ્યું. આમ તો ચારેયમાં પાંચો સહુથી વધુ હોંશીયાર હતો. પથ્થરના ઓજાર બનાવવામાં એના જેટલું કોઈ પાવરધું ન હતું. એને નીત નવા અખતરા કરવા ગમતા. એણેજ વાંસની ટોપલીઓ બનાવવાની વીદ્યા હસ્તગત કરી હતી અને બધાંને શીખવી હતી. સૌને એ ટોપલીઓ, સુકા મેવા ભરવા બહુ કામ લાગતી. બીજા કબીલાવાળા પણ એની ટોપલીઓ અને હથીયાર લઈ જતા. આ બે અક્કલના શુરા, જડભરતની જેમ ઝાડ કાપવામાં તુટી પડ્યા હતા; ત્યારે ગોવા અને પાંચાએ યોજના બનાવવામાં સમય પસાર કર્યો હતો.
પાંચાની યોજના પ્રમાણે, સૌથી પહેલી જરુરીયાત એ હતી કે, સૌએ તરવાની કળા આત્મસાત્ કરી લેવી. આ સૌથી અગ્રીમ આવશ્યકતા હતી. એક માત્ર ગોવો આનો કાંઈક અનુભવ ધરાવતો હતો. તેણે અને પાંચાએ નદીના કીનારે ફરીને સૌથી છીછરો તટ ક્યાં હતો તેનું સર્વેક્ષણ કરી એક જગા પસંદ પણ કરી હતી.
પછીના દીવસે સવારે ચારે જણાએ તરવાનો પહેલો અભ્યાસ શરુ કરવાનું નક્કી કર્યું.
Like this:
Like Loading...
Related
હમ્મ્મ્મ્મ… દાદા, પૈડું શોધાતાં રહી ગયું… કહાનીમેં ટ્વીસ્ટ?
bhag 2..navi vato nava svarupo ne ?