ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
જીવન – સરીતા : ભાગ -2
Posted by
સુરેશ on
જુલાઇ 28, 2008
ખાલી થવામાં જ ખરી મજા છે ને? અને આ ખાલી થવાની પ્રક્રીયા મારા ચીત્તને અતીતમાં ખેંચી, ઢસડી જાય છે.
અહીં જ મેં મારા અંકમાં જીવનની ઉત્પત્તી અને ઉત્ક્રાન્તી થતી નીહાળી છે. અહીં જ મેં મહાકાય ડીનોસોરને ધરતીને ધમરોળતાં જોયાં છે. અહીં જ મેં પ્રચંડ ઉલ્કાપાત, વાવાઝોડાં અને ધરતીકંપો થતાં જોયાં છે. આ પરીબળોએ મારા પ્રવાહને ઘણીય વાર કુતરાની માફક આમથી તેમ ફંગોળ્યો છે. મેં એમના આ પ્રકોપ એક હરફ પણ ઉચ્ચાર્યા વગર વેઠ્યા છે.
અહીં જ મેં વાનરને બુધ્ધીશાળી થતો, અને ખોરાક માટે પથ્થર અને ઝાડની ડાળીઓ વાપરતો જોયો છે. અહીં જ મેં એનું આદીમાનવમાં રુપાંતર થતું જોયું છે. ગુફામાંથી મારા તટે, ઘાસના મેદાનોમાં બહાર આવી, મેં તેને અહીં જ ગોવાળીયો અને ખેડુ થતો જોયો છે. અહીં જ, મારા ખોળામાં તેનાં ગામ, શહેર અને સંસ્કૃતીને મેં પોષ્યાં છે. અહીં જ, મારી શીતળ પનાહમાં એનાં કળા અને સાહીત્ય, વીજ્ઞાન અને ફીલસુફી પાંગર્યાં છે. અહીં ઋષીઓ પર્ણકુટી બનાવીને રહ્યા છે; અને વેદોની ઋચાઓ અને મંત્રોના દ્રષ્ટાઓ બન્યા છે. મારા પાણીમાં જ મેં ભાવવીભોર બનેલા જનોને પોતાના દીવંગત વડવાઓનું ઋણસ્વીકાર કરી, અર્ઘ્ય આપતા જોયા છે.
અને અહીં જ મારા તટે સમ્પતીનું નગ્ન પ્રદર્શન કરતા ધનીકો અને રાજાઓના પ્રાસાદોને માનવ મુલ્યોની હાંસી કરતા જોયા છે. અહીં જ મેં સત્તાની સાઠમારી થતી નીહાળી છે. અહીં જ મેં નરને નરાધમ થતો નીહાળ્યો છે. અહીં જ મેં માનવની મહત્વાકાંક્ષા, વાસના, અને સત્તાલાલસાને અમર્યાદ જલ્લાદ બની ક્રુરતમ અત્યાચારો આચરતી; વ્યથીત હ્રદયે જોઈ છે. અહીં જ, આ જ કીનારે, અને ઠેર ઠેર, બીભીષણ યુધ્ધોમાં મારા જળને, મારાં સંતાનો જેવાં વહાલાં નીર્દોષ માનવીઓનાં શોણીતથી લાલચોળ થતાં અનુભવ્યાં છે. અહીં જ, મેં આકાશનાં વાદળોની જેમ સામ્રાજ્યો અને સલ્તનતોને ઉગતાં, પાંગરતાં અને તહસ નહસ થતાં જોયાં છે.
અને મારી પાસે અશ્રુ સારવાની ગુંજાઈશ પણ ક્યાં છે? મારું સમગ્ર પોત જ એ આંસુનો સાગર તો છે.
અને હું સફાળી આ દીવાસ્વપ્નમાંથી જાગી જઉં છું. આ શું? મારા પ્રવાહને આ શું થયું? કેમ તે સાવ ક્ષીણ બની ગયો? ઉપરવાસમાં વરસાદ તો સારો એવો પડ્યો હતો.
અને હું જરા મારા એ પ્રપાત ભણી પાર્શ્વદ્રષ્ટી કરી લઉં છું. અને એ ગર્જના કરતો, આજાનુબાહુ, ભડવીર – બાપડો, મીયાંની મીંદડી જેવો, દદુડી કેમ બની ગયો? હું હજુ પાછળ નજર કરું છું. તોતીંગ પાષાણોને પણ મચક ન આપનાર મારા મદમસ્ત પ્રવાહને આ કાળા માથાના, માનવીએ નાથી દીધો છે. એ જ પથ્થરો વાપરીને તેણે તોતીંગ આડબંધ બનાવી દીધો છે, અને મારાં પાતળી પરમાર જેવા કુંવારકા રુપને જોજનો ફેલાયેલા સરોવરમાં રુપાંતરીત કરી દીધું છે.
પણ માળું આ માનવસર્જીત સરોવર લાગે છે તો રુડું હોં! મારા પાણીના કેટકેટલા ફાયદા તેણે ઉઠાવ્યા છે? તેણે કરેલા ઘણાં સત્કાર્યોમાંનું આ પણ એક છે.
અને પરીતોષનો એક ઉંડો શ્વાસ ભરી હું મેદાનોમાં પાછી ફરું છું- આગળ અને આગળ, જ્યાં સુધી મારો પ્રવાહ વીસ્તરતો જાય ત્યાં સુધી. અને બધે આ માનવજાતની આ જ કહાણી સર્જાતી હું જોઈ રહું છું. હવે મને માનવજાતનો આ વ્યવહાર, તેની આ પધ્ધતી ઉબકાવી નાંખે છે. તેની બધી મલીનતા હું મારામાં સમાવી લઉં છું. મને મળેલું સંસ્કૃતીની જનેતાનું બીરુદ મને હવે અકારું લાગતું જાય છે.
હવે તો મારું એક જ લક્ષ્ય છે. મારા અંતીમ મુળમાં મારું સમર્પણ..
———————–
ત્રીજો અને છેલ્લો ભાગ આવતા અંકે ..
Like this:
Like Loading...
Related
Pingback: જીવન - સરીતા : ભાગ - 3 « ગદ્યસુર
Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -3 « ગદ્યસુર
Pingback: એક વાર સમુદ્રે નદીને પૂછ્યું | સૂરસાધના
Pingback: રણમાં વસંત – જીવન ભાગ … ૧૨ | સૂરસાધના
સરિતાનો બીજો ભાગ પણ ગ્મ્યોઓ ખુબ ગમ્યો .
જીવન સરિતા ભાગ 3 પણ ગમ્યો . અમારો ફળદ્રુપ ઘેડ વિસ્તાર સરિતાએજ સમુદ્ર પૂરીને બનાવ્યો છે .
Pingback: નદી એક પાછી ચડી છે પહાડે – ગઝલાવલોકન | સૂરસાધના
Pingback: "બેઠક" Bethak
Pingback: જીવન – સરીતા, ભાગ – 1 | સૂરસાધના